Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > PPF અકાઉન્ટમાં નૉમિનીનું નામ રજિસ્ટર ન હોવાથી RTIની મદદથી થઈ ગયું

PPF અકાઉન્ટમાં નૉમિનીનું નામ રજિસ્ટર ન હોવાથી RTIની મદદથી થઈ ગયું

08 February, 2020 12:44 PM IST | Mumbai
Dhiraj Rambhia

PPF અકાઉન્ટમાં નૉમિનીનું નામ રજિસ્ટર ન હોવાથી RTIની મદદથી થઈ ગયું

આરટીઆઈ

આરટીઆઈ


મુંબઈ શહેરના પૂર્વ પરા ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા શાંતિલાલ સોનીના પરિવારની એક નાનકડી ક્ષતિને કારણે થયેલી હેરાનગતિની તથા આરટીઆઇ કેન્દ્રના સેવાભાવીઓના માર્ગદર્શનને કારણે આવેલા સુખદ અંતની આ કથા છે.

શાંતિભાઈએ તેમનાં જીવનસંગિની રંજનબહેનનું ૨૦૦૦ની ૨૯ એપ્રિલે પીપીએફ (પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ) ખાતું ઘાટકોપર (વેસ્ટ)ની પોસ્ટ-ઑફિસમાં ખોલાવ્યું હતું. ઘાટકોપર (ઈસ્ટ) સ્થિત સુરભિ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના મકાનમાં નવો ફ્લૅટ ખરીદ્યો તથા ૨૦૦૪ની ૨૭ જુલાઈએ પોસ્ટ-ઑફિસને સરનામું બદલાયાની જાણ કરી. ૨૦૦૭ની ૧૯ એપ્રિલે રંજનબહેનનું કૅન્સરની બીમારીને કારણે અવસાન થયું.



વહેતા સમયે જીવનસંગિનીના અવસાનથી થયેલા ઘાને રુઝવવાનું કાર્ય શરૂ કર્યું. રંજનબહેનના નામે રહેલી અસ્કયામતો, ફિક્સ ડિપોઝિટ, બૅન્ક-ખાતાંઓ અનુક્રમે વહેંચવાનું તથા બંધ કરવાનું કાર્ય શરૂ કર્યું. કમભાગ્યે અનેક શોધખોળ બાદ પણ પીપીએફ ખાતાની પાસબુક હાથવગી ન થતાં શું કરવું એની અવઢવમાં સરી પડ્યા. સ્નેહીજનને પોતાની મૂંઝવણની વાત કરતાં તેમણે તરુણ મિત્ર મંડળ સંચાલિત જનાધિકાર અભિયાનની વાત કરી તથા ઘાટકોપરમાં જ તેમના દ્વારા ચાલતા સેવાકેન્દ્રની માહિતી આપી. ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી. કેન્દ્રની મદદ તથા માર્ગદર્શન મેળવવાની સલાહ આપી.


સ્નેહીજને આપેલી માહિતી મુજબ ફોન કરીને અપૉઇન્ટમેન્ટ મેળવીને સેવાકેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત સેવાભાવી દિનેશ ઝાટકિયા સાથે થઈ. દિનેશભાઈએ તેમની વિટંબણાની વાત શાંતિથી સાંભળી. આગંતુકે જણાવ્યું કે તેમનાં ધર્મપત્નીનું અવસાન દસેક વર્ષ પહેલાં થયેલું અને તેમનું પોસ્ટ-ઑફિસમાં પીપીએફ અકાઉન્ટ હતું, પરંતુ ઘર બદલતી વખતે તેમની પાસબુક ગેરવલ્લે થઈ ગઈ છે. ખાતું બંધ કરીને જમા રકમનો ઉપાડ કરવો છે, પરંતુ નંબર તેમ જ પાસબુક ન હોવાથી કાર્યવાહી થઈ શકતી નથી, તો આપની મદદ તથા માર્ગદર્શન  મેળવવાની અપેક્ષાએ આવ્યા છીએ.

દિનેશભાઈએ શાંતિભાઈ લાવેલા એ ફાઇલનું વાંચન શરૂ કર્યું. પાનાંઓ ઊથલાવતાં એક પાના પર નજર પડતાં આંખમાં ચમક આવી. ૨૦૦૪ની ૨૭ જુલાઈનો ઘાટકોપર (વેસ્ટ)ની પોસ્ટ-ઑફિસને લખેલા પત્રની એ કૉપી હતી, જે દ્વારા પીપીએફ અકાઉન્ટમાં ઘરબદલીને કારણે સરનામું બદલાવવાની વિનંતી, પોસ્ટ-માસ્તરને કરી હતી. પીપીએફ અકાઉન્ટનો નંબર હોવાથી બંધ તાળાની ચાવી મળી જાય ત્યારે જે આનંદ થાય એ આનંદ થયો.


દિનેશભાઈએ પ્રથમ પત્ર પંતનગર પોલીસ-સ્ટેશનને લખી આપ્યો, જેમાં રંજનબહેન સોનીની પીપીએફ પાસબુક પોલીસ-સ્ટેશનની હદમાં ખોવાઈ ગઈ હોવાની જાણ કરી. નૉન-કૉગ્નિઝેબલ ગુનો નોંધીને પ્રમાણપત્ર આપવા વિનંતી કરવામાં આવી. ૨૦૧૮ની ૧૩ ડિસેમ્બરે પોલીસ-સ્ટેશનમાંથી પ્રમાણપત્ર મળતાં ઘાટકોપર (વેસ્ટ)ના પોસ્ટ-માસ્તરને રંજનબહેનના પીપીએફ ખાતાની નવી પાસબુક આપવા માટે વિનંતીપત્ર સાથે આ પ્રમાણપત્ર આમેજ કરવામાં આવ્યો. ત્યાર બાદ પીપીએફ ખાતાની મળેલી નવી પાસબુક સાથે પોસ્ટ-માસ્તરે પીપીએફ ખાતું બંધ કરવા માટે આપેલી એનેક્ચર-૩માં અરજી કરીને તથા પોસ્ટ-માસ્ટરને આપવામાં આવી.

રંજનબહેનના પરિવારમાં જીવનસાથી શાંતિભાઈ, પુત્ર મિહિર તથા પરિણીત દીકરી પિન્કીબહેન કાયદાકીય વારસદાર હોવાથી તેમની એનેક્ચર-૩માં સહી કરાવી, પોસ્ટ-માસ્તરને સુપરત કરવામાં આવતાં રંજનબહેનના પીપીએફ અકાઉન્ટમાં જમા પડેલા ૯૫,૦૭૦ રૂપિયાના ૩૧,૬૯૦ રૂપિયાના ત્રણ સરખે હિસ્સે ત્રણેય દાવેદારોને, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ચેક દ્વારા ચૂકવવામાં આવી. આમ આરટીઆઇ સેવાકેન્દ્ર ઘાટકોપરના સેવાભાવી દિનેશ કટારિયાની સક્રિય મદદ અને માર્ગદર્શનથી શાંતિભાઈ સોની પરિવારનો અધિકાર પ્રસ્થાપિત થયો તથા ફાઇટ ફૉર યૉર રાઇટની વિભાવનાનો જયજયકાર થયો.

૧૨ મહિનાથી ડિપોઝિટની રકમ પાછી ન આપતી હૉસ્પિટલે આરટીઆઇ કાયદાની છાંટ ધરાવતી અરજી વીમા-કંપનીને કરતાં વીજગતિએ રકમ પાછી કરી : આરટીઆઇ કાયદા હેઠળની અરજી એટલે જાદુની ઝપ્પી થાણે-વેસ્ટમાં વસંતલાલ સત્તરાની ડિપોઝિટની રકમ પાછી કરવામાં ઠાગાઠૈયા કરતી હૉસ્પિટલને પાઠ ભણાવવા, વીમા-કંપનીના ટીપીએ (થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર)-ડેડિકેટેડ હેલ્થ કૅર સર્વિસિસ ટીપીએ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આરટીઆઇ કાયદાની છાંટ ધરાવતી અરજી દ્વારા સાણસામાં લેતાં તીવ્ર ગતિએ ડિપોઝિટની રકમ પાછી મળ્યાની આ રસદાયક કથા છે.

વસંતભાઈ ક.વી.ઓ. સેવા સમાજની સંજીવની સ્કીમ હેઠળ નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડની કૅશલેસ પૉલિસી ધરાવતા હતા. છાતીમાં દુખાવો ઊપડતાં ૨૦૧૭ની ૦૭ ઑગસ્ટે સર કિકાભાઈ પ્રેમચંદ હૉસ્પિટલમાં દાખલ થયા, જ્યાં તેમના પર બાયપાસ સર્જરી કરવામાં આવી અને ૨૦૧૭ની ૧૬ ઑગસ્ટે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ૨,૦૮,૯૩૧ રૂપિયાનું બિલ બનાવવામાં આવ્યું અને ૪૧,૦૮૫ રૂપિયા ડિપોઝિટ તરીકે ભરવાનું જણાવવામાં આવ્યું જે વસંતભાઈએ તેમના ક્રેડિટ કાર્ડથી ભર્યા. વીમા-કંપની બિલની રકમની હૉસ્પિટલને ચુકવણી કરે, ત્યાર બાદ હૉસ્પિટલ દરદીએ ભરેલી ડિપોઝિટની રકમ દરદીને પાછી કરશે એમ જણાવ્યું.

આજકાલ કરતાં ૧૨ મહિનાનો સમય પસાર થઈ ગયો, પરંતુ હૉસ્પિટલે ડિપોઝિટની રકમ ન તો પરત કરી કે ન તો વિલંબ માટેનાં કારણ જણાવ્યાં. આથી શું કરવું એની અસમંજસમાં વસંતભાઈ સરી પડ્યા.

અચાનક તરુણ મિત્ર મંડળ સંચાલિત જનાધિકાર અભિયાનની તથા થાણેઆરટીઆઇ  સેવાકેન્દ્રની સ્મૃતિ ઝંકૃત થઈ. સેવાકેન્દ્રનો લાભ લેનાર મિત્રને ફોન કરી, કેન્દ્રના સંપર્ક-નંબર મેળવ્યા. મળેલા મોબાઇલ-નંબર પર ફોન કરી, અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત કેન્દ્રનિયામક રાજેનભાઈ સાથે થઈ. રાજેનભાઈ તથા તેમના સાથીઓએ વસંતભાઈની વિટંબણાની વાત શાંતિથી સાંભળી. વીમા-કંપનીએ કિકાભાઈ હૉસ્પિટલ ક્લેમની ચુકવણી કરી ન હોવાથી હૉસ્પિટલ ડિપોઝિટની રકમનું રીફન્ડ આપતી ન હોવાની માહિતી પણ વસંતભાઈએ આપી.

રાજેનભાઈએ વીમા-કંપની તથા ટીપીએને સંબોધતી અરજી બનાવી આપી જે દ્વારા જણાવવામાં આવ્યું કે...

૧. મારી સારવારનું બિલ કિકાભાઈ હૉસ્પિટલે ૧૨ માહિના પહેલાં આપને મોકલાવી છે જેની ચુકવણી હજી સુધી આપે કરી નથી તથા ચુકવણી ન કરવા માટેનું કોઈ કારણ પણ જણાવ્યું નથી.

૨. ડિપોઝિટ તરીકે હૉસ્પિટલે મારી પાસેથી રૂપિયા લીધા બાદ જ ડિસ્ચાર્જની કાર્યવાહી શરૂ કરીને હૉસ્પિટલમાંથી રજા આપી છે. રજા આપતી વખતે જણાવેલું કે તેમના બિલની રકમની આપ ચુકવણી કરશો ત્યાર બાદ જ ડિપોઝિટની રકમની મને ફેરચુકવણી કરશે.

૩. મારી વીમા-પૉલિસી કૅશલેસ તત્ત્વ આધારિત છે. આપ હૉસ્પિટલ વચ્ચે કોઈ વાદ કે વિવાદ હોય તો એને કારણે મારી ડિપોઝિટની રકમ પાછી આપવામાં વિલંબ થાય તો એને ડિફેક્ટ-ઇન-સર્વિસિસ ગણી, હું આપના પર કાયદાકીય કાર્યવાહી કરી વ્યાજ સહિત ડિપોઝિટની રકમ તથા એ રકમ વસૂલ કરવામાં થનારા ખર્ચ અને એને કારણે મને તથા મારા પરિવારને થનારા માનસિક સંતાપ માટે મોંબદલાની રકમ અપાવવા નામદાર કોર્ટને વિનંતી કરીશ, જેની પૂર્ણ જવાબદારી આપની રહેશે.

૪. આરટીઆઇ કાયદા હેઠળ વિલંબ કરનાર જવાબદાર અધિકારીનું નામ મેળવી તેમના પર શિસ્તભંગની તેમ જ ફરજચૂક માટેની કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરવાનો મારો અધિકાર અબાધિત રાખું છું.

આરટીઆઇની છાંટ ધરાવતો ઉપરોક્ત પત્ર મળતાં, ઍરકન્ડિશન કૅબિનમાં બેઠેલા વીમા-કંપની તથા ટીપીએના અધિકારીઓ પરસેવે રેબઝેબ થયા, યુદ્ધના ધોરણે કામે લાગ્યા. વસંતભાઈના ક્લેમની રકમ તાબડતોબ કિકાભાઈ હૉસ્પિટલના ખાતામાં જમા કરવામાં આવી હશે તથા એક સાંધતાં તેર તૂટે નહીંની દક્ષતા રાખીને ટીપીએના મૅનેજરને વસંતભાઈને ફોન કરીને ડિપોઝિટની રકમ બૅન્કમાં જમા કરી દેવામાં આવી છે એવી જાણ કરવા જણાવવામાં આવ્યું હશે.

જેકાંઈ થયું હોય એ વસંતભાઈના ખાતામાં જમા કરવામાં આવેલી ડિપોઝિટની રકમને કારણે વસંતભાઈના જીવનમાં વસંત ખીલી. રાજેનભાઈની કર્મનિષ્ઠા અને કર્તૃત્વને કારણે ફાઇટ ફૉર યૉર રાઇટનો જયજયકાર થયો.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2020 12:44 PM IST | Mumbai | Dhiraj Rambhia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK