સંતાનોને શું આવડવું જરૂરી છે?

Published: Jan 31, 2020, 15:30 IST | Varsha Chitaliya | Mumbai

વર્તમાન માહોલમાં નાનપણથી જ બાળકોને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા પર ભાર મૂકવો જોઈએ એ વાત સાથે બધા જ પેરન્ટ્સ સહમત છે. જોકે શું શીખવાડવું જોઈએ એ બાબત દરેક પેરન્ટની વિચારધારા જુદી હોઈ શકે છે. ચાલો આજે આપણે જોઈએ તેઓ પોતાનાં સંતાનોને શું શીખવાડી રહ્યા છે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

આજકાલ વૉટ્સઍપ પર એક મેસેજ બહુ વાઇરલ થઈ રહ્યો છે. બેટી કો કરાટે ઔર બેટે કો પરાઠે આને ચાહિએ. જોકે આ વાત ગર્લ્સની સલામતી અને બૉયઝને ઇન્ડિપેન્ડન્ટ બનાવવાના સંદર્ભમાં કહેવાઈ છે. કમ્પેટિટિવ વર્લ્ડમાં ટકી રહેવા તેમ જ વર્કિંગ પેરન્ટ્સની વધતી સંખ્યાના કારણે સંતાનોને યંગ એજથી જ ઘરનાં કામકાજ આવડવાં જોઈએ એ વાતમાં વજૂદ તો છે. ચાલો ત્યારે સંતાનોને કેવાં કામો આવડવાં જોઈએ તેમ જ શું શીખવું અનિવાર્ય છે એ મુંબઈના કેટલાક પેરન્ટ્સ પાસેથી જાણીએ.

સેફ્ટી નૉર્મ્સ શીખવાડવા પર ખાસ ભાર મૂકવો જોઈએ

વર્તમાન સમયમાં સલામતીના પાઠ ભણાવવા સૌથી વધુ જરૂરી છે એવો મત વ્યક્ત કરતાં ૧૦ વર્ષની પ્રિયાંશી અને ૯ વર્ષના ધ્રુવનાં મમ્મી કિરણ સુમ્બાડ કહે છે, ‘સંતાનોને ડિસિઝન લેતાં આવડવું જોઈએ. અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં હૉસ્પિટલ આવેલી છે તેથી પેશન્ટને જોવા સગાંવહાલાં આવતાં હોય. તેઓ પરિસરમાં રમતાં બાળકોને ઍડ્રેસ પણ પૂછતાં હોય છે. મારો દીકરો થોડો તોફાની છે એટલે ખાસ કહી રાખ્યું છે કે કોઈને રસ્તો બતાવવા તેની સાથે જવું નહીં. આમ તો હું હાઉસવાઇફ છું તેથી લગભગ ઘરે જ હોઉં, પણ ક્યારેક બહાર ગયા હોઈએ ત્યારે શું કરવાનું છે એ ખબર હોવી જોઈએ. સલામતી માટે બન્નેને કહી રાખ્યું છે કે અમારી ગેરહાજરીમાં અજાણી વ્યક્તિ માટે દરવાજો ખોલવો નહીં. ઘરનાં કામ માટે હજી તેઓ ઘણાં નાનાં છે તો પણ કપડાંની ગડી કરવી, સ્ટૅન્ડમાં વાસણ કઈ રીતે ગોઠવવાં તેમ જ ઝાડુ કાઢવા જેવાં કામો બન્ને બાળકો કરી આપે છે. જમતી વખતે ખાવાનું ઢોળાય તો તેણે જ ઉપાડવાનું જેણે ઢોળ્યું હોય. એનાથી સ્વચ્છતાનું મહત્ત્વ તેઓ શીખે છે. આ સિવાય શાકભાજી અને ફ્રૂટ્સ ખરીદતી વખતે એ ફ્રેશ છે કે નહીં એ ચેક કરીને લેવાં જોઈએ એ પણ શીખવાડ્યું છે. સેટરડે-સન્ડેમાં પ્રિયાંશીને જેવી આવડે એવી બે-ત્રણ રોટલી વણવા આપીએ. જોકે ગૅસ વાપરવાને હજી વાર છે.’

ઘરના કામકાજ કરતાં મૉરલ વૅલ્યુઝ શીખે એ વધુ જરૂરી છે

શીખવું એટલે શું? ઘરનાં કામકાજ આવડવાં જોઈએ એમ? ૮ વર્ષના વ્રજ અને ૧૪ વર્ષની સૃષ્ટિનાં મમ્મી પૂજા શાહ કહે છે, ‘અન્ય વર્કિંગ મધરનાં બાળકોની સરખામણીએ મારાં સંતાનોને ઘરનાં કામકાજ ઓછાં આવડે છે. મારી દૃષ્ટિએ ઘરનાં કામ કરતાં મૉરલ વૅલ્યુઝ શીખે એ વધુ મહત્ત્વનું છે. વાસ્તવમાં બાળકો પાસેથી ક્યારે શું કામ લેવાનું છે તેમ જ એ લોકોને શું આવડવું જોઈએ એની તાલીમ મારાં સાસુ આપે છે. દાદીમાની છત્રછાયામાં રહેતાં હોય એટલે સ્વાભાવિક છે લાડ-પ્યાર વધુ મળે અને ઘરનાં કામ કરવાની જરૂર પડે નહીં. જોકે તેમને એવી તાલીમ મળી રહી છે જે અમે ઇચ્છીએ તો પણ આપી શકીએ એમ નથી. આપણા ઘરે મહેમાન આવે તો તેમને પગે લાગવાનું હોય જેવા સંસ્કારો તેઓ દાદા-દાદી કે નાના-નાની પાસેથી શીખે છે. બીજું, ડિજિટલ યુગમાં બાળકો પર મૉનિટરિંગ જરૂરી છે. વર્કિંગ પેરન્ટ્સ તો મોબાઇલ આપીને છૂટી જાય છે. મારાં સાસુએ ટાઇમ લિમિટ બાંધી રાખી છે. આ પણ એક પ્રકારની તાલીમ જ છે. જોકે સાવ એવું પણ નથી કે તેમને કંઈ નથી આવડતું. સ્કૂલ બૅગ ગોઠવી લે અને યુનિફૉર્મ જાતે તૈયાર કરી લે. નજીકની દુકાનમાંથી કોઈ વસ્તુ લાવવાની હોય તો સૃષ્ટિ દાદીમાને હેલ્પ કરે છે. કોઈક વાર મૅગી જેવી વસ્તુ બનાવી બન્ને ભાઈ-બહેન ખાઈ લે. અત્યારે આટલું આવડે છે એ ઘણું છે.’

મારી દીકરી એટલી ચીકણી છે કે તેને જેવું-તેવું ચાલતું નથી

અગિયાર વર્ષની સ્વિમિંગ ચૅમ્પિયન કાવ્યા નાનપણથી જ એટલી પર્ફેક્શનિસ્ટ છે કે તેને બધું જ ચોખ્ખુંચણક જોઈએ એમ જણાવતાં તેનાં મમ્મી નિતલ શાહ કહે છે, ‘આજકાલનાં બાળકોને હેલ્ધી ફૂડ ખાતાં શીખવવું એ પેરન્ટ્સ માટે ટાસ્ક છે. મારે એ શીખવાડવાની જરૂર પડી નથી. મારી દીકરી સ્પોર્ટ્સમાં અવ્વલ છે એટલે ભૂખ ખૂબ લાગે અને ઘરનું જમવાનું હોય એમાં જ પેટ ભરાય. આ કારણસર તે બધી જ રસોઈ ખાતાં શીખી છે. ચોખ્ખાઈની બાબતમાં પણ પોતે જ ચીકણી છે. બેડિંગ જાતે કરે, કબાટ જાતે ગોઠવે અને સ્વિ‍મિંગ કૉમ્પિટિશનમાં જવાનું હોય ત્યારે બધી જ વસ્તુ યાદ કરીને લે. આમ મારે શાંતિ છે. જોકે સોશ્યલ લાઇફમાં કઈ રીતે રહેવાનું છે એનું નૉલેજ આપવું પડે. અત્યારનાં બાળકો લગ્નપ્રસંગોમાં આવતાં નથી. પરાણે લઈ જાઓ તો ત્યાં જઈ તેઓ મમ્મી-પપ્પાના મોબાઇલ લઈ સાઇડમાં બેઠાં રહે છે. આ સિસ્ટમ મને જરાય ગમતી નથી. હવે ફૅમિલી નાનાં થતાં જાય છે. આપણા રિલેટિવ્સ અને નજીકનાં સગાંવહાલાંઓ સાથે ઓળખાણ કરાવવી જરૂરી છે. જો તેઓ સમાજમાં ભળતાં શીખશે નહીં તો આગળ જતાં એકલાં પડી જશે. લોકોની સાથે કઈ રીતે વાત કરવી, સોશ્યલ લાઇફમાં કઈ રીતે ઇન્વૉલ્વ થવું એ આવડવું જોઈએ. અમારી દીકરી આ શીખે એમાં વધુ રસ છે. બાકી બધાં કામો તો સમયની સાથે આવડી જવાનાં છે.’

ભૂખ લાગે તો જાતે ઓરિયો મિલ્કશેક બનાવીને પી લે

છોકરો હોય કે છોકરી, ઘરનાં કામકાજ તો બન્નેને આવડવાં જોઈએ એવો મત વ્યક્ત કરતાં ૧૨ વર્ષના આરવનાં મમ્મી કાજલ ગાંધી કહે છે, ‘હવે એ જમાનો નથી રહ્યો જ્યારે છોકરીઓ જ રસોડામાં કામ કરતી હતી. ઇન્ડિપેન્ડન્ટ રહેવું સમયની જરૂરિયાત છે. જોકે રસોડામાં એકલા કામ કરવાની ના પાડી છે. હું માથે ઊભી રહી ઇન્સ્ટ્રક્શન આપું પછી જ ગૅસ ચાલુ કરવાનો. તેને ઢોસા બનાવતા શીખવાડ્યા છે. પહેલાં તવા પર બટર લગાવવાનું, ખીરું પાથરવાનું, ઢોસાને કઈ રીતે ઊથલાવવાનો એમ બધું જ આવડે છે. મિલ્કશેક અને બૉર્નવિટા બનાવતાં પણ શીખવાડ્યું છે. એક વાર મારી ગેરહાજરીમાં ભૂખ લાગી તો તેણે ઓરિયો મિલ્કશેક બનાવીને પી લીધું હતું. ભૂખ લાગે ત્યારે સંતાનો પોતાની જાતે બનાવી લે તો મમ્મીની ઘણી ચિંતા હળવી થઈ જાય. આટલું તો આવડવું જ જોઈએ. એક સમયે શિક્ષક રહી ચૂકી છું તેથી શિષ્ટાચાર અને ચોખ્ખાઈની ખૂબ આગ્રહી છું. મને ગમે ત્યાં વસ્તુ પડી હોય એ જરાય ગમે નહીં. આરવને ખબર છે કે હું એને ફૉલો નહીં કરું તો મમ્મી વઢશે એટલે કાળજી લે. ખાસ કરીને મારા ઉપવાસ ચાલતા હોય ત્યારે ઘણાં કામ કરી નાખે. આ બધાની સાથે જીવદયા અને આપણા કલ્ચરનું જ્ઞાન આપવું હું જરૂરી સમજું છું. કુમળા બાળકને ઇચ્છો એમ વાળી શકો. ત્યાર બાદ બાજી તમારા હાથમાં રહેતી નથી.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK