મુંબઈમાં કિલ્લો તોડ્યો, ટાવર બાંધ્યો કોણે? અમેરિકન સિવિલ વૉરે અને ગવર્નરે

Published: Feb 01, 2020, 12:07 IST | Deepak Mehta | Mumbai

એક જમાનામાં મુંબઈની સૌથી ઊંચી ઇમારત હોવાનું માન આ રાજાબાઈ ટાવરને મળ્યું હતું. માત્ર આ ટાવરને જ નહીં, મુંબઈના આખા કોટ વિસ્તારને અમેરિકાના આંતરવિગ્રહ – સિવિલ વૉર – સાથે સીધો સંબંધ છે એમ કોઈ કહે તો તમે માનો?

રાજાબાઈ ટાવર બંધાતો હતો ત્યારે
રાજાબાઈ ટાવર બંધાતો હતો ત્યારે

રાજાબાઈ ટાવરના રખેવાળને ઊંઘ આવી ગઈ એટલે ટાવરની રોશની વહેલી સવાર સુધી ચાલુ રહી અને તેથી કોટ વિસ્તારનાં ઘણાંખરાં સરકારી મકાનોની રોશની પણ ચાલુ રહી – ૧૯૫૦ની આ વાત આપણે ગયા વખતે કરી હતી. એક જમાનામાં મુંબઈની સૌથી ઊંચી ઇમારત હોવાનું માન આ રાજાબાઈ ટાવરને મળ્યું હતું. માત્ર આ ટાવરને જ નહીં, મુંબઈના આખા કોટ વિસ્તારને અમેરિકાના આંતરવિગ્રહ – સિવિલ વૉર – સાથે સીધો સંબંધ છે એમ કોઈ કહે તો તમે માનો? પણ એ હકીકત છે. આજે પણ જે કોટ વિસ્તાર તરીકે જ ઓળખાય છે એ વિસ્તારને ફરતો કોટ એટલે કિલ્લો, આ ફોર્ટ અંગ્રેજોએ બાંધ્યો હતો. કોટની અંદરના ભાગમાં મોટે ભાગે અંગ્રેજો રહેતા હતા અને સરકારી ઑફિસો હતી. ‘દેશી’ઓ બહાર કોટમાં, એટલે કે કોટની બહારના વિસ્તારમાં રહેતા હતા અને તેમની જુદી-જુદી બજારો પણ ત્યાં ઊભી થઈ હતી. પણ કવિએ કહ્યું છેને કે ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.’ વખત જતાં મુંબઈ શહેરના વિકાસ આડે અવરોધરૂપ બનવા લાગ્યો એ કિલ્લો. વળી જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે આવતા જે હુમલાખોરોથી બચવા માટે એ કોટ બાંધ્યો હતો તેમના હુમલાઓનો ભય હવે રહ્યો નહોતો એટલે કોટનો કશો અર્થ રહ્યો નહોતો.

૧૮૬૨માં સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર બન્યા. તેમના ધ્યાનમાં કોટની દીવાલોની નિરર્થકતા તરત આવી ગઈ એટલે એ દીવાલો તોડી પાડવાનો હુકમ આપ્યો જેથી મુંબઈ શહેરનો વિકાસ થઈ શકે. ફ્રેરેનો જન્મ ૧૮૧૫ના માર્ચની ૨૯મી તારીખે. અવસાન ૧૮૮૪ના મે મહિનાની ૨૯મી તારીખે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાઈને ૧૮૩૪માં મુંબઈ આવ્યા અને કોર્ટના ‘રાઇટર’ તરીકે જોડાયા. ૧૮૩૫માં પુણેના અસિસ્ટન્ટ કલેક્ટર બન્યા. ૧૮૪૨માં મુંબઈના ગવર્નર સર જ્યૉર્જ આર્થરના પ્રાઇવેટ સેક્રેટરી બન્યા. ૧૮૫૦માં સિંધ (એ વખતે બૉમ્બે પ્રેસિડન્સીમાં એનો સમાવેશ થતો

હતો)ના ચીફ કમિશનર બન્યા. ૧૮૬૨માં તેઓ મુંબઈના ગવર્નર બન્યા અને ૧૮૬૭ સુધી એ પદે રહ્યા.

૧૮૬૧માં અમેરિકાની સિવિલ વૉર શરૂ થઈ તેથી હિન્દુસ્તાન અને ખાસ કરીને મુંબઈથી રૂની નિકાસ રાતોરાત ખૂબ વધી ગઈ. એના પરિણામે એ વખતે મુંબઈમાં પૈસાની, સોનાચાંદીની રેલમછેલ થઈ હતી. એટલે કિલ્લો તોડીને શહેરનો વિકાસ કરવા માટેની આ સોનેરી તક હતી અને સર બાર્ટલ ફ્રેરેએ એ તક ઝડપી લીધી. પણ ફક્ત કિલ્લો તોડવાથી જ શહેરનો વિકાસ બહુ નહીં થઈ શકે એ વાત પણ તેમના ધ્યાનમાં આવી. મુંબઈ તો હતું સાત ટાપુનું બનેલું શહેર. એના વિકાસ માટે જમીન કાઢવી ક્યાંથી? પણ ફ્રેરે લીધેલી વાત મૂકવામાં માનતા નહોતા. દરિયો છે તો શુ થયું? આપણે દરિયો પૂરીને – રેક્લેમેશન કરીને – જમીન મેળવીએ. પણ આ કંઈ સરકારનું કામ નહોતું. પણ મુંબઈના લોકો તો આ કામ કરી શકેને? અને અત્યારે મુંબઈમાં તો ધનના ઢગલા થયા છે તો એનો ઉપયોગ આ માટે કેમ ન થઈ શકે? આજે જે હૉર્નિમન સર્કલ તરીકે ઓળખાય છે એ એ વખતે એલ્ફિન્સ્ટન સર્કલ તરીકે ઓળખાતું. ત્યાંનાં ઘણાંખરાં મકાનો ૧૮૬૧ અને ૧૮૬૫ વચ્ચેની મુંબઈની જાહોજલાલી દરમ્યાન બંધાયેલાં. પહેલાં તો ત્યાં સપાટ મેદાન હતું જ્યાં રૂની ગાંસડીઓ બંધાતી અને એનો વેપાર થતો.

એ વખતે મુંબઈના વેપારી જગતના બેતાજ બાદશાહ ગણાતા હતા પ્રેમચંદ રાયચંદ. વેપારીઓ જ નહીં; સરકારી અમલદારો, સમાજના અગ્રણીઓ સૌ તેમનો પડ્યો બોલ ઝીલતા. એટલે ગવર્નરે પ્રેમચંદ રાયચંદને મળવા બોલાવ્યા અને દરિયો પૂરીને જમીન મેળવવા માટે એક કંપની કાઢવાનું સૂચન કર્યું. પ્રેમચંદશેઠને નેટિવ સ્ટૉકબ્રોકર્સ અસોસિયેશનના કામનો અનુભવ હતો. પૈસા હતા, વગ હતી. એ વખતે અંગ્રેજી બોલી-વાંચી શકે તેવા તેઓ એકમાત્ર શૅરબ્રોકર હતા. ૧૮૬૦ સુધીમાં તેઓ લખપતિ બની ચૂક્યા હતા (એ વખતે એ મોટી વાત હતી). ગવર્નર સાથે વાટાઘાટ કર્યા પછી બૅકબે રેક્લેમેશન કંપની કાઢવાનું નક્કી થયું. આ કંપનીએ ૧૫૦૦ એકર જેટલી જમીન નવસાધ્ય કરવી એમ ઠરાવ્યું. અને એ કંપનીના ચીફ પ્રમોટર કોણ? તો કહે પ્રેમચંદ રાયચંદ. ભલે સીધી રીતે નહીં તો આડકતરી રીતે સરકારનો આ કંપની પર કાબૂ તો રહેવો જોઈએને? એટલે ગવર્નર ફ્રેરેએ આ નવી કંપનીના ૪૦૦ શેર ખરીદ્યા. લોકોને તો પ્રેમચંદશેઠ પર એવો આંધળો વિશ્વાસ કે તેમનું નામ પડતાં જ આ નવી કંપનીના શૅર મેળવવા માટે પડાપડી થવા લાગી. ૫૦૦ રૂપિયાનો એક શૅર. લોકો એના ચાર-પાંચગણા ભાવ આપવા તૈયાર હતા. એની દેખાદેખીથી બીજી પણ રેક્લેમેશન કંપનીઓ નીકળી. પણ સાચા અને પાકા વેપારીઓ કંઈ પોતાને પૈસે શૅર ખરીદે નહીં. તો શૅર ખરીદવા પૈસા કોણ ધીરે? એ વખતે આખા મુંબઈ ઇલાકાની સૌથી મોટી બૅન્ક હતી મુંબઈમાં આવેલી બૅન્ક ઑફ બૉમ્બે. ગવર્નરે પ્રેમચંદશેઠને એ બૅન્કના એક ડિરેક્ટર બનાવી દીધા. પણ ગવર્નરે આ કંપનીના શૅર ખરીદ્યા છે એ વાતની ખબર લંડનમાં બેઠેલા અધિકારીઓને પડી. એટલે હિન્દુસ્તાનની સરકારે એ શૅર વેચી નાખવાનો ગવર્નરને આદેશ આપ્યો એટલે એક શૅરના ૫૦૦૦ના ભાવે એ શૅર વેચાયા. એ રકમ એશિયાટિક બૅન્કિંગ કૉર્પોરેશનમાં થાપણ તરીકે મૂકવામાં આવી. પણ આ એશિયાટિક બૅન્કિંગ કૉર્પોરેશનની સ્થાપના કોણે કરી? તો કહે પ્રેમચંદ રાયચંદે. એટલે હવે મુંબઈના વેપારી જગત પરની તેમની પકડ વધુ મજબૂત બની. પ્રેમચંદશેઠની મીઠી નજર પડે તો માણસ ન્યાલ થઈ જાય. જે બે બૅન્કો સાથે તેઓ જોડાયા હતા એમાંથી લોન મેળવવા માટે શું કરવું? શેઠસાહેબ સાદા કાગળની ચબરખી પર લખી આપે. એ લઈને બૅન્કમાં જાઓ એટલે પૈસા હાજર, અલબત્ત ઊંચા વ્યાજે. લોકોને એ રીતે લોન લેવામાં વાંધો નહોતો દેખાતો, કારણ કે જે રીતે શૅરના ભાવ વધતા જતા હતા એ જોતાં વ્યાજની રકમ તો નફાની ચપટી જેટલી થશે એમ લોકો માનતા. અને બૅન્કોને લાગતું હતું કે ઊંચા વ્યાજે લોન આપીને આપણે ઢગલો પૈસા મેળવી લઈશું.

tower

પ્રેમચંદ રાયચંદનો બંગલો પ્રેમોદ્યાન

કવિએ કહ્યું છેને કે ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થશે કાલે.’ નહોતી રૂના વેપારીઓને ખબર, નહોતી બૅન્કોને ખબર કે નહોતી મુંબઈ સરકારને ખબર કે અમેરિકાની સિવિલ વૉર ૧૮૬૫ના મે મહિનાની પહેલી તારીખે પૂરી થઈ જવાની છે. એટલે હિન્દુસ્તાનના રૂની નિકાસનો પરપોટો ફૂટી જવાનો છે એટલે ભયંકર મંદી આવવાની છે એટલે વેપારીઓ, રેક્લેમેશન કંપનીઓ, બૅન્કો, બધાં રાતોરાત પાયમાલ થઈ જવાનાં છે. અરે, બેતાજ બાદશાહ શેઠ પ્રેમચંદ રાયચંદે પણ આવું તો નહોતું ધાર્યું. બીજા બધાની જેમ તેમણે પણ લગભગ સર્વસ્વ ગુમાવ્યું. બૅન્ક ઑફ બૉમ્બે કેમ ફડચામાં ગઈ એ અંગે તપાસ કરવા સરકારે એક સમિતિ નીમી. એણે પોતાના અહેવાલમાં જણાવ્યું કે પ્રેમચંદ રાયચંદ જે આડેધડ રીતે લોન આપવા બૅન્કને ભલામણ કરતા હતા એણે મોટો ભાગ ભજવ્યો હતો. જોકે પ્રેમચંદ શેઠે પોતાનું અંગત બધું દેવું ધીરે-ધીરે ચૂકવી દીધું. રાખમાંથી ફરી જન્મેલા ફીનિક્સ પક્ષીની જેમ ફરી વેપારમાં પગભર થયા; પણ પહેલાંની પ્રતિષ્ઠા, પહેલાંની જાહોજલાલી પાછી ન આવી. પણ જ્યારે પૈસાની રેલમછેલ હતી ત્યારે તેમણે સખાવત કરવામાં પાછું વાળીને જોયું નહોતું. છોકરીઓ માટે સ્કૂલ શરૂ કરવી છે? પ્રેમચંદશેઠ પૈસા આપશે. નવી લાઇબ્રેરી કાઢવી છે કે જૂનીને વધુ સમૃદ્ધ કરવી છે? પ્રેમચંદશેઠ છેને! અને તેઓ માત્ર મુંબઈમાં જ દાન નહોતા આપતા, ગુજરાતની પણ અનેક સંસ્થાઓને સખાવત કરી હતી. અરે, છેક કલકત્તા યુનિવર્સિટીને પણ દાન આપ્યું હતું.

આવા દાનવીર મુંબઈ યુનિવર્સિટીને દાન ન આપે એવું બને? એની શરૂઆતથી આજ સુધી મુંબઈના (હવે મહારાષ્ટ્રના) ગવર્નર હોદ્દાની રૂએ એના ચાન્સેલર હોય છે. એટલે ગવર્નર ફ્રેરે જેના ચાન્સેલર હોય એ યુનિવર્સિટીને તો પ્રેમચંદશેઠ દાન આપે જને! ૧૮૫૭માં આ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે એની પાસે પોતાનું મકાન નહોતું. એટલે એની શરૂઆત ટાઉનહૉલના મકાનમાં થઈ હતી. વર્ગો ત્યાં લેવાતા અને મેટ્રિકની તથા બીજી પરીક્ષાઓ પણ ત્યાં જ લેવાતી. આ નવી યુનિવર્સિટીને એનાં પોતાનાં બે મકાનો બાંધવા માટે ઉદાર હાથે દાન આપનાર બે ગુજરાતીઓ હતા - સર કાવસજી જહાંગીર અને શેઠ પ્રેમચંદ રાયચંદ. સરસાહેબે કૉન્વોકેશન હૉલ માટે દાન આપ્યું અને પ્રેમચંદશેઠે લાઇબ્રેરી અને ટાવર માટે દાન આપ્યું. આ બન્ને ઇમારતની ડિઝાઇન બ્રિટનમાં તૈયાર થઈ હતી. એ બાંધવાનું કામ પણ બ્રિટિશ કંપનીને આપવા ધાર્યું હતું. પણ પહેલી કંપનીએ ખર્ચનો જે અંદાજ આપ્યો એ ખૂબ વધુ હતો. કૉન્વોકેશન હૉલ માટે રૂપિયા સાડાબાર લાખ અને લાઇબ્રેરી અને ટાવર માટે ૧૫ લાખ. આટલો ખર્ચ કોઈને પોસાય એમ નહોતો. એટલે મુંબઈ સરકારના અસિસ્ટન્ટ આર્કિટેક્ટની મદદ મગાઈ. તેમણે મૂળ ડિઝાઇનમાં ઓછામાં ઓછા ફેરફાર કર્યા અને કૉન્વોકેશન હૉલના બાંધકામ માટે ખર્ચનો અંદાજ આપ્યો ૪ લાખ ૧૫ હજાર ૮૦૪ રૂપિયા અને લાઇબ્રેરી તથા ટાવર માટે અંદાજ આપ્યો પાંચ લાખ ૨૮ હજાર ને ૯૩ રૂપિયા. લાઇબ્રેરી અને ટાવર માટે પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને ચાર લાખ રૂપિયાનું દાન આપ્યું, જે એ વખતે ઘણી મોટી રકમ કહેવાય. એની ઇમારત બાંધતાં ચાર વર્ષ લાગ્યાં અને ૧૮૭૮ના નવેમ્બરમાં એનું બાંધકામ પૂરું થયું. ત્યારે અગાઉના અંદાજ કરતાં વધુ ખર્ચ થયો હતો – પાંચ લાખ ૪૭ હજાર ૭૦૩ રૂપિયા. એટલે કે અંદાજ કરતાં ૧૯,૬૧૦ રૂપિયા વધુ. ત્યાં સુધીમાં રૂની નિકાસના અને શૅરબજારના ફુગ્ગા તો ક્યારના ફૂટી ગયા હતા. પણ આટલાં વર્ષો દરમ્યાન પ્રેમચંદશેઠના ચાર લાખ રૂપિયાનું જે વ્યાજ આવ્યું હતું એમાંથી આ વધારાની રકમ ચુકવાઈ શકી હતી. ૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે સર કાવસજી જહાંગીર કૉન્વોકેશન હૉલ, યુનિવર્સિટી લાઇબ્રેરી અને ટાવરનું વિધિપૂર્વક ઉદ્ઘાટન થયું. એ પ્રસંગે ટાવર પર રોશની કરવાનું નક્કી થયું હતું. ત્યારે મુંબઈમાં હજી વીજળી તો આવી નહોતી એટલે ચાર હજાર રૂપિયાને ખર્ચે ટાવરને દીવાઓથી શણગારવામાં આવ્યો હતો, પણ એ દીવાનો ઝળકાટ થોડી મિનિટ જ ટક્યો હતો; કારણ કે જોરથી પવન ફૂંકાયો અને ઘણાખરા દીવા બુઝાઈ ગયા! દાન આપતી વખતે એક પત્ર દ્વારા પ્રેમચંદ રાયચંદે ટાવર સાથે તેમની માતાનું નામ જોડવાની વિનંતી કરી હતી. તેમનાં અંધ માતાનું નામ હતું રાજાબાઈ. એટલે ટાવરને રાજાબાઈ ટાવર એવું નામ આપ્યું. એક લોકવાયકા એવી છે કે પોતાનાં અંધ માતા ટાવરના ડંકા સાંભળીને કેટલા વાગ્યા એ જાણી શકે એટલા ખાતર પ્રેમચંદશેઠે આ ટાવર બંધાવ્યો હતો. આજે પણ કોટ વિસ્તારના ઘણા ભાગોમાં આ ટાવરના ડંકા સંભળાય છે. પણ પ્રેમચંદશેઠ અને તેમનું કુટુંબ તો રહેતાં હતાં છેક ભાયખલામાં, પ્રેમચંદશેઠે બંધાવેલા ‘પ્રેમોદ્યાન’ નામના બંગલોમાં અને કોટ વિસ્તારમાં આવેલા રાજાબાઈ ટાવરના ડંકા ઠેઠ ભાયખલામાં સંભળાય એ શક્ય જ નથી. આ પ્રેમોદ્યાન બંગલો આજે પણ હયાત છે. અત્યારે એ ‘રેગિના પાસીસ’ તરીકે ઓળખાય છે અને નજીકમાં આવેલું ગ્લોરિયા ચર્ચ ત્યાં છોકરીઓ માટેની સ્કૂલ ચલાવે છે.

આમ અમેરિકન સિવિલ વૉરે મુંબઈને ભેટ આપી કોટ વિસ્તારના વિકાસની અને રાજાબાઈ ટાવરની. કૉન્વોકેશન હૉલ સાથે જેમનું નામ જોડાયું છે એ સર કાવસજી જહાંગીર રેડીમની વિશેની વાતો હવે પછી.

 

 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK