અર્પી દઉં સો જન્મ એવડું મા તુજ લેણું!

Published: Jan 28, 2020, 13:53 IST | Kishor Vyas | Kutch

‘જેમ માતાની ગોદમાં આનંદથી બેઠેલી કોઈ કિશોરી શોભે એમ ભારતમાતાની ગોદમાં બિરાજેલી તેની પુત્રી કચ્છભૂમિ શોભી રહી છે.

ભવ્યાસ્તિ મે ભારતમાતૃકૈપા પર્યા:

સુતાસ્તે બતકચ્છભૂમિ:।

બાલા જનન્યાંક વિરાજમાના મુદ્રા

યથૈ વત્ર તથ ચકાસ્તિ ।।

રે કચ્છભૂમિ મમ માતૃરૂપે

રે ભારતાત્ર‍યે પ્રથિત સ્વરૂપે।

સંદષ્ટા પતોન્ન્તિ શોક હર્ષે

તત્વે નતિ તે પદયો: સુરમ્યે ।।

‘જેમ માતાની ગોદમાં આનંદથી બેઠેલી કોઈ કિશોરી શોભે એમ ભારતમાતાની ગોદમાં બિરાજેલી તેની પુત્રી કચ્છભૂમિ શોભી રહી છે. હે ભારતોત્મ પ્રથિતસ્વરૂપ, અવનતિ, ઉન્નતિ તથા શોક અને હર્ષના આવેગોને જોનારી કચ્છ ભોમકા! તારાં સુરમ્ય ચરણોમાં વંદન કરું છું. એક એવી ભૂમિ જ્યાં રેતીમાં પણ ખેતી થાય અને રજમાંથી પણ રજત સર્જાય છે!’

આવા કચ્છનો ભૌગોલિક વિસ્તાર ૪૫,૬૧૨ ચોરસ કિલોમીટર છે. સમગ્ર ગુજરાત રાજ્યનો ૨૩.૩૭ ટકા ભૂ-ભાગ કચ્છ ધરાવે છે. રાજ્યની ખેડવા લાયક પડતર જમીનના ૮૦ ટકા જમીન કચ્છમાં હોવાની ધારણા છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે સિંચાઈની સગવડનો અભાવ છે. જોકે હમણાં મુંબઈ અને કચ્છમાં રહેતા અગ્રણીઓએ સિંચાઈ માટેના પાણીના સંગ્રહ માટેની ઝુંબેશ શરૂ કરી છે એ આવકાર્ય છે અને સરકાર પણ સહકાર આપવા આગળ આવી છે એવું પણ જોવા મળે છે ત્યારે સ્વરાજ મળ્યા પછીના ‘ક’ રાજ્યની સુખદ સ્થિતિ નજર સામે આવી જાય છે. ખેર, એ આપણે આગળ જોઈશું, પણ મોટા ભાગે  કચ્છના વિકાસની જ્યારે-જ્યારે સત્તાવાળાઓ ચર્ચા કરે છે ત્યારે-ત્યારે હંમેશાં પાણીના અર્ધા ભરેલા ગ્લાસનો જ દાખલો દેવાય છે. એવી દલીલ કરવામાં આવતી હોય છે કે કચ્છી પ્રજા અર્ધા ખાલી ગ્લાસ તરફ જ નજર કરે છે. પરંતુ કમનસીબી એ છે કે આ સરખામણી મૂળભૂત દૃષ્ટિકોણથી જ અતાર્કિક છે. સવાલ કચ્છનો ગ્લાસ કેટલો ભરેલો છે કે કેટલો ખાલી છે એ નથી, પણ ગુજરાતના અન્ય જિલ્લાઓના ગ્લાસ કેટલા ભરેલા છે અને એની સરખામણીએ કચ્છના ગ્લાસમાં કેટલું પાણી છે, સવાલ એ છે! પરિણામે પાણીદાર માણસોના મુલકનો ગ્લાસ હંમેશાં અર્ધો ભરેલો જ રહ્યો છે, ક્યારેય છલકાયો નહીં.

૧૯૫૦ પછી કચ્છમાં બિલકુલ પ્રગતિ થઈ નહોતી એમ કોઈ કહેતું નથી. હકીકતમાં કોઈ પણ વિસ્તાર ૭૦ વર્ષમાં એક ડગલું પણ આગળ ન વધે એવું બને જ નહીં. પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકારી માપદંડો કચ્છના વિકાસને રૂંધતા રહ્યા છે. જે દરથી અન્ય જિલ્લાઓની પ્રગતિ થાય છે એટલા દરથી કચ્છનો વિકાસ થતો નથી. અને આ સ્થિતિ કચ્છનો ‘ક’ વર્ગના રાજ્યનો દરજ્જો પાછો ખેંચાયો ત્યાર પછી જ પેદા થઈ છે.

એ જાણવા ફરી આપણે ૧૯૫૦ના વર્ષમાં જવું જરૂરી બની રહેશે. એ વરસો હતાં રાજાશાહી વખતનાં જ્યારે ખેડૂતો માટે કોઈ પ્રકારના કાયદા નહોતા. માત્ર દેશી શિરસ્તો કે ન્યાયાલયના ફેંસલાનો એકમાત્ર આધાર તેમના માટે હતો. ખેડૂતને કોઈ રક્ષણ નહોતું અને દરેક ઘર ખેતી પર જ નભતું હતું. જમીનદાર ધારે ત્યારે ખેડૂત પાસેથી, કોર્ટમાં જઈને જમીન ઝૂંટવી શકે એવી હતી સ્થિતિ. ‘ક’ રાજ્ય મળ્યું અને કમિશનરે કચ્છ રાજ્યનો વહીવટ સંભાળ્યો પછી એ સ્થિતિમાં સુધારો થયો. ૧૦ મે, ૧૯૫૦ના દિવસે તેમણે ખેડૂતો માટે મુંબઈ રાજ્યના ચાર કાયદા કચ્છના ખેડૂતો માટે લાગુ પાડ્યા.

એ ચાર કાયદામાં ૧) મુંબઈ જમીન મહેસૂલ ધારો ૨) મુંબઈ ભાડુઆત અને ખેત જમીન ધારો ૩) મુંબઈ મામલતદાર કોર્ટ કાયદો અને ૪) મુંબઈ રેવન્યુ ટ્ર‌િબ્યુનલ કાયદાનો સમાવેશ થતો હતો. જાદુ થઈ ગયો. આ કાયદાઓથી ખેડૂતોને રક્ષણ મળ્યું. હવે જ્યાં સુધી ગણોતિયો ગણોત ભરતો હોય ત્યાં સુધી તેની પાસેથી જમીન આંચકી શકાય નહીં એટલું જ નહીં, સંરક્ષિત ગણોતિયો જો ૧૯૪૬થી એ જમીન ખેડતો હોય તો તે જમીનદાર પાસેથી ઠરાવેલ કિંમતે જમીન ખરીદી પણ શકે એવી જોગવાઈ પણ કરવામાં આવી હતી.

રશિયામાં લોહિયાળ ક્રાન્તિ અને હજારોની કતલ પછી જે સાધ્ય થયું હતું એ કચ્છમાં સ્વરાજ આવતાં એ કાયદાઓના કારણે અહિંસક રીતે સાધ્ય થયું હતું. રક્તહીન ક્રાન્તિ, વર્ગવિગ્રહથી નહીં પણ કાયદાના અમલથી થઈ. ખેડૂત ઋણ ધારો, મુંબઈ લાગુ થતાં જે ખેડૂત પર પંદર હજારથી વધુ કરજ ન હોય તે તડજોડ કરીને વ્યવહાર પૂરો કરી શકે એવી કાયદામાં જોગવાઈ હતી અને એના માટે ખાસ કોર્ટ રચવામાં આવી હતી. કોર્ટ ખેડૂતની આર્થિક સ્થિતિ મુજબ તેને લાંબા સમયના હપતા કરી આપતી, લેણું પણ ઘટાડી આપતી હતી. જમીનો પાછી અપાવવાનું કામ પણ કોર્ટે કર્યું હતું. એ કાયદો ૧૯૫૧માં લાગુ પડ્યો. આટલી ઝડપથી સુખના દિવસો જોવા મળતાં પ્રજામાં ખુશાલી વધી ગઈ.

મુંબઈ રાજ્ય હેઠળ કચ્છને મૂકવામાં આવ્યું ત્યાં સુધીમાં વિકાસ તીવ્ર ગતિથી થતો રહ્યો. ખેડૂતોને લક્ષમાં રાખીને જ સિંચાઈની યોજનાઓ ઝડપભેર હાથ ધરાઈ. જોકે રાજાશાહીમાં પણ સિંચાઈ પ્રત્યે રાજાનું ધ્યાન હતું જ, કારણ કે રાજ્યની આવકનો આધાર જ ખેતપેદાશ પર હતો. એ રીતે ૧૯૪૮ પહેલાં એટલે કે રાજાશાહીમાં નાના-નાના ૨૪ ડૅમ હતા. એ પછી ૧૯૫૬ સુધીમાં ૩૮ જેટલા ડૅમ બાંધવામાં આવ્યા હતા. એ સાથે જંગલ અને પશુધનનો પણ વિકાસ થયો હતો. તત્કાલીન કેન્દ્ર સરકારે સર દાતારસિંહને એ અંગેના અભ્યાસ માટે ખાસ કચ્છ મોકલ્યા હતા. તેમણે મહત્ત્વનાં સૂચનો આપ્યાં હતાં. સૌથી વધારે અસર કરનારી કેન્દ્રની યોજના હતી ‘સમૂહ વિકાસ યોજના’. સૈકાઓથી કચ્છની ખેતીપ્રધાન પરિશ્રમી પ્રજાને વિકાસની કોઈ કલ્પના પણ નહોતી. એ લોકો અત્યંત જુનવાણી માનસ ધરાવતા હતા. અંધારા અને અગવડો તેમને કોઠે પડી ગયાં હતાં. ન તો વધારે ઉત્સાહ હતો ન કોઈ મહેચ્છા.

સમૂહ વિકાસ યોજના એટલે ગ્રામ્યજીવન બદલવાની એક હાકલ. વિકાસલક્ષી કાર્યક્રમોની શરત એવી રહેતી કે શાળાનું મકાન બાંધવું હોય કે દવાખાનું કે પછી રસ્તા બાંધવા હોય, કુલ ખર્ચની અર્ધાથી ઓછી રકમ ગ્રામજનો આપે, બાકીનો ખર્ચ સરકાર કરે. ૧૯૫૨માં, બીજી ઑક્ટોબરે ભુજ-નખત્રાણાનાં કેટલાંક ગામડાંઓમાં પ્રથમ સમૂહ વિકાસ યોજના શરૂ થઈ હતી. નિષ્ઠાવાન અધિકારી હરિલાલ જેઠીએ એ કામમાં એવું તો દિલ પરોવ્યું હતું કે ૧૯૫૩-૫૪માં રાપર, ૧૯૫૪-૫૫માં અબડાસા, ૧૯૫૫-૫૬માં માંડવી, ૧૯૫૬-૫૭માં ભચાઉ-ખડીર, ૧૯૫૮-૫૯માં અંજાર, ૧૯૫૯-૬૦માં મુંદ્રા, ૧૯૬૦-૬૧માં લખપત-બન્ની-ખાવડા વગેરે વિસ્તારો યોજનાઓથી ધમધમવા લાગ્યા હતા. કચ્છનું સ્વરૂપ બદલાવા લાગ્યું હતું.

આ યોજનાના કારણે લોકો જુનવાણી માનસમાંથી બહાર આવવા લાગ્યા. કલ્પના ન કરી હોય એવું અવનવું બનતું જોવા મળતાં એક પ્રકારનો ઉલ્લાસ અનુભવવા લાગ્યા હતા. એક ગામમાં રસ્તો બને, એનું ઉદ્ઘાટન થાય એટલે બીજા ગામને પણ પોરસ ચડે અને એ પણ જાહેર કરે કે અમે શાળાનું મકાન બંધાવીશું કે પાકો રસ્તો બંધાવીશું. સૌ કામે લાગી જાય અને એ કામ પૂરું થાય એટલે ઉદ્ઘાટન ઉત્સવ ઊજવવાનો પ્રસંગ ઊભો થઈ જાય.

પછી તો તોલમાપ પણ નવા આવ્યા. જે સાડાબાવીસ રૂપિયાનો કચ્છી શેર હતો એ ૮૦ રૂપિયા ભારનો દાખલ થયો. વજનમાં સઈ, માપ, પાટવી એ તોલ બંધ થયા. બહુ ઓછા લોકોને ખબર હશે કે દૂધ કળશિયાના હિસાબે મળતું. એ પણ બંધ થયું. ૪૦ શેરનો એક મણ દાખલ થયો જે કચ્છી ત્રણ મણ બરાબર હતો. તોલમાપ બદલાતાં એક ફાયદો એ થયો કે કચ્છ દેશના અન્ય ભાગો સાથે એકતા સાધી શક્યું.

સ્વરાજ્ય પહેલાં ગામડાના લોકોને કે શહેરના લોકોના સામાન્ય માણસોને સુખનો કોઈ અધિકાર હોવાના સિદ્ધાંતની ખબર જ નહોતી. ભુજમાં શરદબાગ સુધી ડામર રોડ હતો. રાજા પોતાના રણજિત વિલા મહેલથી ગામની અંદર આવેલા પ્રાગ મહેલ સુધીના રસ્તા પર વીજળીના દીવા લગાવે, પણ શહેરના સામાન્ય લોકો એવા વૈભવથી વંચિત રહેતા. એવી સ્થિતિમાં ગામડાની પ્રજા અંગે એવું વિચારી પણ ક્યાંથી શકાય? આવી અસમાનતાઓ છતાં કોઈ પ્રકારની ક્રાન્તિ, રાજા સામે બળવો કે સંઘર્ષ નહોતા થતા. લોકોએ અપનાવી જ  લીધું હતું કે ‘એ તો એમ જ હોય.’

તકલીફો પડતી. રસ્તાઓ ન હોવાના કારણે અને અંધારાના કારણે ગાડા માર્ગે વટેમાર્ગુ રઝળી પડતા. આજની પેઢીને કલ્પના પણ નહીં આવે કે સ્વરાજ્ય પહેલાં વડીલોએ કેટલી અને કેવા-કેવા પ્રકારની યાતનાઓ વેઠી હતી. યુવાન વયે મૃત્યુ, માંદગીમાં તકલીફો, શિક્ષણ વિના અંધાપો... બધું સામાન્ય ગણાતું. કચ્છી પ્રજાની ઘણી વસ્તી એ સમયે પણ મુંબઈમાં હતી. થતું એવું કે એક ભાઈ મુંબઈમાં રહે અને મરીન ડ્રાઇવના દીવા જુએ અને બીજો ભાઈ કચ્છમાં કોઈ ગામડામાં રહે અને અંધારાં, ખાડા, ઊંટવૈદની સારવારથી પીડાતો હોય! આવા અંધકારમય કચ્છના જીવનને સાચા અર્થમાં જીવંત કરવાનું હતું અને એ પ્રક્રિયા ૧૯૫૦માં શરૂ થઈ.      

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK