Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારા વિચારો છૂપા ન રહેતા હોત તો?

તમારા વિચારો છૂપા ન રહેતા હોત તો?

16 February, 2020 02:52 PM IST | Mumbai
Kana Bantwa

તમારા વિચારો છૂપા ન રહેતા હોત તો?

તમારા વિચારો છૂપા ન રહેતા હોત તો?


મનુષ્ય નામનું પ્રાણી માત્ર મન હોવાથી માણસ બન્યું છે? થોડાઘણા અંશે તો મન બધાં પ્રાણીઓમાં હોય છે. મગજ તો લગભગ તમામ જીવમાં હોય છે, સૂક્ષ્મ જીવોને બાદ કરતાં માણસ હાલના સ્તરે પહોંચ્યો એમાં માત્ર તેનું મન કારણભૂત નથી, માણસ પોતાના વિચારો છુપાવી શકે છે એટલે આટલી પ્રગતિ કરી શક્યો છે, આવો બની શક્યો છે, પૃથ્વીનો માલિક બની શક્યો છે, આ દુનિયા રચી શક્યો છે. આ સુખ-સમૃદ્ધિ પામી શક્યો છે, આ સ્કાયસ્ક્રૅપર્સ બનાવી શક્યો છે. આ વ્યાપાર વ્યવસ્થા બનાવી શક્યો છે. આ પ્રોફેશનલ વર્લ્ડ ઊભું કરી શક્યો છે, આટલા દેશ બનાવી શક્યો છે, દેશના ભાગલા પાડીને પ્રાંત ઊભા કરી શક્યો છે. સંસ્કૃતિ વિકસાવી શક્યો છે. સાધનો બનાવી શક્યો છે, યુદ્ધો જીતી શક્યો છે.

 માનવી પોતાના મનમાં ચાલતી બાબતો છુપાવી શકે છે એટલે જ આ જગતનું આવું સ્વરૂપ છે, મનુષ્યનું આવું જીવન છે, દુનિયાદારીનો આવો વ્યવહાર છે. થોડું વિચિત્ર લાગે છેને? મનમાં શું ચાલે છે એ છુપાવી શકે છે એટલે આ બધું સંભવ બન્યું છે એ બાબત પચાવવી અઘરી લાગે એવી છે, પણ એ વાસ્તવિકતા છે. માણસનું મન ગજબ છે. એ ઈશ્વર પણ છે અને રાક્ષસ પણ છે. એ સર્વશક્તિમાન પણ છે અને નબળું-ડરપોક પણ છે. એ સ્થૂળ પણ છે અને સૂક્ષ્મ પણ. એ સારાં પણ રૂપ લે છે અને ખરાબ પણ. એ માયા પણ છે અને વાસ્તવ પણ. એ દેખાય પણ છે અને અદૃશ્ય પણ છે. એ નિયંત્રણમાં હોવાનો ડોળ કરે છે, પણ કયારેય સંપૂર્ણ નિયંત્રણમાં આવતું નથી. એને પકડો તો માયાવી રાક્ષસની જેમ સ્વરૂપ બદલીને અટકી જાય છે. તમને ગમતી બાબતનું રૂપ એ લઈ લે છે, પણ નિયંત્રણમાં આવતું નથી. મનમાં શું ચાલી રહ્યું છે એ માણસ ગુપ્ત રાખી શકે છે, જરૂર પૂરતું જ જાહેર કરે છે. કેટલુંક તો એવું હોય છે જે જીવનભર જાહેર કરતો નથી. માણસનું મન તેનું અંગત રજવાડું હોય છે. એમાં તેણે કેટલાય મહેલ ચણ્યા હોય છે, કેટલાંય કેદખાનાં બનાવ્યાં હોય છે, કેટલાંય ભોંયરાં બનાવ્યાં હોય છે. કેટલાંય મંદિરો બાંધ્યાં હોય છે. કેટલાંય મયખાનાં બનાવ્યાં હોય છે. કેટલાંય ઘર બનાવ્યાં હોય છે, કેટલાંય વ્યભિચારગૃહો બનાવ્યાં હોય છે. કેટલાંય ફૂલછોડ વાવ્યાં હોય છે. કેટલાય કાંટા વાવ્યા હોય છે. કેટલુંય સુશોભન કર્યું હોય છે. કેટલીય ગંદકી રાખી હોય છે. કેટલાય અરમાન શણગાર્યા  હોય છે, કેટલીય ફૅન્ટસી લટકાવી હોય છે. કેટલાય સંતોષ સજાવ્યા હોય છે, કેટલીય અતૃપ્ત વાસનાઓને છુટ્ટી મેલી હોય છે. કેટલુંય કરવા યોગ્ય ધાર્યું હોય છે, કેટલુંય ન કરવા જેવું નિરધાર્યું હોય છે. સતના મહોલ્લા બાંધ્યા હોય છે, અસતના ઇલાકા બનાવ્યા હોય છે. ભયની સેના રાખી હોય છે, હિંમતના પહાડ ઊભા કર્યા હોય છે. ક્રોધના દાવાનળ સળગાવ્યા હોય છે, શાંતિનાં સરોવરો ભર્યાં હોય છે. એષણાઓના છોડ વાવ્યા હોય છે અને નિષ્ફળતાઓનો પાક લણ્યો હોય છે. ઈર્ષાનાં ઝેરી ઇન્જેક્શન ભેગાં કર્યાં હોય છે અને સંપના શીશા ભર્યા હોય છે. મનની અંદરના આ વ્યક્તિગત બ્રહ્માંડમાં એ બધું જ માણસે સંઘર્યું હોય છે જે બહારના વિશ્વમાં છે. ફરક માત્ર એટલો જ છે કે મનની અંદરની દુનિયાને માણસ પોતે ધારે એટલી જ બહાર દેખાડે છે.



કોઈ કૂતરાને ખીજ ચડશે તો શું કરશે? તરત બચકું-વડચકું ભરશે કે બે-ચાર દિવસ પછી નિરાંતે વિચારીને? કોઈ વાઘ-સિંહ-દીપડાને ભૂખ લાગશે તો શું કરશે? આજે મંગળવાર છે એટલે ઉપવાસ કરીશ, શિકાર નહીં કરું એવું વિચારીને ભૂખ્યા રહેશે? ના. એ ગમે તેમ પેટ ભરશે. કોઈ પશુને એક દિવસ માણસો એકઠા થઈને માર મારશે તો પશુ એ દિવસે માર ખાઈ લેશે અને બીજા દિવસે આયોજન કરીને માણસો પર હુમલો કરશે? નહીં કરે. તમે તમારી પાલતુ બિલાડીને જો હેરાન કરશો તો એ પ્રતિકાર કરશે. કદાચ નહોર પણ મારી દેશે, પણ એ બિલાડી એ બાબત મનમાં રાખીને તમારી સામે કાવતરાં કરશે? નહીં કરે. કોઈ પ્રાણીના મનમાં કામદેવ પ્રવેશ કરશે તો એ સામે હિટમાં આવેલા પોતાની જાતિના નર કે માદા સાથે સંબંધ બાંધશે. તે મનમાં કેટલાંય સપનાં જોઈ લઈને મોં પર ગંભીરતા જાળવી રાખશે? નહીં જ રાખે. માણસ આ બધું છુપાવશે. ગુપ્ત રાખશે. તે એટલું જ વ્યક્ત કરશે જેટલું તેની બુદ્ધિ કહેશે, તેનો અનુભવ કહેશે, તેના સંસ્કાર કહેશે, તેનો સ્વભાવ કહેશે. માણસ મનના વ્યાપારો છુપાવે છે એટલે જ તેણે અભિનય કરતાં શીખવું પડ્યું છે. કોઈનું બૂરું થતું જોઈને મનમાં મલકાતો હોય પણ મોઢું તો એવું ઘુવડ જેવું સિરિયસ રાખશે કે જોનારને તે સૌથી દુખી લાગશે. કોઈ મળશે ત્યારે તેના પ્રત્યે સખત અણગમો હશે તો પણ એવો હસીને વાત કરશે કે પેલા માણસને લાગશે કે મળવાથી કેટલો ખુશ થયો છે આ ભાઈ. કોઈને પતાવી દેવાના કારસા જેના મનમાં ચાલતા હશે તે બહાર તો દેખાડશે જ નહીંને?


આ મનોભાવોને અવ્યક્ત રાખીને પોતાના ફાયદાની જ બાબતો વ્યક્ત કરવાની માણસની આ શક્તિ જ તેને વિચાર કરતું પ્રાણી બનાવે છે. મનમાં ચાલતી બાબતોને બહાર પાડ્યા વગર તેને ચલાવતા રહેવું એ જ વિચારની પ્રક્રિયા છે. હજારો વિચારો, પ્રવાહો, ભાવોને વલોવીને એમાંથી માણસ નિર્ણય નામનું માખણ પેદા કરે છે. વિચારે છે એ બધું માણસ કહેતો નથી, કહેવું જરૂરી પણ નથી. ન જ કહેવાય. કારણ કે એ જ તો માણસને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. એનાથી તો માણસ બીજા માણસથી અલગ પડે. એક વાનરનો અભ્યાસ કરીને તમે જગતભરના વાંદરાઓ વિશે નિષ્કર્ષ આપી શકો. એ જાતિના વાનરોની વર્તણૂક, એની સમજ, એની પ્રતિક્રિયા, એની ટેવો વિશે સચોટ આગાહી કરી શકો, પણ માણસ માટે તમે આવું કહી શકો નહીં. અહીં દરેક માણસ અલગ છે. તેના મનોભાવ કેવા છે, કેટલા જણાવે છે, કેટલા નથી જણાવતો, તેના વિચારો કેટલા પરિપ્રેક્ષ્ય છે, કેટલા યોગ્ય છે એના આધારે તેનું મૂલ્યાંકન અલગ-અલગ થઈ શકે. માણસના મનમાં ચાલતી બાબતો ગુપ્ત રહે છે એથી જ ઈશ્વર મોહ, સ્પર્ધા, લાલચ, નારાજગી, એષણા, અહંકાર વગેરે નકારાત્મક ગણાતી બાબતો સંભવ છે, પણ વાસ્તવમાં આ બધી જ બાબતો સંપૂર્ણપણે નેગેટિવ છે ખરી? ના, નથી જ. જરા ઝીણી નજરે જોશો તો આ બધી બાબતોને કારણે જ એ માણસ આજની દુનિયા બનાવી શક્યો છે. જરા વિચારો કે માણસ પૂર્ણ સંતોષી હોત તો શું થયું હોત? હજી જંગલમાં જ વસતો હોત. કદાચ, ટાઢ-તડકાથી બચવા ગુફા કે આડશનો ઉપયોગ કરતો હોત, પણ મકાનો ન બાંધ્યાં હોત. અને મહેલો તો ન જ બાંધ્યા હોત. ઈર્ષા કે સ્પર્ધા ન હોત તો બીજા કરતાં વધુ સમૃદ્ધિની ઇચ્છા પણ ન હોત. તો આ બધી સુખ-સગવડોની ચીજો જ ન શોધી હોત. લાલચ, ઇચ્છા, અહંકાર વગેરે ન હોત તો યુદ્ધો જ ન થયાં હોત અને યુદ્ધ ન થયાં હોત તો દુનિયામાં કશું નવીન ન બન્યું હોત. યુદ્ધ પણ નવસર્જન માટે જરૂરી છે (યુદ્ધ જ વિકાસ માટેનું સાધન બને છે એ વાત પછીથી ક્યારેક કરીશું). મોહ ન હોય તો ન સત્તાની પડી હોય, ન સુખની, ન સૌંદર્યની. લોભ ન હોય, ચડસાચડસી ન હોય તો ધનની કોઈ જરૂર ન હોય. તો પછી કોઈને રાજા બનવામાં રસ ન હોય, કોઈને નવું કશું કરવામાં રસ ન હોય; ગાડીઓ, બંગલા, બિલ્ડિંગો, વસ્તુઓ, ફિલ્મો, ફૅશન, લાઇફ-સ્ટાઇલ, પાર્ટીઓ, ઝાકઝમાળ, સત્તાનો સંઘર્ષ, અહંકારની લડાઈ, ધંધા, ઉદ્યોગ, કંપનીઓ, શૅરબજાર, સટ્ટાબજાર, જુગાર, ઍડ્વેન્ચર કશું જ ન હોયને?

 તમે કોઈના મનમાં આવતા વિચારો જાણી લો તો શું થાય? અથવા તમારા મનના વિચારો કોઈ જાણી લે તો શું થાય? બૉમ્બવિસ્ફોટ જને? તમારી પત્ની કે તમારા પતિ તમારા મનને વાંચી શકતા હોય તો? દુનિયાના બધા જ માણસને બીજાના વિચારની જાણ થઈ જતી હોય તો? કોઈ છોકરી સામે જોઈને કોઈ પુરુષ ત્યારે શું વિચારતો હોય એ ગુપ્ત ન રહેતું હોય તો? ઑફિસમાં બૉસ કે સહકર્મચારી વિશે મનમાં જે વિચાર, જે ભાવ આવે તે છુપાતા ન હોય તો? જગતનો આખો તાયફો ઠપ થઈ જાય જો માણસના વિચારો છૂપા ન રહેતા હોય તો. એટલે જ માણસ મનને લીધે મહાન નથી, મનની વિચારવાની શક્તિને લીધે, મનના ઍનૅલિસિસ પાવરને લીધે, પોતાના ભાવો વ્યક્ત નહીં કરવાના મનના સામર્થ્યને લીધે તે મહાન છે. આ તાકાત જ મનને ગુહ્યતમ બનાવે છે. સમજવું મુશ્કેલ બનાવે છે. ગહન બનાવે છે. ગુપ્તતાના બળને લીધે મનને માણસ પોતે પણ ઘડીકમાં સમજી શકતો નથી, તેનો તાગ મેળવી શકતો નથી. સામાન્ય માણસ તો પોતાને મનથી અલગ જાણી જ નથી શકતો. પૃથકજન માટે તો મન અને પોતે એક જ હોય છે, બહુધા. અવ્યક્ત રહેવું એ મનની અને એથી માનવીની સૌથી મોટી તાકાત છે. ઈશ્વર પણ અવ્યક્ત જ છેને?


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2020 02:52 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK