Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમને પ્રેમ કરતાં આવડે છે? કે નકલ કરો છો?

તમને પ્રેમ કરતાં આવડે છે? કે નકલ કરો છો?

09 February, 2020 02:52 PM IST | Mumbai
Kana Bantwa

તમને પ્રેમ કરતાં આવડે છે? કે નકલ કરો છો?

તમને પ્રેમ કરતાં આવડે છે? કે નકલ કરો છો?


તમને પ્રેમ કરતાં આવડે છે? તમારો જવાબ ‘હા’માં જ હશે. તમે કહેશો કે શું વાહિયાત વાત કરો છો, પ્રેમ કરતાં તો આવડે જને? સાચે આવડે છે તમને? કે પછી કોઈની નકલ કરો છો? કોઈએ શીખવ્યા મુજબ કરો છો? હવે પ્રશ્ન જરા અઘરા થવા માંડ્યાને? આપણે, તમે અને હું તથા દુનિયાના બીજા તમામ કાળા માથાના માનવીઓ પ્રેમમાં કોઈની નકલ કરીએ છીએ, કોઈના શીખવ્યા પ્રમાણે કરીએ છીએ. પ્રેમ જેવી સહજ બાબત પણ આપણે જેન્યુઇન, અસ્સલ, કુદરતી, સ્પૉન્ટેનિયસ કરી શકતા નથી. પ્રેમ કેમ કરવાનો એ આપણને ફિલ્મોએ શીખવ્યું છે, નાટકોએ શીખવ્યું છે, નવલકથાઓએ શીખવ્યું છે, વાર્તાઓએ શીખવ્યું છે, કવિતાઓએ શીખવ્યું છે, શાસ્ત્રોએ શીખવ્યું છે, કલાકૃતિઓએ શીખવ્યું છે, શિલ્પોએ શીખવ્યું છે, મહાકાવ્યોએ શીખવ્યું છે, ગ્રંથોએ શીખવ્યું છે. પોતાની રીતે પ્રેમ પણ નથી કરી શકતા આપણે. આમાં પણ શીખવેલું જ રિપીટ કરીએ છીએ અને એટલે જ પ્રેમને ક્યારેય પૂર્ણપણે સમજી શકતા નથી કે પામી શકતા નથી, માણી શકતા નથી. આપણો પ્રેમ નાટકિયો છે, ફિલમિયો છે, પુસ્તકિયો છે, ગોખેલો છે. આઇ લવ યુ કહ્યા વગર પ્રેમ કરી જ નથી શકતા આપણે અને સામો પક્ષ આઇ લવ યુ ન બોલે ત્યાં સુધી પ્રેમ સ્વીકારી પણ નથી શકતા. આપણે પ્રેમ પ્રપોઝ પણ નકલખોર તરીકે કરીએ છીએ. ગુલાબનું ફૂલ આપીને, ડરતાં-ડરતાં, ધડકતે હૈયે, પસીનો થઈને ઓગળી જવાની ભીતિ વચ્ચે, સુકાતા ગળે, અમળાતા જીવે પ્રિય પાત્રને આઇ લવ યુ કહીને પ્રપોઝ કરવાની મજા છે, પણ, ગુલાબ વગર કે આઇ લવ યુ કહ્યા વગર તમારી રીતે પ્રેમ પ્રપોઝલ ન આપી શકો? તમારી પોતાની અલગ આઇડેન્ટિટી પ્રમાણે ન કરી શકો?

તમારો કે મારો કોઈ વાંક નથી. આપણી પહેલાંની પેઢીઓનો પણ કોઈ વાંક કે ગુનો નહોતો. વાંક છે માનવમનનો. વાંક છે પ્રેમનું ચિત્રણ કરનારા કવિઓ, સાહિત્યકારો, ગ્રંથકારો, નાટકકારો, ફિલ્મકારો, લોકકથાકારો, લોકગાયકો, લોકકવિઓનો. તેમણે જે કહ્યું, જે લખ્યું, જે ચીતર્યું, જે બતાવ્યું, જે અભિનીત કર્યું એની બધા નકલ કરે છે. ફિલ્મો તો એટલે સુધી દાવો કરે છે કે ભારતના યુવાનોને સારાં કપડાં પહેરતાં અમે શીખવ્યું. વિશ્વભરમાં આવું થાય છે અને એ લોકો સાચા છે. ફિલ્મોનાં હીરો–હિરોઇનને જોઈને આપણે શીખ્યા છીએ ફૅશન, રંગઢંગ, વર્તણૂક, છટા, અંગભંગિમા, સૌંદર્ય, મેકઅપ, આભૂષણ, બોલવાની સ્ટાઇલ, કેટલું બધું. જે આપણા બાહ્ય વ્યક્તિત્વમાં છે એ બધું જ આપણે કોઈ પાસેથી શીખ્યા છીએ. આપણું પોતીકું કહેવાય એવું ખાસ કશું નથી આપણી પર્સનાલિટીમાં. થોડું પોતાનું અને વધુ ઉછીનું હોય છે, પણ જ્યારે પ્રેમની વાત આવે ત્યારે બધું જ ઉધાર થઈ જાય છે. કેમ આવું થાય છે? કેમ એ સહજતા, એ સ્વયંસ્ફુર્તતા, એ જેન્યુઇનનેસ, એ અસલીપણું રહેતું નથી?



પ્રેમ બહુ જ સરળ ચીજ છે અને બહુ જ ગૂઢ ચીજ છે. પ્રેમ જો થાય તો જેન્યુઇન છે, અસલી છે, કરાય તો નકલ છે. થાય તો એ કોઈ પ્રથા, પરંપરા, વાક્ય, રજૂઆતોનો મોહતાજ નથી, કરાય તો તેને માટે આ બધું જ આવશ્યક છે. પ્રેમ બતાવવાની વસ્તુ નથી, કરવાની વસ્તુ છે. ‘તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ’ એવું સુરેશ દલાલ લખી ગયા છે, પણ આગળની વાત કવિએ બહુ ગજબ કહી છે, જેને માટે તમને અહીં ટાંકવા મજબૂર બન્યો છું, અસલપણાના ભોગે પણ. ‘તમને તો કોઈ કારણ, અમને નહીં બ્હાનાં, નહીં વ્હેમ’. વાહ, કોઈ કારણ નહીં, કોઈ બહાનાં નહીં, કોઈ વહેમ નહીં, સહજ પ્રેમ. પ્રેમ પામવાની ચીજ નથી, આપવાની ચીજ છે. પ્રેમ માગવાની વસ્તુ નથી, આપવાની વસ્તુ છે. પ્રેમ અકારણ છે, સકારણ નહીં. પ્રેમ નિઃસ્વાર્થ છે. સ્વાર્થ હોય ત્યાં પ્રેમ હોતો નથી. પ્રેમ અનાયાસ છે, આયાસ કરવાથી પ્રેમ વ્યાયામ બની જાય છે. આપણે પ્રેમ કરીએ છીએ, આયાસપૂર્વક, કૉન્શિયસ થઈને, એટલે આપણે ખોવાઈ શકતા નથી પ્રેમમાં. પ્રેમ સપના જેવો છે, જાગ્રત થાઓ તો ગાયબ થઈ જાય, જાગો એટલે ભાગો. ડૂબેલા રહી શકો તો અદ્ભુત અનુભૂતિ અને જરા પણ જો માથું બહાર કાઢ્યું તો ખલ્લાસ. આપણે પ્રેમમાં માથું બહાર રાખીને ડૂબીએ છીએ. પ્રેમમાં બે વ્યક્તિ મનથી એક થઈ ગઈ હોય છે. એને શબ્દોની જરૂર નથી પડતી. શબ્દોને એક થવા સુધી પહોંચાડે છે એ પૂરતી શબ્દોની આવશ્યકતા છે, પણ પ્રેમમાં પડ્યા પછી ક્યાં શબ્દોની જરૂર રહે છે? શબ્દોની કે અભિવ્યક્તિની કે બોલવાની જરૂર નથી એટલે જ શહેરનો સુસંસ્કૃત માણસ પણ પ્રેમ કરી શકે છે અને આંદામાનનો નિર્વસ્ત્ર આદિવાસી પણ. આદિવાસીના પ્રેમમાં શબ્દો કદાચ એટલા સુંદર, સુંવાળા, મનભાવન, મનોરંજક, રૂપાળા નહીં હોય. કદાચ તે ફિલ્મી સ્ટાઇલમાં કિસ નહીં કરતો હોય, ઝાડની આજુબાજુ રૂમડાં નહીં લેતો હોય, હીરો અને હિરોઇનની જેમ. તે કોઈ ગીત કે કવિતા નહીં ગાતો હોય કદાચ અથવા તેને પ્રેમિકાનો હાથ પકડતાં નહીં આવડતું હોય. તે ફૂલ નહીં આપતો હોય. કદાચ તે પ્રેમિકાના વાળ ગૂંથતો હશે કે પછી પ્રેયસીના પગ પર લાગેલી ધૂળ સાફ કરતો હશે અથવા તેના શરીરે કંઈક ચીતરતો હશે અથવા બન્ને મળીને નાચતાં હશે, નિતાંત મસ્તીથી, પણ એ કોઈની નકલ નહીં કરતાં હોય. તેઓ કોઈએ શીખવેલો પ્રેમ નહીં કરતાં હોય. કદાચ, તેણે કોઈ અન્યને જોયા હશે, પ્રેમ કરતાં, નાચતાં, ગાતાં એટલા પૂરતી નકલ હશે. કદાચ તેણે તો પતંગિયાને પણ જેમાં સાથે ઊડતાં, હવામાં નૃત્ય કરતાં, ફૂલો પર સાથે બેસીને રસ પીતાં જોયાં હશે. કદાચ તેણે એ હસં-હંસીણીને જોયાં હશે ચાંચમાં ચાંચ પરોવીને કલાકો સરોવરજળ પર તરતાં. કદાચ તેણે ઢેલ સામે નૃત્ય કરીને રીઝવતા મોરને જોયો હશે અથવા સિંહ-સિંહણને પણ જોયાં હશે. તેમની નકલ કદાચ કરતો હશે તે આદિવાસી, પણ એ આપણા કરતાં વધુ ઓરિજિનલ હશે, સાવ ફેક નહીં હોય. માણસ છે એટલે થોડી નકલ તો હોય જ.


માણસ એટલે જ પ્રેમની પૂર્ણતાને પામી શકતો નથી. તે સહજ નથી. સ્પૉન્ટેનિયસ નથી. તે દોરવાયેલો છે કશાકથી. તે અભિભૂત છે કશાકથી. તે પ્રભાવિત છે કશાકથી. જે તેનામાં અસહજતા લાવે છે, સ્વયંસ્ફુર્તતા ઘટાડે છે. માણસનું જ્ઞાન, તેના સંસ્કાર, તેની સામાજિક જાગૃતિ, તેની ગ્રંથિઓ, તેના પૂર્વગ્રહો, તેનું શિક્ષણ, તેનો ઉછેર, તેના ગમા–અણગમા, તેનું વ્યક્તિત્વ, તેના પરનું સમાજનું દબાણ વગેરે બાબતો તેને સહજ રહેવા દેતી નથી. પ્રેમ શબ્દને તો કવિઓ, સાહિત્યકારો, સર્જકોએ પવિત્રતાના રક્ષાકવચથી રક્ષેલો છે એટલે માણસ એ શબ્દ બોલતાં બહુ અચકાતો નથી. પણ જો સેક્સ શબ્દ સાંભળી જાય તો તે અચકાઈ જાય છે. ઘણા તો આ શબ્દ સાંભળતાં જ કોચલામાં પુરાઈ જાય છે. સેક્સનો ગુજરાતી તરજુમો, ગુજરાતી સમાનાર્થી શબ્દ સંભોગ તો ગંદા શબ્દોમાં ગણાઈ જાય છે. જાહેરમાં બોલતાં પરસેવો વળી જાય. જાણે ગાળ બોલી–સાંભળી લીધી હોય એવું લાગે. આ અસહજતાને લીધે જાતીય સંબંધો કૃત્રિમ થઈ ગયા છે. વાત આપણે પ્રેમની કરતા હતા, સેક્સની નહીં. બન્ને અલગ છે, ક્યાંક માણસે બન્નેને એક કરી દીધાં છે અથવા બે સ્ટેપ બનાવી દીધાં છે. પહેલું પગથિયું અને બીજું પગથિયું. બન્ને બહુ અલગ ચીજ છે એટલું જો સમજી શકાય તો સહજતા વધે.

પ્રેમમાં નકલ થાય છે એનું કારણ એ પણ છે કે પ્રેમની વ્યાખ્યા પણ આપણે ઉધાર લીધી છે. પ્રેમ ખરેખર તો અવ્યાખ્યાયિત પદ છે. પ્રેમ એટલે શું? વ્યાખ્યા જેકાંઈ આપશો એ તમારા અનુભવથી બનાવેલી નહીં હોય, તમે ક્યાંક વાંચેલી, સાંભળેલી, જોયેલી બાબતથી બનેલી હશે. પ્રેમ એવી અનુભૂતિ છે જેને શબ્દોમાં ઢાળવા જતાં એનું સત્ય ગુમાવી બેસે. એનું વર્ણન કરવા જતાં મૂળ સ્વરૂપ ગુમાવી બેસે. મૂંગાને ગોળ ખવડાવો તો તે ગોળ વિશે કશું કહી શકે નહીં, પણ ગોળનો સ્વાદ, એની મજા તો તેણે ભરપૂર લીધાં હોય. એવું જ પ્રેમનું છે. એટલે પ્રેમ જ્યારે સહજ બનીને કરશો ત્યારે એની શુદ્ધતા વધશે. એમાં જેટલો આયાસ ઓછો એટલી શુદ્ધતા વધુ. જેટલી નકલ ઓછી એટલી શુદ્ધતા વધુ. અનાયાસ, સચેત થયા વગર, જાણે પ્રિય પાત્રનું અલગ અસ્તિત્વ જ નથી એવી મનોસ્થિતિ સાથે થતો પ્રેમ અદ્રૈત સાધે છે. અદ્રૈત શબ્દ બહુ મસ્ત છે. અદ્રૈત એટલે એક નહીં, જેમાં બે નથી એ અદ્રૈત. આવો પ્રેમ પરિપૂર્ણ અનુભૂતિ આપી શકે. નકલ કર્યા વગર પ્રેમ ન થઈ શકે? લગભગ અશક્ય જેવું કામ છે, કારણ કે માણસનું મન કન્ડિશન્ડ થઈ ગયેલું હોય છે, દરેક બાબતમાં. એને થોડું હળવું કરો તો સંભવ છે.


 

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2020 02:52 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK