Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હમ સુધર ગએ તો ઉન લોગોં કા ક્યા હોગા જીન્હેં હમારી શરારત સે ઇશ્ક હૈ

હમ સુધર ગએ તો ઉન લોગોં કા ક્યા હોગા જીન્હેં હમારી શરારત સે ઇશ્ક હૈ

24 February, 2020 01:08 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

હમ સુધર ગએ તો ઉન લોગોં કા ક્યા હોગા જીન્હેં હમારી શરારત સે ઇશ્ક હૈ

હમ સુધર ગએ તો ઉન લોગોં કા ક્યા હોગા જીન્હેં હમારી શરારત સે ઇશ્ક હૈ


શુક્રવારે ૧૪ ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન્સ ડે લોકોએ ઊજવ્યો. પહેલાં તો માત્ર યુવાનો ઊજવતા, હવે આબાલવૃદ્ધ ઊજવતા થયા છે. પહેલાં એક જ દિવસ ઊજવાતો, હવે આખું સપ્તાહ ચાલે છે. રોઝ ડે, પ્રપોઝ ડે, ટેડી ડે, ચૉકલેટ ડે, પ્રૉમિસ ડે, હગ ડે, કિસ ડે અને વૅલેન્ટાઇન્સ ડે. કોઈકે મને પૂછ્યું કે આ બધા ડેનાં નામો અંગ્રેજીમાં કેમ? મેં કહ્યું, આપણે આ બધાં નામોથી ટેવાયેલા નથી. આપણા તો રોજિંદા શબ્દો છે પીવા દે, ખાવા દે, રેવા દે, જાવા દે,  જીવવા દે, મરવા દે...

વૅલેન્ટાઇન્સ ડે આમ તો ઊભરતા, ઊછળતા, ઉમંગભર્યા યુવાનોનો દિવસ છે. પ્યારની મોસમ ગણાય છે, એકરારનો તહેવાર મનાય છે. બિન્દાસ રીતે યુવાનો એકબીજાને પ્રેમનો એકરાર કરે છે. જામે તો ઠીક છે, ન જામે તો ક્યાં કોઈ તકલીફ છે, લાગ્યું તો તીર નહીં તો થોથું. વળી એ રીતે સાંત્વન પણ લેતા હોય છે કે મરવા દે, તેના નસીબમાં મારા જેવું સારું પાત્ર નહીં હોય. આવા બેફિકર, બેજવાબદાર યુવાનોનો એક ચોક્કસ વર્ગ એવો છે જે શાળા-કૉલેજમાં શિક્ષણ લેવા માટે નહીં, મજા કરવા માટે આવતા હોય છે. કૉલેજમાં જુદા-જુદા ડેની ભરમાર, ભરપૂર ઉજવણીનો આનંદ માણે છે. નાચગાન, ફૅશન, પાર્ટીઓ, નાઇટઆઉટ, પિકનિક, કૉલેજ ડે, વિદ્યાર્થી ડે વગેરે વગેરે પ્રસંગોને બહાને જલસા કરવા એ એક જ તેમનું ધ્યેય હોય છે. જેને ભણવું છે તે ભણે જ છે, ભણવા સિવાય કશું કરતા નથી. અર્જુનની જેમ એ વિદ્યાર્થીઓનું લક્ષ્ય એક જ હોય  છે, માછલીની આંખ જેવી ડિગ્રી. પણ મોજમજા કરવાવાળા સિવાય વિદ્યાર્થીઓનો એક બીજો પણ વર્ગ છે... આંદોલનિયાઓનો. આજકાલ આંદોલનોનો રાફડો ફાટ્યો છે,



બૅન્ક-કર્મચારીઓનું આંદોલન, મજૂરોનું આંદોલન, વકીલોનું આંદોલન, ડૉક્ટરોનું આંદોલન, ખેડૂતોનું આંદોલન. આપણા દેશમાં આંદોલનોની મોસમ બારેમાસ હોય છે પણ આંદોલનના ઇતિહાસ પર નજર કરશો તો વિદ્યાર્થીઓનાં આંદોલનો ક્યારેક ખતરનાક રહ્યાં છે... તો ક્યારેક પરિણામકારક, ઉપકારક રહ્યાં છે.


એક સનાતન પ્રશ્ન રહ્યો છે કે વિદ્યાર્થીઓએ રાજકારણમાં ભાગ લેવો કે નહીં? રાજકારણમાં રસ લેવો ને ભાગ લેવો એ બન્ને જુદી વાત છે. તાજેતરમાં જેએનયુ-જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું ને મીડિયામાં છવાઈ ગયું. આપણા બંધારણમાં આંદોલન કરવાનો હક દરેક નાગરિકને છે. વિદ્યાર્થીઓ પણ એમાંથી બાકાત નથી. નજરે ચડે એવી વાત એ છે કે જ્યારે-જ્યારે કોઈ પણ આંદોલન વિદ્યાર્થીઓ દ્વારા શથાય છે ત્યારે મોટે ભાગે એ આંદોલન આંદોલન ન રહેતાં અરાજકતામાં ફેરવાઈ જાય છે. મારધાડ, હિંસા, લાઠીચાર્જ, જાહેર કે સરકારી મિલકતતની ભાંગફોડ ને છેવટે ગોળીબાર સુધી વાત પહોંચી જાય છે.

મહત્વની વાત એ છે કે નેતાઓ, રાજકારણીઓ પોતાના હિત અને સ્વાર્થ ખાતર વિદ્યાર્થીઓનો આડેધડ ઉપયોગ કરે છે. તેમને ઉશ્કેરે છે, તેમના કાન ભંભેરે છે, લાલચ દેખાડે છે, સપનાં દેખાડે છે ને તેમનો ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિ આજકાલની નથી. સો વર્ષ પહેલાંથી વિદ્યાર્થીઓ રાજકારણમાં ઝંપલાવવા આવ્યા છે. વિદ્યાર્થી આંદોલનોએ ઘણી વાર ઇતિહાસ બદલી નાખ્યો છે. વિદ્યાર્થી આંદોલનની શરૂઆત લગભગ ૫૦ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળના કલકત્તાથી થઈ. લૉર્ડ કર્ઝન સામે વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન આરંભ્યું. વાઇસરૉયની ઠાઠડી બાળી. આ આંદોલનની વ્યાપક અસર થઈ. એ જોઈને મહાત્મા ગાંધીએ ૧૯૨૦માં અસહકાર આંદોલન માટે વિદ્યાર્થીઓનો સહારો લીધો. સેન્ટ સ્ટીફન કૉલેજના વિદ્યાર્થીઓ એમાં જોડાયા અને કલકત્તાને ઇતિહાસમાં સ્થાન મળ્યું. ત્યાર બાદ આ આંદોલન સમગ્ર દેશમાં વ્યાપ્યું અને વકર્યું, ભારે હિંસક બન્યું.


વિદ્યાર્થી આંદોલનની આઝાદી પછી ઊડીને આંખે વળગે એવી પ્રવૃત્તિ ૧૯૬૫માં તામિલનાડુમાં થઈ. એ વખતની કૉન્ગ્રેસ સરકારે રાષ્ટ્રભાષા હિન્દી માટે ઑફિશ્યલ લૅન્ગ્વેજિસ ઍક્ટ દેશભરમાં લાગુ પાડવાનું ફરમાન કાઢ્યું, દક્ષિણ ભારતમાં એ સમયે બહુ જ ઓછા પ્રમાણમાં હિન્દી ભાષાનો ઉપયોગ થતો હતો એટલું જ નહીં, કેટલાંક કારણોસર હિન્દી ભાષા પ્રત્યે સૂગ પણ હતી. આ આંદોલન એટલું ઉગ્ર બન્યું હતું કે સરકારે ઝૂકવું પડ્યું એટલું જ નહીં, દેશભરના વિદ્યાર્થીઓને આંદોલન માટેની પ્રેરણા પૂરી પાડી.

૧૯૬૯માં અલાહાબાદ વિદ્યાર્થી આંદોલનના નકશામાં આવ્યું. યુનિવર્સિટીના પરિસરમાં પોલીસે પ્રવેશ કર્યો ને ભડકો થયો. એની આગજ્વાળા એટલી પ્રચંડ બની કે ઉત્તર પ્રદેશમાં ૬ મહિના સુધી કાયદો અને વ્યવસ્થાની હાલત કથળી. છ મહિના સુધી યુપી ભયગ્રસ્ત  રહ્યું. વિદ્યાર્થીઓ ભણવા કરતાં ભડકવામાં અને ભડકાવવામાં વ્યસ્ત રહ્યા. ગુજરાત માટે ૧૯૭૪નું નવનિર્માણ આંદોલન નિર્ણાયક બન્યું. નવનિર્માણ આંદોલનની શરૂઆત એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજની કૅન્ટીનમાં નજીવી ફી અને ફૂડ બિલના વધારાના વિરોધથી થઈ હતી. આંદોલનમાં વાનરસેના નામે વિદ્યાર્થી સંગઠને ઝંપલાવી હાહાકાર મચાવી દીધો. એ સમયના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલને રાજીનામું આપવું પડ્યું. સરકાર પડી ભાંગી. વળી જોગાનુજોગ એવો બન્યો કે ગુજરાતથી શરૂ થયેલી ચળવળ બિહારમાં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાન્તિના નામે આગળ વધારી ગુજરાતની પ્રેરણા લઈને.

બિહારની એ ચળવળે ભારતના રાજકારણમાં હંગામો મચાવી દીધો. પ્રસ્તુત આંદોલનનો ભોગ બન્યાં ઇન્દિરા ગાંધી અને કૉન્ગ્રેસ સરકાર. ત્યાર બાદ ૧૯૭૯થી ૧૯૮૫ સુધી આસામમાં બાંગલા દેશથી ઘૂસેલા ઘૂસણખોરો વિરુદ્ધ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને આંદોલન કર્યું. બધાં જ આંદોલનની જેમ આ પણ હિંસક રહ્યું. એ પછી પણ આંદોલનોનો સિલસિલો ચાલુ જ રહ્યો. વી. પી. સિંહના સમયમાં મંડળ કમિશન માટે આંદોલન, હૈદરાબાદની યુનિવર્સિટીમાં રોહિત વેમુલા નામના દલિત વિદ્યાર્થીએ કરેલા આપઘાતને કારણે આંદોલન, પુણેમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં રાજેન્દ્ર ચૌહાણ ચૅરમૅન તરીકે નિમાયા એ બાબત આંદોલન અને નાગરિકતા સુધારા કાયદા માટેનું આંદોલન. આ બધાં આંદોલનોમાં કોઈ ને કોઈ રાજકીય પક્ષોએ વિદ્યાર્થીઓને હાથા બનાવ્યા અને વિદ્યાર્થીઓ સહેલાઈથી બની ગયા.

વિદ્યાર્થીઓ આંદોલનમાં શું કામ જોડાય છે? વિદ્યાર્થીઓનું સૌથી પહેલું લક્ષ્ય કેળવણી-શિક્ષા પ્રાપ્ત કરી ભવિષ્ય બનાવવાનું હોય છે, આવા ઉધામા કરવાનું નહીં. આવાં એક આંદોલન સમયે એક શિક્ષકે કહ્યું હતું કે અમને વિદ્યાર્થીઓ તો ઘણા મળી રહે છે, પણ જોઈએ એવા મળતા નથી. આજના વિદ્યાર્થીઓને વિદ્યા મેળવવામાં રસ નથી, રસ છે પોતાના હકો મેળવવામાં. શિક્ષણ મેળવવામાં નહીં, પોતાનાં સપનાં પૂરાં કરવામાં. આપણા દેશના તમામ ક્ષેત્રે રાજકારણ ઘૂસી ગયું છે.

એમાંથી શિક્ષણ સંસ્થાઓ પણ બાદ નથી. દરેક રાજકીય પક્ષ યુવાનોને ખોટાં-ખોટાં સપનાં દેખાડે છે, ભારતનું ભવિષ્ય કહી બહેકાવે છે; પણ આજ સુધી દરેક રાજકીય પક્ષ યુવાનોનાં કોઈ સપનાં સાકાર કરી શક્યો નથી, ભારતનું ભવિષ્ય ઘડી શક્યો નથી એટલે યુવાનોમાં આક્રોશ છે. વળી આ આક્રોશને મીડિયા બહેકાવે છે, ઉશ્કેરે છે ને વિદ્યાર્થીઓને હીરો બનાવવાની પ્રેરણા પૂરી પાડે છે. કનૈયાલાલ, હાર્દિક પટેલ  કે અલ્પેશ ઠાકોર કે બીજા અનેક આવી પ્રેરણાઓનું જ ફળ કહી શકાય. નાની ઉંમરે મળતી પ્રસિદ્ધિ ક્યારેક નશો બની જાય છે, નશામાં વ્યક્તિ સાન અને ભાન ભૂલી જઈ શકે એ નિર્વિવાદ છે. આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? સહેલાઈથી જવાબ આપી શકાય. આપણી શિક્ષણપ્રથા, બેજવાબદાર રાજકારણીઓ, નેતાઓ અને માબાપ, વડીલો.

અને છેલ્લે...

માબાપની સજ્જતાની, સભાનતાની એક સુંદર સત્ય ઘટના જોઈએ. બીજા વિશ્વયુદ્ધમાં લંડન પર ચારે બાજુથી બૉમ્બવર્ષા થઈ રહી હતી. આખું શહેર ભયભીત હતું, સ્મશાનવત્ બની ગયું હતું. ચારે તરફ સૂનકાર! રસ્તાઓ સૂના, ગલીઓ સૂની, ઑફિસો બંધ, વેપારધંધા બંધ. શહેરમાં કોઈ અવરજવર નહીં, કોઈ ચહલપહલ નહીં. બહારથી કોઈ શહેરમાં દાખલ ન થઈ શકે કે શહેરમાંથી કોઈ બહાર જઈ ન શકે.

એ સમયમાં બ્રિટનના પ્રધાનમંડળના એક સભ્ય જૉન સ્ટ્રેચી હતા. પ્રધાન હોવા ઉપરાંત તે પ્રખ્યાત વિચારક-લેખક પણ હતા. તેમને જાણવા મળ્યું કે વિષમ પરિસ્થિતિમાં પણ અમેરિકાથી એક પત્રકાર લંડનમાં પ્રવેશ્યા છે. જૉન સ્ટ્રેચી તેમને મળવા ગયા. પૂછ્યું, તમે અમેરિકાથી લંડન કઈ રીતે આવ્યા? બીજા કોઈને અમેરિકાથી લંડન આવવું હોય તો શક્યતા ખરી? પત્રકારે કહ્યું કે શકયતા નહીંવત્ છે પણ તમારે આવું કેમ પૂછવું પડ્યું?

સ્ટ્રેચી ઘડીભર મૂક થઈ ગયા. સાચી વાત કહેવી કે નહીં એ દ્વિધામાં. પછી તેમને થયું કે આ વાત તો ગૌરવ લેવા જેવી છે. એ કહેવામાં વાંધો શું? તે બોલ્યા, જેન્ટલમૅન, મારાં બે બાળકો અમેરિકામાં ભણે છે. તેમને મારે અહીં લઈ આવવાં છે. હમણાં જ, આ જ અરસામાં. પત્રકારે આશ્ચર્યસહ કહ્યું, ખરા છો તમે! આવા સંજોગોમાં તો બાળકોને દૂર સલામત સ્થળે ખસેડવાનાં હોય ને તમે તેમને અહીં બોલાવવાની વાત કરો છો?

સ્ટ્રેચીએ ગૌરવપૂર્વક જવાબ આપતાં કહ્યું ઃ માય ફ્રેન્ડ, જે અભૂતપૂર્વ હિંમત, સહનશીલતા અને ધીરજથી અમારી પ્રજા આ બૉમ્બવર્ષાનો સામનો કરી રહી છે એના અનુભવથી મારાં બાળકો વંચિત રહી જાય છે એ મને ખૂંચે છે. જીવનનું સાચું શિક્ષણ આવા અનુભવથી જ મળે છે! પત્રકારે સ્ટ્રેચીને સલામ કરી.

વિદ્યાર્થીઓ આંદોલનમાં શું કામ જોડાય છે? વિદ્યાર્થીઓનું સૌથી પહેલું લક્ષ્ય

કેળવણી-શિક્ષા પ્રાપ્ત કરી ભવિષ્ય બનાવવાનું હોય છે, આવા ઉધામા કરવાનું નહીં. આવાં એક આંદોલન સમયે એક શિક્ષકે કહ્યું હતું કે અમને વિદ્યાર્થીઓ તો ઘણા મળી રહે છે, પણ જોઈએ એવા મળતા નથી. આજના વિદ્યાર્થીઓને વિદ્યા મેળવવામાં રસ નથી, રસ છે પોતાના હકો મેળવવામાં. શિક્ષણ મેળવવામાં નહીં, પોતાનાં સપનાં પૂરાં કરવામાં. આપણા દેશના તમામ ક્ષેત્રે રાજકારણ ઘૂસી ગયું છે

સમાપન

આજના વિદ્યાર્થીઓ કદાચ નીચે પ્રસ્તુત શેરને પોતાની રીતે સમજતા હશે:

ક્યા ફર્ક પડતા હૈ અસલ મેં હમ કૈસે હૈં

જીસને જૈસી રાય બના લી, ઉસકે લિએ તો વૈસે હૈં

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2020 01:08 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK