Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સફળતા સૌથી પહેલાં ક્યાં જન્મે?

સફળતા સૌથી પહેલાં ક્યાં જન્મે?

15 February, 2020 01:25 PM IST | Mumbai
Sanjay Raval

સફળતા સૌથી પહેલાં ક્યાં જન્મે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે જે વિષય પર વાત કરવાની છે એ વાત બહુ અગત્યની છે. જીત, જીત મેળવવી કેવી રીતે, સફળ થવું કઈ રીતે અને સક્સેસને હાંસલ કેવી રીતે કરવી?

સફળતાની એક બહુ સરળ ફૉર્મ્યુલા છે. જો એને અપનાવતાં આવડી ગઈ તો તમને કોઈ સફળ થતાં રોકી ન શકે, કોઈ અટકાવી ન શકે, પણ એ કેવી રીતે મેળવવી અને કેવી રીતે સક્સેસફુલ થવું એની વાત અને એનું સૉલ્યુશન શોધતાં પહેલાં આપણે બીજી વાત કરી લઈએ. વાત છે વર્ષો પહેલાંની. મેં બારમા ધોરણમાં સાયન્સમાં ઍડ્મિશન લીધું હતું. ખૂબ મજા કરી અને ખૂબ સારી રીતે ભણ્યો પણ ખરો. રિઝલ્ટનો દિવસ આવ્યો એટલે બધા ટેન્શનમાં, પણ મને મનમાં કોઈ ભાર નહીં, હતા એમને એમ જ. મારા બધા મિત્રોને ૯૦ અને એનાથી ઉપર ટકા આવ્યા. બધાને. બધા હરખાય, રાજી થાય અને ઠેકડા મારે. હવે આવ્યો રિઝલ્ટ લેવા જવાનો મારો વારો. હું ગયો માસ્તરના ટેબલ પાસે એટલે માસ્તરે રિઝલ્ટ ઊંધું રાખી દીધું. મને મનમાં થયું, બસ વાત પૂરી. સાબિત કરી દીધું કે આપણે ક્લાસમાં પહેલો નંબર લઈ આવ્યા.



બાવન ટકા આવ્યા રોકડા. બધો ફાંકો નીકળી ગયો.


શિક્ષકે સમજાવ્યું અને મહેનત કરવા કહ્યું. કૉલેજમાં વધારે સારી રીતે તૈયારી કરવાનું કહ્યું. ત્યાંથી નીકળીને આપણે મન મનાવ્યું કે હાશ પાસ તો થઈ ગયો અને આજે પણ ખૂબ જ રાજી છું, ખુશ છું. કોને ખબર હતી કે આટલો સક્સેસ થઈશ અને આટલી ઉંમરમાં આ બધું મેળવી શકીશ. કોઈએ વિચાર ન કર્યો હોય. લાઇફ થોડી પ્લાનિંગ પ્રમાણે ચાલવાની, પણ મેં જે આવ્યું અને જે આવતું ગયું એને એક્સેપ્ટ કર્યું અને આગળ વધતો ગયો. બસ જો આ એક્સેપ્ટન્સ જીવનમાં આવી જાય તો અડધાથી વધારે પ્રશ્નો ઑટોમૅટિકલી હલ થઈ જાય, પણ એ થઈ નથી શકતું અને એનું કારણ એક જ છે. આપણને જાત પર વિશ્વાસ નથી અને વિશ્વાસ નથી એટલે આપણે હંમેશાં ટેકો શોધતા રહીએ છીએ. એ દિવસે રિઝલ્ટ પછી નિરાશ થઈને બધું છોડી દીધું હોત તો?

તો આજે કોઈ આપણને બોલાવવા પણ આવત નહીં. આ પાવર જોઈએ. આ ટેમ્પરામેન્ટ જોઈએ. તમને નિષ્ફળતા મળે પણ ખરી. પ્રયત્નો નહીં છોડવાના. અર્જુનની વાત લોકો બહુ કહે. જો અર્જુન પેલું વૃક્ષ જો, હવે પક્ષી જો, હવે એ પક્ષીની આંખ જો અને લગાવ નિશાન. બસ, આમ ફોકસ રહેવાનું. ના, જરાય નહીં.


આવું ફોકસ રાખવા માટે મારું અર્જુન હોવું જરૂરી છે. મને ઝાડથી આગળ કંઈ દેખાતું નથી તો નિશાન ક્યાંથી લગાવવાનો? એટલે જ તમારે તમારા જેવું બનવાનું છે. બધાને અર્જુન બનીને આંખ જ નિશાનમાં લેવી હોય તો એટલાં પક્ષી ક્યાંથી લાવશો. ના, તમારું ધ્યેય તમારે જ નક્કી કરવાનું અને ઈશ્વર પર પૂરતી શ્રદ્ધા રાખવાની છે. ઈશ્વર પડવા નહીં દે કોઈને ક્યારેય અને પડતા હશો તો ભરોસો નહીં છોડતા. ઈશ્વર તમને ઝીલી લેશે. ઈશ્વર જે આપે એનો સ્વીકાર કરો અને સતત મહેનત કરતા રહો. નાની-નાની વાતમાં શું કામ નાસીપાસ થવાનું? થતું રહે એ તો જીવન છે.

વિશ્વાસ હશે તો સઘળું મેળવી શકશો, પામી શકશો. એ પાવર લઈ આવો તમારામાં કે ન થાય એવું આ દુનિયામાં કશું હોતું જ નથી. એક કાકાની વાત મને બહુ યાદ આવે. સાંભળવા જેવી છે વાત.

એક ગામમાં લૉટરી બધા લે, પણ લાગે કોઈને નહીં. એક કાકા બસ એકલા એવા જે લૉટરીની ટિકિટ ન લે. બધા સમજાવે કે કાકા લઈ લો, અમે પૈસા આપીએ, પણ કાકા માને નહીં. એક દિવસ કાકાએ ચુપચાપ ૭૨ નંબરની લૉટરીની ટિકિટ લઈ લીધી. સવાર પડી અને જોયું તો લૉટરી કાકાને જ લાગી હતી. હવે કાકા આવી ગયા ફૉર્મમાં. બધાને નવાઈ લાગી, બધાએ કાકાને પૂછ્યું કે લૉટરી તમને જ કેમ લાગી?

‘મને સપનું આવ્યું હતું...’ કાકાએ વાત ચાલુ કરી, ‘હું સ્વર્ગમાં છું અને ૭ અપ્સરા નૃત્ય કરે છે અને તેમની પાછળ બીજી ૭ અપ્સરા નૃત્ય કરે છે. બસ, મેં નક્કી કરી લીધું કે સાત ગુણ્યા સાત એટલે કે ૭૨ નંબર. મેં લઈ લીધી એ ટિકિટ.’

૭x૭ કરો તો જવાબ ૭૨ ક્યાંથી થાય?

બધાએ કાકાનો ઊધડો લેવાનું શરૂ કર્યું. કહે, ‘કાકા બણગાં ફૂંકવાનું બંધ કરો, સાત ગુણ્યા સાત ૪૯ થાય. કાકા પણ ગાંજ્યા જાય એવા નહોતા. કાકાએ કહ્યુંઃ ‘લૉટરી કોણ જીત્યું, હુંને? તો બસ ૭x૭ = ૪૯ નહીં, ૭૨ જ થાય.’

જીવનમાં પણ એવું જ છે ભાઈ. ૭૨ કરવાવાળા મોજથી જીવે છે અને સાચો જવાબ આપનારા એટલે કે સાત ગુણિયા સાત ૪૯ કરનારા લાઇનમાં ધક્કા ખાય છે. આવું તમારી સાથે ન બને એ માટે વાસ્તવિકતાને ભૂલો નહીં અને ધ્યેય નક્કી કરીને મચી પડો. બધા સફળ જ છે અને સફળતા માટે જ સૌનો જન્મ થયો છે. ફરિયાદો નહીં કરો અને જે છે એને એમ જ સ્વીકારો.

સ્વીકારો, પણ એને સ્વીકારીને બેસી રહેવાનું નથી. છે એ સ્વીકારીને એને વધારે ને વધારે સારું કઈ રીતે કરી શકાય એ માટેના પ્રયત્ન કરો. જીવનમાં લોકોને મેં સતત પૈસા માટે પાગલ થયેલા જોયા છે. જરૂરી પણ છે. દિવસ શરૂ થાય અને પૈસાની દોટ શરૂ થાય. આખો દિવસ, રાતે પણ અજંપો અકબંધ હોય. શું કામનો એ પૈસો જે તમને શાંતિ ન આપે? પૈસો અને શાંતિ બન્ને હોવાં જોઈએ.

પૈસા નકામા છે એવું કહેવાનો ભાવાર્થ નથી, પણ એને પામવા શાંતિનો અનાદર નહીં કરો. સ્ટીવ જૉબ્સ અમેરિકા છોડીને આપણે ત્યાં આવ્યા હતા અને બે વર્ષ રહ્યા હતા. ૫૦૦૦ વર્ષ જૂનો દેશ અને આટલી જૂની સંસ્કૃતિ. શું શીખ્યા હશે તેઓ ભારત પાસેથી? એ જને કે ન ગમે એવી તકલીફો વચ્ચે પણ આ દેશ ફરીથી ઊભો કઈ રીતે થઈ જાય છે.

આ સવાલનો જે જવાબ છે એ આપણે પણ શોધવાનો છે. આપણી શાંતિ અને આપણો આત્મવિશ્વાસ આપણી મૂડી છે. એ કોઈ લઈ નહીં જઈ શકે. સ્વામી વિવેકાનંદ પ્રવચન પછી પાછા જતા હતા ત્યારે કોઈકે સવાલ કર્યો હતો કે તમે આટલા મોટા સંત છો, આટલા નૉલેજેબલ છો તો કપડાં લઘરવઘર શું કામ, સૂટ અને બૂટમાં ફરો.

સ્વામી વિવેકાનંદે બહુ સરસ જવાબ આપેલો. તેમણે કહ્યું કે તમારે ત્યાં ઓળખાણ કપડાં અને જૂતાંથી થાય, પણ મારા દેશમાં ઓળખાણ વિચારો, સંસ્કારો અને વર્તનથી થાય.

આપણા વિચારો અને સંસ્કાર આપણી ઓળખાણ છે. આપણું વર્તન આપણી ઓળખાણ છે. તમે તમારી જાતને તૈયાર કરો. તમે જ તમારા તારણહાર છો. તમારે જ તમારું કલ્યાણ કરવાનું છે. તમે તમારા પડખે ઊભા હશો તો તમારે કોઈની જરૂર નહીં રહે. સંસ્કાર, વેદ અને સંસ્કૃતિનું મહત્ત્વ આપણે ઓછુ આંકીએ છીએ, પણ વિશ્વમાં ચારેકોર એના જ ડંકા વાગે છે. જેના ઘરઆંગણે ગંગા વહે છે તેને જ એની કદર નથી અને દુનિયાઆખી ત્યાં પાપ ધોઈ જાય છે. આવો જ ઘાટ છે અત્યારે. જે છે એ આપણી અંદર જ છે અને એ જ શોધી કાઢવાનું છે. આપણી પાસે જે ધરોહર છે એનું ગૌરવ લો અને એ ધરોહરનો ઉપયોગ કરો.

જ્ઞાન, સમય અને આત્મવિશ્વાસનાં હથિયારો તમારી પાસે છે અને ઈશ્વર તમારી સાથે છે. પછી કોઈની તાકાત નથી કે તમને હરાવી શકે. જે તાકાત છે એનો પૂરતો ઉપયોગ કરો અને પછી જુઓ. સફળતા તમને સામેથી શોધતી આવશે. બસ બે જ વાત એક્સેપ્ટન્સ અને કૉન્ફિડન્સ. જે થાય છે એ સારું થાય છે અને જે થાય છે એના કરતાં વધારે સારું કરવાનો કૉન્ફિડન્સ મારામાં છે. સફળ તો આપણે બધા જન્મથી જ છીએ. એ રેસ જીતીને નવ મહિને જન્મ લીધો એનાથી બીજી મોટી કઈ સફળતા હોવાની સાહેબ.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2020 01:25 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK