કચ્છી એક અખંડ ભાષા અને એની બોલી 17

Published: Dec 31, 2019, 14:50 IST | Kishor Vyas | Kutch

અન્ય કચ્છી સાહિત્યપ્રેમી મિત્રો એક શનિવારની બપોરે મૂળરાજ રૂપારેલને ત્યાં કચ્છી કૉલમો, કચ્છી ભાષા અને સાહિત્યની ચર્ચા કરતા બેઠા હતા.

ભાષા
ભાષા

ઘણાં વર્ષ પહેલાં લેખક અને પત્રકારમિત્ર મૂળરાજ રૂપારેલ હયાત હતા ત્યારે સંશોધક અને કચ્છી સાહિત્યકાર ડૉ. વીસન નાગડા અને અન્ય કચ્છી સાહિત્યપ્રેમી મિત્રો એક શનિવારની બપોરે મૂળરાજ રૂપારેલને ત્યાં કચ્છી કૉલમો, કચ્છી ભાષા અને સાહિત્યની ચર્ચા કરતા બેઠા હતા. ત્યાં મૂળરાજભાઈએ એક પત્ર મને આપ્યો, જે સૌરાષ્ટ્રના ધ્રોળ ગામથી મોહમ્મદ હુસેન એ. કરીમે લખ્યો હતો. એમાં તેમણે કચ્છી ભાષા વિશે મહત્ત્વની વાતો લખી હતી જે આજે વર્ષો પછી ‘કચ્છી કૉર્નર’ના વાચકો સમક્ષ મૂકું છું. તેમણે લખ્યું હતું કે...

‘કચ્છી લિપિનું મૌલિક સંશોધન ઘણાએ પોતાની રીતે એના વ્યાકરણ સાથે કર્યું છે, પરંતુ બ્રિટિશ મ્યુઝિયમમાંથી પ્રાપ્ત થયેલું કચ્છી મેમણ લિપિનું લખાણ જે ઠઠ્ઠા (નગરઠઠ્ઠા)માંથી ઈ. સ. ૧૮૬૮માં પ્રાપ્ત થયું હતું અને જૂન ૧૯૮૯માં પાકિસ્તાનમાં કરાચીથી પ્રગટ થતા ‘મેમણ આલમ’ નામના સામયિકમાં પ્રસિદ્ધ થયું હતું એ આપશ્રીને મોકલું છું.’

તેમણે દુઃખ સાથે લખ્યું હતું કે  ‘જોકે એ લિપિને કોઈ વાંચી કે સમજીને ઉકેલી શક્યું નહોતું, પણ મેં એ ઉકેલી છે અને એના તરજુમા સાથે તમને મોકલું છું!’ આમ તેમણે કચ્છી ભાષા અંતર્ગત મેમણી કચ્છીની પણ લિપિ હોવાનું રહસ્ય ખોલ્યું હતું!

ક્યાંક પ્રવીણચંદ્ર રૂપારેલે લખ્યું હોવાનું યાદ આવે છે કે કચ્છી એક અખંડ ભાષા છે અને એની ૧૭ જેટલી બોલીઓ પણ છે, અને તેમના જણાવ્યા મુજબ એ તારણ મૂળ તો કે. કા. શાસ્ત્રીનું છે. ત્યારે કચ્છી ભાષાને માત્ર બોલી કહેનારા વર્ગને પૂછવાનું મન થાય છે કે જો કચ્છી એ માત્ર બોલી હોય તો એ કઈ ભાષાની બોલી છે? જ્યાં કચ્છી ભાષાની પેટાભાષા મેમણીની પણ લિપિ હોય તો કચ્છી ભાષાની પણ લિપિ હોય જ! ઘણાં વર્ષ થઈ ગયાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને કચ્છી ભાષાને માન્યતા આપવાની માગણી કરતો પ્રસ્તાવ મોકલ્યો છે.

૧૬ ઑક્ટોબર ૨૦૧૯ના રોજ ગુજરાતના એક અગ્રણી અખબારમાં એવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા જે વાંચીને હૈયું ગદ્ગદ થઈ જાય! લિપિઓને સંલગ્ન એક વર્કશૉપનું આયોજન બી. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવનમાં કરવામાં આવ્યું હતું. એ વર્કશૉપમાં ડૉ. રાજુલ શાહે તૈયાર કરેલું કચ્છી લિપિ વિશેનું સંશોધન રજૂ કરતાં રાજુલ શાહે કહ્યું હતું કે કચ્છી લિપિના સંશોધન પાછળ અને એને તૈયાર કરવા માટે તેમને ૧૨ વર્ષ લાગ્યાં છે. હવે કચ્છી ભાષાના કક્કો અને બાળાક્ષરી પણ ઉપલબ્ધ છે. ગુજરાત સરકારે કચ્છી ભાષાને સ્વીકૃતિ આપી જ છે, હવે કેન્દ્ર સરકાર સ્વીકારે એટલે કચ્છમાં અભ્યાસક્રમમાં પણ અમે આ લિપિને જોડવાનો પ્રયાસ કરીશું. આ એક અદ્વિતીય ઘટના ગણી શકાય!

શિવકુમાર જૈન પણ એક લેખક અને સંશોધક છે. તેમણે પણ થોડા સમય પહેલાં કોઈ સામયિકમાં પોતાના વિચારો પ્રગટ કરતાં લખ્યું હતું કે ‘કચ્છી બોલી એ ગુજરાતી બોલી અને ગુજરાતી ભાષાથી ઘણી અલગ પડે છે. જેમ કે કચ્છીમાં નાન્યતર જાતિનો ઉપયોગ થતો જ નથી! વળી એના તળપદા ઉચ્ચારો ગુજરાતી લિપિમાં સમાવવા માટે ગુજરાતી લિપિ ચિહ્‍નોમાં સુયોગ્ય ફેરફાર કરી ન વાપરી શકાય એવું પણ નથી. કચ્છી અને ગુજરાતી બોલી તત્ત્વત: જુદી હોવાથી કચ્છીને ગુજરાતીની ભગિની જરૂર ગણી શકાય પણ એનો ફાંટો તો ન જ ગણી શકાય!’

‘એક ભગિની પાસે પોતાની લિપિ ન હોવાથી અસહાય સ્થિતિમાં હોય અને બીજી ભગિની લિપિ એના ધ્વનિઓને સમાવવા પણ અશક્ત હોય એ સંજોગોમાં ભગિની ભાષાના બંધારણમાં જે ખામીઓ નિર્માણ થાય એ કુદરતી અસહાયતા જ ગણી શકાય’.

આ બધી હકીકતોને જોતાં કચ્છી પ્રજા તેમની ભાષાની લિપિની અત્યંત નજીક આવી ગઈ હોય એવો હૈયે હર્ષ ઊમટે છે. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી રાજ્યના પ્રશાસકો એ વાતથી અજાણ રહ્યા હતા કે રાજ્યના અંદાજે ૨૫ ટકા વિસ્તારમાં કચ્છી ભાષા બોલાય છે! કે. કા. શાસ્ત્રીએ એમ પણ નોંધ્યું છે કે કચ્છી અને સિંધી ભાષાનો સમાંતર વિકાસ થતો રહ્યો છે. સરહદોની સંલગ્નતા અને નિકટતાને કારણે એ બન્ને ભાષાના શબ્દો પર એકબીજાનો પ્રભાવ પણ જોવા મળે છે, પરંતુ બન્ને ભાષાઓની બોલચાલની લઢણમાં ભિન્નતા જોવા મળે છે. સિંધ પ્રદેશની વિશાળતા કદાચ કચ્છથી વધારે હોવાથી એને ભાષાનું ગૌરવ જલદી મળ્યું છે અને વેપાર વણજ કે રોજગારી રળવા માટે કચ્છી પ્રજા અન્યત્ર વહેંચાઈ ગઈ હોવાથી વસ્તીનું પ્રમાણ ઘટ્યું અને કચ્છી ભાષા માન્યતાના ગૌરવથી વંચિત રહી ગઈ છે.

દરેક ભાષાને પોતાની સ્વતંત્ર લિપિ હોવી જોઈએ એ પણ કેટલા પ્રમાણમાં સાચું છે? અંગ્રેજી, ફ્રેન્ચ અને બીજી યુરોપિયન ભાષાઓની એક જ લિપિ છે, સ્વતંત્ર નથી છતાં એ ભાષા અલગ હોવાનો કોઈ ઇનકાર કરી શકતું નથી! અહીં તો કચ્છી ભાષાની લિપિ પણ હોવાના પુરાવા વારંવાર રજૂ થતા રહ્યા છે. ‘કુમાર’ સામયિક દ્વારા થોડાં વર્ષ પહેલાં મુંબઈમાં યોજાયેલા ‘કચ્છ દર્શન’માં તેમ જ આદરણીય પ્રવીણભાઈ શાહે ‘કચ્છ રચના’ સામયિકના વિશેષાંકમાં એના બોલકા પુરાવા રજૂ કર્યા જ હતા!

અહીં આશ્ચર્યની વાત એ પણ છે કે સિંધી અને ઉર્દૂ ભાષાને ગુજરાત સાહિત્ય અકાદમીએ સમાન કક્ષાએ મૂકી છે, પણ સિંધી કે ઉર્દૂ તળ ગુજરાતની ભાષા નથી છતાં સ્થાનિક લોકોની આવશ્યકતાને ધ્યાનમાં લેવાઈ હોવાનું લાગે છે અથવા તો દેશના ભાગલા પડ્યા ત્યાર પછીના તુષ્ટિગુણનો પ્રભાવ હોઈ શકે! કચ્છી તો તળ ગુજરાતની અને રાજ્યના એક ખાસ્સા મોટા વિસ્તારની ભાષા છે જેનાં મહત્ત્વને નજરઅંદાજ કરવામાં આવી છે.

સવાલ હવે લોકભોગ્ય લિપિનો જ રહ્યો છે. એને સ્પષ્ટ સ્વરૂપ આપવું અત્યંત જરૂરી છે. બે શ્રેષ્ઠ વિકલ્પો આપણી સામે છે, એક ગુજરાતી ભાષાનો આધાર લેવો અને બીજો છે દેવનાગરી લિપિને અપનાવી લેવાનો! મતમતાંતરને બદલે લિપિને સરળ બનાવવાનો વિચાર જરૂરી બની રહે છે. સૈકાઓથી કચ્છી ભાષામાં, ગદ્ય અને પદ્ય ક્ષેત્રે ખેડાણ થતું રહ્યું છે એ બાબત હવે સર્વવિદિત બની ગઈ છે. હવે પ્રત્યેક કચ્છી જણ ભાષા માટે પોતાપણું અને પ્રેમ કેળવે તો, ન ભૂંસી શકાય એવો રાજમાર્ગ એને માટે તૈયાર થઈ શકશે.

સરળ સાહિત્ય આપવામાં આદરણીય દુલેરાય કારાણીસાહેબે કંઈ જ બાકી નથી રાખ્યું. એ વિચક્ષણ વ્યક્તિએ સૌથી પહેલું કામ કર્યું કચ્છના ઇતિહાસને તથા લોકવાર્તાઓને કચ્છી ભાષામાં કંડારી લોકો સમક્ષ મૂકવાનું. તેઓ જાણતા હતા કે એક કાવ્યરચના વાંચવા કરતાં કચ્છીમાં લોકસાહિત્યની એક વાર્તા વાંચવામાં લોકોને વધારે રસ પડશે. તેમણે એ કાર્ય કુશળતાથી કરીને કચ્છી ભાષાને વંચાતી કરી. તેમણે કચ્છી શબ્દકોષ આપ્યો તો પ્રતાપરાય ત્રિવેદીએ કચ્છી વ્યાકરણ અને ધાતુકોષ તૈયાર કરીને ધોરી માર્ગ બનાવી આપ્યો!

મેકણદાદાએ (સંત મેકણ) કચ્છી ભાષાને બિરાદરીની ભાષા બનાવી. મેકણ દાદા પછી કચ્છમાં એક અખાનો જન્મ થયો જેનું નામ છે કવિ રાઘવ. તેમણે એ જમાનામાં કચ્છી રચનાઓના વિવિધ પ્રકારના સહારે સમાજમાંથી અંધશ્રદ્ધા નિર્મૂલન અને કોમી એકતા માટે રીતસરના ‘છપ્પા’ રચ્યા છે. જટુભાઈ પનિઆ અને ધનજી ભાનુશાળીએ કચ્છી ભાષામાં નવલકથાઓ આપી અને હું માનું છું ત્યાં સુધી ડૉ. વીસન નાગડાના કચ્છી કાવ્યસંગ્રહ ‘સોજાંખો’ જેને સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત પણ કર્યો, એ એ પછીના સમયમાં મંગલાચરણ હતું. એ વાત જુદી છે કે કચ્છી ભાષામાં ગઝલો લખીને ‘કચ્છી કોયલ’ નામનો ગઝલસંગ્રહ ૧૯૩૨માં આપનારા શાયર મકબૂલ પણ કચ્છી હતા. તેઓ કરાચીમાં રહેતા હતા. તેમનું નામ ખત્રી અબ્રાહિમ અલ્લારખા પટેલ હતું.

કચ્છમાંથી કરાચી જઈને વસેલા કચ્છી મેમણ લોકોને તેમની મેમણી કચ્છીના અસ્તિત્વ વિશે જેટલી ચિંતા છે એટલી જ ચિંતા દેશમાં રહેતા કચ્છીઓએ પોતાની ભાષા માટે કરવી રહી. પાકિસ્તાન કે ઝાંઝીબાર જઈ વસેલા કચ્છી મેમણો કે મુસ્લિમો, ઉર્દૂ, અરબી કે સ્વાહિલી ભાષાથી અભિભૂત નથી થયા, તેમણે તેમની કચ્છી ભાષાને વિદેશોમાં પણ બોલી દ્વારા જીવંત રાખી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK