પહેલા શોમાં જ સુજાતા સુપરહિટ, ચિત્કાર સુપરહિટ...પણ બીજો શો થશે કે નહીં?

Published: Mar 12, 2020, 14:55 IST | Latesh Shah | Mumbai

‘ચિત્કાર’નો પહેલો શો થયો અને સુજાતા મહેતાના નામને ચાર ચાંદ લાગી ગયા. લતેશ શાહ મૌલિક નાટકના લેખક-દિગ્દર્શક તરીકે ઝળકી ઊઠ્યા.

લતેશ શાહ સાથે પરેશ રાવલ
લતેશ શાહ સાથે પરેશ રાવલ

‘ચિત્કાર’નો પહેલો શો થયો અને સુજાતા મહેતાના નામને ચાર ચાંદ લાગી ગયા. લતેશ શાહ મૌલિક નાટકના લેખક-દિગ્દર્શક તરીકે ઝળકી ઊઠ્યા. સંજય ગોરડિયાને  નિર્માતા ટાઇટલ ફળ્યું. સંજય ગોરડિયાનું નિર્માતા ટાઇટલ સાથે બીજું નાટક. પહેલું નાટક જીવરામ જોષીની વાર્તા પરથી બાળનાટક ‘છેલ અને છબો’. ચિત્કાર એને ઍક્ટર તરીકે સફળ પુરવાર કરી ગયું. મારા મિત્ર કમ નાટ્યગુરુ સમા શફી ઇનામદારે કહ્યું, કમ સે કમ દોસૌ શો લિખ લો. મારા માન્યવર ગુરુ દિનકર જાની ગદ્ગદ થઈ મને ભેટી પડ્યા. દિનકર જાનીએ મારા જીવનની ઘણી ગુથ્થીઓ જાણે-અજાણે સુલઝાવી છે. 

મારું ઝનૂન, પૅશન, પ્રબળ ઇચ્છા તો નાનપણથી નાટકો કરવાની હતી જ. મેં બારમા વર્ષે પહેલું નાટક લખ્યું હતું. નાટકનું નામ હતું ‘ગોટાળામાં ગોટાળો અને એની અંદર ગોટાળો’.  મારી શાળા, ગિરગામ સાર્વજનિક સ્કૂલ, ગુજરાતી માધ્યમની નિશાળના વાર્ષિક ઉત્સવમાં ભજવાયું.  નાટક વિશેની એબીસીડી ખબર નહોતી અને આઠમા ધોરણમાં ભણતા કચ્છ વાગડના ઓસવાળ લખમશી (ત્યારનું મારું નામ)એ નાટક લખ્યું, ડાયરેક્ટ કર્યું અને મુખ્ય પાત્રમાં અભિનય કર્યો. મને સાથ મળ્યો મારા જ ક્લાસમાં ભણતા મારા ફ્રેન્ડ નવીન છેડાનો. તે ભણવામાં હોશિયાર અને હું ઠોઠ. નાટકના અમે બન્ને રસિયા. આજે પણ હું, નવીન અને ગીજુ એટલે કાન્તિ મારુ સ્કૂલથી શરૂ કરીને આજ સુધી મહિનામાં એક વાર તો મળીએ જ. મારા, નવીનના અભિનયને આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ખૂબ માણ્યો. બધાએ અમને ખૂબ વખાણ્યા. હું સંપૂર્ણ વર્ષ સાતમા આસમાન પર રહ્યો. મારા પપ્પા સિવાય દરેકે મને વખાણ્યો. પપ્પાએ કહ્યું, આપણે વેપારી છીએ, આપણને નાટકિયા વેડા ન પરવડે. એટલે નાટકવાટક છોડ, ભણવામાં ધ્યાન આપ અને નવરો પડે એટલે દુકાને બેસ. ધંધો શીખ. અમારી પસ્તીની દુકાન. એ જમાનામાં કચ્છીઓની વધારે પડતી દુકાનો પેપર પસ્તીની અથવા દાણાની અથવા કપડાંની જ હતી. દેશમાંથી નાની ઉંમરે મુંબઈમાં નસીબ અજમાવેલા આવેલા ખેડૂતના દીકરાઓ, કચ્છીઓએ ફેરી કરતાં-કરતાં પૈસા બચાવી બાંકડા કે નાની દુકાનો શરૂ કરી. એમાંથી જબરદસ્ત મજૂરી કરીને ધંધો જમાવ્યો. ત્યારે તો પાંચ અને દસ હજાર રૂપિયામાં દુકાનો ખરીદી શકાતી હતી. કચ્છી કોમનું સંગઠન જબરું હતું. બધા એકબીજાને પૈસેટકે મદદ કરે. બીજા કચ્છી ભાઈને ઉપર લાવે. ભણેલા નહોતા પણ ગણેલા હતા.  એ જમાનામાં કૅલ્ક્યુલેટર નહોતાં પણ બધાને ગણિતના પાડા મોઢે હોય. તેમના માટે ભણવા કરતાં ધંધો વધારે મહત્વનો હતો. મોટા ભાગનાં બાળકોને આઠમા ધોરણથી અગિયારમાં ધોરણમાં પાસ, ફેલ થાય એટલે સ્કૂલમાંથી ઉઠાડીને બાપા ધંધે બેસાડી દેતા. મને બાપા (પપ્પા) પર બહુ ગુસ્સો આવતો. હું રિબેલ થઈ ગયો હતો. તે કહે આમ કર, હું કરું તેમ. માર પણ પુષ્કળ પડતો. પણ માર ખાઈ-ખાઈને હું રીઢો થઈ ગયો હતો. પપ્પાને કહું, સ્કૂલમાં ભણું છું અને બીજા સમયમાં સહાધ્યાયીઓ સાથે પરીક્ષાની તૈયારી કરવા વાંચું છું. આમ જૂઠું બોલીને નાટક લખતો અને બીજા ગોઠિયાઓ સાથે રિહર્સલ કરતો. એમ મારી સાથે ભણતા મારા કઝિન ભાઈએ અજાણતાં નિર્દોષ ભાવે મારી ચુગલી કરી. મારી લાગી ગઈ. બાપાએ રાત્રે મને ધોઈ નાખ્યો અને બીજા દિવસથી સ્કુલ છૂટે એટલે ઘરે જવાનું અને જમીને દુકાને જવાનું ફરજિયાત થઈ ગયું. મારા પપ્પા પેપરપસ્તીના મોટા વેપારી બની ગયા હતા. વાગડમાં પાંચમાં પુછાતા થઈ ગયા હતા. એટલે તેમને ગામની પંચાતમાં જવું પડતું. હું એ વખતે દુકાનમાં રહેલાં ચોપડીઓ, મૅગેઝિનોમાં વાર્તાઓ અને નાટકો શોધી વાંચતો. પપ્પા આવે એટલે પસ્તીની ઘડી કરવા કે બંડલ બાંધવા બેસી જતો. પણ મનમાં નાટક પ્રત્યેનો પ્રેમ દિવસરાત વધતો જતો હતો. એ જમાનામાં નાટકમાં એક જ કચ્છી માણસ અભિનેતા તરીકે હતા. ચાંપશીભાઈ નાગડા. ફિલ્મમાં કલ્યાણજી આણંદજી હતા. વાગડમાંથી હું પહેલો બંદો હતો. એટલે કપરાં ખેડાણ હતાં. તોય પપ્પાની નજર ચૂકવી નવમીમાં એ સમયના પ્રસિદ્ધ લેખક રામનારાયણ પાઠકના પસ્તીમાંથી મળેલા પુસ્તકમાંની વાર્તા પરથી મેં ‘મુકુંદરાય’નાટક બનાવ્યું. મને નવીન છેડાનો સાથ હતો એટલે તેણે મને નાટકનાં પાત્રો માટે  ક્લાસના વિદ્યાર્થીઓને સમજાવી કલાકારો ભેગા કરી આપ્યા. ક્લાસ બન્ક કરી કે શિક્ષકોને પટાવી ખાલી ક્લાસમાં રિહર્સલ કરાવું. મારે સ્કૂલ છૂટે એટલે જમીને ફરજિયાત દુકાને જવાનું એટલે શાળા છૂટ્યા બાદ નવીન છેડા રિહર્સલ કરાવે. મજા આવતી. ધોઝ વર ધ ડેઝ. 

બીજું નાટક સફળ થયું. આ વખતે પ્રિન્સિપાલ જયબાળાબહેને સ્ટેજ પર મારાં, નવીન  અને ટીમનાં વખાણ કર્યાં. અમે તો ફુલાઈને ફાળકો થઈ ગયા. સ્કૂલમાં વટ પડી ગયો. એટલે તલપ વધી. અગિયારમીમાં જેમ-તેમ કરીને પાસ થઈ ગયો. વગર વાંચ્યે ત્રેપન ટકા આવ્યા. રિઝલ્ટ લઈ સીધો કે. સી. કૉલેજમાં પહોંચ્યો, કારણ કે મેં સાંભળેલું કે એ વખતનો સુપરસ્ટાર રાજેશ ખન્ના કે. સી.  કૉલેજનો આર્ટ્સનો સ્ટુડન્ટ હતો. એટલે જઈને કે. સી.માં કોઈને પૂછ્યા વગર ઍડ્મિશન લઈ લીધું. પપ્પાને કૉલેજ અને આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ જેવી કંઈ ખબર નહોતી. તેમને મન તો કૉલેજ એટલે અગિયારમીથી આગળ ભણવાનું.  

પહેલા વર્ષમાં બહુ મહેનત કરી ગુજરાતીમાં નાટક કરવાની, પણ કૉલેજમાં ભાઈલોગોનું વર્ચસ્ હતું એટલે કૉલેજ ડેમાં નાટક કરવાનો ચાન્સ જ ન મળ્યો. પ્રોડ્યૂસર્સ ગિલ્ડની એકાંકી નાટ્યસ્પર્ધા આવી. ગુજરાતી વિભાગના પ્રોફેસર જનક દવેએ ગુજરાતીના ક્લાસમાં અનાઉન્સમેન્ટ કરી. હું રાજીનો રેડ. મારા તાજા બનેલા મિત્ર મહેન્દ્ર રાવલને લઈને ને સાંજે પહોંચ્યો ગ્રાઉન્ડફ્લોર પર થિયેટરમાં. સુરેન્દ્ર જોષી ડિરેક્ટર હતા અને મૂળરાજ રાજડાનું નાટક હતું, ‘ને રણછોડે રણ છોડ્યું’. અને પ્રેક્ષકોએ ઑડિટોરિયમ છોડ્યું હુરિયો બોલાવતાં. એક વિદ્યાર્થીને તો હૂટિંગના અવાજ સાંભળી પૅન્ટમાં એકી થઈ ગઈ. ત્યારથી ભાગ લેનાર વિદ્યાર્થીઓએ નક્કી કરી લીધું, નાટકમાં ક્યારેય ભાગ ન લેવો. મારા સિવાય બધા નાસીપાસ થઈ ગયા. ત્યારે પ્રોડ્યુસર્સ ગિલ્ડ એકાંકી નાટ્યસ્પર્ધામાં પ્રવીણ સોલંકી ને અમે પ્રવીણભાઈને મળ્યા અને આવતા વર્ષના કૉલેજ ડે માટે તેમને ફાઇનલ કર્યા. ‘ધ ટ્રૅપ’ હિન્દી નક્કી કર્યું. મારા સ અને શ બોલવાના વાંધા હતા. છતાં કૉલેજમાં પ્રવીણ સોલંકીનું નાટક કર્યું. પ્રિન્સિપાલ કે. એમ.  કુંદનાણી બહુ જ ખડૂસ,  કડક. નાટક માટે એક પૈસો ન આપે. અમારે જુગાડ કરી પૈસા ભેગા કરી નાટક કરવું પડે. અમે ખિસ્સાં ખાલી કરી, દોસ્તોને દોસ્તીની કસમ દઈને ઉધારચંદ ફકીરચંદ બનીને એકાંકી કર્યાં. ‘ચંપા તુઝ મેં તીન ગુણ’, ‘ઘોડો અને ગાડી’, ‘ધ ટ્રૅપ’, ‘સેકન્ડ ટ્રૅપ’ એકાંકીઓ કર્યાં અને અભિનયમાં ત્રીજા નંબર સુધી પહોંચ્યો. પ્રવીણ સોલંકી મારા પહેલા ગુરુ. એના બીજા જ વર્ષે નલિન છેડા ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી ડાયરેક્ટ કરવા આવ્યા. તેમને સમયના અભાવે ન ફાવ્યું એટલે અજિત શાહ (જે આજના હાઈ કોર્ટના એક્સ-જજ)એ અમને ‘હું અનિકેત સહસ્ત્રબુદ્ધે છું’ નાટક કરાવ્યું જેના પરથી પ્રવીણભાઈએ ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’ લખ્યું. એના પછી ડાયરેક્ટ કરવા આવ્યા તે મારી જિંદગીમાં વણાઈ ગયા. તેમનું નામ દિનકર જાની, જેમણે થિયેટરની અલગ સફર કરાવી. પ્રવીણ સોલંકી, અજિત શાહ, પ્રફુલ આભાણી, સુરેન્દ્ર જોષી અને દિનકર જાની અને તેમના દ્વારા શફી ઇનામદાર આમ સરસ ગુરુઓ મળ્યા રાહબર તરીકે. 

દિનકર જાની ‘ચિત્કાર’ જોઈને મને ઉમળકાથી ભેટ્યા એટલે કમાલની શાંતિ છવાઈ મનમાં. મેં તેમની સાથે મારી મૂંઝવણ શૅર કરી કે આવતા રવિવારે થિયેટર નથી. તેમણે હાઈટ પ્રમાણે લાંબો વિચાર કરી કહ્યું, ‘તમે બચુ સંપટને મળ્યા?’ મેં કહ્યું, ‘હા’. જાનીએ સજેસ્ટ કર્યું, ‘તેમને પૂછી જો,  તેમનો શો નહીં હોય તો જયહિન્દ કૉલેજ ઑડિટોરિયમ મળી જાય.’ સરસ આઇડિયા હતો. પણ મારો આઇએનટી સાથે પંગો હતો અને બચુભાઈ એના પ્રોડ્યુસર હતા. અમારા અબોલા જેવું હતું. જોકે તે ચિત્કાર જોવા આવ્યા હતા. તેમણે અભિનંદન આપ્યાં, પણ એ તો ફૉર્માલિટી હતી. હું ડેટ માગું અને તે લાંબુંલચ્ચ લેક્ચર આપશે તો? ચોખ્ખી ચટ ના પાડી દેશે તો? 

કહેશે, અબ આયા ઊંટ પહાડ કે નીચે... તો તો તો? 

વાંચો આવતા ગુરુવારે, મેં મારા ગુરુની શિખામણનો અમલ કર્યો કે નહીં? 

માણો ને મોજ કરો

બાળકમાં બળ હોય, કળ હોય પણ કદ વધે, હદ વધે અને મદ વધે. બાળક લડે અને પાછો મળે, પુખ્ત વયના લડે, સંબંધ બગડે. બાળક માટે હાર પછી જીત પછી હાર, બધું ટેમ્પરરી હોય. પુખ્ત માટે હાર સહન ન થાય. હાર એ અંદરથી પણ થઈ તો હારી જાય. એટલે જ અંદરના બાળક ને માણો અને મોજ કરો. જાણો ને જલસા કરો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK