પેન્ચ ડાયરી: અધૂરા સપનાની વાત

Published: Jan 24, 2020, 15:18 IST | Jamnadas Majethia | Mumbai

મસાઇમારાની સફારી આજે પણ જ્યારે યાદ આવે ત્યારે શરીરનું એકેએક રૂંવાડું ઊભું થઈ જાય. મુંબઈમાં આપણે ગાય, ભેંસ, બળદ, ગધેડા અને બહુ-બહુ તો હાથી જોઈએ, પણ મસાઇમારામાં સિંહ સહકુટુંબ ફરે અને કાગડા-કબૂતર બેસે એમ ઝાડ પર દીપડા બેઠા હોય

હર તરફ તેરા જલવાઃ આ અમારી સફારીનું દૃશ્ય નથી, પણ આ પ્રકારનાં દૃશ્ય તમને સહજ રીતે પેન્ચમાં જોવા મળે. પેન્ચ ફૉરેસ્ટમાં ત્રણ રૂટ પર સફારી ચાલે છે, જેમાં સૌથી નાની પાંચ કિલોમીટરની અને સૌથી લાંબી ૨૧ કિલોમીટરની છે.
હર તરફ તેરા જલવાઃ આ અમારી સફારીનું દૃશ્ય નથી, પણ આ પ્રકારનાં દૃશ્ય તમને સહજ રીતે પેન્ચમાં જોવા મળે. પેન્ચ ફૉરેસ્ટમાં ત્રણ રૂટ પર સફારી ચાલે છે, જેમાં સૌથી નાની પાંચ કિલોમીટરની અને સૌથી લાંબી ૨૧ કિલોમીટરની છે.

(આપણે વાત કરી રહ્યા છીએ પેન્ચ ટાઇગર સફારીના અમારા વેકેશનની. પેન્ચ પહોંચીને અમારો એક જ ટાર્ગેટ હતો, વાઘ જોવાનો અને એને માટે અમે મચી પડ્યા. જોકે ઘાટ એવો ઘડાયો કે અમે વાઘની પાછળ અને વાઘ અમારી આગળ. ત્રીજા દિવસે અમે સફારીમાં નીકળ્યા અને એક જગ્યાએ નાસ્તા માટે ઊભા રહ્યા. જ્યાં હતા ત્યાં બનતાં વડાં ખૂબ અદ્ભુત હતાં એટલે દેવેન ભોજાણીની વાઇફ જાગૃતિ અમારા માટે વડાં લેવા ગઈ અને અમે સફારીમાં જવાની તૈયારી કરી, પણ પછી તરત જ જાગૃતિ યાદ આવી એટલે અમે રોકાયા અને રોકાયા એમાં અમે ઘણું મિસ કર્યું. અમે રોકાયા અને વડાં ખાઈને ચાર-પાંચ મિનિટ પછી નીકળ્યા તો અને દેવેનની વૅન છ-સાત મિનિટ પછી નીકળી. આટલી મિનિટમાં મારા જીવનની જંગલ સફારીની શ્રેષ્ઠ ક્ષણો હું મિસ કરી ગયો. જેટલી વાર મને એ વાત યાદ આવે છે એટલી વાર મારી આંખ સામે લોકોના વિડિયોઝ, પિક્ચર્સ અને તેમણે કરેલું વર્ણન આવી જાય. બહુ ઓછી વાતનો જીવનમાં મને અફસોસ રહે છે, પણ આ વાતનો અફસોસ બહુ રહેશે. સામાન્ય રીતે હું નથી ખાતો, પણ એ દિવસે હું વડાં ખાવામાં રહ્યો અને હું મિસ કરી ગયો, શું હતું એ અને હું શું મિસ કરી ગયો એની વાતો હવે)

અમે સફારીમાં ગોઠવાયા અને જગ્યાની એક્ઝિટ પર આવેલા વૉશરૂમમાં ગયા. દર વખતની જેમ જ. લાગી હોય કે ન લાગી હોય, પણ જંગલમાં જતાં પહેલાં એક વાર જઈ જ આવું એવું મનમાં ઠસી ગયું હતું. વૅનમાં અંદર ચા-પાણી પીતા હોઈએ. ઠંડી પણ બહુ એટલે પરસેવો વળે નહીં અને થોડી-થોડી વારે બાથરૂમ જવું પડે અને જંગલમાં સફારી વૅનમાંથી ઊતરાય નહીં, જો ઊતર્યા તો એ શૌચક્રિયા છેલ્લી વારની બની જાય. સાવ સાચું કહું છું તમને, આ છેલ્લી વારમાં તો વડાંને પણ ખોટાં બદનામ કર્યાં. વડાંને કારણે મોડું થયું કે પછી આ છેલ્લી વારને કારણે એની ચર્ચા કરવાને બદલે હું તો એટલું કહીશ કે વડાંની તો બાધા પણ લઈ શકાય, પણ બાથરૂમની તો બાધા પણ કેમ લેવી?

વડાં અને છેલ્લી વારની આ વાત ડિબેટની બની જાય એવી શક્યતા છે અને એટલે જ વધારે કંઈ બોલતો નથી અને ઉત્કંઠાથી તમે જેની રાહ જોઈ રહ્યા છો એ વાત આગળ વધારું છું.

ખાવાપીવાના એરિયામાંથી જેવી અમારી વૅન બહાર આવી કે તરત જ સામે અમને સફારી વૅનની લાઇન દેખાઈ. અમને થયું કે નક્કી કોઈ મોટું કૉલિંગ છે, વાઘ દેખાવાનો છે. હજી અમે આગળ કંઈ વિચારીએ એ પહેલાં તો આતિશ અને જાગૃતિએ અમને કહ્યું કે અમે બે વાઘને ઝાડીમાંથી જતા જોયા. ધત્તેરી કી. મેં તમને ગયા વીકમાં કહ્યું કે જાગૃતિ અમારે માટે વડાં લેવા ગઈ હતી. અમે બધા એને માટે રોકાયા અને તે વડાં લઈને આવી એટલે હું વડાં ખાવા રોકાયો, પણ એ દરમ્યાન જાગૃતિ આતિશવાળી વૅનમાં રવાના થઈ અને અમે વડાં પૂરાં કરીને નીકળ્યા. માત્ર બે મિનિટનો ફરક પડ્યો હતો. આતિશે સ્પષ્ટતા પણ કરી કે હજી દોઢ-બે મિનિટ પહેલાં જ વાઘ જોયા અને એ પણ સાવ નજીકથી.

મિત્રો, એ જગ્યા એવી કે સામાન્ય સંજોગોમાં વાઘ ત્યાં ન આવે, બહુ અવરજવરવાળો વિસ્તાર હતો એ, ઝાડીઓથી સાવ નજીક રસ્તો હતો એટલે સામાન્ય સંજોગોમાં જંગલી પ્રાણી અહીં સુધી પહોંચે જ નહીં, પણ એ દિવસે... અફસોસ.

આ વસવસો પૂરો થાય, અમે વૅનમાં ગોઠવાઈએ અને વાઘ જોવા માટે આગળ વધીએ ત્યાં તો બીજી વૅનના ગ્રુપમાંથી કહેવાયું કે એ લોકોએ પાંચ વાઘ એકસાથે જોયા. થાય છેને તમને પણ અફસોસ હવે. અમારા માટે તો ઓછા બળવામાં પતે એવું નહોતું. એ ગ્રુપે તો પોતાની વાતમાં ઉમેર્યું પણ ખરું કે પાંચ વાઘની સાથે હરણોનું ટોળું અને...

આ ‘અને’ને થોડી વાર માટે હજી પકડી રાખીએ. અહીં હું તમને મારા  દિલની એક ઇચ્છાની વાત કહી દઉં.

‘એકબીજાને ગમતા રહીએ’ નાટકની ટૂર માટે પહેલી વાર હું ઈસ્ટ આફ્રિકા ગયો ત્યારે ત્યાંની લેડીઝ ક્લબની મહિલાઓએ શો પછી ત્રણ દિવસની મસાઇમારાની ટૂર ગોઠવી હતી, જેમાં અમે બધા કલાકારો મસાઇમારા ગયા હતા.

મસાઇમારાના ગેટ પર અમે પહોંચ્યા ત્યારે જે અદ્ભુત નજારો જોયો હતો એ આજ સુધી અમે કોઈ નથી ભૂલ્યા. મુંબઈના લોકોએ જાનવરના નામે ગાય, બળદ, કૂતરા, ગધેડા કે બહુ-બહુ તો હાથી જોયા હોય. ઝૂમાં ગયા હોઈએ તો લાયન, ટાયગર જોયા હોય, પણ બંધ પાંજરામાં જોવા મળ્યા હોય. મસાઇમારા ગયા એ પહેલાં મેં મારી જિંદગીમાં જિરાફ કે ઝીબ્રા જોયા નહોતા. જેવા અમે મસાઇમારા ગેટ પર પહોંચ્યા કે જિરાફ અને ઝીબ્રાનું ટોળું સાવ પાસેથી જોયું. થોડે આગળ ગયા ત્યાં તો બીજાં પ્રાણીઓ પણ જોયાં અને એ પણ વિપુલ સંખ્યામાં. આપણે ત્યાં બકરી અને ગધેડાઓનું ટોળું હોય એમ ત્યાં જાનવરોનું ટોળું હોય છે. મસાઇમારામાં પહેલી વાર વાઇલ્ડ એલિફન્ટ જોવા મળ્યા, જે હવે હાથીદાંતની તસ્કરીને લીધે ફક્ત યાદો, બુક્સ અને ઇતિહાસમાં રહી ગયા છે. સિંહ-સિંહણ સહકુટુંબ તદ્દન અમારી વૅનની બાજુમાં ફરતાં હતાં. અગણિત સંખ્યામાં હરણ, સિંહ અને વાઘને ટક્કર આપી શકે એવા વાઇલ્ડ બફેલો, ઝાડ પર ચડેલા ચિત્તા જોવા મળ્યા.

આ પહેલી જ સફારી હતી જીવનની અને આ અદ્ભુત સફારી પછી મેં મોટી કહેવાય એવી ત્રણ સફારી કરી. સફારી દરમ્યાન ખૂબ બધી ઘટનાઓ જોઈ અને વાઇલ્ડ લાઇફની અઢળક ઇચ્છાઓ પૂરી પણ થઈ. હવે એક ઇચ્છા બાકી હતી, એક કિલ જોવાની.

કિલ, મારણ.

આપણી આંખ સામે કોઈ મોટું જાનવર નાના જાનવરની પાછળ પડે, એને પકડે અને પછી એને મારે એ જોવાની, જંગલી પળો માણવાની ઇચ્છા. પ્યૉર વેજિટેરિયન અને ફક્ત એગલેસ કેક અને ગ્રીન ટપકાંવાળી જ ચૉકલેટ ખાતો આ માણસ વાઇલ્ડ લાઇફમાં એક કિલ જોવાની ઇચ્છાને દબાવી ન શકે, માણસજાત જ એવી છે. અંદરથી ક્યાંક આપણા બધામાં આવી થોડી જંગલિયત અકબંધ છે અને એટલે જ ‘બિગ બૉસ’ આટલું ચાલે છે, આટલું જોવાય છે. બીજાને ઝઘડતા જોવાનો અંદરથી અનેરો આનંદ લેવાતો હોય છે. હું થોડો ઇમાનદાર છું એટલે સ્વીકારી લઉં છું, બાકી તમને ખબર જ છે. ચાલો, આ વાત અને આ મુદ્દો છોડીને આપણે મૂળ વાત પર ફરી આવીએ.

આ કિલ એક અદ્ભુત ક્ષણ છે, બધાના જીવનમાં એ જોવાની તક ન આવે.  આ વિરલ અને અકલ્પનીય કહેવાય એવી ક્ષણ જોવાનું મારું સપનું માત્ર દોઢથી બે મિનિટ માટે પૂર્ણ થયા વિનાનું રહી ગયું. હવે આવીએ આપણે આગળની વાત પર અને એ ‘અને’નું અનુસંધાન હવે જોડી દઉં, કારણ કે તમારી ઉત્કંઠા અધૂરી નથી રાખવી.

બીજી સફારીવાળા એ ગ્રુપે પાંચ વાઘ એકસાથે જોયા એ તો કહ્યું જ, પણ સાથોસાથ પોતાની વાતમાં ઉમેર્યું પણ ખરું કે પાંચ વાઘ સાથે હરણનું ટોળું અને અમે એ શિકાર થતો જોયો.

હું કાંઈ બોલું કે કહું એ પહેલાં તો અમને એ ગ્રુપવાળાઓએ ફોટો અને વિડિયો બતાવ્યા અને મારા મોતિયા મરી ગયા. અફસોસ ચરમસીમાએ પહોંચી ગયો. અહીં હું એ આખી કિલનો એટલે કે શિકારનો વિડિયો મૂકી શકું એમ નથી જે એ લોકોએ રેકૉર્ડ કર્યો હતો અને અમને દેખાડ્યો હતો, પણ જ્યારે પણ એ શિકારની ક્ષણો આંખ સામે આવે છે કે તરત જ મારા મનમાં પારાવાર અફસોસ પ્રગટી જાય છે.

કોઈ અજાણી વ્યક્તિને ક્યારેય મારો નંબર ન આપતો હું, તેમને મારો નંબર આપીને આતુરતાથી વિડિયો મેળવવાની રાહ જોતો રહ્યો. એ ચાર મિનિટના વિડિયોનું વર્ણન કહું તમને, પછી મને કહેજો કે અફસોસ અને વસવસો વર્ષો સુધી રહે છે કે નહીં.

(પેન્ચ ડાયરી વિશે વધુ વાત કરીશું આવતા શુક્રવારે)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK