અંગ્રેજી મીડિયમ

Published: Mar 21, 2020, 16:23 IST | Sanjay Raval | Mumbai

સંજયદૃષ્ટિ: અંગ્રેજી રૂપાળી બની ગઈ એટલે આપણે માતૃભાષાની નમણાશને અવગણતા થઈ ગયા છીએ, પણ યાદ રાખજો કે મીઠાશ તો માતૃભાષા પાસે જ હોય

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મોટિવેશનલ સ્પીકર તરીકે મારે બહુ બધાં શહેરોમાં જવાનું રહેતું હોય છે. આ બધી જગ્યાએ યુવાનોને મળવાનું પણ બને અને યુવાનોને મળું ત્યારે તેમની પાસે અનેક પ્રશ્નોની ખબર પણ પડે. તેમની પાસે ઘણા પ્રશ્નો છે અને પ્રશ્નો હોવા પણ જોઈએ. પ્રશ્નો જરૂરી છે. પ્રશ્નો હંમેશાં જિજ્ઞાસાને બળવત્તર બનાવે, જો એ જિજ્ઞાસાનું શમન ન થાય તો એ પ્રશ્નો મનમાં જ રહી જાય. વિચારો થવા જોઈએ, હકારાત્મકતા સાથે વિચારતા થવું જોઈએ. આ બહુ જરૂરી છે. જોકે અત્યારે આપણે વાત બીજા એક વિષય પર કરવી છે.

મને એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે અમારે આગળ વધવું છે, બહુ બધું કરવું છે પણ ઇંગ્લિશને કારણે ક્યાંક ને ક્યાંક અમે થાપ ખાઈ જઈએ છીએ. ઇંગ્લિશ આવડતું નહીં હોવાને કારણે અમને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ઇંગ્લિશના અભાવને કારણે ક્યાંક ને ક્યાંક અમારો કૉન્ફિડન્સ પણ ડગમગી જાય છે.

સૌથી પહેલાં તો મારે એક ચોખવટ આજે કરવી છે કે ઇંગ્લિશ માત્ર ને માત્ર એક ભાષા છે જેના દ્વારા આપણે કમ્યુનિકેટ કરીએ છીએ, સંવાદિતા સધાય છે અને એકબીજાને સમજી શકીએ છીએ. ઇંગ્લિશ આપણી રાષ્ટ્રીય કે માતૃભાષા નથી. જો ઇંગ્લિશ તમારી માતૃભાષા હોત તો તમે માના પેટમાં જ ઇંગ્લિશ શીખી ગયા હોત અને જન્મ પછી કોઈની સામે આ પ્રકારનાં રોદણાં રડ્યા ન હોત. બીજી વાત, ઇંગ્લિશને કૉન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ સાથે કાંઈ લાગતું-વળગતું નથી. ઇંગ્લિશને કૉન્ફિડન્સ સાથે જોડવાની કોઈ જરૂર નથી અને એવી ભૂલ કરતા પણ નહીં. આપણી પાસે એવા અનેક લોકોના દાખલા છે જેની પાસે અક્ષરજ્ઞાન પણ નથી કે જેની પાસે સાચી ગુજરાતી બોલવાની ક્ષમતા પણ નથી અને એ પછી પણ તે સૌ ખૂબ આગળ વધ્યા છે, પ્રગતિ કરી છે અને આજે દેશના સક્સેસની યાદીમાં ટોચ પર છે. ભાષા આવડવી જરૂરી છે. કમ્યુનિકેશન આવડવું જરૂરી છે, પછી એ તમે તમારા શબ્દોથી કરો કે ઇશારાથી કરો કે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને કરો. તમે જ કહો શું ઈશ્વરે જેમને બોલવાની ક્ષમતા નથી આપી એ લોકો નિષ્ફળ છે, તેમની પાસે સફળતા નથી?

ના, એવું જરાય નથી અને એવું હોઈ પણ ન શકે.

હવે વાત કરીએ ઇંગ્લિશ અને બિઝનેસ કે નોકરીની. તમે જરા જૂના દિવસોને યાદ કરો. પ્રાચીન કાળ યાદ કરો. અરે પ્રાચીન કાળ સુધી ન જાઓ તો પણ ચાલશે, માત્ર ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાંનો સમયગાળો પણ જોઈ લો. એ સમયનો ઇતિહાસ જોશો તો તમને દેખાશે કે એ સમયે ચીન, યુરોપ અને ભારત જ વેપારના ગઢ હતા. ચીન અને યુરોપ પણ બીજા અને ત્રીજા ક્રમે હતા. ભારત સૌથી અગ્રીમ સ્થાન પર હતું અને એવા સમયે સૌકોઈ તમારા દેશમાં આવીને વેપાર કરતું હતું. જરા વિચારો એ સમયકાળ. એ સમયે કોઈની પાસે ભાષા જ્ઞાન નહોતું, કોઈ અંગ્રેજી જાણતું નહોતું અને છતાં આપણી પ્રજા ખૂબ સારો વેપાર કરી જાણતી. બિઝનેસ માટે અને નોકરી માટે ઇંગ્લિશ જરૂરી છે, ઇંગ્લિશનો ક્યાંય વિરોધી નથી કરતો હું, પણ સાથોસાથ એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે ઇંગ્લિશ સર્વેસર્વા છે એવી માન્યતા સાવ ખોટી છે. તમે દુનિયામાં જઈને જુઓ, અનેક દેશ એવા છે જ્યાં અંગ્રેજી નથી આવડતું અને એ દેશમાં અંગ્રેજીના ધુરંધરોને ફાંફાં પડી જાય છે. જપાનમાં સ્થાનિક ભાષાની જ બોલબાલા છે. યુરોપના અનેક દેશોમાં અંગ્રેજીનું કોઈ મૂલ્ય નથી. રશિયામાં પણ એ જ હાલત છે અને રશિયાની આસપાસના યુરોપમાં પણ આ જ પરિસ્થિતિ છે. અરે, અમેરિકાનો જ અમુક ભાગ એવો છે જ્યાં સ્પૅનિશ ભાષાને અંગ્રેજી કરતાં પણ વધારે મહત્ત્વ મળે છે. યાદ રાખજો કે ક્યારેય ભૂલતા નહીં કે ભાષા એ માત્ર ને માત્ર કમ્યુનિકેશનનું એક સાધન છે. ધારો કે તમે અંગ્રેજી શીખી લીધી અને સામા પક્ષે જેની સાથે તમે સંવાદિતા જોડી રહ્યા હશો તેને અંગ્રેજી નહીં આવડતી હોય તો તમને આવડતી અંગ્રેજી ભેંસ આગળ ભાગવત જેવી બની જશે અને તમે લાખ પ્રયાસ કરશો તો પણ સામેની વ્યક્તિને કંઈ નહીં સમજાય.

અંગ્રેજી આપણી આદત બની ગઈ છે અને અંગ્રેજી આવડતી હોવી જોઈએ એ વાત આપણી મહત્ત્વાકાંક્ષા બની ગઈ છે. જેને લીધે એવી પરિસ્થિતિ થઈ જાય કે પ્લેનમાં જતા હો તો ઍરહૉસ્ટેસ સાથે ઇંગ્લિશમાં વાતો કરવાની, હોટેલમાં ગયા તો ત્યાં પણ ઇંગ્લિશ અને સ્કૂલમાં જવાનું બને તો ત્યાં પણ વગર કારણે અંગ્રેજી. તમને જોવા પણ મળશે કે જેને નથી આવડતું તે પણ પરાણે ઇંગ્લિશમાં વાત કરવાનું શરૂ કરી દે છે. શા માટે? પડેલી આ ખોટી આદત તમે જ તમારામાંથી નહીં કાઢો તો નહીં ચાલે. આ બધી એવી જગ્યા છે જ્યાં સામેની વ્યક્તિ સાથે તમે માતૃભાષામાં કે પછી રાષ્ટ્રભાષા હિન્દીમાં વાત કરશો તો તમને કદાચ વધારે સહેલાઈથી જવાબ મળી જશે અને એ જ સાચી રીત છે, પણ જો તમે જ ઇંગ્લિશ-ઇંગ્લિશનાં ગાણાં ગાયા કરશો તો સામેવાળો પણ તમારી અંદર ડર મૂકવાનું કામ કરતો રહેશે. ઇંગ્લિશ એક ભાષા છે, યાદ રાખો. ભૂલો નહીં, એ કોઈ તોપ નથી કે સામે આવી જાય એટલે તમે ડરી બેસો. ના, જરાય નહીં અને ક્યારેય નહીં.

બીજી એક ખાસ વાત, મોટા ભાગનું એજ્યુકેશન ગુજરાતી કે પછી સ્થાનિક મીડિયમમાં કર્યા પછી વાત જ્યારે હાયર સ્ટડીની આવે ત્યારે આપણો યંગસ્ટર ગભરાઈ જાય છે કે હવે બધું અંગ્રેજીમાં આવશે તો તકલીફ પડશે. આ જ વિચારથી આપણી ટૅલન્ટ આગળ પગલું ભરતાં અટકી જાય છે. તમે જે ભણો છો એ વિશ્વકક્ષાને સમકક્ષ હોવું જોઈએ એટલે એ ભણતર ઇંગ્લિશમાં છે પણ એનો અર્થ એવો પણ નથી કે તમે ગભરાઈને ઊભા રહી જાઓ. તમારી સામે માતૃભાષામાં પણ જો આ બધા કોર્સ હશે તો ઘણા યુવાનો એ શીખી શકશે અને આગળ ભણી શકશે. આ પ્રયત્ન કરવો જોઈએ અને એની શરૂઆત આપણે ત્યાં થવી જોઈએ એવું હું માનું છું અને મારી જેમ અનેક લોકો આ વાત માને છે. જપાનમાં આ જ થિયરી અપનાવવામાં આવી છે કે તમારે જૅપનીઝમાં ભણવું છે કે પછી અંગ્રેજીમાં. જપાનમાં આર્કિટેક્ટ થવા માટે તમે ઇચ્છો તો જૅપનીઝનો ઉપયોગ કરી જ શકો છો અને આખું આર્કિટેક્ચર જૅપનીઝ લૅન્ગ્વેજમાં થઈ શકે છે. આપણે પણ આ રસ્તે ચાલવાની દિશા પકડવી જોઈએ. જો એવું થશે તો માત્ર ભાષાને લીધે જે યુવાનો આગળ ભણી નથી શકતા તેમની કારકિર્દી વેડફાશે નહીં. માતૃભાષામાં જો ભણવાનું શક્ય બને તો વિદ્યાર્થીઓ વધારે સારી રીતે ભણી શકે અને ઑટોમૅટિકલી તેમનામાં એક પ્રકારનો કૉન્ફિડન્સ આવશે, પછી ભલે તે કોઈ પણ ક્ષેત્રમાં હોય. તે નોકરી કરે કે બિઝનેસ કરે, પણ એ જ કરશે એમાં તે પારંગત બનશે એ નક્કી છે.

પેરન્ટ્સને પણ એક રિક્વેસ્ટ છે કે સંતાનોને કારણ વગર ઇંગ્લિશ સ્કૂલમાં નહીં મૂકો, તમને આવડતું હોય અને તમે જો ઘરે એ રીતે તેનું ઘડતર કરી શકતા હોય તો જ તેને અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં મૂકજો, નહીંતર કારણ વગર તમારા બાળક પર એ ભાર નહીં નાખતા. આપણાં બાળકોને જો ગુજરાતી શાળામાં જ ભણાવીશું તો તેની વિચાશક્તિ ખીલશે, કલ્પનાશક્તિ પણ ખીલશે અને એ ભવિષ્યમાં કોઈ ચમત્કાર કરવાને લાયક બનશે. માત્ર અંગ્રેજી ભાષા પ્રત્યેના ગાંડપણ અને હાઇ-ફાઇ દેખાડો કરવા માટે બાળકને ઇંગ્લિશ માધ્યમની સ્કૂલમાં બેસાડવાનું પાપ કોઈએ કરવું નહીં એવી સલાહ હું સૌકોઈને આપીશ. ગુજરાતી ખરાબ નથી, મરાઠી ખરાબ નથી અને હિન્દી પણ ખરાબ નથી. બસ, આપણી જોવાની નજરમાં અંગ્રેજી વધારે રૂપાળી થઈ ગઈ છે એટલે આપણે એની પાછળ ભાગીએ છીએ, પરંતુ નમણાશને પણ ધ્યાનમાં રાખવી જોઈએ એ ભૂલતા નહીં અને નમણી તો માતૃભાષા જ હોય છે એ કોઈએ ભૂલવું નહીં.

ખમ્મા મારા દીકરા.

આ શબ્દની મીઠાશ તમે પારકી ભાષા પાસેથી ન રાખી શકો, ક્યારેય નહીં.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK