Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હકારાત્મકતા સકારાત્મકતા રચનાત્મકતા

હકારાત્મકતા સકારાત્મકતા રચનાત્મકતા

08 February, 2020 03:23 PM IST | Mumbai
Sanjay Raval

હકારાત્મકતા સકારાત્મકતા રચનાત્મકતા

હકારાત્મકતા સકારાત્મકતા રચનાત્મકતા


પ્રોફેશનને કારણે અઢળક લોકોને મળવાનું થાય તો સેમિનારને કારણે ત્યાં હજારો યુવાનો સાથે પણ વાત થાય. મોટા ભાગના પ્રશ્ન નકારાત્મકતા સાથેના હોય અને શક્ય હોય ત્યાં સુધી એવો પ્રયાસ કરીએ જેથી મનની નેગેટિવિટીમાંથી તે બહાર આવે. આ જે સમજાવવાની રીત હોય એમાં ક્યાંય એવી વાતો ન હોય જેને સ્વપ્નલી કહી શકાય, ના વાત તો સાચી જ કરવી અને વાસ્તવિકતા પર રહીને જ કરવાની, પરંતુ એ પછી પણ ક્યારેક એવું બને કે કોઈ પૂછે કે આ બધું કર્યા પછી પણ સક્સેસ ન મળે તો?

એ સમયે તો તેમની સામે સ્માઇલ કરીને એવું જ કહી દઉં કે તો નવેસરથી પ્રયાસ ચાલુ કરી દેવાના, પણ અહીં સહેજ કડક થઈને જવાબ આપવા માગું છું. ધારો કે તમને એવું લાગતું હોય કે બધું કર્યા પછી પણ સક્સેસ ન મળે તો?



તો સક્સેસને બદલે જેકાંઈ મળ્યું હોય એને સ્વીકારીને આગળ વધવાનું. આવું કોઈ એક કે બે સાથે નથી બનતું, આવું તમારી સાથે બને તો આવું જ મારી સાથે પણ બને. હમણાં થાણેના એક સેમિનારમાં કેટલાક યંગસ્ટર્સ મળ્યા. મને કહે કે અમે પૉઝિટિવ બની ગયા, એનર્જેટિક બનીને ઊંધું ઘાલીને કામે લાગી ગયા અને એ પછી કંઈ ન થયું. સક્સેસ તો છોડો, પહેલાં કરતાં પણ મોટી નિષ્ફળતા અમને મળી. આવું થવાનું કારણ શું?


આ પ્રશ્ન આવ્યો એટલે પહેલાં તો મને થયું કે કર્મ કરવું એ તમારા હાથમાં છે, ફળ ઉપરવાળાના હાથમાં છે. મેં મારું કર્મ કર્યું, તમે તમારું કામ કર્યું, આગળવાળો તેનું કામ કરશે અને એની આગળવાળો તેનું કામ કરશે. એમાં ભોંઠા પડવાની ક્યાંય જરૂર નથી. બધાએ પોતપોતાની જવાબદારી નિભાવતા જવાની અને આગળ વધતા જવાનું, પણ એવું કહેવાને બદલે મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. ચૂપ રહેવાનું કારણ એક જ કે મનમાં પ્રશ્ન જન્મ્યો હતો કે તમે વાત સાંભળો છો, બધું વાંચો છો અને મનથી પૉઝિટિવ રહીને કામ કરો છો, મહેનત કરો છો અને છતાં ફેલ થયા છો તો તમારા એ ફેલ્યરમાં ક્યાંક ને ક્યાંક મારું પણ ફેલ્યર આવે તો નહીંને? મનમાં આવેલા આ પ્રશ્ન સાથે જ મનમાં પ્રતિપ્રશ્ન પણ જાગ્યો કે મેં જે સલાહ આપી એ ખોટી હતી?

ના. જવાબ મળ્યો.


મેં જે કરવાનું કહ્યું હતું એમાં કશું ખોટું હતું?

ફરી સવાલ જન્મ્યો અને ફરીથી એનો જવાબ મેળવવાનો પ્રયાસ થયો. જવાબ મળ્યોઃ ના.

તો પછી ફેલ્યર મળવું ન જ જોઈએ. જો બધા પોતાનું બેસ્ટ ડિલિવર કરી રહ્યા હોય તો પછી શું કામ નિષ્ફળતા મળે, પણ નિષ્ફળતા મળી હતી એ પણ સાચું હતું. કોઈ હાથે કરીને વગરકારણે પોતાના મસ્તક પર નિષ્ફળતા શું કામ આંકે, સાચું જ બોલે અને સાચું જ બોલ્યા હતા એ યંગસ્ટર્સ. વિચાર અને મનોમંથન કરતાં બીજી એક દિશા મળી, જે દિશા ઘણા લોકોની આંખો ખોલવાનું કામ કરશે. એ દિશા તમારી સાથે શૅર કરતાં પહેલાં મને એક વાત કહેવી છે. વિચારજો, મનોમંથન કરજો. જીવનમાં બહુ ઉપયોગી બનશે. ઘણા કહે છે કે ટેન્શનમાં ક્યારેય રહેવું નહીં, પણ એ ખોટું છે. ટેન્શનમાં રહેવું જોઈએ. ટેન્શનના સમયે મગજ વધારે સતર્ક બને છે અને વધુ ઝડપથી કામ કરે છે. ટેન્શનને પડતું મૂકી દેનારો ક્યારેય ચિંતામાંથી કાયમી મુક્ત‌િ નથી પામી શકતો.

હવે વાત કરીએ જે જવાબ મળ્યો એની.

હકીકત એ છે કે તમે જેકાંઈ કરો છો એ બહુ સારું કરો છો, પૂરી એનર્જી સાથે ડબલ ફોર્સ લગાડીને કાર્ય કરો છો એ પણ બહુ સારી વાત કહેવાય, પણ તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરો છો જે હકીકત છે. આ ભૂલ કઈ અને કેવી હોય એ તમારે જાતે જ ઓળખવી પડશે. આવું બને ત્યારે કેવી-કેવી ભૂલો થાય એની વાત કરી લઈએ.

નાસીપાસ થયા વિના તમે જ્યારે નવેસરથી કામ શરૂ કરો છો ત્યારે એક વાત ખાસ યાદ રાખવી કે જે ભૂલ ભૂતકાળમાં કરી હતી એ ભૂલનું પુનરાવર્તન નથી કરવાનું, નવી ભૂલ થાય તો કબૂલ, પણ ભૂલનું પુનરાવર્તન ક્યારેય ન થવું જોઈએ. હોશિયારની આ જ નિશાની છે, એ જે ભૂલ એક વાર કરે એનું પુનરાવર્તન નથી કરતો, પણ એવું ન થાય એની સજાગતા પણ હોવી જોઈએ. મોટા ભાગના લોકો શું કરે છે, જ્યારે પણ ફેલ્યર મળે ત્યારે પૉઝિટિવ ઍટિટ્યુડ સાથેના વિડિયો પ્લે કરે, એને ઉપર-ઉપરથી સાંભળે અને પછી મચી પડે. મચી પડવાથી સક્સેસ નથી મળતી. ‌નિષ્ફળતા મેળવ્યા પછી મંડી પડવું એ કામ નથી પણ કામમાં રહેલી ભૂલોને શોધવું એ સાચું કામ છે. પહેલાં એ કામ કરવું જોઈએ. પોતાની જ ભૂલ શોધવી અઘરી છે, પણ એ ભૂલ શોધવી તો પડશે, જો સફળ થવું હોય તો જાત સાથે વધારે ક્રિટિસિઝમ પણ અપનાવવું પડશે. ‌એક સલાહ માનજો મારી કે નિષ્ફળતા મળે એ પછી વહાલા લોકોની સાથે બેસવાને બદલે દવલા કહેવાય એવા લોકો પાસે જઈને બેસજો. વહાલા મસ્તક પર હાથ ફેરવશે અને લાડ લડાવશે, પણ દવલાં ટપલી મારશે, જે એ સમયે ખૂબ જરૂરી હોય છે.

બદલાવ એટલે કે ચેન્જ એ અવિરત ચાલતી ઘટના છે અને એ નિયમને માનવો પડશે. કોઈ એક કામ કરો અને એ કામ ન થાય તો એને બીજી રીતે કરવું જોઈએ. બીજી રીતે પણ ન થાય તો એને ત્રીજી રીતે કરવું પડે અને ત્રીજી રીતે પણ ન થાય તો એને ચોથી રીતે કરવું પડે. સફળતાના રસ્તાને એકસરખી રીતે વાપરી શકાય, પણ નિષ્ફળતા મળે એ પછી તો તમારે રસ્તો બદલવો જ પડે. રસ્તો નહીં તો તમારે ચાલવાની રીત બદલવી પડે અને ચાલવાની રીત નહીં તો તમારે પહોંચવાનું સાધન બદલવું પડે, પણ તમારે તમારી એ જૂની, નિષ્ફળ ગયેલી રીતમાં ચેન્જ લાવવો જ પડે. એક સમય હતો જ્યારે બધાને એવી બીક હતી કે કમ્પ્યુટર આવી જશે પછી માણસની જરૂરિયાત નહીં રહે. બેકારી આવી જશે એવી સતત વાતો ફેલાવવામાં આવતી હતી, પણ એવું થયું નથી. ક્યાંય કમ્પ્યુટરને કારણે બેરોજગારી નથી આવી અને એ આપણી આંખ સામે છે. એનું કારણ ખબર છે તમને, એક વખત પૂછ્યું છે એનું કારણ તમે? કારણ એ જ કે આપણે એ આખી પ્રોસેસમાં આપણી જરૂરિયાત ઊભી કરી દીધી, જેને લીધે પેલી જે બેકારીની વાત હતી એ વાત જ નીકળી ગઈ. કામમાં પણ એવું જ છે. તમારે એ કામની જરૂરિયાત મુજબ ઢળવું પડે. જો તમે ઢળો નહીં તો કામ કોઈ હિસાબે તમારા મુજબનું બને નહીં.

આ ઉપરાંત તમે જ્યારે ચેન્જ થઈ રહ્યા હો ત્યારે એક વાત ખાસ યાદ રાખજો. કામને જ્યારે નવી રીતે કરવા માગો છો ત્યારે મનમાંથી એક વાત બિલકુલ કાઢી નાખજો કે હવે તો આ કામ હું ચપટી વગાડતાં કરી લઈશ. કોઈએ મને કશું કહેવાની જરૂર નથી. યાદ રાખજો કે જ્યારે લોકો તમને કહેતા બંધ થઈ જશે ત્યારે તમે શીખતા બંધ થઈ જશો. ટકટક અને કચકચ એ માત્ર કંકાશ નથી, પણ એ એક વિકાસનો માર્ગ પણ છે. સલાહથી દિશા ખૂલતી હોય છે અને કચકચથી જાગરૂકતા આવતી હોય છે. આવડે એના કરતાં મહત્ત્વનું એ છે કે તમે કેટલું શીખી શકો છો. જો મનમાં એવી રાઈ ભરાઈ જશે કે તમને બધું આવડે છે તો બનશે એવું કે તમે જાહેરમાં શરમજનક અવસ્થામાં મુકાઈ જશો અને જાહેરમાં શરમજનક બનવા કરતાં તો બહેતર છે કે તમે નથી આવડતું એવું ધારીને જ આગળ વધતા રહો અને શીખતા રહો.

માત્ર ને માત્ર મોટિવેશનથી કશું નથી થવાનું, માત્ર ને માત્ર હકારાત્મકતાથી પણ કશું વળવાનું નથી. મોટિવેશન મેળવ્યા પછી, હકારાત્મકતા કેળવ્યા પછી તમારે હાથ ચલાવવાના છે અને રિઝલ્ટ ઓરિયેન્ટેડ કામની દિશામાં આગળ વધવાનું છે. મોટિવેશન અને હકારાત્મકતા સાથે પરિણામલક્ષી કામ કરવાની નીતિ અપનાવવામાં આવે તો જ સકારાત્મક પરિણામ મળે અને એ જ સકારાત્મક પરિણામથી દુનિયા બદલાય. તમારી પણ અને તમારી સાથે જોડાયેલા સૌની પણ.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2020 03:23 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK