Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈ સેન્ટ્રલનું નામ જે નામ પરથી હવે ઓળખાશે એ નાના શંકરશેટ વિશે જાણો

મુંબઈ સેન્ટ્રલનું નામ જે નામ પરથી હવે ઓળખાશે એ નાના શંકરશેટ વિશે જાણો

16 January, 2021 03:43 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

મુંબઈ સેન્ટ્રલનું નામ જે નામ પરથી હવે ઓળખાશે એ નાના શંકરશેટ વિશે જાણો

મુંબઈ સેન્ટ્રલ

મુંબઈ સેન્ટ્રલ


કોઈ ને કોઈ હેતુસર સ્ટેશનનાં કે જાહેર સ્થળોનાં નામ બદલાવવાના ટ્રેન્ડથી આમ તો મુંબઈકરો ટેવાઈ ગયા છે, પરંતુ હાલમાં જ્યારે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ નાના શંકરશેટના નામ સાથે જોડવાની વાત આવી છે ત્યારે એની પાછળના હેતુમાં ન પડતાં એ ચોક્કસ કહી શકાશે કે આ નિર્ણય મુંબઈ માટે હિતકારી છે, કારણ કે એને લીધે નાના શંકરશેટે આ શહેર પર કરેલા અધધધ પરોપકારનું ઋણ મુંબઈ તેમને ચૂકવી શકશે. તો આવો આજે જાણીએ ૧૯મી શતાબ્દીમાં થઈ જનારા આધુનિક મુંબઈના ઘડવૈયા એવા નાના શંકરશેટને

હાલમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન અને ટર્મિનસનું નામ બદલીને નાના શંકરશેટ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન કરવાનો પ્રસ્તાવ પાસ થઈને કેન્દ્રમાં રેલવે મિનિસ્ટ્રીને મોકલવામાં આવ્યો છે. અંદાજે ૧૦ મહિના પછી આ નવા નામ સાથે સ્ટેશનની ઓળખ બદલાશે એવું માનવામાં આવી રહ્યું છે. આમ તો જૂનાં નામોને હટાવીને નવાં નામકરણો મુંબઈકરો માટે કંઈ નવાં નથી. આ પહેલાં પણ ચર્ની રોડ સ્ટેશનને ગિરગામ, એલ્ફિન્સ્ટન રોડને પ્રભાદેવી, કરી રોડને લાલબાગ જેવાં નવાં નામ આપવાનાં સૂચનો થયાં છે અને અમુક નામ બદલાયાં પણ છે. જેને ક્લાસિક કહી શકાય એવું બૉમ્બે નામ પણ બદલાઈને મુંબઈ થયું છે. પરંતુ મુંબઈ સેન્ટ્રલના નવા નામકરણના સમાચાર વાંચીને જો એક સામાન્ય મુંબઈકરની જેમ તમને પણ લાગ્યું હોય કે ફરી એક વખત નામ બદલે છે, એમાં શું? આમ પણ શેક્સપિયર દાદા કહી ગયા છે કે નામમાં શું રાખ્યું છે? પણ નાના શંકરશેટના નામમાં તો ઘણુંબધું રાખેલું છે. આ નામકરણ મુંબઈ માટે ગર્વ લેવા જેવી બાબત છે, કારણ કે આ નામકરણને લીધે આજના મુંબઈના આ અતિ મહત્ત્વપૂર્ણ સ્ટેશનને આધુનિક મુંબઈના ઘડવૈયા એવા જગન્નાથ (નાના) શંકરશેટ મુરકુટેનું નામ આપવાથી મુંબઈ પર કરેલા તેમના અગણિત પરોપકારનું ઋણ મુંબઈ શહેર ચૂકવી શકશે.



mumbai-central


જગન્નાથ શંકરશેટના નામનું આજે પણ મુંબઈમાં સ્ટૅચ્યુ, સ્કૂલ, ચોક, મંદિર, ચાલ અને ગલી પણ છે. છતાં આ નામ જ્યારે ન્યુઝમાં આવ્યું ત્યારે મોટા ભાગના લોકોને લાગ્યું હશે કે આ વ્યક્તિ કોણ છે? આપણે આપણા ઇતિહાસ પ્રત્યે કેટલા ઉદાસીન છીએ એ વાત આ પરથી સાબિત કરી શકાય કે ગ્રાન્ટ રોડ પર આવેલા નાના ચોક પાસે રહેતા કે એ ચોક પરથી દિવસમાં ૪ વાર પસાર થતા માણસને પણ એ ખબર નથી કે આ નાના ચોક  એ નાના શંકરશેટના નામ પરથી પડ્યું છે. આજે કરીએ ઇતિહાસમાં ડોકિયું અને જાણીએ કે જેમના નામનું સ્ટેશન ઓળખાવાનું છે એ વ્યક્તિ કોણ હતા અને તેમણે મુંબઈ માટે કેવાં કામ કર્યાં છે.

ભારતમાં રેલવે શરૂ કરનાર


૧૯મી શતાબ્દીના જગન્નાથ (નાના) શંકરશેટ મુંબઈના એક શ્રીમંત ઉદ્યોગપતિ, સમાજસેવક, સમાજસુધારક, શિક્ષણવિદ અને મુંબઈના ઉત્થાન માટે સઘન રીતે કાર્યરત હતા. તેમના નામે રેલવે-સ્ટેશન શરૂ કરવાનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં પણ રેલવે લાવવાનો વિચાર અને પ્રયત્નો બન્ને નાના શંકરશેટના જ હતા. ૧૮૪૫માં સર જમસેતજી જીજીભોય સાથે મળીને તેમણે ઇન્ડિયન રેલવે અસોસિએશનની સ્થાપના કરી જેને કારણે ભારતમાં રેલવે શરૂ થઈ. નાના શંકરશેટે જ ત્યારની બ્રિટિશ સરકાર સાથે વાટાઘાટો કરીને ભારતમાં રેલવે શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મુંબઈથી થાણે શરૂ થયેલી ભારતની સૌથી પહેલી ટ્રેનની મહત્ત્વની ક્રેડિટ નાના શંકરશેટને આપી શકાય.

બાળપણ

૧૦ ફેબ્રુઆરી, ૧૮૦૩માં તેમનો જન્મ અત્યંત શ્રીમંત એવા મુરકુટે પરિવારમાં થયો જેઓ વર્ષો પહેલા કોંકણથી મુંબઈ શિફ્ટ થયા હતા. તેમના બાળપણ વિશે વાત કરતાં નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમાના ફૉર્મર કન્સલ્ટન્ટ ક્યુરેટર અમૃત ગંગર કહે છે, ‘પોતાના દીકરાના ભણતર માટે શંકરશેટ ખૂબ જ જાગૃત હતા. નાના માટે તેમણે બ્રિટિશ અને ભારતીય એમ બન્ને ભણતર માટે સારામાં સારા શિક્ષકો રાખ્યા હતા. નાના પોતે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેમના શિક્ષકો તેમને એક વખત શીખવે પછી તે ક્યારેય ભૂલતા નહીં. તેમની યાદશક્તિ અદ્ભુત હતી એટલું જ નહીં, તેમના અક્ષર પણ ખૂબ સુંદર હતા.

mumbai-central-local

મુંબઈ તેમની કર્મભૂમિ

મુરકુટે પરિવાર દ્વારા બાંધવામાં આવેલા નાના ચોકસ્થિત ૨૧૫ વર્ષ જૂનું ભવાની શંકર મંદિર પર ડીટેલ્ડ સ્ટડી કરનાર એવાં ઇતિહાસવિદ ડૉ. કુંજલતા શાહ કહે છે, ‘મુરકુટે પરિવાર સોનીનું કામ કરતો હતો અને સાથે-સાથે તેમણે બૅન્કિંગનું કામ પણ કરેલું. શંકરશેટ, તેમના પિતાનું મુંબઈમાં ખૂબ મોટું નામ હતું. પરંતુ તેમનું અવસાન નાની ઉંમરે ૧૮૨૨માં થયું હતું અને એ પછી પરિવારના વેપારની જવાબદારી તેમણે તરત જ ઉપાડી લીધી હતી. ગિરગામમાં જ તેમની હવેલી હતી અને એ આખો વિસ્તાર જ તેમની કર્મભૂમિ પણ કહી શકાય. એ સમયની મુંબઈ શહેરમાં થયેલી દરેક ઍક્ટિવિટી સાથે નાના સંકળાયેલા હતા એ જ કારણ છે કે તેમનાં રુઆબ અને અખૂટ માન લોકલ લોકોમાં જ નહીં પરંતુ અંગ્રેજોમાં પણ ભરપૂર હતાં.’

શિક્ષણમાં અમૂલ્ય પ્રદાન

એ સમય એવો નહોતો કે ભણતરને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું, પરંતુ મુંબઈ શહેરમાં ભણતરનો પાયો નાખનાર પણ નાના શંકરશેટ જ છે. એ વિશે વિસ્તારમાં જણાવતાં ડૉ. કુંજલતા શાહ કહે છે, ‘૧૮૪૦માં મેમ્બર ઑફ ધ બોર્ડ ઑફ એજ્યુકેશન તરીકે તેમની નિમણૂક થયેલી અને પછી નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. સંસ્કૃત અને બીજી ભારતીય ભાષાઓનો અભ્યાસ વધુને વધુ લોકો કરી શકે એ માટે ઘણા પ્રયાસો કર્યા. એટલે તેમણે એ સમયે સંસ્કૃત ભાષાની ૬ અલગ-અલગ સ્કૉલરશિપ શરૂ કરેલી. તે મોટા દાની તરીકે પણ ઓળખાય છે. એ સમયે તેમના ઘરનો કૉટેજ એરિયા તેમણે સ્કૂલ માટે દાનમાં આપી દીધેલો. તે છોકરીઓના ભણતર માટે ઘણા આગ્રહી હતા. છોકરીઓ પણ છોકરાઓની જેમ ભણી શકે એ માટે તેમણે તેમના ઘરમાં જ ક્લાસ ખોલી દીધેલા.’

મુંબઈનો વિકાસ

જીવનના દરેક ક્ષેત્રમાં પછી એ સામાજિક, ધાર્મિક, રાજકીય, શિક્ષણ કે પછી સાંસ્કૃતિક હોય; નાના શંકરશેટે બધામાં જ અભૂતપૂર્વ કામ કર્યું છે. એ બાબતે વાત કરતાં અમૃત ગંગર કહે છે, ‘મેં મારી ગુજરાતી બુક ‘24 x 7 = Mumbai’ માં નાના શંકરશેટ વિશેની ઘણી વાતો ટાંકી છે. ગ્રાન્ટ મેડિકલ કૉલેજ જે આજે જે. જે. હૉસ્પિટલ તરીકે ઓળખાય છે, ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ગ્રાન્ટ રોડનું સૌપ્રથમ ડ્રામા થિયેટર, ધ બોટેનિકલ ગાર્ડન્સ કે પછી રાણીબાગ, રેલવે, બૅન્કિંગ અને ઇન્ડસ્ટ્રિયલ સ્થાપનાઓ નાના શંકરશેટના બુલંદ ઇરાદાઓ અને અથાગ પ્રયત્નોનું જ ફળ છે. આ ઇતિહાસમાં મુંબઈ એક અત્યંત આધુનિક શહેર તરીકે ઓળખાતું એ ઓળખ પાછળ નાના શંકરશેટનો મજબૂત હાથ છે. તેમની કામગીરીના જ્યાં લાખો પ્રશંસક હતા તો સામે એવા લોકો પણ હતા જે તેમનાથી ઈર્ષા કરતા હતા. પરંતુ દુશ્મનને પણ મિત્ર બનાવવાની અનોખી કળા તેમની પાસે હતી, જેને લીધે આટલો વિકાસ શક્ય બન્યો.’

ગુજરાતી-મરાઠી નાટક પ્રણેતા

એ સમય હતો જ્યારે અંગ્રેજો પાસે ફોર્ટ એરિયામાં હૉર્નિમન સર્કલ પાસે તેમનું પોતાનું થિયેટર હતું જ્યાં અંગ્રેજી નાટકો ભજવાતાં. ત્યારે નાના શંકરશેટને લાગ્યું કે કેમ આ વ્યવસ્થા આપણી પાસે નથી? આપણી ભાષાનાં નાટકો પણ ભજવાવાં જોઈએ. આ વાત કરતાં દીપક મહેતા કહે છે, ‘મુંબઈમાં પહેલું વહેલું મરાઠી નાટક નાના શંકરશેટના ઘરે ભજવાયું જે એક ખાનગી શો હતો. એ પછી તેમણે ગ્રાન્ટ રોડ પર જ આપણી ભાષાનાં નાટકો ભજવી શકાય એ માટે થિયેટરનું નિર્માણ કર્યું જ્યાં ૧૮૫૩ની ૨૯ ઑક્ટોબરે પહેલું મરાઠી નાટક ‘સીતા સ્વયંવર’નો શો થયો જે સાંગલી નાટક મંડળી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. અને એની સાથે સૌપ્રથમ ગુજરાતી નાટક પણ ભજવવામાં આવ્યું. પારસી નાટક મંડળી દ્વારા ‘રુસ્તમ અને શોરાબ’ શીર્ષક હેઠળ ગુજરાતી નાટક અને એની સાથે જ ફારસ જે નાટકનો એક પ્રકાર છે, એ પણ ભજવવામાં આવ્યું જે એક સત્યઘટના પર આધારિત હતું. એનું નામ ‘ધનજી ઘરકનો ફારસ’ હતું. આમ કળા ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઘણું મહત્ત્વનું છે.’

આધુનિક વિચારસરણી

દાદાસાહેબ પરુળેકરના વડપણ હેઠળ ૧૯૫૯માં નાના શંકરશેટ ચરિત્ર પ્રકાશન સમિતિનું નિર્માણ થયું જેમાં એમની ગરિમાને અનુરૂપ એવી તેમની આત્મકથાના નિર્માણનું કામ શરૂ થયું. એ વિશે માહિતી આપતાં અમૃત ગંગર કહે છે, ‘આ કમિટીમાં ઘણા ગુજરાતી મેમ્બર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેમ કે કે. કે. શાહ, ડૉ. મોહનલાલ બી. પોપટ, ભવાનજી અરજણ ખીમજી, જયવંતીબહેન માહિમ્તુરા, બાબુભાઈ ખખ્ખર, પુરુષોત્તમ જી ચાંચડ. નાના શંકરશેટના મુંબઈને આધુનિક શહેર તરીકે ઘડવાના ઉદાર યોગદાન બદલ ‘નાના શંકરશેટ યાંચે ચરિત્ર’માં લેખક પુરુષોત્તમ બાલકૃષ્ણ કુલકર્ણીએ તેમને ‘સાર્વજનિક સંસ્થા’ તરીકેનું બિરુદ આપ્યું હતું. નાના ખૂબ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા અને નાત-જાત કે ધર્મના ભેદથી પરે હતા. તેમણે એ સમયે હિન્દુ અને મુસ્લિમ બન્ને માટે સ્મશાનભૂમિ અને કબ્રસ્તાનનું નિર્માણ કર્યું હતું. તેઓ હંમેશાં ન્યાયના આગ્રહી રહ્યા હતા અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે અન્યાય ન થાય એ બાબતે ધ્યાન રાખવાના આગ્રહી હતા. ૧૮૩૫-૩૮ દરમિયાન ભિવંડીમાં સાંપ્રદાયિક ઝઘડાઓ શરૂ થયા હતા, જે બાબતે બ્રિટિશ સરકાર આંખ આડા કાન કરી રહી હતી એ સમયે નાનાએ ત્યારના ગવર્નર રૉબર્ટ ગ્રાન્ટને મળ્યા હતા અને માહોલને શાંત કર્યો હતો. રૉબર્ટ ગ્રાન્ટના નામે આજે પણ ગ્રાન્ટ રોડ સ્ટેશન છે. નાના શંકરશેટે સ્ત્રીઓના ઉત્થાન માટે પણ કામ કર્યું. મુંબઈ રાજ્યમાં સતીપ્રથા નાબૂદ કરવા માટે બ્રિટિશ સરકારે તેમની મદદ માગેલી અને તેમના પ્રયત્નોથી એ કાર્ય સફળ પણ થયું.’

રૉયલ એશિયાટિક લાઇબ્રેરી એટલે કે ટાઉનહૉલના બેઝમેન્ટમાં મૅથ્યુ નોબલ નામના શિલ્પકારે બનાવેલું નાના શંકરશેટનું સફેદ આરસનું એક અદ્ભુત સ્ટૅચ્યુ છે જે આજની તારીખે પણ બૉમ્બે શહેરના ઘડવૈયાની અભૂતપૂર્વ ગરિમાની ચાડી ખાય છે. જોકે આ જગ્યા સાર્વજનિક નથી એટલે આ સ્ટૅચ્યુની મુલાકાત સરળ ન બને. ૩૧ જુલાઈ, ૧૯૬૫માં નાના શંકરશેટનો દેહાંત થયો, પરંતુ તેમનું મજબૂત ઘડતર મુંબઈને ઘણું ફળ્યું અને એટલે જ એ હરણફાળે આગળ વધ્યું. આટલું જાણ્યા પછી એ વાત ચોક્કસ છે કે હવે તમે જ્યારે મુંબઈ સેન્ટ્રલને નાના શંકરશેટ મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ તરીકે બોલશો ત્યારે તમારા અવાજમાં કૃતજ્ઞતા સાથે ગર્વ ચોક્કસ હશે.

મુંબઈ સેન્ટ્રલ નામ કેમ?

મુંબઈ સેન્ટ્રલનું નામ જ્યારે બદલાવવાનું છે ત્યારે એ પણ જાણી લઈએ કે આ સ્ટેશનને મુંબઈ સેન્ટ્રલ નામ કેમ આપવામાં આવ્યું? મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ૧૯૩૦માં ફક્ત ૨૧ મહિનામાં તૈયાર થયેલું સ્ટેશન છે જે પોતાનામાં એક રેકૉર્ડ છે. એ સમયે ૧ કરોડ ૫૬ લાખ રૂપિયામાં બનેલું આ સ્ટેશન ક્લોડ બેટલી નામના બ્રિટિશ આર્કિટેક્ટે બનાવેલું છે. કેટલાક અખબારી અહેવાલો મુજબ મુંબઈ સેન્ટ્રલ નામ ન્યુ યૉર્ક શહેરના ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ નામ પરથી રાખવામાં આવ્યું છે. આ બાબતે વધુ પ્રકાશ પાડતાં ૧૯મી સદીના સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસુ અને લેખક દીપક મહેતા કહે છે, ‘એ સમયે જેટલાં પણ સ્ટેશન હતાં એનાં નામ એ સ્ટેશન જે એરિયામાં સ્થિત હોય એ એરિયા પરથી જ રાખવામાં આવતાં હતાં જેથી યાદ રાખવામાં પણ સરળ રહે. મુંબઈ સેન્ટ્રલ જે એરિયામાં પડતું એ એરિયાનું નામ એ સમયે ફોરાસ રોડ હતું જેનું નામ હાલમાં કમાઠીપુરા છે. આ એરિયા એ સમયે પણ રેડ લાઇટ એરિયા જ હતો. સ્ટેશનનું નામ જો ફોરાસ રોડ રાખે તો એ નૈતિક રીતે બરાબર ન લાગે એમ વિચારીને આ સ્ટેશનનું નામ કંઈ જુદું રાખવાનું વિચારવામાં આવ્યું અને અંતે એનું નામ બૉમ્બે સેન્ટ્રલ ટર્મિનસ પડ્યું, જે પાછળથી ૧૯૯૭માં બદલીને મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ થયું.’

ફન ફૅક્ટ

નાના શંકરશેટના પૂર્વજ ગણબા શેટની ફોર્ટ વિસ્તારમાં મોટી હવેલી હતી જ્યાં નાના શંકરશેટનું પણ બાળપણ વીત્યું. ગણબા શેટનો પણ એ સમયે ખાસ્સો દબદબો હતો. તેમના દેહાંત પછી એ શેરીને ગણબા સ્ટ્રીટ તરીકે ઓળખવામાં આવી. આ વિશે મજાની વાત જણાતાં દીપક મહેતા કહે છે, ‘અંગ્રેજો આપણાં નામોને વ્યવસ્થિત ઉચ્ચારી શકતા નહીં જેથી દરેક નામને તે પોતાની રીતે બોલતા. ગણબા બોલતાં તેમને ન ફાવ્યું એટલે તેમણે આ શેરીનું નામ ગન્બો (Gunbow) સ્ટ્રીટ કરી નાખ્યું. પાછળથી જ્યારે આઝાદી મળી ત્યારે ૨૦૦ વર્ષ પછી લોકો ભૂલી ગયેલા કે આ શેરીનું નામ ગણબા શેટના નામે છે. એના ઉચ્ચાર પરથી ઘણા લોકોને એવું પણ થયું કે આ કોઈ બ્રિટિશરના નામ પરથી શેરીનું નામ રાખવામાં આવ્યું છે જેથી ઘણા લોકોએ આ શેરીનું નામ બદલવાની માગણી પણ કરી. હકીકતમાં એ એક ભારતીય વ્યક્તિના નામ પરથી પાડવામાં આવેલું નામ હતું, નહીં કે કોઈ બ્રિટિશરના નામ પરથી.’ 

દાદાભાઈ નવરોજીએ નાના શંકરશેટ માટે શું કહેલું?

‘આપણે મુંબઈના મૂળ નિવાસી લોકો જગન્નાથ શંકરશેટના મહા ઋણી છીએ જેમણે આ શહેરમાં શિક્ષણના પ્રથમ બીજનું વાવેતર કર્યું એટલું જ નહીં, એનું (એ બીજનું) નિરીક્ષણ કરી એનું પાલનપોષણ પણ એટલું જ સારી રીતે કર્યું.’

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2021 03:43 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK