માનશો તમે? કચ્છમાં હતાં હાઈ કોર્ટ અને પ્રીવી કાઉન્સિલ!

Published: 21st April, 2020 19:56 IST | Kishor Vyas | Mumbai

લાખેણો કચ્છ: જે પણ કાયદાઓ હતા એ બધા જ જૂનવાણી હતા અને એમાં શિરસ્તાનું પ્રાધાન્ય પ્રવર્તતું હતું. ઈસવી સન ૧૮૮૫માં કચ્છમાં દેશી શિરસ્તા સંગ્રહ પુસ્તકનું ભારે મહત્ત્વ હતું. એની કલમો ભારતમાં પ્રવર્તતા જુદા-જુદા કાયદા અને કચ્છના રીતરિવાજોમાંથી જન્મતી હતી

પ્રતીકાત્મક તસવીર છે
પ્રતીકાત્મક તસવીર છે

હા, આ કંઈ સ્વપ્નમાં આવેલી વાત નથી. એ એક હકીકત છે કે ૧૯૪૫ની ૨૨ ઑક્ટોબરે કચ્છમાં હાઈ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી! એ વખતે કચ્છના મહારાઓ હતા વિજયરાજજી, જેને કચ્છની પ્રજા માધુભાબાવાના હુલામણા નામથી ઓળખતી હતી! અને તેમના જ શાસન સમયમાં પ્રીવી કાઉન્સિલ પણ શરૂ કરવામાં આવી હતી. જોકે એ સમયે કચ્છમાં ગણ્યાગાંઠ્યા જ કાયદાઓ હતા, જેમાં મુખ્યત્વે ઈસવી સન ૧૮૬૯નો ‘કચ્છ ફોજદારી કાયદો’, ૧૮૯૪નો ‘કચ્છ દીવાની કાયદો’, ૧૮૭૫નો ‘કચ્છ સ્મૉલ કોઝ કોર્ટ ઍક્ટ’ અને ૧૯૩૯નો રજિસ્ટ્રેશન અને કોર્ટ ફી ઍક્ટ’ મુખ્યત્વે અમલમાં હતા. જે પણ કાયદાઓ હતા એ બધા જ જૂનવાણી હતા અને એમાં શિરસ્તાનું પ્રાધાન્ય પ્રવર્તતું હતું. ઈસવી સન ૧૮૮૫માં કચ્છમાં દેશી શિરસ્તા સંગ્રહ પુસ્તકનું ભારે મહત્ત્વ હતું. એની કલમો ભારતમાં પ્રવર્તતા જુદા-જુદા કાયદા અને કચ્છના રીતરિવાજોમાંથી જન્મતી હતી!
રૂઢિગત કલમો હોવાથી ‘ફટકા’ની સજા કરવામાં આવતી. એ ઉપરાંત ‘ભૂંડી ભુછીનો કાયદો’ પુત્ર-પુત્રાદીની લેણાની જવાબદારી, લગ્નહક્ક પૂરા પાડવા જોરજુલમથી પત્નીને પતિના ઘેર મોકલવાની પ્રથા, ‘મોસલી’ જેવા અત્યારે આપણને અત્યંત અમાનુષી લાગે એવા કાયદાઓ હતા. ન્યાયમાં ખૂબ જ ઢીલ થતી જેથી એક કહેવત પ્રચલિત થઈ ગઈ હતી કે ‘અટ્ટો અને આયુ’ હોય એ વ્યક્તિ જ કોર્ટમાં જાય! એટલે કે જેનું આયુષ્ય લાંબું હોય અને જેની પાસે ખૂબ પૈસા હોય એ જ વ્યક્તિ કોર્ટનાં પગથિયાં ચઢી શકે! અંગત લેણાની વસૂલાત માટે તો ૩૫ વર્ષની લાંબી મુદત હતી! એમાં પણ જાડેજા ગૅરન્ટી હોલ્ડર્સ જે કેસમાં પક્ષકાર હોય એવા કેસ ચલાવવા માટે અલગથી જાડેજા કોર્ટ હતી!
કચ્છમાં શરૂ થયેલી હાઈ કોર્ટમાં સૌથી પહેલાં ન્યાયમૂર્તિ તરીકે કચ્છના જ એક પ્રખર પ્રતિભા ધરાવતા વકીલ નૌતમલાલ માંકડની ૧૯૪૭માં નિયુક્તિ કરવામાં આવી હતી. માજી ઍડ્વોકેટ જનરલ, કચ્છના જ પ્રેમજીભાઈ રાઘવજી ઠક્કરના પ્રયાસોથી કચ્છમાં ભારતના દીવાની, ફોજદારી જેવા અન્ય કાયદાઓ કેટલાક સુધારા સાથે અમલમાં મૂકવામાં આવ્યા હતા. સ્વરાજ્ય આવ્યું કે તરત જ એટલે કે ૧૯૪૮ની ૨૭ નવેમ્બરે ભારત સરકારે કચ્છ કોર્ટ્સ ઑર્ડર લાગુ કર્યો અને હાઈ કોર્ટ બંધ થઈ હતી, પરંતુ એ એક હકીકત છે કે ત્યાર પછી શરૂ થયેલી ‘જુડિશ્યલ કમિશનર કોર્ટ’ના કારણે કચ્છના ન્યાયતંત્રમાં પ્રાણવાયુ ફૂંકાયો અને એક તેજસ્વી પ્રકરણનો પ્રારંભ થયો હતો! પ્રથમ જુડિશ્યલ કમિશનર ૧૯૪૮ની ૨૮ ડિસેમ્બરે નિમાયા હતા અને ૧૯૪૯ની ૩૧ જુલાઈએ ભારત સરકારે ‘ધ કચ્છ (ઍપ્લિકેશન ઑફ લૉઝ) ઑર્ડર, ૧૯૪૯’ લાગુ કર્યો અને એ જ તારીખે બહાર પડાયેલા ગૅઝેટ દ્વારા ભારતના ૨૧૦ કાયદા અને મુંબઈના ૨૬ કાયદા કચ્છમાં અમલમાં આવ્યા. એ સમય કચ્છના ‘ક’ વર્ગના દરજ્જાનો હતો.
એ સમયે પ્રવર્તતા ૩૭ જેટલા જૂના કાયદાઓ અને ધારાધોરણો રદ કરવામાં આવ્યા અને દેશના અન્ય વિકસિત પ્રાંતોના ધોરણે કેટલીક પદ્ધતિઓ ન્યાયમાં અખત્યાર કરવામાં આવી હતી. સૌથી વિશેષ ગાદી–તકિયા પર ચાલતી કોર્ટમાં ખુરશી–ટેબલ આવ્યાં! ‘ક’ વર્ગનો દરજ્જો ગયો એ સાથે ‘જુડિશ્યલ કમિશનર’ની જગ્યા રદ થઈ અને જિલ્લા ન્યાયાધીશનો હોદ્દો આવી ગયો. ‘ક’ વર્ગના રાજ્ય દરમ્યાન ન્યાયતંત્રમાં અનેક સુધારા દાખલ થયા હતા. જોકે, રાજાશાહીના સમય દરમ્યાન કચ્છમાં બીજા દેશી રાજ્યોની સરખામણીમાં ન્યાયતંત્રમાં દખલગીરી ઘણી ઓછી હતી, પરંતુ ખાટલે મોટી ખોટ એ હતી કે જે કાયદા અમલમાં હતા એ પ્રજાના હક્કનું પૂરું રક્ષણ કરી શકે એવા નહોતા.
ન્યાયતંત્રનું માળખું ગોઠવાતું જતું હતું ત્યારે કચ્છમાં પોલીસતંત્ર પણ સુધારા માગે એ સ્વાભાવિક હતું. એને સજ્જ અને સક્ષમ બનાવવાની દિશામાં પગલાં લેવાય એની તાતી જરૂર હતી, કારણ કે પોલીસ ખાતામાં પણ સમસ્યાઓ હતી. ભાગલા પડ્યા એટલે પાકિસ્તાનથી ગુનાહિત તત્ત્વોની કચ્છમાં ઘૂસણખોરી અને વધતી ગુનાખોરી, કચ્છના અફાટ ડુંગરાળ વિસ્તારમાં સક્રિય રહેલા બહારવટિયાઓને છુપાવા માટેની મળી રહેતી અનુકૂળતા, દરિયાઈ માર્ગે આવતાં તત્ત્વો અને સૌરાષ્ટ્રના ભૂપત બહારવટિયાના હુમલાઓનો વ્યાપક ભય વગેરે પરિબળોને નિયંત્રણમાં લેવાની સખત જરૂર હતી.
કચ્છના પોલીસ વ્યવસ્થા તંત્રને વ્યવસ્થિત કરવા કેન્દ્ર સરકારે ૧૯૪૯ની સાલમાં નવી દિલ્હીના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ ચૌધરીને મોકલ્યા. તેમણે ખૂબ સારું આયોજન કરી બતાવ્યું. ઘણા સુધારા કર્યા અને ટાંચાં સાધનો છતાં તેની ધાર કાઢી ઉપયોગમાં લેવાનું શરૂ કરાવ્યું. વાયરલેસ અને લૉન્ચ જેવાં નવાં સાધનો પણ વસાવ્યાં. એ સમયમાં હીરાસિંહ નામના એક બહાદુર ડી.એસ.પી. પણ નિયુક્ત કરવામાં આવ્યા. પોલીસ ખાતામાં કેટલીક આધુનિક પદ્ધતિ અને કામગીરીનો પ્રારંભ થયો. એવું નહોતું કે ત્યાર પછી બહારવટિયાઓનો ઉપદ્રવ સદંતર બંધ થઈ ગયો હતો. ૧૯૫૬ના અરસામાં પણ ખાનજી અને સીલુ જેવા બહારવટિયાઓ ધાડ પાડતા અને સશસ્ત્ર લૂંટ પણ ચલાવતા હતા. તો ક્યારેક કચ્છમાં હુલ્લડો પણ થયાં હોવાનું જાણવા મળે છે. કડકાઈ અને ઢીલાશ એમ બે પ્રકારનું પોલીસ તંત્ર જોવા મળતું હોવાના ઉલ્લેખ જોવા મળે છે.

કચ્છની પ્રજા નવા ન્યાયતંત્ર, સુધરતા જતા પોલીસ તંત્ર વચ્ચે ઝોલાં ખાતી હતી એવા સમયમાં તેમને પહેલી વાર એક નવો જ અનુભવ થયો! ૧૯૪૯ની ૨૬ એપ્રિલે કચ્છનું ચલણી નાણું બંધ કરવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો. કેન્દ્ર સરકારે એક રૂપિયાની ત્રણ કોરીનું વલણ જાહેર કરીને કોરીનું ચલણી નાણું ધીરે-ધીરે પાછું ખેંચી લીધું! ચલણમાં રૂપિયાના સિક્કા અને નોટો આવી ગઈ! કેટલાકને જરૂર યાદ હશે કે ૧૯૪૯માં ૧૦૦૦ રૂપિયાની નોટોનું પહેલી વાર ‘ડિમોનિટાઇઝેશન’ કરવામાં આવ્યું હતું અને નોટો બદલવામાં આવી હતી. કાળક્રમે ‘આના’ ગયા અને ‘પૈસા’ આવ્યા. કેટકેટલું બદલાતું ગયું!
કચ્છનાં ચલણી નાણાંનો પણ એક રોચક ઇતિહાસ છે. એવું કહેવાય છે કે ઈસવી સન ૧૬૧૭માં મોગલ બાદશાહ જહાંગીરે હજ જવા માટે કચ્છના માંડવી બંદરેથી વહાણ પૂરાં પાડવાની કચ્છના તત્કાલીન રાજવી ભારમલજી પહેલા પાસે શરત મૂકી અને રાજવીને પોતાનું અલગ ચલણ ચલાવવાની છૂટ આપી હતી. ત્યારથી કચ્છમાં ‘કોરીનો સિક્કો’ ચલણમાં મુકાયો હતો! એમ પણ કહેવાય છે કે જહાંગીરની અમદાવાદની મુલાકાત દરમ્યાન ભારમલજીએ નજરાણું ધરતાં બાદશાહે ખુશ થઈને કચ્છના રાજવીને ‘સિક્કા પાડવાની’ છૂટ આપી હતી.
એક વખત ચાલુ થયેલો સિક્કો ૩૩૨ વર્ષની વય ભોગવી દેશ સ્વતંત્ર થયા પછી ૧૯૪૯ની ૨૬ એપ્રિલે કાળમાં વિલીન થઈ ગયો! કચ્છમાં એટલા સમય દરમ્યાન ૧૭ રાજવીઓએ પોતાનાં નામના સિક્કા પડાવ્યા હતા! એ સિક્કાઓમાં રાજવીઓનાં પોતાનાં નામ, ક્યારેક ગુજરાતના સૂબાનાં નામ અને કેટલાંક વરસ સુધી અંગ્રેજ રાજ્ય હતું એથી ઇંગ્લૅન્ડના રાજા કે રાણીનાં નામ પણ છપાતાં હતાં. ૧૯૪૭માં સ્વરાજ્ય આવતાં સિક્કાઓની એક બાજુ ‘જય હિંદ’ છપાતું થયું હતું! આ સિક્કાઓમાં પાંચિયું-પાંચ કોરી, અઢીયું–અઢી કોરી, કોરી અને આધિયું એ બધા સિક્કાઓ ચાંદીના બનાવવામાં આવતા હતા. મહારાઓ શ્રી વિજયરાજજીએ તો ૨૫ કોરીથી માંડી ૫૦૦ સુધીની નોટો પણ છપાવી હતી, પરંતુ એ ચલણમાં ન મૂકી શકાઈ! ભુજના મ્યુઝિયમમાં આજે પણ એ નોટો જોવા મળે છે.
ત્રાંબાના સિક્કાઓમાં ત્રાંબિયો, દોકડો, ઢીંગલો, ઢબુ વગેરેનો સમાવેશ થતો હતો. ક્યારેક બનાવટી સિક્કાની અફવા ઊડતી ત્યારે પાંચિયા અને અઢિયા બનાવવા માટે સિક્કાની ધાર પર ‘રિંગ’ છાપવામાં આવતી હતી જેથી બનાવટી સિક્કા અલગ તરી આવે! સિક્કાઓ ઢાળવા માટે ભુજમાં મહાદેવ નાકા પાસે ટંકશાળ હતી. એમાં પણ કોરીના ભાવમાં રોજ ફેરફાર થતા અને પાંચિયાની ખૂબ નિકાસ થતી. ૧૯૪૫ના અરસામાં પાંચિયા પ્લેન દ્વારા બહાર મોકલવામાં આવતા અને એ પ્લેન ‘પાંચિયા પ્લેન’ તરીકે ઓળખાતું! કચ્છનું એ ગૌરવ છે કે ભારતમાંનાં ૬૦૦ જેટલાં દેશી રજવાડાં પૈકી સ્વરાજ્ય વખતે હૈદરાબાદના નિઝામને બાદ કરતાં એક માત્ર કચ્છના રાજવીનું જ પોતાનું આગવું ચલણી નાણું હતું! હવે એ વાતો સાપ ગયા અને લિસોટા રહ્યા જેવી બની રહી છે!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK