(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)
થાય દિલને દુ:ખ એ વાતો ગાળીએ
પ્રેમથી એક સાંજ સાથે ગાળીએ
વાત વિષયની હોય. આશયની હોય કે સમયની હોય, મહત્વ હોવાનું છે. આ મહત્વ કેટલું અને કેવું એનો ખ્યાલ ન આવે તો જિંદગી વીતી જાય. હેમેન શાહ વાત-વાતમાં જિંદગીની ફિલોસૉફી સમજાવે છે.
જીવન સમજવું હોય તો ક્ષણનો ખ્યાલ કર
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે
જે ક્ષણને સમજે એ જ શાશ્વતીને સમજી શકે. જે આજને સમજે એ જ કાલને અને કાળને હેલો કહી શકે. સમયનું કામ વીતવાનું છે. આપણું કામ જીવવાનું છે. પણ આ જીવવામાં આપણે ક્યાં ચૂકી જઈએ છીએ એનો નર્દિેશ હરીન્દ્ર દવે કરે છે.
સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું
માણસને આવડી ન હકીકત થવાની વાત
સપનાં જોવામાં મહેનત નથી પડતી, સાકાર કરવામાં પડે છે. કલ્પનાનું સુખ એ કેફી દ્રવ્યોના સેવન જેવું હોય છે. મજા આવે, પણ આ મજાની આવરદા ટૂંકી હોય. જિંદગી ફૉમ્યુર્લા રેસ-૧ની જેમ મારમાર ભાગતી હોય ત્યારે વ્યક્ત થવામાં વાર ન કરવી જોઈએ. દિગંત પરીખ પ્રેમીઓની દ્વિધાને મુક્તકમાં સમેટે છે.
પ્રેમ જૂનો છે છતાં કોણ રજૂઆત કરે?
પ્રેમની શબ્દ થકી, કોણ કબૂલાત કરે?
વાત કરવાને અમે બેઉ છીએ તત્પર પણ
વાત કરવાની ભલા કોણ શરૂઆત કરે?
આઇસ બ્રેક કરવો એ ગ્લાસ બ્રેક કરવાથી અઘરું કામ છે. વાતાવરણ બાંધવા માટે કઈ વાત કરવી, એ કાર્યમાં કેટલાક લોકો માહિર હોય છે. તે લોકો વાત-વાતમાં કામ કઢાવી શકે છે. કેટલાક સાચા હોય, પણ વાત રજૂ કરતાં આવડતું ન હોય એટલે અવ્યક્ત જ રહી જાય. તેમના માટે લાગણી બયાં કરવી મુશ્કેલ કામ હોય છે. એવા સંજોગોમાં તો ખાસ જ્યારે સમય સ્મૃતિના રૂપમાં પ્રગટ થતો હોય. મહેન્દ્ર જોશી લખે છે.
આંખ દાબી કોઈ વર્ષો બાદ પૂછે કોણ છું?
નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે
ધારવાથી પણ વધુ અઘરી વાત છે એને કહેવી. ઘણી વાર મૌન એટલું ભારે થઈ જાય કે વાત મનમાં ને મનમાં ગૂંચવાઈ રહે. આદિલ મન્સૂરી ચૂકી ગયેલા અવસરનો અફસોસ શૅરમાં લઈ આવે છે.
એને મળ્યા છતાંય કોઈ વાત ના થઈ
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા
આપણી પ્યાસને હાશ મળે કે નહીં એમાં દુનિયાને રસ નથી હોતો. દરેક જણ પોતપોતાનો હાયકારો હોલવવા અને હાશકારો ગોતવામાં વ્યસ્ત છે. એવા માહોલમાં આપણે શું કહેવું એ સમસ્યા તો પછી આવે. પહેલાં પ્રશ્ન એ આવે કે કોને કહેવું? હૈયામાં ઘૂંટાતી વાત કરવા એક પણ મિત્ર ન હોય એવી એકાકી સાંજ દયનીય છે. અહમદ ગુલ શહેરની તાસીરને શબ્દસ્થ કરે છે.
કોણ કોની વાતમાં રસ દાખવે
એટલી નવરાશ કોને પાલવે
વાતો કરવા માટે કોઈ ન હોય ત્યારે એમ થાય કે દર્પણ સાથે થોડી વાતો કરવામાં ખોટું શું છે? જાતને મિત્ર બનાવતાં આવડે તેને જગત પ્રત્યે બહુ ફરિયાદ રહેતી નથી. વિપરીત સ્થિતિમાં જીવવું ભલે પડે, પણ એનો ઉઝરડો મન પર પડવા ન દે એ માણસ શ્વાસોને જીતી શકે. ખલીલ ધનતેજવીને આવી સ્થિતિ ગમે છે.
રગરગ ને રોમરોમથી તૂટી જવાય છે
તો પણ મજાની વાત કે જીવી જવાય છે
ક્યા બાત હૈ!
વાતોની કુંજગલી
વાતે વાતે તને વાંકું પડ્યું
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી
શબ્દોને પંથ કોણ કોને નડ્યું?
મેં વાતોની કુંજગલી છોડી દીધી
આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા
પણ અડકો તો ભોમ સાવ કોરી
તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ
હોઠ સમી અમરત કટોરી
પંખીની પાંખ મહીં પીંછું રડ્યું
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી
હવે ખળભળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડ્યો સેતુ
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું!
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી
- જગદીશ જોશી