મૌત ક્યા હૈ કૈસે સમજાઉં ઝમાને કો મુસાફિર થા, રાસ્તે મેં નીંદ આ ગયી

Published: May 07, 2020, 21:52 IST | Jayesh Chitalia | Mumbai

સોશ્યલ સાયન્સ - આ લેખના ટાઇટલમાં લખાયેલી નાનીશી પંક્તિમાં મોત વિશે બહુ જ સહજ રીતે વાત કહી દેવાઈ છે.

કુન્દનિકાબહેન, ઇરફાન ખાન અને રિશી કપૂર જેવી હસ્તીઓ તેમના જીવનકાળ દરમ્યાન જગતને કંઈક યાદગાર, નોંધનીય પાઠ આપીને ગયાં છે;
કુન્દનિકાબહેન, ઇરફાન ખાન અને રિશી કપૂર જેવી હસ્તીઓ તેમના જીવનકાળ દરમ્યાન જગતને કંઈક યાદગાર, નોંધનીય પાઠ આપીને ગયાં છે;

કોરોનાએ ફેલાવેલી મોતની છાયા હેઠળ હાલ આખું જગત આવી ગયું છે. જોકે મોતને માત્ર કોરોનાના કારણની જરૂર પડતી નથી, એ તો કોઈ પણ કારણસર આવી શકે છે. જોકે કોરોનાએ આ વખતે લોકોને મોતના ભયથી નવસેરથી જીવવા માટે શીખવવાનું શરૂ કર્યું છે. આ સમયકાળને સમજીશું તો જીવન અને મોત બન્ને સાર્થક થઈ શકે. આ લેખના ટાઇટલમાં લખાયેલી નાનીશી પંક્તિમાં મોત વિશે બહુ જ સહજ રીતે વાત કહી દેવાઈ છે. ગયા સપ્તાહમાં બુધવારે બૉલીવુડના દમદાર અભિનેતા ઇરફાન ખાનનું માત્ર 54 વરસની ઉંમરે અવસાન થયું. એના બીજા જ દિવસે સુવિખ્યાત વિદુષી લેખિકા-સાહિત્યકાર કુન્દનિકાબહેન કાપડીઆના અવસાનના સમાચાર આવ્યા. હજી આ વાત લોકો સુધી પહોંચે ત્યાં તો ગુરુવારે સવારે બૉલીવુડના વધુ એક શાનદાર અભિનેતા રિશી કપૂરે લાંબા સમયની બીમારીને કારણે અચાનક વિદાય લઈ લીધી. જોકે આ ત્રણેયના અવસાનનું કારણ કોરોના નહોતું બલકે તેમની અન્ય બીમારી હતું. કુન્દનિકાબહેનની ઉંમર ૯૪ વર્ષ હતી. જોકે આ લાંબી આયુમાં તેઓ આદરપાત્ર અને પ્રેરણાદાયી જીવન જીવી ગયાં અને પોતાના સાહિત્યસર્જન મારફત જગતને સરસ ભેટોનો ખજાનો આપીને ગયાં. જ્યારે કે આ બે અભિનેતા ઘણા સમયથી ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ મૃત્યુ સામે કોઈ ક્યારેય જીતી શકે છે ખરા? એ તો કોઈ પણ હોય, એના સમયે તેને લઈ જ જાય છે. વાત માત્ર ઇરફાન ખાન, રિશી કપૂર કે કુન્દનિકાબહેનની વિદાયની નથી, હાલ કોરોનાને કારણે જગતભરમાં મૃત્યુનો પડછાયો છવાઈ રહ્યો છે અને સતત લોકોના માથે ભમ્યા કરે છે. 

જોકે કોરોનાના કરુણ તાંડવ વચ્ચે માણસોની ખેલદિલી પણ કંઈ સાવ ફેંકી દેવા જેવી નથી. કોરોના સર્જિત ગંભીર સંજોગોમાં અને
જીવન-મરણના ભયજનક વાતાવરણમાં પણ સોશ્યલ મીડિયામાં માણસો દ્વારા ક્યાંક આ વિષયમાં મસ્તી અને હળવાશવાળી પોસ્ટ મુકાતી રહેતી હોય છે અને તેના પર ખડખડાટ હસાતું પણ હોય છે. તાજેતરમાં આવી એક પોસ્ટમાં વાંચવામાં આવ્યું કે અત્યાર સુધીની કહેવત મુજબ માણસ એકલો આવે છે અને એકલો જાય છે, પરંતુ 2020માં કોરોના બાદ આ કહેવત બદલાઈને હવે એવું કહેવાય છે કે માણસ એકલો ભલે આવતો પણ હવે જેના સંપર્કમાં આવે છે તેને પણ સાથે લઈ જાય છે.
જોકે આપણે માત્ર આવી હળવી વાત કે ભારે વાત કરવી નથી, પરંતુ મૃત્યુને સમજવાની કોશિશ કરવાની વાત કરવી છે જેમાંથી
આપણે પણ બાકાત રહેવાના નથી. આખરે તો દરેકે આ માર્ગે યાત્રા કરવાની જ છે, જેથી એને સમજવાના પ્રયાસ થવા સાથે એના પ્રત્યેની જાગ્રતિ પણ હોવી જોઈએ.

કોરોનાને કારણે જીવનનો વળાંક

કોરોનાએ જીવનને સાવ જ નવો વળાંક આપવાનો આરંભ કરી દીધો છે, જ્યારે મૃત્યુને નવું સ્વરૂપ આપવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં એક પરિચિતના મરણના સમાચાર બીજા પરિચિતે જણાવ્યા ત્યારે મુખમાંથી એક વાક્ય સહજ સરી પડ્યું, હજી ગઈ કાલે તો મેં તેમની સાથે ફોન પર અડધો કલાક વાત કરી હતી. એ ભાઈ તો ગઈ કાલે જ મને એમ કહેતા હતા કે આવતી કાલે બહારગામ જવા નીકળવાનો છું. આવતી કાલ તો શું, આપણે તો આખી જિંદગીના પ્લાન બનાવતા રહેતા હોઈએ છીએ. જ્યારે કે કલાક તો શું મિનિટ પછી શું થવાનું છે એની આપણને ખબર હોતી નથી.


મોત ક્યાંય પણ, કોઈ પણ સ્વરૂપે

કોઈ પિકનિક પર જઈ રહ્યું છે અને માર્ગમાં અકસ્માત થઈ જાય છે, કોઈ ચાર ધામની યાત્રા પર જાય છે અને અંતિમ ધામ પહોંચી જાય છે. કોઈનાં લગ્ન નક્કી થયાં છે, પરંતુ મૃત્યુ તેને એ પહેલાં જ પોતાની સાથે લઈ જાય છે. કોઈએ કેટલાંય સપનાં અને મહત્ત્વાકાંક્ષા તૈયાર કરી ભાવિ પ્લાન બનાવ્યા હોય છે. આમ દરેકે કેટલાંય કામો વિચારી રાખ્યાં હોય છે. મૃત્યુ આપણને આવી ઘટનામાંથી એક યા બીજી રીતે સંદેશ આપતું રહે છે. આપણી પાસે આવતી કાલ હશે જ એની કોઈ ખાતરી નથી. સ્વજનનું હોય કે પરજનનું હોય, મૃત્યુ સતત આપણને યાદ કરાવે છે; તમે પણ કતારમાં છો. તાજેતરમાં એક પ્રાર્થનાસભામાં જવાનું થયું. એક 40 વરસની વ્યક્તિનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. એ યુવાનને આમ તો નખમાંય કોઈ રોગ નહોતો, પરંતુ યમરાજ આવું બધું ક્યાં જુએ કે નોંધે છે, એ તો માણસનો સમય પૂરો થાય કે લેવા આવી જાય છે. હજી તો એ પ્રાર્થનાસભામાંથી નીકળીને ઘરે પહોંચ્યો ત્યાં થોડા જ કલાકમાં એક સંબંધી યુવાનના મૃત્યુના સમાચાર મળ્યા. આ યુવાને હજી આગલી રાતે પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી અને બીજા દિવસે સવારે જ તેને બ્રેઇન સ્ટ્રોક આવી ગયો. ગયા વરસે મારી જ હાઉસિંગ સોસાયટીમાં ‍રહેતા એક પાડોશી બાથરૂમમાં નહાતાં-નહાતાં ઢળી પડ્યા. સિવિયર હાર્ટ-અટૅક! મારા જ એક ખાસ મિત્રની વાત યાદ આવે છે. આ ભાઈ જસ્ટ ઊભા થઈને પોતાના ફ્લૅટની એક રૂમમાંથી બીજી રૂમમાં આવ્યા ત્યાં સાથે મૃત્યુ પણ આવી ગયું. છેલ્લે વાતો કરવાનું તો બાજુએ રહ્યું, મૃત્યુ વિચારવાનો પણ સમય આપતું નથી.
જીવન અને મરણ વચ્ચેનો સમય
આવા તો અનેકવિધ કિસ્સા આપણને આપણી આજુબાજુ નિયમિત જોવા-સાંભળવા મળતા રહે છે. અકસ્માતના કારણે હોય કે આત્મહત્યા મારફત હોય અથવા માંદગીને કારણે હોય, મોત તો કોઈ ને કોઈ નિમિત્ત લઈને એના સમયે હાજર થઈ જ જાય છે. એનો સાર એક જ નીકળી શકે કે દરેકના જીવનમાં અનિશ્ચિતતા અનેક રહેતી હોય છે, પરંતુ એકમાત્ર નિશ્ચિતતા મૃત્યુની હોય છે. સમય, તારીખ, વાર અને સ્થળ પણ નિશ્ચિત હોય છે; માત્ર માણસને એની ખબર નથી હોતી. અર્થાત જીવનમાં જો કંઈ નિશ્ચિત છે તો એ કેવળ મૃત્યુ જ છે. અલબત્ત, આ તમામ અનિશ્ચિતતા કે નિશ્ચિતતા બાદ પણ માણસે ભાવિનું આયોજન કરતા રહેવું પડે છે. આવતી કાલની પણ ખબર ન હોવા છતાં માણસે આવનારાં અનેક વરસોનું, નિવૃત્તિનું કે વૃદ્ધાવસ્થાનું આયોજન કરવું પડે છે. જોકે જીવન અને મૃત્યુ વિશે કાયમ યાદ રાખવા જેવું આ વિધાન છે. જન્મ આપણા હાથની વાત નથી, મરણ પણ આપણા હાથની વાત નથી; પરંતુ જન્મ અને મરણ વચ્ચેનો સમયગાળો એટલે જિંદગી આપણા હાથની વાત છે, એને સમજીને જીવી લઈએ તો જીવન અને મરણ બન્ને સાર્થક થઈ જાય.

દુનિયા મુસાફરખાનું


આમ તો આ જગત મુસાફરખાનું છે જ્યાં આપણે રહીએ છીએ ત્યારે એ યાદ રાખવું મહત્ત્વનું છે કે અહીં કાયમ રહેવા કોઈને મળતું નથી, એક દિવસ અહીંની રૂમ ખાલી કરવાની હોય છે. હોટેલમાં જેમ ચેકઆઉટ હોય છે એમ દુનિયામાંથી પણ ચેકઆઉટ થવાનું નક્કી હોય છે. એમાં વધુ પૈસા ભરીને પણ વધુ રહેવા મળતું નથી અને હા, આ ચેકઆઉટ સમય પણ માણસ પોતે નક્કી કરી શકતો નથી બલકે કુદરત-ભાગ્ય-પરમાત્મા જે કહો તે, નક્કી કરી રાખે છે. અંગ્રેજીમાં મૃત્યુ માટે એક શબ્દ છે પાસ્ડ અવે અર્થાત પસાર થયા. એટલે કે અહીં કાયમી વસવાટ કોઈને માટે નથી, દરેક જણ કેવળ પસાર થાય છે. આ પસાર થયા વખતના સમયને લોકો આયુષ્ય કહે છે.
જીવવાનું યાદ આવી ગયું
અત્યારે કોરોના વાઇરસ મારફત જગતભરમાં મૃત્યુનો વ્યાપક ખેલ ચાલી રહ્યો છે. ગરીબ, અમીર, ઊંચ, નીચ, જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા વગેરેના ભેદભાવ વિના આ મૃત્યુદેવતા કોરોનાને નામે એક પછી એકને લઈ જઈ રહ્યા છે. આ વખતે મૃત્યુદેવતાએ કંઈક એવો રસપ્રદ ભય ઊભો કર્યો છે કે જેઓ વરસોથી જીવન જીવવાનું જ ભૂલી ગયા હતા તેમને જીવન જીવવાનું એકદમથી યાદ આવી ગયું છે. હવે આ સત્ય કાયમ માટે સમજાઈ જાય તો જીવન અને મોત બન્ને સાર્થક થઈ શકે. કુન્દનિકાબહેન, ઇરફાન ખાન અને રિશી કપૂર જેવી હસ્તીઓ તેમના જીવનકાળ દરમ્યાન જગતને કંઈક યાદગાર, નોંધનીય પાઠ આપીને ગયાં છે; જેથી તેમના મોતનો જગતને પણ રંજ હોય છે. જવાનું બધાએ છે; કેવું જીવીને જઈએ છીએ, જગતને શું આપીને જઈએ છીએ એ પછીનું જગત અને પછીનો સમય જ કહે છે. તેથી જ આપણી આજની વાતને પૂર્ણ પણ આ સંદર્ભમાં એક અફલાતૂન પંક્તિ સાથે જ કરીએ
મૌત ઉસકી હૈ જિસકા ઝમાના અફસોસ કરે
વરના તો સભી યહાં આતે હૈ મરને કે લિએ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK