Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જે કારણોથી આત્મા કર્મથી બંધાય છે તેનું નામ સંવર

જે કારણોથી આત્મા કર્મથી બંધાય છે તેનું નામ સંવર

09 February, 2020 02:52 PM IST | Mumbai
Chimanlal Kaladhar

જે કારણોથી આત્મા કર્મથી બંધાય છે તેનું નામ સંવર

જે કારણોથી આત્મા કર્મથી બંધાય છે તેનું નામ સંવર


ગતાંકમાં આપણે ‘સંવર’ના ૫૭ ભેદો પર થોડો પ્રકાશ પાડ્યો. આત્માર્થીઓનું જીવન તો નિત્ય ‘સંવર’ અને ‘નિર્જરા’રૂપી તલવાર અને ઢાલ લઈને મોહરાજા સાથે જીવનભર લડવાનું છે. હવે અહીં ‘સંવર’ વિશેની કેટલીક મહત્ત્વની બાબતોની ચર્ચા કરી લઈએ.

જૈન શાસ્ત્રકારો કહે છે કે જેનાથી દુ:ખ ઉત્પન્ન થાય તેને પરિષહ કહેવાય. જૈન શાસ્ત્રોમાં આવા બાવીસ પરિષહો બતાવ્યા છે. (૧) ભૂખથી જે વેદના થાય તેને સહન કરવી તે ક્ષુધા પરિષહ છે. (૨) તૃષા લાગવાથી જે દુ:ખ થાય તે સહન કરવું તે તૃષ્ણા પરિષહ છે. (૩) બહુ ઠંડી લાગવાથી જે દર્દ થાય તેને સહન કરવું તે શીત પરિષહ છે. (૪) બહુ ગરમી લાગવાથી જે દર્દ થાય, પગ બળે, શરીર બ‍ળે તે કષ્ટ સહન કરવું તે ઉષ્ણ પરિષહ છે.  (૫) ડંસ, મચ્છર કરડવાથી જે દુ:ખ થાય તેને સહન કરવું તે દંશ-મશક પરિષહ છે. (૬) ફાટેલાં તૂટેલાં અથવા જીર્ણશીર્ણ કપડાંથી દુખી થવું તે અચેલ પરિષહ છે. (૭) ચારિત્ર પાલનમાં અરતિ, ગ્લાનિ ન થવા દેવી તે અરતિ પરિષહ છે. (૮) સ્ત્રીઓના હાવ-ભાવાદિ પ્રસંગમાં ચિત્તને સ્થિર રાખવું, ચલાયમાન ન થવા દેવું તે સ્ત્રી પરિષહ છે. (૯) કોઈ પણ ગામ વગેરે ઉપર મોહ ન રાખતાં ગ્રામાનુગ્રામ ભ્રમણ કરવું, આ ભ્રમણમાં ઉત્પન્ન થતાં કષ્ટો સહન કરવા તે ચર્ચા પરિષહ છે. (૧૦) નિષધા એટલે રહેવાનું સ્થાન. જે સ્થાનમાં સ્ત્રી, પશુ કે નપુંસક ન રહેતા હોય એવા સ્થાનમાં રહેવું, એમાં કોઈ ઉપસર્ગ, પરિષહ આવે તે સહન કરવો તે નિષધા પરિષહ છે. (૧૧) કોઈ મનુષ્ય ગમે તેવો ક્રોધ કરે, તિરસ્કાર કરે, અપમાન કરે તો પણ તેને સહન કરવું તે આક્રોષ પરિષહ છે. (૧૨) સૂવાની જગ્યા, ઊંચી, નીચી, ધૂળ-કાંકરાવાળી ગમે તેવી હોય પરંતુ મનમાં ગ્લાની ન લાવતા તેને સહન કરવું તે શય્યા પરિષહ છે. (૧૩) કોઈ મનુષ્ય શારીરિક યાતનાઓ આપે, મારે, દુ:ખ-પીડા આપે, તે સમયે એ વિચાર કરવો કે આ શરીર મારું નથી અને અંતે તો તે નાશ પામનારું છે. જે દુ:ખ મને પડી રહ્યું છે તે મારા કર્મોનું ફળ છે એવી ભાવના રાખી સહન કરવું તે વધ પરિષહ છે. (૧૪) કોઈની પાસે કોઈ વસ્તુ માગવી એ શરમની વાત છે, પરંતુ ચારિત્રરક્ષણ માટે વસ્ત્ર, પાત્ર, અન્નની યાચના ગૃહસ્થો પાસે કરવી તે સાધુનો ધર્મ છે. તેને યાચના પરિષહ કહે છે.



(૧૫) કોઈ વસ્તુની જરૂરત હોય અને તે ગૃહસ્થોથી માગવા છતાં ન મળે તો તેથી દુ:ખી ન થવું જોઈએ. તે લાભ પરિષહ છે. (૧૬) જે સમયે કોઈ પણ પ્રકારની વ્યાધિ ઉત્પન્ન થાય, તે સમય હાયવોય ન કરતા તેને સમભાવપૂર્વક સહન કરતા નિર્દોષ દવા વગેરેનો ઉપચાર કરીને એવું સતત વિચારવું જોઈએ કે ‘આ તો મારા કર્મનું ફળ છે.’ આ રોગ પરિષહ છે. (૧૭) ક્યારેક બેસતાં, ઊઠતાં, ચાલતાં, ફરતાં કે સૂતાં ઘાસનો અગ્રભાગ શરીરે ભોંકાય ત્યારે તે કષ્ટને સહન કરવું, તે તૃષ્ણ સ્પર્શ પરિષહ છે. (૧૮) હાથ, પગ અથવા શરીરની ઉપર મેલ ચઢી ગયો હોય તો પણ તે પર ધૃણા, તિરસ્કાર ન કરતાં તેને સહન કરવું તે મલ પરિષહ છે. (૧૯) તમારું બહુમાન થતું હોય, આદર-સત્કાર થતો હોય, લોકો તમારી  પ્રશંસા, સ્તુતિ કરતા હોય પણ તેનાથી જરા પણ ખુશી ન થતાં એવો વિચાર કરવો કે આ મારું સન્માન નથી પરંતુ ત્યાગનું સન્માન છે, અને ક્યારેક લોકો આદર ન કરે, સન્માન ન આપે તો કશો જ ખેદ ન અનુભવવો તે સત્કાર પરિષહ છે. (૨૦) તમે શ્રુતજ્ઞાની હો, બુદ્ધિમતા તેજસ્વી હોય, લોકોની શંકાનું સમાધાન કરી શકતા હો તો તેનું અભિમાન ન કરતા નમ્રતા ધારણ કરવી જોઈએ. પોતાના શ્રુત જ્ઞાનને અનુલક્ષીને હંમેશાં પોતાની જાતને પ્રશ્ન કરવો જોઈએ કે હું કોણ છું, શું છું? આને પ્રજ્ઞા પરિષહ કહે છે. (૨૧) બુદ્ધિની અલ્પજ્ઞતાના કારણે શાસ્ત્રાદિનું વધારે જ્ઞાન ન હોય તો તેનાથી દુ:ખી ન થવું તે અજ્ઞાન પરિષહ છે. (૨૨) કેટલાયે કસ્ટો, ઉપસર્ગો આવવા છતાં સાચા ધર્મથી, સાચી શ્રદ્ધાથી ચલાયમાન ન થવું. શાસ્ત્રોના અર્થ બરાબર ન સમજાય તો તેથી વ્યામોહ ન થવું. બીજા ધર્મોમાં ચમત્કાર જોઈ તેના પર આકર્ષિત ન થવું એનું નામ છે સમ્યકત્વ પરિષહ.


જૈન ધર્મ ગ્રંથોમાં સાધુ જીવનના ચુસ્ત આચાર પાલન અર્થે દશ યતિ ધર્મ બતાવવામાં આવ્યા છે. તે દશ યતિ ધર્મ આ પ્રમાણે છે ઃ (૧) ક્ષમા કરવી, શક્તિ હોવા છતાં અન્યના અપરાધને માફ કરવો, ગમ ખાવો, ક્રોધ-ગુસ્સાને રોકવો તે છે ક્ષાન્તિ ધર્મ. (૨) કોમળતા રાખવી, સત્તા, શક્તિ, જ્ઞાન વગેરે વધવા છતાં નિહંકારીપણું રાખવું તે  માર્દવતા છે. (૩) સરળતા રાખવી, કપટ,  માયા, દંભથી દૂર રહેવું તે છે ઋજુતા. (૪) લોભવૃત્તિથી દૂર રહેવું, ઇચ્છાઓને રોકવી તે છે મુક્તિ. (૫) યથાશક્તિ તપશ્ચર્યા કરવી, ઉપવાસાદિ તપસ્યાથી પ્રભુભક્તિ, ધ્યાન વગેરેમાં મનને પરોવવું. તપથી કર્મની નિર્જરા થાય છે, કર્મનો ક્ષય થાય છે. સાચી તપશ્ચર્યા, સાચો ઉપવાસ એ જ છે કે જેમાં કષાયો, વિષયો અને આહાર-ભોજનનો સર્વથા ત્યાગ હોય. ઇચ્છાને રોકવાનું કામ એ જ તપ છે. દશ યતિ ધર્મમાં તપનું મહત્ત્વ જરાપણ ઓછું આંકી શકાય નહીં. (૬) ઇચ્છાઓને રોકવી, ઇન્દ્રિયો પર કાબૂ રાખવો અને પાપ લાગે તેવાં કાર્યોથી દૂર રહેવું તે છે સંયમ. ઇન્દ્રિયોનો અસંયમ ચારિત્રને નિઃસાર બનાવી દે છે. માટે ચારિત્રને નિર્મળ રાખવા ઇન્દ્રિયોનો સંયમ આવશ્યક છે. (૭) આત્માર્થી સત્યવ્રતધારી હોવો જરૂરી છે. તેમના મનમાં ક્યારેય અસત્યની ભાવના ન ઉદ્ભવવી જોઈએ. સત્ય બોલનારની વાણી વરદાન બની જાય છે, પરંતુ અસત્ય બોલનારનું આજ સુધીનું બધું તપ અને સંયમ નાશ પામે છે અને અંતે તો તે આત્મા દુર્ગતિમાં જ જાય છે. દશ યતિ ધર્મમાં એટલે જ સત્યનું મહત્ત્વ છે. (૮) મનને સારા વિચારોથી પ્રવિત્ર રાખવું, અશુભ વિચારો રોકવા. સતશાસ્ત્રોનો અભ્યાસ અને સત્સંગ આત્માર્થી માટે ખૂબ જરૂર છે. તે શૌચધર્મ  છે. (૯) સંયમના પોષક ઉપકરણો સિવાય મમતાથી અન્ય કોઈ ચીજ ન સંઘરવી. સંયમબળ પર જીવતા નિ:સ્પૃહી લોકો ભવિષ્યમાં અમુક વસ્તુઓ નહીં મળે તેવો કાયર, નિ:સત્વ વિચાર ક્યારેય ન કરવો તે છે આકિંચન્ય. (૧૦) બ્રહ્મચર્ય ગુણ તો આત્માર્થીઓનો પ્રાણ છે. સાધુજીવનની સફળતા આ ગુણ પર જ આધારિત છે. સ્ત્રી જોઈને દૃષ્ટિ કે મનને બગડવા ન દેવું. તેના નિર્મલ પાલન માટે નવ વાડોનું સહર્ષ પાલન કરવું તે છે દસમો યતિ ધર્મ.

છેલ્લે આ લેખના સમાપનમાં પાંચ ચારિત્રધર્મની થોડી વાતો કરીએ. ચારિત્રધર્મમાં (૧) સમસ્ત પાપવૃત્તિઓના ત્યાગરૂપ ચારિત્ર હોવું તે સામાયિક ચારિત્ર છે. (૨) કોઈ પણ જીવે ચારિત્ર લીધું હોય અને તેનાથી કર્માધિન કોઈ મોટું પાપ થઈ ગયું હોય તો તે પાપના પ્રાયશ્ચિતરૂપે તેનો દીક્ષા પર્યાય ઘટાડવાનું શાસ્ત્રકારોનું કથન છે. આ સાતિચાર છેદોપસ્થાપનીય છે. વળી એક તીર્થંકરના સાધુ બીજા તીર્થંકરના શાસનમાં, આજ્ઞામાં પ્રવેશ કરે તે સમયે સાધુને ફરીથી ચારિત્ર ઉચ્ચારવું પડે છે. તેને છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર. આ ત્રણેય ચારિત્રો ઉચ્ચ-કોટિના તપથી અને ઉચ્ચ કોટિની આત્મદશાથી પ્રાપ્ત થાય છે. વર્તમાન કાળે પ્રથમના બે ચારિત્ર ધારણ કરનારા સાધુઓ હોય છે, પણ પાછળ આપેલ ત્રણ ચારિત્રવાળા સાધુઓ નથી હોતા, કેમકે વર્તમાન સમયે તેઓ એવા પ્રકારનું શારીરિક અને માનસિક બળ ધરાવતા હોતા નથી.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2020 02:52 PM IST | Mumbai | Chimanlal Kaladhar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK