માંડવી અને દાબેલીના શોધક મોહનભા!

Published: 14th April, 2020 14:36 IST | Vasant Maru | Kutch

કચ્છના સપૂતો: હું ને મારા નાટ્યકાર મિત્ર વિજય ગાલા દર વર્ષે કચ્છની સંસ્કૃતિ અને કચ્છિયતને સમજવા ખાસ કચ્છનો પ્રવાસ નવરાત્રિ વખતે કરતા

દાબેલી
દાબેલી

હું ને મારા નાટ્યકાર મિત્ર વિજય ગાલા દર વર્ષે કચ્છની સંસ્કૃતિ અને કચ્છિયતને સમજવા ખાસ કચ્છનો પ્રવાસ નવરાત્રિ વખતે કરતા. અમારો આ ક્રમ વર્ષો સુધી ચાલતો રહ્યો. એક દિવસ અચૂક ભુજ જઈ એસ.ટી. સ્ટૅન્ડની બહાર આવેલી ડબલરોટી (દાબેલી)ની ભવ્ય દુકાનોમાં વિવિધતા સભર દાબેલીની મજા લેતાં-લેતાં ત્યાં આવેલા ગ્રામ્યજનોની વાતચીત, રીતભાત નિહાળતાં-નિહાળતાં આ ડબલરોટીનો ઇતિહાસ ફંફોળવાનો વિચાર મારા મનમાં ચાલતો હતો. માત્ર માંડવી, ભુજ કે નખત્રાણામાં જ નહીં, આખા ભારતમાં ને ક્યાંક વિદેશમાં પણ સ્વાદરસિયાઓ આ કચ્છી દાબેલીની મજા માણે છે. આ ડબલરોટી ઉર્ફ કચ્છી દાબેલીના જન્મદાતા માંડવીના એક શંકરભક્ત સાધુપુરુષ મોહનભા હતા, એ જાણીને રોમાંચિત થઈ જવાય છે.

આઝાદી મળ્યા પછી પણ કચ્છને મુંબઈથી સીધી રેલવેસેવા બહુ પાછળથી મળી, પણ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ પહેલાં મુંબઈથી માંડવી થઈને કરાચી સુધી સાબરમતી અને સરસ્વતી નામની સ્ટીમર પૅસેન્જર અને માલને લઈને ફેરા મારતી. મુંબઈથી માંડવી પહોંચવાની ટિકિટનો ભાવ હતો ૧૯ રૂપિયા! ત્યારે સ્ટીમરમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ રસ્તામાં ખાવા માટે ઢેબરા, બાજરાના રોટલા, ગોડિયાલાડુ પોતાની સાથે લઈ પ્રવાસ કરતા. સાથે-સાથે રોટલા સાથે ખાવા માટે બંદર પરથી મોહનભાના મસાલાવાળા બટાકા અચૂક બંધાવતા.

આમ તો મોહનભા પાકા શંકરભક્ત હતા. માંડવીમાં બાબાવાળી પાસેના એક શંકર મંદિરમાં પૂજા કરતા, પણ આ અલગારી માણસ પાસે મસાલાવાળા બટાકા રાંધવાનો અદ્ભુત કસબ હતો. મૂળ ખારવા જ્ઞાતિના મોહનભાના જ્ઞાતિજનો માંડવીના વહાણ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. આ ખારવાભાઈઓ ખલાસીઓને પણ મોહનભાના મસાલાવાળા બટાકા બહુ ગમતા. મોહનભા નવરાત્રિમાં નવ દિવસ કામકાજ બંધ રાખીને શંકરનો વેશ ધારણ કરી, ગળામાં જીવતો નાગ પહેરી, કમર પર વ્યાગચર્મ ધારણ કરી માંડવીની વિવિધ ગરબીઓમાં રમવા જતા અને તેમને જોવા શ્રદ્ધાળુઓનાં ટોળાં વળતાં.

 મોહનભાના એક સિંધી ચાહક રૂપન પરિવાર ભાગલા પછી પાકિસ્તાનથી આવી માંડવીમાં સેટલ થયું હતું. ભાગલા વખતે મોતના તાંડવને જોતાં-જોતાં પહેરેલે કપડે અનેક સિંધી કુટુંબોએ કચ્છમાં આશરો લીધો હતો. આ રૂપન પરિવારે માંડવી આવી પોતાનો કરાચીનો બેકરીનો મૂળ ધંધો શરૂ કર્યો. આ પરિવાર મોહનભાના મસાલાવાળા બટાકા, પોતાની બેકરીના પાઉંની સાથે નાસ્તા તરીકે આરોગતા. તેમણે મોહનભાને પાઉં સાથે બટાકા વેચવાનું સૂચન કર્યું અને મોહનભાએ પાઉંની વચ્ચે કાપો કરી બટાકા ભરી લોકોને વેચવા લાગ્યા અને ડબલરોટીનો જન્મ થયો!

 માંડવી ઉપરાંત કરાચી અને મુંબઈના પ્રવાસીઓએ આ ડબલરોટીને સારો પ્રતિસાદ આપ્યો. માંડવી બંદરે ઊતરીને પ્રવાસીઓ બળદગાડીમાં પોતાના ગામે જવા લાંબો પ્રવાસ આરંભતા, વચ્ચે થાક ખાવા ગાડું રાખી આ મસાલેદાર ડબલરોટી ખાઈને જઠરાગ્નિ શાંત કરતા. સમય જતાં આ ડબલરોટીમાં સારા એવા ફેરફારો થયા, પણ નિવૃત્ત થયા ત્યારે મોહનભાને ક્યાં ખબર હતી કે તેમની છ પૈસાની આ ડબલરોટી ભારતભરમાં એક દિવસ ફાસ્ટફૂડ તરીકે લોકપ્રિય થઈ જશે!

mandvi-09

મોહનભાની જ્ઞાતિના જ ગોકળભા ખારવાએ થોડા ફેરફાર કરી આ ડબલરોટીમાં મસાલાદાળ, કાંદા-લસણની ચટણી ઉમેરી વધારે લોકભોગ્ય બનાવી. પણ કચ્છનાં ગામડે-ગામડે કે ભારતભરના સ્વાદરસિયાઓમાં ડબલરોટીનો ચશકો લગાડવાનો શ્રેય ગાભાભાઈને જાય છે. માંડવી આવતા પ્રવાસીઓ અચૂક ગાભાની ડબલરોટીનો સ્વાદ માણતા.

કેશુભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ગાભાભા ડબલરોટીવાળાને છેક ગાંધીનગર બોલાવી બધા વિધાનસભ્યોને ગાભાની ડબલરોટીની મીજબાની આપી હતી. આજે મુંબઈના રસ્તાઓ પર મહારાષ્ટ્રીયન, યુપીના રેકડીવાળા આ ‘કચ્છી ડબલરોટી’નો માતબર વેપાર કરે છે. ડબલરોટી (દાબેલી) ઉદ્યોગને કારણે હજારો લોકોને રોજીરોટી મળે છે. આ લખાય છે ત્યારે કોરોના વાઇરસને કારણે કચ્છમાં લૉકડાઉન છે, પણ કચ્છમાં માંગણી ઊઠી છે કે અસંખ્ય લોકો રોજ ડબલરોટી ખાઈને દિવસ કાઢે છે એટલે ડબલરોટીને જીવનજરૂરિયાતની વસ્તુ જાહેર કરી એને વેચવાની છૂટ મળવી જોઈએ!

મજૂરોથી લઈને માલદારોની જઠરાગ્નિ શાંત કરતી આ ડબલરોટીના શોધક મોહનભા જ્ઞાતિમાંથી હતા એ ખારવા જ્ઞાતિએ બીજી એક વસ્તુ માટે પણ માંડવીને વિશ્વવિખ્યાત બનાવ્યું હતું, એ વસ્તુ એટલે કચ્છી વહાણ!

દુબઈ, મસ્તક કે આફ્રિકાના અમુક દેશોમાં કચ્છી વહાણોની બહુ માગ હતી. કચ્છી વહાણો કોઈ એન્જિનિયરો દ્વારા નહીં, પણ ખારવાઓની કોઠાસૂઝ અને કસબથી બંધાતાં. કહેવાય છે કે ભારતમાં વહાણ બાંધવાનો પદ્ધતિસરનો ઉદ્યોગ સૌ પહેલાં માંડવીમાં શરૂ થયો હતો, ત્યાર બાદ વિશાખાપટ્ટમ અને અન્ય બંદરો પર આ ઉદ્યોગ શરૂ થયો. વર્ષો પહેલાં માંડવીમાં ૧૦૦થી ૫૦૦ ટનનો સામાન વહન કરી શકાય એવાં વહાણો બંધાતાં, સમય જતાં ૧૫૦૦ ટનનાં માલવાહક વહાણો બંધાવા લાગ્યાં. એ સમયે વહાણ ચલાવવા કોઈ યંત્રો નહોતાં કે એન્જિન નહોતાં શોધાયાં, પણ શઢને સથવારે પવનની મદદથી આ વહાણો દરિયાનો માર્ગ કાપતા. ગર્વની વાત એ છે કે આ વહાણોના શઢમાં વપરાતું મજબૂત કાપડ માંડવીની શેઠ માવજી ખીયશી શાહની પેઢી દ્વારા બનાવાતું. શેઠ માવજી ખીયશી શાહનું શઢનું કાપડ વિદેશોમાં પણ ખૂબ વખણાતું. આ પેઢીના માલિક મૂળ હાલાપુર ગામના જૈન હતા. સમય જતાં એન્જિનવાળાં વહાણ બનવા લાગ્યાં અને શઢવાળા વહાણનો ઉપયોગ ઓછો થતાં ખેતી અને વહાણ ઉદ્યોગ માટે દોરડા અને દોરા ઇત્યાદિનું ઉત્પાદન આ પેઢી દ્વારા થવા લાગ્યું. હાલના એના સંચાલક શાંતિલાલભા મારુ સંઘના કાર્યકર તરીકે પ્રસિદ્ધ છે.

એ જ રીતે એજ્યુકેશન અને ખાણ ક્ષેત્રે કાર્યરત બાબાવાડીના સર્જકો કારાણી પરિવાર પણ માંડવીના છે, જેમાંથી હિરજીબાપા અને પ્રેમજીબાપા ગાંધીજીથી લઈ વિનોબા ભાવે સુધીના મહાપુરુષોના અંતેવાસી રહી ચૂક્યા છે. ઇમર્જન્સી વખતે તેમનો પ્રભાવ ખાળવા ઇન્દિરા ગાંધીએ તેમને કચ્છ બહારની જેલોમાં ગોંધી રાખ્યા હતા. માંડવીની સ્થાપના અંદાજે ૧૫૮૧માં એક ભાટિયા સદગૃહસ્થ ટોપરાણીની મદદથી કચ્છના રાજવી રાવ ખેંગારજીએ કરી હતી. માંડવી બંદર પહેલાં નજીકના રાયણ (રિયાણ) નામના ગામના બંદર તરીકે ઉપયોગ કરી પરદેશ સાથે વેપાર થતો, પણ ધરતીકંપ કે કોઈ ભૌગોલિક ઊથલપાથલને કારણે રાયણ બંદરનો અસ્ત થયો અને માંડવી બંદરનો ઉદય થયો. એ સમયે અંદાજે ચારસોએક દેશી વહાણ દ્વારા માંડવીના વેપારીઓ પરદેશ સાથે વેપાર કરતા. ચાંચિયાઓથી બચવા કિલ્લો  બાંધવામાં આવ્યો હતો જેની ભાંગીતૂટી દીવાલો હજી પણ ત્યારની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. કચ્છી સાહિત્યકાર વિશ્રામ ગઢવીની માન્યતા પ્રમાણે માંડવી બંદરે વ્યાપાર માટે ઘણી બધી મંડી (માર્કેટ) ભરાતી અને મંડી પરથી નામ પડ્યું મડઈ! પછીથી માંડવી તરીકે મડઈ ઓળખાયું.

માંડવી કચ્છની સાંસ્કૃતિક રાજધાની ગણાય છે. હિન્દી ફિલ્મ ‘હેરાફેરી’થી લઈને ‘રંગીલા’ સુધીની અનેક હિન્દી ફિલ્મો લખનાર સ્વ. નીરજ વોરા માંડવીના હતા. તેમના ભાઈ ઉતંક વોરા મુંબઈ મ્યુઝિક સર્કિટમાં સંગીતકાર તરીકે સારી નામના ધરાવે છે તો નીરજ વોરાના પિતા અને ભારતના એક માત્ર તાર શરણાઈ વાદક તરીકે ફિલ્મોમાં શરણાઈ વગાડનાર અને સંગીતતજ્ઞ વિનાયક વોરાએ માંડવીનું નામ કલાજગતમાં રોશન કર્યું હતું. ડૉ. સર્વેશ વોરા પ્રવચનકાર અને ચિંતક તરીકે ખૂબ વિખ્યાત છે. અત્યારે દૂરદર્શન પર ચાલતી ‘મહાભારત’ સિરિયલમાં સમયના અદૃશ્ય પાત્ર દ્વારા અવાજનો જાદુ પાથરનાર હરીશ ભીમાણી પણ માંડવીના છે. તેમના પૂર્વજોએ બાંધેલ ટાવર આજે પણ માંડવીમાં સમયનું એલાન કરે છે. તેમની બહેન સુશીલા ભાટિયાએ ગુજરાતી અને હિન્દી સિરિયલો બનાવી ગુજરાતી સાહિત્યને નાના પડદે રમતું મૂક્યું છે.

સાહિત્ય ક્ષેત્રે માંડવીના લાડકા પુત્ર ડૉ. જયંત ખત્રી આધુનિક વાર્તાઓના પ્રણેતા ગણાય છે. તો બિહારમાં સંત તરીકે જેમના સિક્કા પડતા, બિહારમાં જેમનાં મંદિર સુધ્ધાં બંધાયાં છે તે સંત કવિ નિરંજન માંડવીના હતા. તેમણે કચ્છીમાં સર્જેલું ગીત ‘મુજી માતૃભૂમિ કે નમન’ જાણે કચ્છનું રાષ્ટ્રગીત ન હોય! ગુજરાતી સાહિત્યમાં હાસ્યના રાજા કહેવાતા જ્યોતીન્દ્ર દવેએ માંડવીમાં અધ્યાપન કાર્ય કર્યું છે. કાળના ગર્કમાં ખોવાઈ ગયેલા સાહિત્યકાર નારાયણજી શામજી ખારવાએ આઠેક પુસ્તકો લખ્યાં છે. ડૉ. મનુભાઈ પાંધી કે ઉપેન્દ્ર વોરા તેમ જ ૩૭ વર્ષથી સાહિત્ય સભર અઠવાડિક છાપુ ચલાવવા સંઘર્ષ કરતા જયેશભાઈ શાહની નોંધ લેવી પડે એવી છે.

 વાસ્કો ડી ગામાને યુરોપથી ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધવા દરિયાઈ નકશાઓ દ્વારા દિશા ચીંધનાર કાનજી માલમ માંડવીના હતા એમ ભાટિયા વેપારી ખીમજી રામદાસની પેઢીએ મસ્કતના શેખનો વિશ્વાસ જીતી, મસ્કતના આર્થિક વિકાસમાં જબરદસ્ત ફાળો આપ્યો છે. એ જ રીતે ગોકુળદાસ તેજપાલ સખાવતો દ્વારા મુંબઈમાં પ્રસિદ્ધ થયા. આ પેઢીએ જી.ટી. હૉસ્પિટલથી લઈ તેજપાલ નાટ્યગૃહના નિર્માણ ઇત્યાદિમાં જબરો ફાળો આપી માંડવીનું નામ રોશન કર્યું છે. કચ્છના શાહ સોદાગર કલ્યાણજી ધનજી શાહે માંડવીના વિકાસમાં ફાળો આપ્યો હતો.

નામના મેળવવાની પરવા કર્યા વગર માનવીય કાર્ય કરનાર ડૉ. બાબુભાઈ દેપાડાનો ઉલ્લેખ અનિવાર્ય છે. ડૉ. બાબુભાઈ દેપાડાની ત્રણ પેઢી તબીબી વ્યવસાય સાથે સંકળાયેલી હતી. વર્ષો પહેલાં તેમના પરદાદા સુરેન્દ્રનગરથી માંડવી આવીને વસ્યા. ડૉ. દેપાડાએ સાવ નજીવી કિંમતે ઉપચાર કરતા, દવાના પૈસા સામેથી ક્યારેય માંગતા નહીં અને દરદી પૈસા ન આપે તોય દવા આપી, હસતા મુખે દરદીને રજા આપી દેતા. માનવતાની મહેક પ્રસરાવનાર ડૉ. બાબુભાઈ દેપાડાને કોઈને પણ વંદન કરવાનું મન થઈ જાય.

રાજકીય ક્ષેત્રે સુરેશભાઈ મહેતા ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે તો અનંતભાઈ દવેએ કચ્છમાં જનસંઘનો સારો એવો પ્રચાર કર્યો છે. ઝુમખલાલ મહેતાએ રાજકીય ઉપરાંત સામાજિક સેવા દ્વારા માનવતાને દિપાવી છે.

 ૮૦ વર્ષની વયે યુવાનોની સ્ફૂર્તિ ધરાવતા માંડવી ચેમ્બર્સ ઑફ કૉમર્સના પ્રમુખ વાડીલાલ દોષી ગુર્જર સમાજના છે. વાડીલાલભાની આગેવાનીમાં ચેમ્બર્સ વ્યાપારીઓ માટે સતત કાર્ય કરતાં-કરતાં સામાજિક કાર્યો દ્વારા ફરજ નિભાવે છે. કોરોના જેવા પ્રકોપમાં માંડવીના પારધી, દાતણિયા, હરિજન, જોગી, કોળી ઇત્યાદિ હજારો ગરીબોને રૅશનપાણીની સહાય કરી રહ્યા છે. ગયા વર્ષે માંડવીની અંદાજે ૧૫ ગામોની પાંજરાપોળમાં (જ્યાં મહાજનની સહાય ન પહોંચતી હોય ત્યાં) ૮૦ લાખ રૂપિયાનો ઘાસચારો નાખી પશુઓને ભૂખમરાથી બચાવ્યાં હતાં. માંડવીની ૩૦ પ્રાથમિક અને છ હાઈ સ્કૂલોમાં દફ્તરથી માંડીને નોટબુકો આપી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય વાડીલાલભાની આગેવાનીમાં ચેમ્બર્સ દર વર્ષે કરી રહ્યું છે.

ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માથી લઈ સંગીતકાર વિનાયક વોરા કે જયેશ આસર,  દાબેલીના શોધક મોહનભાથી લઈ સાહિત્યકાર ડૉ. જયંત ખત્રીની આ ભૂમિ પર એક વાર જઈ વિસરાતા જતા વહાણનિર્માણના કાર્ય કે બીચ પર લટાર મારી માંડવીને આંખમાં ભરી લેવા જેવી છે. પૂરક માહિતી માટે કોડાયના મુકેશભાઈ દેઢિયાનો આભાર માની વિરમું છું.

અસ્તુ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK