Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સતત પ્રયત્નશીલ રહેજો આ નવા વર્ષમાં

સતત પ્રયત્નશીલ રહેજો આ નવા વર્ષમાં

01 January, 2020 02:46 PM IST | Mumbai
Sejal Ponda

સતત પ્રયત્નશીલ રહેજો આ નવા વર્ષમાં

હૅપી ન્યુ યર

હૅપી ન્યુ યર


હૅપી ન્યુ યર. કૅલેન્ડરનું પાનું ફેરવાયું અને લો નવું વર્ષ હાજર. કૅલેન્ડરનાં ફેરવાતાં પાનાંની સાથે આપણી જિંદગીનાં પાનાં પણ ફેરવાતાં જાય છે. કૅલેન્ડરની છપાયેલી તારીખમાં ફેરબદલ શક્ય નથી. જિંદગી જીવવાની ફિલસૂફીમાં ફેરબદલને સતત અવકાશ છે.

સતત એટલે કાયમી, નિરંતર, લગાતાર, હંમેશાં. આ બધા જ શબ્દો આપણી રોજબરોજની જિંદગી સાથે વણાઈ ગયા છે. શબ્દોની સાથે પ્રયત્ન પણ વણાઈ જતો હોય છે. કોઈ પણ કામ પાછળ થતા સતત પ્રયત્નો માણસને થકવી નાખે છે. સતત પ્રયત્ન છતાં ઘણી વાર પરિણામ ન મળતું હોય ત્યારે નિરાશા થવી સ્વાભાવિક છે.



સતત પ્રયત્નશીલતાનો થાક ઘણી વાર શરીર કરતાં મગજ પર વધારે સવાર થઈ જતો હોય છે. એક વાર મગજમાં ઘૂસી જાય કે હવે આ કામ નહીં થાય મારાથી. હવે આ સંબંધ નહીં સચવાય. પછી મગજ આ વિચાર પર પોતાનો કબજો જમાવીને બેસી જાય છે. આ વિચાર આપણી પર એટલો બધો હાવી થઈ જાય કે  આપણે વધુ પ્રયત્ન કરતા રોકાઈ જઈએ છીએ. પ્રયત્નનાં હથિયાર આપણે હેઠાં મૂકી દઈએ છીએ. 


માણસનું જીવન સતત વહેતું રહે છે. જિવાતી જિંદગીમાં સતત પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે. સંબંધ બંધાઈ ગયા પછી એને ટકાવી રાખવા આપણે સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. જીવનમાં કશી ગૅરન્ટી નથી કે કશું સ્થાયી નથી. જીવન પરિવર્તનશીલ છે.

સંબંધમાં બંધાયા પછી એ કેટલા ટકશે એ કોઈ કહી ન શકે. પણ આપણા સતત પ્રયત્નો સંબંધને ટકાવી રાખે છે. આપણે કાયમી સંબંધમાં બંધાઈએ છીએ એ છતાં એ સંબંધ જેમ-જેમ જૂનો થતો જાય એમ વાસી બનતો જાય છે અને આપણે તાજગી શોધવા ફાંફાં મારીએ છીએ.


એકધારા કામનો આપણને કંટાળો આવવા લાગે છે એવા સમયે મગજને આરામની જરૂર હોય છે. મગજને કંઈક જુદો અનુભવ આપવાની જરૂર હોય છે. અમુક લોકો સતત કામ કરવામાં એટલા બધા પૅશનેટ હોય છે કે પ્રયત્નશીલ રહેવાનું તેમનું જોમ હંમેશાં તીવ્ર હોય છે. એવી જ રીતે સંબંધોની બાબતે આવા લોકો ખૂબ જોમ લગાડીને એને ટકાવી રાખવાની જહેમત કરતા રહે છે.

આ પ્રકારના લોકો જીવનને અને કામને સામાન્ય લોકો કરતાં જુદી રીતે જુએ છે અને મૂલવે છે. આ પ્રકારના લોકો નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવા તનતોડ મહેનત કરે છે. એમાં સફળતા ન મળે તો ફરી પોતાની એનર્જી કામે લગાડી દોડવા લાગે છે. હાર શબ્દ કદાચ તેમની જીવન ડિક્શનરીમાં નથી હોતો. હારને આ લોકો પોતાના મગજ પર હાવી નથી થવા દેતા. એવું નથી કે તેમને હાર મળતા આ લાકો નિરાશ કે હતાશ નથી થતા, પણ આ પ્રકારના લોકો હતાશાને ખંખેરીને ફરી હિંમત ભેગી કરે છે.

સતતનું સાતત્ય જાળવવું ખૂબ કઠિન હોય છે. દીવાને અખંડ રાખવો હોય તો એમાં સતત ઘી પૂરવું પડે. આપણા પ્રયત્નને અખંડ રાખવા હોય તો જાત હોમી દેવી પડે. ઘણી વાર છેલ્લો પ્રયત્ન દરવાજાની ખુલ જા સિમ સિમ જેવી ચાવી સમાન સાબિત થતો હોય છે.

સંબંધની માયાજાળ પણ ગજબની છે. જે આપણી પાસે છે એની સાથે આપણે ખુશ નથી અને જે આપણી પાસે નથી એની સાથે આપણે ખુશ રહેવાનાં સપનાં જોઈએ છીએ. કાયમી અને જૂના થયેલા સંબંધોમાં આપણે પ્રયત્ન છોડી દઈએ છીએ અને નવા સંબંધ તરફ ઘસડાયા કરીએ છીએ. થોડા વખત પછી એ નવો સંબંધ પણ વાસી થઈ જશે અને આપણે ફરી કોઈ નવા સંબંધ તરફ દોટ મૂકીશું. આ દોટ નિરંતર ચાલુ રહે છે. આવી નિરંતરતા જોખમી સાબિત થાય છે. જીવનમાં એક વાત નક્કી છે કે નક્કી કશું જ નથી. અને જ્યારે કશું નક્કી ન હોય ત્યારે નક્કી પ્રયત્ન તો કરી જ લેવો જોઈએ.

આપણે માત્ર જીવીએ છીએ. આપણે સતત જીવતા નથી હોતા. જીવવાના આપણા પ્રયત્ન અમુક સમય પછી ફીકા પડી જાય છે. એ સમયે આપણે આપણી જાતને સતત જીવવા માટે, સતત પ્રયત્નશીલ રહેવા માટે, સતત સંબંધ ટકાવી રાખવા માટે હૅપી ન્યુ યર કહેવું પડે. જીવનમાં નવીનતા આવે એટલે એક્સાઇટમેન્ટ, ઉત્સાહ વધી જાય. અને આપણે દિલોજાનથી કામ કરવા લાગીએ. દિલોજાનથી બધું ટકાવી રાખવા પ્રયત્ન કરીએ. નવીનતા બહાર નહીં, આપણી અંદર જ હોય છે. નવીનતા જૂના સંબંધને છેતરી નવા સંબંધમાં શોધવાની નથી. નવીનતા જૂના સંબંધ રિવાઇન્ડ કરીને શોધવાની છે. 

જૂનું વર્ષ જરા રિવાઇન્ડ કરી બધી જ હતાશાને ખંખેરી સતત પ્રયત્નશીલ રહેવાના નિર્ધાર સાથે જાતને હૅપી ન્યુ યર કહીએ.

મલ્ટિટાસ્કિંગમાં પુરુષો પણ છે પાવરધા

મલ્ટિટાસ્કિંગ એટલે કે એકસાથે અનેક કામ કરવામાં મહિલાઓની મૉનોપોલી રહી છે. વહેલી સવારે ઊઠીને સંતાનોને સ્કૂલમાં મોકલવાં, હસબન્ડનું ટિફિન બનાવવું, રસોઈ, વડીલોની દેખભાળ, બહાર જઈને કામ કરવું અને ઍાફિસમાંથી પરત ફર્યા બાદ બાળકોને હોમવર્ક કરાવવું. ઓછા સમયમાં વધુ કામ કરવામાં મહિલાઓની તોલે કોઈ ન આવે એવું અત્યાર સુધી માનવામાં આવતું હતું. તાજેતરમાં આ માન્યતાને ખોટી ઠેરવતો રિપોર્ટ સામે આવ્યો છે.

પબ્લિક લાઇબ્રેરી ઑફ સાયન્સ વન જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મહિલાઓ મલ્ટિટાસ્કર નથી, હાર્ડ વર્કિંગ છે. મહિલાઓની કાર્યક્ષમતા વિશે રિસર્ચ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે તેઓ ઘણાંબધાં કામ કરવામાં પાવરધી છે, પરંતુ તેને મલ્ટિટાસ્કર ન કહી શકાય. મલ્ટિટાસ્કિંગની વ્યાખ્યા જુદી છે. એમાં જગલિંગ કરી કામો પતાવવાનાં નથી હોતાં. મલ્ટિટાસ્કિંગમાં ફોકસ, ડેડલાઇન અને સક્સેસનો રોલ મહત્ત્વનો છે. દાખલા તરીકે કોઈ પુરુષ ડ્રાઇવિંગ કરતાં-કરતાં તેના હાથ નીચે કામ કરતી વ્યક્તિને ફોનના માધ્યમથી ઇન્સ્ટ્રક્શન આપે, ઑફિસ પહોંચતાં સુધીમાં ટેબલ પર રિપોર્ટ તૈયાર હોય એને મલ્ટિટાસ્ક કહેવાય. અહીં ફોકસ (રોડ પર અને ફોન પર), ડેડલાઇન અને સક્સેસ ત્રણેય જોવા મળે છે. સ્ટડી કહે છે કે મલ્ટિટાસ્કિંગમાં મહિલાઓ નહીં, પણ પુરુષો એક્સપર્ટ છે.

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2020 02:46 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK