ઝર પાસ હૈ, ઝમીં હૈ, લેકિન સુકૂં નહીં હૈ, પાને કે વાસ્તે કુછ, ક્યા-ક્યા પડા ગંવાના

Published: Feb 12, 2020, 12:47 IST | Pankaj Udhas | Mumbai

ત્રીજા અંતરાનું કામ અદ્ભુત રીતે થયું એટલે ઝફર ગોરખપુરીના મસ્તક પરથી ભાર હળવો થયો. કમ્પોઝિશન સાંભળતી વખતે તેમના ચહેરા પર પ્રસૂતિ પછીનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો, પણ તેમને ખબર નહોતી કે મારા મનમાં શું ચાલી રહ્યું છે?

અલભ્યઃ ઝફર ગોરખપુરીનો આ ફોટો જૂજ લોકો પાસે હોય એવી શક્યતા છે. તેમના શબ્દો જેવા અદ્ભુત અને અલભ્ય છે એવું જ તેમનું વ્યક્તિત્વ હતું.
અલભ્યઃ ઝફર ગોરખપુરીનો આ ફોટો જૂજ લોકો પાસે હોય એવી શક્યતા છે. તેમના શબ્દો જેવા અદ્ભુત અને અલભ્ય છે એવું જ તેમનું વ્યક્તિત્વ હતું.

‘ત્રીજો બંધ તૈયાર છે, મળીને સંભળાવું.’

આપણે વાત કરીએ છીએ નઝ્‍મ ‘ઇક્કીસવીં સદી’ની. બે બંધ તૈયાર હતા અને મેં ઝફર ગોરખપુરીને ત્રીજા બંધ માટે કહ્યું હતું. તમને અગાઉ કહ્યું એમ, પહેલા બંધમાં દાદાની વાત હતી, બીજા બંધમાં પિતાના સમયની વાત હતી, તો ત્રીજા બંધમાં આપણી પેઢીની વાત હશે એવું સ્વાભાવિક રીતે સમજાઈ રહ્યું હતું. નઝ્‍મનું ટાઇટલ નક્કી થયા પછી ગોરખપુરીસાહેબ મારે ત્યાંથી રવાના થયા અને બે-ત્રણ દિવસ પછી તેમનો ફોન આવ્યો અને તેમણે મને કહ્યુંઃ ‘ત્રીજો બંધ તૈયાર છે, મળીને સંભળાવું.’

હું તો એકદમ એક્સાઇટ થઈ ગયો. અમારો મળવાનો સમય નક્કી થયો અને હું એ રાહ જોવા માંડ્યો. મારી ઇંતજારી અનેકગણી વધી ગઈ હતી. ઝફર ગોરખપુરી હવે જે લઈ આવશે એ અદ્ભુત હશે એની મને ખાતરી હતી. આ ખાતરી મેં તેમની પોએટ્રીમાં જોઈ હતી. શબ્દોનો વિશાળ ભંડાર તેમની પાસે હતો. તેમની એકેક રચના, એકેક નઝ્‍મ અને ગઝલ આપણા મોઢામાંથી ‘વાહ’ અને ‘આહ’ કઢાવી દે એવી હતી. હવે એ જેકંઈ લઈ આવશે એ વાત અગાઉના બન્ને બંધ કરતાં ક્યાંય આગળની હશે એની મને ખાતરી હતી, મને ભરોસો હતો. શાયરીની રચનાથી તેઓ વાકેફ હતા અને એટલે જ મને આ વિશ્વાસ હતો.

મને પાક્કું યાદ છે કે અમે રાતના સમયે મળ્યા હતા. રાબેતા મુજબ જ તેમનું આવવું, તેમને માટે સિગારેટ મગાવવી અને એ પછી કશ લેતાં આરામથી વાતોની શરૂઆત કરવી. આ બધું અમારે માટે કાયમી હતું. તેમણે તેમનો નિત્યક્રમ પૂરો કર્યો અને પછી મને કહ્યું કે હવે હું તને ત્રીજો બંધ સંભળાવું.

આ ત્રીજા બંધમાં તેમણે વાત આપણા સમયની એટલે કે આજના સમયની કરી હતી. ગોરખપુરીસાહેબે પહેલાં અગાઉ લખેલા બન્ને બંધ સંભળાવ્યા, જેથી વાતાવરણ ઊભું થઈ જાય. હવે આવ્યો ત્રીજો અને નવો બંધ.

અબ મેરા દૌર હૈ યે, કોઈ નહીં કિસી કા

હર આદમી અકેલા, હર ચહેરા અજનબી-સા

આંસુ ન મુસ્કૂરાહટ, જીવન કા હાલ ઐસા

અપની ખબર નહીં હૈ, માયાજાલ ઐસા

પૈસા હૈ, મર્તબા હૈ, ઇજ્જત-વિકાર ભી હૈ

નૌકર હૈ ઔર ચાકર, બંગલા હૈ કાર ભી હૈ

ઝર પાસ હૈ, ઝમીં હૈ, લેકિન સુકૂં નહીં હૈ

પાને કે વાસ્તે કુછ, ક્યા-ક્યા પડા ગંવાના

દુખ-સુખ થા એક સબકા, અપના હો યા બેગાના

એક વો ભી થા ઝમાના, એક યે ભી હૈ ઝમાના

હું સાંભળીને છક થઈ ગયો. વાહ-વાહ નીકળી ગયું મારા મોઢામાંથી. મેં એ જ સમયે મોઢા પર કહી દીધું, ‘ઝફરસા’બ, ઇસસે બહેતર કોઈ બાત હો હી નહીં શક્તી, કોઈ કર ભી નહીં શક્તા.’

વાત એકદમ અસરકારક હતી. આજનો માણસ ભલે ગમે એટલો પૈસો કમાઈ લે, ગાડી-બંગલા બનાવી લે, જાહોજલાલી ભોગવતો હોય. સુખ અને સુવિધાના નામે બધું હોય તેની પાસે અને એ પછી પણ તેની પાસે બે મિનિટ પણ શાંતિની નથી. ચેન નથી, નિરાંત નથી તેની પાસે. આજનો આ સમય એવો જ છે. તમે તમારી આજુબાજુમાં જુઓ સૌને, તમને દેખાશે કે કોઈની પણ પાસે નિરાંત નથી. પહેલાંનો સમય જુઓ તમે, આવક ઓછી હતીલ પણ માણસ માટે માણસ ઊભો રહેતો હતો. આજે આવક એ સ્તરે વધી ગઈ છે કે પહેલાંના જમાનાના કોઈને કહેવામાં આવે તો તેનું મોઢું ખુલ્લું રહી જાય, પણ હકીકત એ જ છે કે આજનો માણસ પોતાને માટે પણ સમય નથી કાઢી શકતો. આજે માણસ બધું કરી શકે છે. પૈસો, મિલકત, સંપત્તિ, નામના બધું કમાઈ રહ્યો છે એ અને એ પછી પણ તે રાતે ઊંઘી નથી શકતો. શરીર બહારથી એકદમ સરસ છે, કપડાં બહુ ફાઇન પહેર્યાં છે, જ્વેલરી છે, ડિઝાઇનર વૉચ પહેરી છે અને મોંઘાંદાટ શૂઝ પહેર્યાં છે, પણ અંદર ને અંદર એ વલોવાઈ રહ્યો છે. બ્લડપ્રેશર છે. ડાયાબિટીઝ છે અને દુનિયાભરના બીજા હજારો પ્રૉબ્લેમ પણ એની આસપાસ ફર્યા કરે છે. સ્ટ્રેસ છે અને આ સ્ટ્રેસ તેને સતત ખાઈ રહ્યો છે, પણ એમ છતાં તે કોઈની પાસે હળવો નથી થઈ શકતો. નિરાંતે બેસવું છે, પણ બેસી નથી શકતો. શાંતિથી કામ કરવું છે, પણ આજુબાજુનું વાતાવરણ તેને શાંતિથી કામ કરવા નથી દેતું. રાજકારણ અને પાછા લઈ આવવાની ટાંટિયાંખેંચ બહુ ખરાબ રીતે ચાલે છે અને ચાલી રહેલી આ ખેંચતાણ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

‘સરસ, બહોત બઢિયા, અબ મેરા કામ બન જાયેગા...’

મેં ગોરખપુરીસાહેબને કહ્યું અને આડીઅવળી વાતો કરીને અમે છૂટા પડ્યા. મારો જીવ તો એ સમયથી જ આ ત્રીજા બંધના કામ પર લાગી ગયો હતો, પણ એમ છતાં મને એમાં કંઈક જુદું કરવું હતું. મ્યુઝિકલી મારે એમાં કોઈ નવો રંગ ઉમેરવો હતો. બીજા દિવસથી હું એ કામ પર લાગી ગયો અને મેં ત્રીજા બંધનું કમ્પોઝિશન તૈયાર કરી ઝફરસાહેબને બોલાવ્યા.

ફરી પાછો એ જ સીન.

ઝફરસાહેબ આવે છે. સિગારેટ આવે છે. ઝફરસાહેબ કશ લે છે અને એ પછી અમે બન્ને એકબીજાની સાથે વાતોએ વળગીએ છીએ.

મેં તેમને પહેલેથી કમ્પોઝિશન સંભળાવ્યું. પહેલેથી જ દાદાના સમયની વાત શરૂ થઈ, એ પછી પિતા પર આવ્યા, જ્યાં ટ્યુન બદલાઈ હતી. તેમને મજા આવી. અમે આગળ વધ્યા અને હવે ત્રીજા બંધ પર આવ્યા. ફરીથી ટ્યુન બદલાઈ, ફરીથી નવાં વાજિંત્રો ઉમેરાયાં અને આજના સમયનો દોર શરૂ થયો. આ સમયની વાત કહેતી વખતે મેં નવેસરથી કેટલાક પ્રયોગ કર્યા હતા, જે પ્રયોગ ઝફરસાહેબે તરત જ નોંધી લીધા. એ અંતરો સંભળાવતી વખતે મારી નજર તેમના પર જ હતી. તેમની આંખોમાં આવેલી ચમકને હું જોઈ ચૂક્યો હતો.

‘માશાલ્લાહ...’

ત્રીજો અંતરો પૂરો થયો અને ઝફર ગોરખપુરી બોલ્યા,

‘પંકજ, દોસ્ત તુને તો પૂરી નઝ્‍મ કી શકલ હી બદલ દી... ક્યા બાત હૈ.’

ઝફરસાહેબના અવાજમાં આવી ગયેલો રણકો સ્પર્શી જાય એવો હતો. અમે વાતોએ વળગ્યા. મેં કહ્યું, ‘આપ માનો કી ના માનો પર આપને જો કામ કિયા હૈ વો લાજવાબ હૈ. આ નઝ્‍મ એક અલગ પ્રકારની નઝ્‍મ છે. એમાં સચ્ચાઈ સિવાય બીજું કશું નથી અને એ સચ્ચાઈ સાંભળનારાની આરપાર નીકળી જાય એવી છે.’

ફરીથી ચાપાણી અને સિગારેટ આવ્યાં અને અમારી વાતો ચાલતી રહી. મને પાક્કું યાદ છે કે એ સમયે ઝફરસાહેબ નઝ્‍મ પૂરી થયાનો આનંદ માણી રહ્યા હતા. તેઓ ખૂબ જ ખુશ હતા અને તેમની ખુશીમાં પ્રસૂતિ પછીનો આનંદ સ્પષ્ટ નીતરતો હતો. ઝફરસાહેબની આ ખુશીમાં પંક્ચર પાડવાનું કામ મેં કર્યું, જરૂરી હતું એટલે.

‘ઝફરસાહબ, હમ એક કામ કરતે હૈં. એક ઔર અંતરા કરતે હૈં, જો આનેવાલી પેઢી કી બાત કરે ઔર ઉનકો હમ આગાઝ કરેં...’

ઝફર ગોરખપુરી મારી સામે જોતા રહ્યા.

(અંતિમ બંધ માટે શું કર્યું એની વાતો કરીશું આવતા બુધવારે)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK