દુ:ખસુખ થા એક સબકા, અપના હો યા બેગાના એક વો ભી થા ઝમાના

Published: Jan 29, 2020, 16:37 IST | Pankaj Udhas | Mumbai

બીજા બંધની શરૂઆત થાય એ પહેલાં મેં તેમને કહ્યું કે દાદાવાળા બંધમાં બહુ સુંદર અર્થ છે, સુંદર ભાવ છે અને શબ્દો પણ એટલા જ સરસ છે. વાત આવી બીજા બંધની.

વો લમ્હેં: ઝફર ગોરખપુરીસાહેબ સાથે પુષ્કળ સમય ગાળવા મળ્યો છે. તેમના સત્સંગનો લહાવો મળ્યો છે જેની મને અઢળક ખુશી છે.
વો લમ્હેં: ઝફર ગોરખપુરીસાહેબ સાથે પુષ્કળ સમય ગાળવા મળ્યો છે. તેમના સત્સંગનો લહાવો મળ્યો છે જેની મને અઢળક ખુશી છે.

(ઝફર ગોરખપુરીસાહેબ ઘરે આવ્યા. અમારી વચ્ચે એક વણલખ્યો નિયમ હતો. તેઓ આવે એટલે મારે ઘરેથી માણસને સિગારેટ લેવા મોકલવાનો. સિગારેટ આવે એટલે તેઓ આરામથી સળગાવે અને પછી અમારી વાતો શરૂ થાય. એ દિવસે ઝફરસાહેબ આવ્યા અને સિગારેટ આવ્યા પછી તેમણે વાત શરૂ કરી અને મને કહે કે મૈંને કુછ નયા શરૂ કિયા હૈ, તુમ સુનો. ઇસ કા ટાઇટલ હૈ ‘દાદા હયાત થે જબ...’ તેમણે એ નઝ્‍મ સંભળાવવાની શરૂ કરી. નઝ્‍મ બહુ સરસ હતી. આ નઝ્‍મના પહેલા બંધમાં દાદાની વાત હતી. બહુ સરસ રીતે એ વાતને કહેવામાં આવી હતી. દાદાની વાત પૂરી થઈ એટલે ઝફરસાહેબે મારી સામે જોયું અને મને કહ્યું કે અબ અબ્બા કે વક્તવાલી બાત સૂનો.)

બીજા બંધની શરૂઆત થાય એ પહેલાં મેં તેમને કહ્યું કે દાદાવાળા બંધમાં બહુ સુંદર અર્થ છે, સુંદર ભાવ છે અને શબ્દો પણ એટલા જ સરસ છે. વાત આવી બીજા બંધની.

બીજા બંધના શબ્દો હતા...

અબ્બા કા વક્ત આયા,

તાલીમ ઘર મેં આયી, તાઝા વિચાર લાયી

મિટ્ટી કા ઘર હટા તો પક્કા મકાન આયા.

દફ્તર કી નૌકરી થી, તનખ્વાહ કા સહારા

માલિક પે થા ભરોસા, હો જાતા થા ગુઝારા

પૈસા અગર ચેક થા, ફિર ભી ન કોઈ ગમ થા

હું સાંભળતો જ રહ્યો. બહુ સુંદર વાત, અસરકારક રજૂઆત અને એટલી જ તીવ્રતા સાથે એ કહેવામાં આવી હતી. અબ્બાવાળી વાતમાં મિડલ ક્લાસ, વર્કિંગ ક્લાસ પરિવારની વાત હતી. વિચારોમાં બદલાવ આવ્યાની વાત કહેવામાં આવી હતી. માટીનાં ઘર હટ્યાં હતાં અને પાકાં ઘર બનવાનું શરૂ થયું હતું. આ એ તબક્કાની વાત હતી જ્યારે સરકારી નોકરીમાં હતા. આપણે બધા જાણીએ છીએ કે સરકારી નોકરીમાં શું પગાર મળતો હતો. એ સમયે લિમિટેડ ઇન્કમમાં જીવવાનું હતું. આ બધું હું જાણું છું, કારણ કે મારા પિતા પોતે પણ સરકારી નોકરી કરતા હતા. જેને કહેવાય કે આ એ સમયની વાત હતી જે સમયે જીવનમાં કોઈ જાતનાં દુઃખની વાત નહોતી, બધા તહેવારો ઊજવાતા, દિવાળી હોય કે હોળી, મકર સંક્રાન્તિ હોય કે જન્માષ્ટમી. મન ભરીને આ તહેવાર માણવામાં આવતા. ક્યારેય પૈસાની ખોટ નહોતી. આપણું ઘર, આપણા લોકો અને આપણા આનંદની જ વાત રહેતી અને માણસ પણ એમાં વ્યસ્ત રહેતો. આખો દિવસ છોકરાઓની કિલકારી અને છોકરાઓની ધમાલ ચાલતી રહેતી. કહું તો ખોટું નહીં કહેવાય, દુઃખનો કોઈ પ્રસંગ આવતો નહીં અને દુઃખ નહોતું એટલે સુખની ભરમાર હતી. આજના સમયે એક મોટી ખોટી ગેરસમજણ છે કે જેટલા વધુ પૈસા એટલું વધુ સુખ પણ એ સમયે આ માન્યતા નહોતી. એ સમયે પૈસા નહોતા, પણ સુખ અઢળક હતું. એ સમયે પૈસા પાછળની દોટ નહોતી, પણ સુખ સામે ચાલીને આવતું હતું.

મેં કહ્યું કે ઝફરસાહેબ, આ શબ્દો બહુ અસરકારક છે. શબ્દોમાં ક્યાંય કલ્પના નથી, પણ તમારી વાતમાં નરી વાસ્તવિકતા છે. આ હકીકતમાં આપણા દાદા અને પિતાના સમયની જોવાયેલી વાત છે. મેં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે ઝફરસાહેબ, આ મારા હિસાબે આપણા જીવનનો નિચોડ છે.

હું તમને એક વાત કહું. નમ્રપણે એક વાત સ્વીકારું કે હું કવિ નથી, પણ એક પ્રેક્ષક તરીકે એક આઉટસાઇડર તરીકે પણ વાતને જોવાતી જતી હોય. મેં ઝફરસાહેબને આ જ વાત કહી અને કહ્યું કે બહારની વ્યક્તિ તરીકે તમને કહું તો આ નઝ્‍મ થોડી ઇનકમ્પ્લીટ છે, અધૂરી છે.

ઝફર ગોરખપુરી પોતે શાયર, સર્જક. આ સાંભળીને થોડા ઇરિટેટ થયા. તેમણે સહજ રીતે જ મને સામો પ્રશ્ન કર્યો અને કહ્યું કે ઇસમેં ક્યા ઐસા હૈ જો ઇસ નઝ્‍મ કો ઇનકમ્પ્લીટ કહ શકતે હો? બે બંધ છે, સુંદર બંધ છે. પછી આમાં શું અધૂરું છે?

મેં કહ્યું કે આપ જે કહો છો એની ના નથી, પણ નઝ્‍મની પોતાની એક ફિતરત છે, જે મુજબ જૂનો રવાયતી અંદાજ એવો છે કે તેનું માથું અને પગ હોવાં જોઈએ. એક વાર્તા શરૂ થવી જોઈએ અને શરૂ થયેલી એ વાત પૂરી થવી જોઈએ, વાર્તાનો અંત આવવો જોઈએ.

‘ઝફરસાહેબ, આ બંધને એનું માથું આપો, નઝ્‍મને મુખડું આપો.’

થોડી ચર્ચા થઈ અને એ ચર્ચા પછી ઝફરસાહેબે તૈયારી દર્શાવી કે તેઓ એનું મુખડું બનાવશે અને નઝ્‍મ પર ફરી કામ કરશે.

‘એક બાત ઔર ભી હૈ, આપ ઇસ નઝ્‍મ ટાઇટલ પર ભી કામ કરીએ.’

‘ક્યું? ઐસા ક્યું?’

મેં તેમને સમજાવ્યા અને કહ્યું કે આપણું ટાઇટલ છે કે ‘દાદા હયાત થે જબ...’ આ ટાઇટલમાં એવું લાગે છે કે એમાં માત્ર દાદાના સમયની વાત છે અને આખી નઝ્‍મ એ જ દુનિયામાં ચાલે છે, પણ હકીકત એવી નથી. હકીકતમાં તો આપણે અહીં બીજી જનરેશનની પણ વાત કરી છે તો પછી આપણે ટાઇટલ પર કામ કરવું જોઈએ.

તેમણે વિચારવાનો સમય માગીને નક્કી કર્યું કે એકાદ-બે દિવસમાં મળીએ અને જોઈએ શું થાય છે એમાં. એ દિવસે તો વાત પૂરી થઈ અને ઝફરસાહેબ રવાના થયા. વાત અહીં પૂરી થઈ, પણ બે દિવસમાં તેમનો અચાનક ફોન આવ્યો. બહુ ઉત્સાહમાં હતા તેઓ, તેમણે મને કહ્યું, ‘પંકજ, સુનો.’

તમે જુઓ સાહેબ, તેમણે ચૅલેન્જ સ્વીકારી લીધી હતી. આ બધી એવી હસ્તીઓ હતી જેઓ ચૅલેન્જ સ્વીકારવા તૈયાર હતા. કવિ હોય, સિંગર હોય કે પછી મ્યુઝિશ્યન હોય. આવી ક્રીએટિવ ચૅલેન્જ તેમને ગમતી, તેઓ લેતા, પ્રેમથી સ્વીકારતા અને એ ચૅલેન્જના સ્તર સુધી પહોંચીને પૂરી પણ કરતા.

એ ફોનમાં મને ઝફરસાહેબે કહ્યું કે મુખડા માટે બહુ વિચાર્યા પછી મેં થોડું લખ્યું છે, સાંભળ તું.

દુઃખસુખ થા એક સબકા, અપના હો યા બેગાના

એક વો ભી થા ઝમાના, એક યે ભી હૈ ઝમાના

યસ, હવે વાત બની. હવે જે વાત થઈ રહી છે એ યુનિવર્સલ છે, સૌકોઈની છે. સુખ-દુઃખમાં સૌકોઈ સહભાગી હતા અને બધા સહમત પણ હતા. મેં ઝફરસાહેબને આ જ વાત કહી અને કહ્યું પણ ખરું કે આ આપણી દિશા છે. એક એ પણ જમાનો હતો અને હવે આ સમય પણ જોઈ રહ્યા છીએ. આપણે આ વાત કરીને દાદાની વાત પર અને એ પછી આપણે આવીએ અબ્બાની વાત પર. જો એવું કરીશું તો બનશે એવું કે આપણે પગથિયાં ચડીશું અને એ પગથિયાં પાર કરીને આપણી મૂળ વાત સુધી પહોંચીએ.

ઝફરસાહેબે મને કહ્યું કે હજી ટાઇટલ પર વિચારવાનું છે, એ કામ કરું છું.

તેમની વાત સાંભળીને મેં તેમને કહ્યું કે હું મારા કામ પર લાગી જાઉં છું.

હા, મારી પાસે હવે મુખડું તૈયાર હતું એટલે હું કમ્પોઝ કરવાનું કામ કરી શકું એમ હતો. મેં મારું કામ શરૂ કર્યું અને ઝફરસાહેબ તેમની ચૅલેન્જ પર લાગ્યા.

(નઝ્‍મના નવા અધ્યાયની વાત કરીશું આવતા બુધવારે)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK