સક્રિયતાની પહેલી નિશાની નિષ્ક્રિયતા

Published: Jan 31, 2020, 15:30 IST | Rashmin Shah | Mumbai

હા, વાત એકદમ સાચી છે. સક્રિયતાની પહેલી નિશાની નિષ્ક્રિયતા છે. જો જાતને નિષ્ક્રિય રાખી શકશો, જો જાતને બધી જગ્યાએથી અળગી કરી શકશો તો અને તો જ ઉદ્ભવી રહેલા મહાન ચિંતનને ઝીલવા માટે તમે અવેલેબલ રહેશો

હા, વાત એકદમ સાચી છે. સક્રિયતાની પહેલી નિશાની નિષ્ક્રિયતા છે. જો જાતને નિષ્ક્રિય રાખી શકશો, જો જાતને બધી જગ્યાએથી અળગી કરી શકશો તો અને તો જ ઉદ્ભવી રહેલા મહાન ચિંતનને ઝીલવા માટે તમે અવેલેબલ રહેશો અને જો તમારી અવેલિબિલિટી હશે તો જ તમે એ મહાન ચિંતન, મહાન વિચારના કારક બની શકશો.

સાવ સરળ વાત છે, સાવ સામાન્ય અને સહેલાઈથી સમજી શકાય એવી વાત છે. સમજીએ પણ એટલી જ સરળતા સાથે.

મહાન વૈજ્ઞાનિક ન્યુટન ઝાડની નીચે બેઠા હતા અને એ સમયે તેમના માથા પર સફરજન પડ્યું. સફરજન વાગ્યું એટલે ન્યુટનને નવાઈ લાગી અને એ નવાઈમાંથી તેમના મનમાં વિચાર ઝબકી ગયો કે સફરજન નીચે કેમ પડ્યું, ઉપર કેમ ઊડ્યું નહીં? આ વિચારે તેમને નવી જિજ્ઞાસા આપી અને એ જિજ્ઞાસા વચ્ચે તેમણે સફરજન ઉપરની દિશા તરફ, આકાશ તરફ ફેંક્યું અને સફરજન ફરી નીચે પડ્યું. આ ઘટના સાથે ન્યુટનનું સંશોધન શરૂ થયું અને ગ્રેવિટી લો એટલે કે ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ.

મૂળ વિષય પર આવીએ એ પહેલાં બીજી એક ઘટના પણ જોઈ લઈએ.

રાઇટ બ્રધર્સનું નામ સાંભળ્યું છેને? આપણું વિમાન શોધનારા રાઇટ બ્રધર્સ. ઓરવિલ અને વિલબર રાઇટ. ઓરવિલ અને વિલબર એમ જ બેઠા હતા. કોઈ કામ વિનાના, સાવ નવરાધૂપ અને એ બન્નેનું ધ્યાન આકાશ પર ગયું. પક્ષીઓ ઊડતાં હતાં, હવામાં લહેરાતાં હતાં અને લહેરાતાં એ પક્ષીઓને જોઈને એક ભાઈને વિચાર આવ્યો કે આ પક્ષીને કેવું સારું, ઊડીને ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. આ જ વિચારને બીજા ભાઈએ ઝીલ્યો અને ઝીલીને ઉત્કંઠા સાથે પ્રશ્ન કર્યો કે આવી જ પાંખ ભગવાન આપણને પણ આપી દે તો કેવું સારું. હવે આ મહાન વિચારને ઝીલવાનું કામ બન્ને ભાઈઓએ કર્યું અને બન્નેએ પ્લેનની દિશામાં પહેલું પગલું માંડ્યું.

બન્ને ઘટનામાં સામાન્ય વાત જો કોઈ હોય તો એક જ, ન્યુટન અને રાઇટબંધુઓ પગ પસારીને બેઠા હતા, નવરાધૂપ, સાવ એમ જ, કોઈ જાતના કામ વિના. બિલકુલ નિષ્ક્રિય. આ નિષ્ક્રિયતાએ તેમને સક્રિયતા આપી અને એ સક્રિયતા એવી મહાન હતી કે આજે, સદીઓ પછી પણ આપણે તેમના દાખલા ટાંકવા પડે છે. નિષ્ક્રિયતા જીવનમાં જરૂરી છે, જીવનમાં આવશ્યક છે અને અત્યારના સમયની સૌથી મોટી મજબૂરી જો કોઈ હોય તો એ જ છે કે નિષ્ક્રિયતા કોઈને જોઈતી નથી. પગ ભાગી રહ્યા છે, હાથ મોબાઇલ પર વ્યસ્ત છે, આંખ ઑટો શોધી રહી છે અને મનમાં રોજબરોજના કામોનું ટેન્શન ભાગી રહ્યું છે. ઑટો મળે તો પણ શાંતિ નથી. ઑટોમાં તશરિફ ટેકવી દીધા પછી પહેલું કામ ફોન લગાડવાનું થાય છે, જુનિયર હોય તો બૂમબરાડા કરવાના અને સિનિયર હોય તો સામેના છેડેથી આવતા બૂમબરાડા સાંભળવાના. આસપાસમાં ફરી રહેલા, મનોસ્થિતિ પર ઝળૂંબી રહેલા મહાન વિચારોને ઝીલવા માટે ઍન્ટેના ખોલવાની ક્ષમતા રહી નથી. નિષ્ક્રિયતાનો અભાવ છે અને એટલે સક્રિયતા સાથે કશું થઈ રહ્યું નથી. મોનોટોનસ કહેવાય એવી, રોબોટિક ગણાય એવી અવસ્થા છે અને એટલે જ વિચારોની સાથે મિસ-કમ્યુનિકેશન વધી રહ્યું છે. મહાન વિચાર, મહાન ચિંતનના સિગ્નલ પકડવા માટે ભાગી રહેલા મનને શાંત રાખવું પડશે. બોર થવું પડશે.

આ બોર થવાની પ્રક્રિયા પણ જીવનનું મહત્ત્વ સમજાવવાનું કામ કરશે. જો બોર નહીં થાઓ તો જાત સાથે રહેવાનો ભાવ નહીં આવે. જો બોર નહીં થાઓ અને જાતને સતત ઍક્ટિવ રાખશો તો આસપાસથી આવી રહેલા તમામ સિગ્નલ્સ ગુમાવશો અને જો એ ગુમાવવા ન હોય તો તમારે તમારી જાતને અવેલેબલ રાખવી પડશે. અવેલેબલ રહેવાની તૈયારી રાખવી પડશે.

કહેવાનો ભાવાર્થ ક્યાંય એવો નથી કે તમારો મોબાઇલ કે ફેસબુક કે પછી ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામને કોરાણે મૂકી દેજો. ના, મજા આવતી હોય એનો આનંદ લેજો. કામમાં ગળાડૂબ રહેવાની આદત હોય તો એમાં પણ ખોટું નથી, પણ એ બધા વચ્ચે એટલા ખૂંપી ન જતા કે જ્યારે એક મહાન વાત, મહાન વિચાર તમારી પાસે આવી ગયો હોય અને એ સમયે તમારી અવેલિબિલિટી ન હોય. એવું ન કરતા કે જ્યારે કોઈ મહાન કાર્ય તમારી પાસે કરાવવાનું કુદરત પ્લાનિંગ કરીને બેઠું હોય અને એવા સમયે તમે પોતે વ્યર્થ કાર્ય કરી રહ્યા હો. સર્વોચ્ચ સક્રિયતા હાંસલ કરવા માટે પણ નિષ્ક્રિયતાને અપનાવવી જરૂરી છે. સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ તમારે જાતને નિષ્ક્રિય બનાવવી જરૂરી છે. એકધારા ભાગતા રહેવા કરતાં એક તબક્કે નિરાંતે બેસવું આવશ્યક છે. જાતને સાંભળશો તો જ તમને તમારા માટે આવી રહેલો સંદેશો સંભળાશે. પરિવારના સભ્યની જેમ ટીવી જો ૨૪ કલાક ઑન હશે તો એ તમારી અવેલિબિલિટીને ઑફ કરી દેશે. બહેતર છે કે જાતને ઑન રાખો. એવું ન બને કે સફરજન કોઈ એક ઝાડ પરથી પડવાને બદલે ઊડે અને ગુરુત્વાકર્ષણ બળને ચૅલેન્જ કરે એવું કોઈ પરિબળ તમને દેખાય અને એ સમયે તમે ફેસબુક પર લખી રહ્યા હો ઃ એન્જૉઇંગ ગોવા બીચ, ફીલિંગ બ્લેસ્ડ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK