Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વડીલો યાદ કરે છે ૧૯૭૧ અને ૧૯૭૫ના યુદ્ધ અને કટોકટીના એ દિવસોને

વડીલો યાદ કરે છે ૧૯૭૧ અને ૧૯૭૫ના યુદ્ધ અને કટોકટીના એ દિવસોને

15 April, 2020 07:11 PM IST | Mumbai
Alpa Nirmal

વડીલો યાદ કરે છે ૧૯૭૧ અને ૧૯૭૫ના યુદ્ધ અને કટોકટીના એ દિવસોને

વડીલો પાસેથી જાણીએ ઇતિહાસના એ કપરા દિવસોની વાતો

વડીલો પાસેથી જાણીએ ઇતિહાસના એ કપરા દિવસોની વાતો


કોવિડ-૧૯ વાઇરસે  દુનિયાના બધા જ દેશોમાં કાળો કેર વર્તાવ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં  લોકો મરી રહ્યા છે. અનેકગણા કોરોના વાઇરસના સકંજામાં સપડાઈ રહ્યા છે. માસ્ક, દવા, મેડિકલ સ્ટાફ, હૉસ્પિટલ ફૅસિલિટી વગેરેની અછત છે અને ચારેકોર દહેશતનો માહોલ છે. દરેક

દેશની ઇકૉનૉમી પણ હાલકડોલક છે. સતત ભાગતી-દોડતી  દુનિયા  જાણે થંભી ગઈ છે. દરરોજ નવી તકલીફો છે, દરરોજ નવા પડકારો છે. આથી દુનિયાના દરેક દેશોએ આ પરિસ્થિતિને વૉર લાઇક  સિચુએશન ગણાવી છે.‍ આપણા દેશમાં પણ હાલત ખરાબ છે. બજારો, કંપનીઓ અને ઑફિસો બંધ છે. ટ્રાન્સપોર્ટેશન બંધ છે. અમુક વિસ્તારોમાં કરફ્યુ છે. ૪૫ વર્ષથી નાની જનરેશને તો ભારતને આવી સ્લોડાઉન પોઝિશનમાં ક્યારેય નથી જોયું. એમાંય ૧૯૯૧ પછી  ઇન્ટરનૅશનલ માર્કેટ માટેના દરવાજા ખૂલ્યા પછી તો ભારતે



ક્યારેય પોરો ખાધો નથી. હા, નાનાં-મોટાં અપડાઉન આવ્યે રાખે, પણ એ પ્રાદેશિક સ્વરૂપે હોય. બાકી આખો દેશ તાળાબંધીમાં હોય એવી પરિસ્થિતિ ચાર દાયકામાં ક્યારેય સર્જાઈ નથી.  વેલ, આ વૉર લાઇક સિચુએશન વિશે વધુ જાણવા અમે કેટલાક સિનિયર સિટિઝનોને મળ્યા, જેમણે ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ૧૯૭૫થી ૭૬ સુધી દેશમાં લદાયેલો ઇમર્જન્સીનો સમય જોયો છે, અનુભવ્યો છે.


૧૯૭૧ના યુદ્ધ અને ૧૯૭૫ની ઇમર્જન્સીમાં ભિન્ન મોરચે લડવાનું હતુંઃ વિનોદભાઈ શાહ

 આધ્યાત્મિક, સાહિત્ય, સામાજિક કાર્યક્રમો કરતી સંસ્થા ‘વિચાર યાત્રા’ સાથે સંકળાયેલા વિનોદ શાહ કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં પેદા થયેલી વૉર લાઇક સિચુએશનને ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધ અને એનાં ચાર વર્ષ બાદ દેશમાં લદાયેલી કટોકટીની સરખામણી કરતાં કહે છે, ‘એ વખતે અન્યાય સામે લડવાનું હતું, વિચારસ્વાતંત્ર્ય, વાણીસ્વાતંત્ર્ય અને રોજિંદા જીવનવ્યવહારમાં જરૂરી ચીજવસ્તુઓની અછત સામે લડવાનું હતું, જ્યારે આજે પડકાર અલગ છે. આજે  દરેક વ્યક્તિની પોતાની આંતરિક લડાઈ છે. ફાસ્ટ લાઇફ સામે તેણે ધીરગંભીર થવાનું છે.’ ૭૮ વર્ષના વિનોદભાઈ આગળ કહે છે, ‘ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે એટલો વિશ્વાસ હતો કે જીત આપણી થશે. પાડોશી દેશ આપણને હરાવી નહીં શકે. જોકે  યુદ્ધમાં વિજયી  થયા છતાં આ નાનું રાષ્ટ્ર આજે પણ છમકલાં કરે છે જે આખા રાષ્ટ્રએ  ભોગવવાં પડે છે. બંગલા દેશ અલગ થયું એ  સારું થયું, પરંતુ એને કારણે શરણાર્થીઓની  સમસ્યા ઉત્પન્ન થઈ. હવે સામાજિક પૉઇન્ટ ઑફ વ્યુથી જોઈએ તો એ સમયે બૉમ્બાર્ડિંગથી બચવા અંધારપટ કરાતો, પણ એ નિયમોમાં રહેવાનું લોકો માટે અઘરું નહોતું. કારણ કે એ સમયે રાષ્ટ્રપ્રેમ બહુ મજબૂત હતો.’


હવે કટોકટીના કાળની વાત કરું તો સરમુખત્યારશાહી શું કહેવાય એની ખબર દરેકને  ઇમર્જન્સીમાં પડી એમ કહેતાં કાંદિવલી-વેસ્ટમાં રહેતા વિનોદભાઈ ઉમેરે છે, ‘શાસકોની  બર્બરતા સામે ભલભલા રાજકારણીઓ ઘૂંટણ ટેકવી ગયા. આ દુઃસ્વપ્ન સમાન ટાઇમમાં  વિચાર  અને વાણી  પર પણ  કન્ટ્રોલ રાખવો પડતો. જોકે ૭૦ના દાયકાની શરૂઆતનાં છ-સાત વર્ષ રોજબરોજના જીવનમાં પણ સખત હાલાકી હતી. સડેલું ધાન્ય મળે, વળી પૂરતા પ્રમાણમાં મળે નહીં. દૂધ, અનાજ વગેરે દરેક વસ્તુઓ માટે લાઇન લગાડવી પડે. ઇન શૉર્ટ, માણસ એવી લડતમાં અટવાઈ રહે કે બીજો કોઈ વિચાર જ ન આવે. ઍક્ચ્યુઅલી આ પરિસ્થિતિ ઉદ્ભવવાનું કારણ શાસકોમાં કોઈ વિઝન નહોતું કે મૅનેજમેન્ટ નહોતું. આજે કોરોના સામે તો વૉર છે જ. સાથે વિશ્વની મહાસત્તાઓ વચ્ચે આપણા દેશે વિખેરાયા વગર નીખરી આવવાનું છે. જે એક જંગ સમાન છે.’

સાયરન વાગે ત્યારે લાઇટો બંધ કરી દેવી પડતી: નરેન્દ્રભાઈ  પટેલ

ગોરેગામની સંસ્કારધામ વિદ્યાલયના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ પટેલ કહે છે, ‘ભય વિના પ્રીત થતી નથી. અત્યારે દુનિયાના બધા દેશોનો દુશ્મન એક જ છે અને એના ભયને કારણે દરેક દેશો એકજૂટ થયા છે. આમ તેમની વચ્ચે પ્રીતિ બંધાઈ છે.  ભારત-પાકિસ્તાન વચ્ચેનું ૧૯૭૧માં થયેલું યુદ્ધ પ્રાદેશિક યુદ્ધ હતું, જેમાં ફક્ત ભારત, પાકિસ્તાન અને બંગલા દેશ સંકળાયેલાં હતાં. આખા વિશ્વને કોઈ ફરક નહોતો પડ્યો. એ સમયે પાડોશી દેશો આપણી જમીન પચાવી પાડશે, સંસ્કૃતિનો નાશ કરશે એવો ભય હતો. આ યુદ્ધમાં આર્મી ઇન્વૉલ્વ હતી અને ઇનડાયરેક્ટલી દેશના શાસકો. એ સમયે પબ્લિકનું યુદ્ધમાં ડાયરેક્ટ ઇન્વૉલ્વમેન્ટ નહોતું. હા, દુશ્મન તમારા વિસ્તારમાં બૉમ્બાર્ડિંગ ન કરે એ માટે રાતે પ્રજાએ પોલીસની સાઇરન વાગે એટલે ઘરની લાઇટો બંધ કરી દેવાની. બારીમાંથી બહાર પ્રકાશ ન જાય એ માટે બારીના કાચ પર પૂઠાં લગાવી દેવા જેવા કાયદા હતા. રેડિયો પર અને વર્તમાનપત્રોમાં યુદ્ધ વિશેના સમાચારો મળતા. બાકી સરહદો સિવાયના પ્રદેશોમાં જનજીવન સામાન્ય હતું. ૧૯૭૫થી ૧૯૭૭ સુધીની ઇમર્જન્સી ત્યારના દેશના શાસકોના દોરીસંચાર પર લદાયેલી હતી. આ સિચુએશન માત્ર‍ ભારત પૂરતી જ સીમિત હતી. હા, સરકારે કાયદામાં પોતાની રીતે છૂટછાટ લીધી હતી. તેઓની એકહથ્થુ સત્તા ચાલે એ માટે વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પૂરી દેતા. તેમને ફુલ પોશાક પહેરાવીને એમાં વાંદા અને ગરોળી નાખવામાં આવતાં. વિરોધીઓના દાંતના ચોકઠાની ઉપર સારડી ફેરવી ડેન્ચર ઢીલું કરી નાખતા. એવી-એવી યાતના આપતા. લોકોને પણ એ સમયે મોટી સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ હતો તેમ જ તત્કાલીન પરિસ્થિતિ પર બોલવું કે વિરોધ કરવો એ ગુનો ગણાતો. એ સમયગાળામાં ક્યારેક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની અછત થઈ, પરંતુ એને કારણે લોકો હેરાન-પરેશાન નહોતા થયા, કારણ કે પ્રજાની જરૂરિયાતો ઘણી ઓછી હતી.’

 વિવિધ વર્તમાનપત્રો અને મૅગેઝિનમાં કૉલમનિસ્ટ તરીકે કાર્યરત રહેનારા  નરેન્દ્રભાઈ પટેલે ૧૯૭૧ના યુદ્ધ પછી મેજર જનરલ કરીઅપ્પાનો ઇન્ટરવ્યુ કર્યો હતો. હાલની પરિસ્થિતિ વિશે જણાવતાં નરેન્દ્રભાઈ આગળ કહે છે, ‘કોરોના એ તો જંતુને કારણે ઊભી થયેલી કટોકટી છે, જેની સામે બધાએ પોતપોતાની રીતે એકલું રહીને ‍યુદ્ધ લડવાનું છે. બધું જ બંધ હોવા છતાં નથી કોઈ ખાવા-પીવાની ચીજો પર રૅશનિંગ કે નથી મુકાયું સગવડો પર નિયંત્રણ. દરેકને બોલવાની આઝાદી છે, પોતાનો મત રજૂ કરવાની આઝાદી છે. સમય પસાર કરવા માટે ટેલિવિઝન, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા અને બીજાં અનેક સાધનો છે છતાં ઘણાને આ લૉકડાઉનની પરિસ્થિતિ  કપરી લાગે છે.  પ્રજા શાસકોની વિનંતીઓ-અપીલો અવગણીને આમતેમ ફર્યે રાખે છે. નિયમોનો ભંગ કર્યે રાખે છે. આ યુદ્ધ જીતવું હશે તો જાતે પોતાના પર પ્રતિબંધ મૂકવા પડશે.

 

 એ ટાઇમે તો કોઈને પણ પકડીને જેલમાં બેસાડી દેવાતાઃ શરદભાઈ પટેલ

 

૧૯૭૫ની ઇમર્જન્સી વખતે અસ્પી એન્જિનિયરિંગ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર  શરદભાઈ પટેલ ૩૬ વર્ષના હતા. આ સમયગાળામાં તેમણે ઉદ્યોગપતિઓ પ્રત્યે સરકારની વહાલાંદવલાંની નીતિ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનુભવી છે. ૮૭ વર્ષના શરદભાઈ કહે છે, ‘ઇમર્જન્સીના દિવસો ભારતમાંના ઇતિહાસમાં કાળા ધબ્બા સમાન છે. એ સમયે સરકારે અન્ય પક્ષના નેતા પર તો ભારે દમન ગુજાર્યો હતો અને ઉદ્યોગધંધામાં પણ લાઇસન્સ-રાજને કારણે બહુ અનીતિ હતી. સમાચારો  ફિલ્ટર થાય, સાચી ખબર છાપતાં ધરપકડ થાય. અરે, એ ટાઇમે તો કોઈને પણ પકડીને જેલમાં બેસાડી દેવાતા. ખેર, એ કાળોતરા દિવસોની વાતો ઘણી વખત થઈ છે. ૧૯૭૧ના યુદ્ધની વાત પણ અનેક વખત થઈ છે. આ યુદ્ધ બળવાન અને નિર્બળ વચ્ચે હતું. પશ્ચિમ પાકિસ્તાન આઝાદ થયું ત્યાર પછી પૂર્વ પાકિસ્તાનના લોકોને બહુ રંજાડતું હતું. સ્વતંત્રતાનાં ૨૬ વર્ષ પછી પૂર્વ પાકિસ્તાનના લોકો સરકારના અત્યાચારથી કંટાળ્યા અને ભારત સરકાર પાસેથી મદદ માગી. ભારત સરકારે પૂર્વ પાકિસ્તાનને મદદ કરી અને બંગલા દેશનો જન્મ થયો. આ કારણથી પાકિસ્તાને આપણા પર હુમલો કર્યો. અફકોર્સ, પાકિસ્તાન કરતાં આપણે બળૂકા એટલે આપણે બહુ મોટું નુકસાન વેઠવું ન પડ્યું, પણ ત્યારથી જ વિશ્વના બે મોટા દેશ ભારત અને પાકિસ્તાનના ઇનડાયરેક્ટ સપોર્ટર તરીકે ઊભરી આવ્યા. જનરલ પ્રજાજનોને યુદ્ધ અને ઇમર્જન્સીને કારણે બહુ ઝાઝો ફરક ન પડ્યો, કારણ કે ત્યારે લોકોની જીવનશૈલી સાદી હતી અને લાઇફ સ્લો હતી. માણસો સરળ અને સંતોષી હતા.’

એના પછી તો ભારતે કોઈ કપરા દિવસ જોયા નથી. હા, ઇન્ટર્નલ પ્રૉબ્લેમ દરેક રાજ્યોમાં છે, પરંતુ વિશ્વસ્તરે આજે આપણી પરિસ્થિતિ ઘણી સ્ટ્રૉન્ગ છે, એમ કહેતાં શરદભાઈ ઉમેરે છે, ‘ત્યાં કોરોનાના સંક્રમણે આખો સિનારિયો ચેન્જ કરી નાખ્યો.  તેજ ગતિથી ભાગતો આપણો દેશ થંભી ગયો. યસ, પ્રજાએ નિયમો જાળવી વાઇરસની સામે તો યુદ્ધ લડવાનું જ છે અને સાથે લૉકડાઉનના પિરિયડમાં ઇન્ડિપેન્ડન્ટ થવાનું યુદ્ધ પણ લડવાનું છે. ઉદ્યોગપતિની દૃષ્ટિએ કહું તો આજે આપણે ચૉકલેટથી લઈને મોટી-મોટી મશીનરીઓ ચીનની બનાવટની વાપરીએ છીએ. પ્રોડક્ટ અહીં બનાવીએ તો પણ એનો કાચો માલ ત્યાંથી આવે. આ પરવશતા સામે યુદ્ધ લડવાનો ટાઇમ આવી ગયો છે.  હા, ઇકૉનૉમી પર જરૂર ઇફેક્ટ થશે. ગાડી પાટે ચડતાં એક-બે વર્ષ લાગી પણ જાય, પરંતુ આ મોકો ચુકાવો ન જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2020 07:11 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK