Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે વેકેશન પર જાઓ ત્યારે મિત્રોની કઈ વાત ન માનવી?

તમે વેકેશન પર જાઓ ત્યારે મિત્રોની કઈ વાત ન માનવી?

23 August, 2019 03:34 PM IST | મુંબઈ
જેડી કૉલિંગ-જમનાદાસ મજીઠિયા

તમે વેકેશન પર જાઓ ત્યારે મિત્રોની કઈ વાત ન માનવી?

તમે વેકેશન પર જાઓ ત્યારે મિત્રોની કઈ વાત ન માનવી?

તમે વેકેશન પર જાઓ ત્યારે મિત્રોની કઈ વાત ન માનવી?


(તમે ફરવા નીકળ્યા હો, વિદેશ ફરવા ગયા હો અને એ પછી પણ તમે પાસપોર્ટ ભૂલી જાઓ. આવું બને ખરું? હા, બને અને એ પણ એકલદોકલ કિસ્સામાં નહીં, અઢળક કિસ્સામાં. મોબાઇલ માટે અમે જ્યારે દુબઈ ઍરપોર્ટ પર પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે ઍરપોર્ટ ઑથોરિટીને હાઇએસ્ટ મિસિંગની ફરિયાદ જો કોઈની મળતી હોય તો એ છે પાસપોર્ટની. દરરોજ ૫૦૦ લોકો પોતાનો મોબાઇલ ભૂલે છે અને બીજા નંબરે આવતી ચીજ એટલે કે પાસપોર્ટ ભૂલીને આગળ નીકળી જાય છે. ઇમિગ્રેશન પર પાસપોર્ટ યાદ આવે એટલે પાછા પાસપોર્ટ લેવા જાય અને એમાં કનેક્ટિંગ ફ્લાઇટ પણ ચૂકી જાય. હવે વાંચો આગળ...)
પાસપોર્ટની વાત સાંભળીને તો આપણે શાંત પડી ગયા અને ગિલ્ટી ફીલ કર્યા વગર અમે હોટેલ પર પાછા આવ્યા. બીજા દિવસે મૉસ્કોની ફ્લાઇટ હતી એટલે અમે એ રાતે આરામ કરી લીધો અને હવે ફ્લાઇટ ચૂકી ન જવાય એની તકેદારી સાથે અમે સમયસર ઍરપોર્ટ પહોંચી ગયા. અહીંથી આપણને ફ્લાઇટ મિસ કરવાનું પરવડે એમ નહોતું. વેકેશનનો સમય પણ પસાર થતો હતો અને આર્થિક પણ ભાર સહન કરવો પડે, જે અયોગ્ય છે. મેં અગાઉ તમને કહ્યું છે કે વેકેશન પર જવા નીકળો ત્યારે અમુક સંજોગોમાં પૈસાની ચ‌િંતા નહીં કરવાની પણ ક્રિમિનલ એક્સપેન્સ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું.
દુબઈથી અમે મૉસ્કો પહોંચ્યા અને સાચી રીતે અમને ડેસ્ટિનેશન પર પહોંચ્યાનો આનંદ આવ્યો. ત્રણ દિવસથી અમે મૉસ્કો પહોંચવા માટે ઘરેથી નીકળ્યા હતા અને ત્રુટક-ત્રુટક આગળ વધતા હતા. એક રાત મુંબઈ ઍરપોર્ટ પર પસાર કરી અને બીજી રાત દુબઈમાં વિતાવી. અમે બધી જગ્યાએ મજા કરી, પણ સાચું તો એ પણ હતું જ કે અમારું વેકેશન એક દિવસ પાછળ ચાલતું હતું. મૉસ્કો જ્યારે આવવાનું હતું અેના કરતાં અમે ઑલમોસ્ટ ૪૦થી ૪૫ કલાક મોડા હતા.
મૉસ્કોમાં ઇમિગ્રેશનવાળા થોડા સ્ટ્રિક્ટ લાગ્યા. ભાષાનો પ્રૉબ્લેમ તો જેવા ઍરપોર્ટની બહાર આવ્યા કે તરત જ શરૂ થઈ ગયો. અમને ઍરપોર્ટ પર જે લેવા આવ્યા હતા તેમને જ ઇંગ્લિશ આવડતું નહોતું. તેમને ઇંગ્લિશ અને અમને રશિયન. ત્યાં તેમની સાથે વાત કરતાં-કરતાં એટલે કે ન કરતાં-કરતાં અમને સમજાયું કે ટ્રાન્સલેટરની ઍપ વગર ગાડું આગળ નહીં ચાલે. અમારે માટે તો આ પણ એક રમત થઈ ગઈ.
એ રશિયનમાં બોલે એટલે અમે ઇંગ્લિશમાં વાંચીએ અને અમે ઇંગ્લિશમાં બોલીએ એ બધું તે રશિયનમાં વાંચે. એક વાર ટ્રાય કરજો, મજા પડશે અને હા, આને માટે તમારે રશિયા પણ જવું નહીં પડે. ઘેરબેઠાં તમને આ મનોરંજન મળશે. જોકે આ મનોરંજન અમારે માટે તો બહુ જરૂરી બની ગયું હતું અને આ મનોરંજને જ અમારી રશિયાની ટ્રિપને સરળ બનાવવાનું કામ કર્યું છે. અગાઉ મેં કહ્યું છે અને આજે ફરીથી કહું છું કે ફરવા નીકળો એટલે અકળાવાનું જરા પણ નહીં. અકળામણ તમારી ફરવાની મજા પણ મારી નાખશે અને તમારા સ્ટ્રેસમાં વધારો પણ કરશે. આ વાત હું વારંવાર એટલા માટે કહું છું કે મને ખબર છે કે મોટા ભાગના લોકોથી ન ફાવતું બને ત્યારે એનું પહેલું રીઍક્શન અકળામણ જ હોય અને એ અકળામણ પણ મોટા ભાગે આપણી સાથે ફરવા આવેલી વ્યક્તિ પર જ નીકળી જાય, જાણેતેને બધી ખબર હતી અને તેણે આપણને અંધારામાં રાખ્યા.
બીજું એક ખાસ સૂચન, એક નિયમ કાયમ માટે બનાવી લેજો કે જ્યારે પણ વિદેશ જાઓ કે વિદેશના વેકેશનનું પ્લાનિંગ કરો ત્યારે લગેજમાં ઠંડીથી બચવાનું એક જૅકેટ અને એક ફુલ પૅન્ટ અચૂક સાથે લઈ લેજો. મિત્રની વાત પર વિશ્વાસ કરીને પહેલા બે દિવસ મેં માત્ર ત્રણ-ચાર શૉર્ટ્સમાં અને સમરવેર સાથે વિતાવી અને એમાં મેં જે ભોગવ્યું છે એની મને જ ખબર છે. હું વર્ણન પણ નહીં કરી શકું અને વર્ણન કરીશ તો તમે એ અનુભવી પણ નહીં શકો.
વેધર ફોરકાસ્ટ ૧૨થી ૧૭ ડિગ્રીની બતાવે. આ આંકડા વાંચીને આપણને મજા આવે અને આવું વાતાવરણ આપણને ખુશનુમા લાગે, પણ પવન જે રીતે વાય અને જે રીતે એ કાનમાં વાગે, તમારા આખા શરીરમાં ધ્રુજારી પ્રસરાવી દે. મુંબઈમાં તો આપણે ક્યારેય એ અનુભવ્યું ન હોય.
ઍરપોર્ટથી અમે હોટેલ પહોંચીને ફ્રેશ થઈ ગયા અને પછી સાંજે અલાદીનના જાદુઈ ચિરાગના થીમવાળા સરકસનો શો જોવા ગયા. સરકસ સાંભળીને તમે એવું નહીં ધારી લેતા કે એ આપણે ત્યાં આવતા એવા સરકસની વાત છે. ના, જરાય નહીં. આજ સુધી હિન્દુસ્તાનમાં જોયેલા અને અત્યારે જોવા મળતા સરકસ કરતાં આ શો આખો જુદો જ છે. ચારે બાજુ લોકો, લાઇટ્સ, સાઉન્ડ-ઇફેક્ટ્સ, મોટું અને જાજરમાન ઑડિટોરિયમ અને બરાબર વચ્ચે જીવસટોસટનો ખેલ ખેલાય. આમ તો હું કોઈ પણ પ્રકારના અને કોઈ પણ પ્રકારે પ્રાણીઓના શોષણને અને એનું શોષણ થતું હોય એવા પર્ફોર્મન્સને પ્રોત્સાહન આપવામાં નથી માનતો, પણ રશિયાની વાત જુદી જ છે, રશિયનોની માનસિકતા જુદી છે. મને એક લોકલ માણસે સમજાવ્યું કે અમે તમારી જેમ આટલા ઋજુ અને સેન્સિટિવ ન રહી શકીએ. અમે જો સસલાનું ફર અમારી ટોપીમાં ન વાપરીએ તો ઠંડીમાં અમે મરી જઈએ. વાત એની ખોટી પણ નહીં હોય. એ વર્ષોથી ત્યાં રહે છે એટલે કેવી કાતિલ ઠંડી પડતી હશે એની આપણે તો કલ્પના જ કરવાની, પણ તેણે તો એ અનુભવી હોય. સસલાના ફરની જ નહીં, એ સિવાયની પણ અમને ઘણીબધી વાતો તેણે કરી અને એ વાતોમાંથી રશિયાને અને રશિયન લોકોને સમજવાની કોશિશ કરી.
સરકસ પૂરું કરીને બહાર આવ્યા પણ ત્યાં તો ખબર પડી ગઈ અને પેલા ભાઈની વાતો યાદ આવી ગઈ. બહાર ધ્રુજાવી નાખે એવો અનુભવ થતો હતો. કાતિલ ઠંડી અને એવી તે કાતિલ કે તમે વાત કરતા હો તો રીતસર તમારી ડાગળી પણ ધ્રૂજે. સરકસમાં કલાકારોનો પર્ફોર્મન્સ તો સારો જ હતો, પણ એ જોયા પછી ઠંડી પણ એવી જ અદ્ભુત લાગતી હતી. જોરદાર પવન અને સાથે એકદમ ઠંડુંગાર વાતાવરણ. મેં આગળ કહ્યું એમ, આપણે તો કપડાં લીધાં હતાં જાણે કે સમર વેકેશન પર નીકળ્યા હોઈએ એમ. ધ્રૂજતાં-ધ્રૂજતાં ઠંડી સહન કરી અને માંડ હોટેલ પર પાછા આવ્યા.
સીધા બેડમાં, વહેલી પડે સવાર અને ભાગે જલદી આ ઠંડી.
બીજો દિવસ થયો અને જાણે ત્રણ દિવસથી જમવાનું ન મળ્યું હોય અને હજી આવતા ત્રણ દિવસ મળવાનું ન હોય એવી રીતે બ્રેકફાસ્ટ કર્યો. હૉલિડે પર જાઉં ત્યારે મને બ્રેકફાસ્ટ કરવાનું બહુ ગમે, ખાવાનું ઓછું પણ ચાખવાનું બધું. સ્વભાવે થોડો ખાઉધરો છું હું. રશિયામાં તો મેં બધી એટલે બધી વેજ આઇટમ ચાખી અને થોડી-થોડી કરીને પેટ ફુલ થઈ ગયું એ લેવલ સુધી ખવાઈ ગયું.
મિત્રો, મને એક આડવાત અહીં કહેવી છે. છે તો વેકેશનની જ વાત, પણ એ અત્યારે યાદ આવી એટલે અહીં કહી દેવી છે.
હમણાં વૉટ્સઍપ પર એક વિડિયો ફરે છે. મૉરિશિયસ ગયેલી એક ફૅમિલીએ હોટેલમાંથી લીધેલી આઇટમ તેના સામાનમાંથી નીકળી અને એ ફૅમિલી રંગેહાથ પકડાઈ ગયું. એટલો સામાન તેમણે ભર્યો હતો કે એ જોઈને વિડિયો જોનારાની આંખો પણ મોટી થઈ જાય. મારી વાત તમને કહી દઉં. હું હોટેલમાંથી બીજું કંઈ ન લઉં, પણ હું બ્રેકફાસ્ટ પત્યા પછી એક ફ્રૂટ લઈને બૅગમાં રાખી દઉં. અહીં આપણે ત્યાં રસ્તા પર લારીમાં ફ્રૂટ્સ વેચાતાં હોય છે પણ ત્યાં એવી કોઈ સિસ્ટમ નથી. મોટા ભાગના ડેવલપ કન્ટ્રીમાં ફ્રૂટ્સ ખરીદવાં હોય તો તમારે મૉલમાં જવું પડે. આ ફ્રૂટ્સ એ આપણા જેવા વેજિટેરિયન માટે સંકટ સમયની સાંકળ જેવું હોય છે. ભૂખ લાગે અને આજુબાજુમાં કશું વેજ ન મળે અને નજીકમાં કોઈ એવી જગ્યા પણ ન મળે જ્યાં ફ્રૂટ મળતું હોય ત્યારે સાથે લીધેલું આ ફ્રૂટ બહુ કામ લાગે. ગિલ્ટી ફીલ નહીં કરવાનું, લઈ લેવાનું.

આ પણ જુઓઃ ઓનસ્ક્રીન સાસુૃ-વહુ 'તોરલ-મોંઘી'એ આ રીતે મનાવ્યું વેકેશન



ફ્રૂટ લઈને અમે ફરવા નીકળ્યા. અમારી ટૂર-ગાઇડ જેવી કેસરે બધું બરાબર ગોઠવી રાખ્યું હતું. નક્કી હતું કે હવે અમારે મેટ્રોમાં બેસીને ‘બન્કર 42’ નામનું મ્યુઝિયમ જોવા જવાનું હતું. મ્યુઝિયમ પહોંચતાં પહેલાં વચ્ચે અમારે એક ટ્રેન ચેન્જ કરવાની હતી. ડિટ્ટો એવી જ રીતે જેવી રીતે અત્યારે આપણે વચ્ચે એક વીક ચેન્જ કરવાના છીએ.
(રશિયાની આ ટ્રિપને હવે આગળ વધારીશું આવતા શુક્રવારે)


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2019 03:34 PM IST | મુંબઈ | જેડી કૉલિંગ-જમનાદાસ મજીઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK