Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માલમોનું માંડવી... ઐતિહાસિક ધરોહર

માલમોનું માંડવી... ઐતિહાસિક ધરોહર

18 February, 2020 11:59 AM IST | Kutch
Sunil Mankad | feedbackgmd@mid-day.com

માલમોનું માંડવી... ઐતિહાસિક ધરોહર

માંડવી

માંડવી


સાગરતટની સુંદરતા સિવાય પણ કચ્છની સંસ્કૃતિ જ્યાં ઠસોઠસ ભરેલી છે એવું માંડવી શહેર ગુજરાતનાં ગણ્યાંગાંઠ્યાં બંદરો પૈકીનું એક છે. યોગાનુયોગ ૧૯ ફેબ્રુઆરીએ માંડવીનો ૪૪૦મો સ્થાપના દિવસ છે. મહા વદ એકાદશીના દિવસે બંદરીય માંડવી શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ઈસવી સન ૧પ૮૦માં કચ્છના મહારાવ શ્રી ખેંગારજીએ માંડવીની વિધિવત્ સ્થાપના કરી એ પહેલાં ઈસવી સન ૧પ૪૯માં રાવ ભારમલજીએ માંડવીના બંધારણને આકાર આપ્યો હતો.

૧પ૪૯માં અત્યારે જ્યાં માંડવી છે એની ફરતે ૮ કિલોમીટર લાંબી, ર.૭ કિલોમીટર પહોળી અને ૩ મીટર ઊંચી દીવાલનું નિર્માણ કરાયું હતું. એમાં ભુજની માફક જ પાંચ નાકાં, ત્રણ બારીઓ અને સાત કોઠાઓ રખાયાં હતાં. ગઢરાંગની આ ફરતી દીવાલ ૧૯૭૮માં માંડવી નગરપાલિકાને હસ્તગત કરાઈ હતી. ૧૯૯રમાં નગરપાલિકાએ ર૯૦ મીટર દીવાલ તોડી જમીન મુક્ત કરવાની પેરવી કરી ત્યારે લોકવિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે એ વિરોધ સાથેની અપીલ નામુકરર કરાઈ અને ૧૯૯૩માં પશ્ચિમ બાજુની ૩૦૦ મીટર લાંબી દીવાલ તોડી પડાઈ હતી. એ પછી આરક્ષિત પુરાતત્વ સ્મારક તરીકે સુરક્ષિત રાખવાની અપીલ પણ ખારીજ થયા બાદ ર૦૦૧માં ચાર નાકાં અને છ કોઠાને જે-તે સ્થિતિમાં રાખી ફરતી દીવાલ નાબૂદ કરી નખાઈ છે. કહેવાય છે કે મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે માંડવ્ય આ સ્થળે રહેતા. એ પરથી આ શહેરનું નામ માંડવી રખાયું છે. માંડવીનો ઇતિહાસ રસપ્રદ છે. પોર્ટુગીઝ વાસ્કો ડ ગામાએ જ્યારે ૧૪૯૭માં યુરોપથી ભારતનો દરિયાઈ માર્ગ શોધ્યો ત્યારે તેમની સાથે રહેલા એક કચ્છીએ માર્ગ બતાવ્યો હતો. પ્રથમ માંડવી બંદરે આવ્યા પછી કચ્છી ખલાસી કાનજી માલમની મદદથી માંડવીથી તે કલીકટ બંદર ગયા હતા.



mandvi-01


એ સિવાય પણ માંડવી સાથે અનેક ઐતિહાસિક વાતો સંકળાયેલી છે, પણ આજે માંડવીની ઓળખ એક અવિસ્મરણીય પ્રવાસન સ્થળ તરીકે વિશેષ છે. સાગરતટની સુંદરતા સિવાય માંડવીની સંસ્કૃતિ પણ પ્રવાસીઓને આકર્ષે છે. આ સંસ્કૃતિ ગુજરાતની અન્ય સંસ્કૃતિથી સાવ જ અલગ છે. માંડવીના જનજીવનમાં કચ્છની સંસ્કૃતિનો પ્રભાવ છે, એથી જ માંડવીની મુલાકાત વિના કચ્છનો પ્રવાસ અધૂરો ગણાય.

માંડવી નજીકનો વિજય વિલાસ પૅલેસ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ છે. કાઠડામાં આવેલો આ રાજાશાહી મહેલ બગીચાઓ અને પાણીના ફૂવારાઓને કારણે રમણીય લાગે છે. ૧૯ર૦માં જયપુરના શિલ્પી અને કલાકારોએ બાહરીય ઘાટ આપ્યો છે. વિજય વિલાસમાં ચારેકોર રાજપૂત સ્થાપત્ય કલા દેખાય છે. વચ્ચે ઊંચો ગોળાકાર પરિસર છે. રંગીન કાચ લગાવેલી બારીઓ એને વધુ શોભાયમાન બનાવે છે. વિજય વિલાસનો ખાનગી સ્વતંત્ર બીચ પણ છે. માંડવીના આ મહેલના આકર્ષણે બૉલીવુડને પણ નથી છોડ્યું. હિન્દી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘લગાન’ જેવી અનેક ફિલ્મોનું શૂટિંગ વિજય વિલાસમાં કરવામાં આવ્યું છે. ૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પર આધારિત આવનારી ફિલ્મ ‘ભુજ ધ પ્રાઇડ...’માં પણ વિજય વિલાસ નજીક કાઠડામાં ઍરસ્ટ્રીપ બનાવી શૂટિંગ કરાયું છે.


mandvi-02

માંડવી સાથે એક અનોખી ઘટના પણ વણાયેલી છે. આઝાદીના ક્રાન્તિવીર શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિઓ વિદેશથી લાવી માંડવીમાં તેમનું સ્મારક અને ક્રાન્તિ તીર્થ બન્યાં છે. શ્વેત રેતીથી લદાયેલા માંડવીના દરિયાકિનારે બનાવાતાં રેતશિલ્પો પણ સમયાંતરે માંડવી બીચ તરફ ખેંચે છે. માંડવી નગરપાલિકાએ માંડવી બીચને વધુ લોકભોગ્ય બનાવ્યો ત્યાર પછી કચ્છના પ્રવાસનને વેગ મળ્યો છે. માંડવીનો વિન્ડફાર્મ બીચ ફરવાલાયક સ્થળ તરીકે ઉપરાંત પતંગોત્સવ, ધૂળેટીના તહેવારો અને ઑફશૉર નવરાત્રિ સહિતનાં આયોજનો થકી પ્રસિદ્ધ છે. રજાઓ, વેકેશન કે તહેવારોના દિવસોમાં સહેલાણીઓના ઘોડાપુર દરિયાકિનારે ઊમટી પડે છે.

માંડવીની અન્ય એક ઓળખ એટલે ટેસ્ટફુલ દાબેલી. આજે કચ્છના ખૂણે-ખૂણે અને ગુજરાતનાં શહેરો, મુંબઈ સહિત અમેરિકામાં પણ પહોંચી ગયેલી દાબેલી ડબલરોટીનું જનક માંડવી છે. દાબેલીને લોકજીભે ચડાવવાનું શ્રેય ૧૯૬૦ના અરસામાં પ્રથમ વાર માંડવીમાં દાબેલી શરૂ કરનારા માલમ ખારવા કેશવજી ગાભા ચૂડાસમાને જાય છે.

એક વખતે લાકડાંના જહાજ બનાવવા માટે પ્રખ્યાત બનેલા માંડવીમાં દરિયાતટને કારણે સ્વાભાવિક રીતે જ ખારવાઓની વસતિ નોંધપાત્ર હોય, પરંતુ કચ્છી ગુર્જર ક્ષત્રિયો પૈકીના ગોહિલ, ભટ્ટી, જેઠવા, સોલંકી, રાઠોડ તથા વિસાવરિયા બ્રાહ્મણો ધાણેટીથી સૌપ્રથમ ૧પથી ૧૬મી સદી દરમ્યાન માંડવી આવીને વસ્યા હોવાનું કહેવાય છે.

માંડવી નજીક ગુણસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબની સ્મૃતિમાં ૧૯૮૦માં બંધાયેલું ૭ર જિનાલય આદિસર જિનાલય મહાતીર્થ છે. ૮૦ એકરમાં અષ્ટકોણ આકારમાં બંધાયેલા આ જિનાલયમાં ૭ર દેરી અને મહાવીર સ્વામીની મૂર્તિ છે. આ મંદિરમાં મૂળનાયક આદિસર ભગવાનની છ ફુટ એક ઈંચ ઊંચી મૂર્તિ સ્થાપિત છે. સંકુલમાં વિશાળ ધર્મશાળા અને ભોજનાલય પણ છે. માંડવી-નલિયા રોડ પર આવેલું સ્વામીનારાયણ મંદિર પણ જોવાલાયક છે. વિન્ડફાર્મ બીચ અને વિન્ડમિલ્સ જોયા વિના પણ માંડવીની સફર અધૂરી ગણાય. વિન્ડફાર્મ બીચ પર ૧૯૯૩માં એશિયાનો પહેલો વિન્ડમિલ્સ પ્રોજેકટ શરૂ થયો હતો.

માંડવીની રુકમાવતી નદી પર ૧૮૮૩માં બંધાયેલો રુકમાવતી બ્રીજ એ આજે પણ આ પ્રકારનો ભારતનો સૌથી લાંબો બ્રીજ છે. આ બ્રીજ વિશ્રામ કરમણ ચાવડા નામના મિસ્ત્રીએ બાંધ્યો હતો. તો ટોપણસર તળાવ એ માંડવીનું હૃદય છે. માંડવીમાં ૪૦૦ વર્ષ જૂનો જહાજ બાંધકામ વ્યવસાય એ માંડવીની શાન ગણાતી. જ્યાં ઇંગ્લૅન્ડ જવા-આવવા માટે જહાજો બનતાં. આજે પણ કુશળ કારીગરો માછીમારી બોટો માંડવીમાં બનાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 11:59 AM IST | Kutch | Sunil Mankad

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK