Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પકડી રાખશો એટલા વધુ દુખી થશો તમે

પકડી રાખશો એટલા વધુ દુખી થશો તમે

23 February, 2020 01:38 PM IST | Mumbai
Kana Bantwa

પકડી રાખશો એટલા વધુ દુખી થશો તમે

પકડી રાખશો એટલા વધુ દુખી થશો તમે


એક ગજબ વાર્તા છે. એક ગુરુએ પોતાના શિષ્યોમાંથી એકને ઊભો કર્યો અને તેના હાથમાં થોડું પાણી ભરેલો એક લોટો આપ્યો. શિષ્યને કહ્યું, ‘આ લોટો ઊંચો પકડી રાખ.’ શિષ્યએ સરળતાથી લોટો ઉઠાવી લીધો અને કહ્યું કે ‘એમાં શું, બહુ જ સરળ કામ છે. સાવ હળવો છે લોટો, લગભગ ખાલી જ છે.’ ગુરુએ જવાબ આપ્યો કે ‘જ્યાં સુધી હું તને આદેશ ન આપું ત્યાં સુધી હાથ આમ જ ઊંચો રાખવાનો છે અને લોટો પકડી રાખવાનો છે.’

શિષ્ય કળશ પકડીને ઊભો રહ્યો. થોડી મિનિટ થઈ તો હાથમાં પીડા થવા માંડી. સમય જરા વધુ વીત્યો એટલે પીડા બમણી થઈ. એક સમય એવો આવ્યો કે શિષ્યનો હાથ એટલો દુખવા માંડ્યો કે તેણે ગુરુની આજ્ઞાની અવજ્ઞા કરીને કળશ નીચે મૂકી દીધો. ગુરુએ પૂછ્યું કે ‘વજન તો બહુ હતું નહીં, કળશ સાવ હલકો હતો, પાણી બહુ જ ઓછું ભરેલું હતું છતાં કેમ તેં મારા આદેશ વગર લોટો નીચે મૂકી દીધો?’



શિષ્યએ જવાબ આપ્યો કે ‘વજન ભલે નહોતું, પણ લાંબો સમય કળશ પકડી રાખવાને લીધે હાથ દુખવા માંડ્યો. છેલ્લે તો પીડા એટલી સઘન થઈ ગઈ કે મારા માટે હાથ ઊંચો રાખવો અસંભવ બની ગયું.’


જેને પણ પકડી રાખીએ છીએ એ પીડા આપે છે. છોડી દેતા શીખીએ તો સુખી થઈ શકીએ, પણ આપણે સંઘરાખોર છીએ, બધું જ સાચવી રાખીએ. ભરી રાખીએ મનમાં. આપણું મન ભંગારખાનું બની જાય, ઉકરડો બની જાય, જન્ક યાર્ડ બની જાય છે. આપણે કોઈ બાબતને જતી કરતા નથી. છોડી દેતા નથી. છોડી દઈએ તો એનાથી મુક્ત થઈ શકીએ, પણ પકડી રાખવાની ટેવ પડી ગઈ છે. કોઈ સ્વજને કાંઈક કહ્યું, આપણે એને યાદ રાખીશું. આપણું વર્તન એ સ્વજન પ્રત્યે બદલાઈ જશે, પણ યાદ રાખવાનો અને એ પ્રમાણે વર્તવાનો બોજ આપણને પીડા જ આપતો રહેશે. સામેની વ્યક્તિ તો કદાચ તમારા નિર્ણયથી સાવ અજાણ પણ હોય અથવા તમારા નિર્ણયથી તેને કશો ફરક પડતો ન હોય અથવા તેને તમારી સાથેનો અનુબંધ જ એટલો મજબૂત ન હોય અથવા તેને તમારી કશી પડી જ ન હોય. એ તો તમારી સાથે જોડાયેલો ન જ હોય. જરા પણ અટેચ્ડ ન હોય. તેણે તમને પકડેલા જ ન હોય, તમે જ પકડી રાખ્યા હોય. તેને તો જરાય પીડા ન પહોંચે.

નાનુંએવું દુ:ખ હોય તો એને પણ આપણે પકડી રાખીએ છીએ. નાનકડી સમસ્યાને પણ કચકચાવીને મુઠ્ઠીમાં ભીંસી રાખીએ છીએ. જરાઅમસ્તી બાબતને છાતીએ વળગાડીને ફરતા રહીએ છીએ. દુ:ખ પોતે મોટું નથી હોતું, આપણે જેટલી જગ્યા આપીએ એટલા કદનું તે બને છે. તમે જો દુ:ખને વિશાળ જગ્યા આપશો તો એ વિકરાળ બનીને તમારી સામે ઊભું રહેશે. તમને ડરાવશે. પજવશે, પણ જો એને તમે જગ્યા નહીં આપો તો તે જતું રહેશે. દુ:ખ શાશ્વત નથી, આપણે બનાવી દઈએ છીએ. પીડા નિશ્ચિત  સમયમાં દૂર થઈ જાય છે, પણ આપણે એ પીડાને પકડી લઈએ છીએ, એને પોષણ આપીએ છીએ, એનું સંવર્ધન કરીએ છીએ અને પછી જ્યારે એ દુ:ખ પહાડ જેવડું થઈ જાય છે ત્યારે માથું પકડીને રડીએ છીએ. છોડતાં શીખવું બહુ અઘરું છે. એમાં તમારે તમારો અહંકાર પણ છોડવો પડે. ક્ષમા કરતાં થવું પડે. માફ કરવાનું શરૂ કરવું પડે. સાંભળી લેતાં શીખવું પડે. તમે કહેશો કે શા માટે સાંભળી લેવું? શા માટે માફ કરી દેવા? જેવા સાથે તો તેવા જ થવાય. માટીના દેવને ગારાની આંખો. લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. ટિટ ફૉર ટેટ. તમે કહેશો કે આ જમાનો જ એવો છે, જેમાં જતું કરનાર તો જીવી જ ન શકે. ફાડી ખાય આ દુનિયા તેને. કોઈ સહકર્મચારી આડુંઅવળું બોલે અને જવાબ ન આપીએ તો ઑફિસમાં છાપ કેવી બગડી જાય. બધા માથે ચડી જાય. ધંધામાં જતું કરીએ તો બજારમાં ઊભા જ ન રહી શકીએ. સંબંધોમાં જતું કરીએ તો કોઈ ગણનામાં જ ન લે. શા માટે જતું કરવું? પ્રશ્નો તમારા સાચા છે. પરિસ્થિતિઓ પણ સાચી છે. માન્યતાઓ આવી જ છે. આજુબાજુ લોકો પણ આવા જ છે. દુનિયા આટલી જ ક્રૂર છે. અહીં તો તમને ખતમ કરી નાખવા માટેના કારસા સતત ઘડાતા રહે છે. એકદમ સાચી વાત છે, પણ મુદ્દો અહીં લોકોનો નહીં, તમારો છે. લોકોના દુ:ખનો નહીં, તમારા દુ:ખનો છે. છોડવાનો અર્થ અહીં તમારાં દુ:ખ, તમારી ગ્રંથિઓ, તમારા પૂર્વગ્રહો છોડવાનો છે.


તમારે સુખી રહેવું છે કે દુખી રહેવું છે એ મુદ્દો છે. સુખી થવું હોય તો દુ:ખ છોડો. તમને તમે જ દુખી કરી શકો એ વાતનો વિસ્તાર એ છે કે તમે બીજાને દુખી કરી શકો નહીં. કોઈ બીજાને દુખી કરી શકે નહીં. ત્રાસ આપી શકે. પજવી શકે. મારી શકે. ઈજા પહોંચાડી શકે, પણ દુખી ન કરી શકે. પેલા આનંદી કાગડાને રાજાએ કેટલી જાતની સતામણી કરી? કાગડો તો ગાતો રહ્યો, હસતો રહ્યો. મન્સૂરને યારે અનહલક કહેવા બદલ તડપાવી-તડપાવીને મારવામાં આવ્યો ત્યારે પણ તે હસતો રહ્યો હતો. આંખો ફોડી નાખવામાં આવી છતાં, હાથ–પગ કાપી નાખવામાં આવ્યા છતાં, પથ્થરોથી શરીરને ટોચી નાખવામાં આવ્યું છતાં મન્સૂર હસતો રહ્યો. મોત પછી પણ તેના ચહેરા પર હાસ્ય હતું. તમે જ્યાં સુધી દુ:ખને પકડી રાખશો ત્યાં સુધી જ એ તમને દુખી કરી શકશે અને દુ:ખ તમને બહારનું કોઈ પકડાવી નહીં શકે, તમે પોતે જ પકડી શકશો. નિર્ણય તમારે કરવાનો છે, પકડી રાખવું કે છોડી દેવું.

એક સુંદર કથા છે ઃ બે બ્રહ્મચારી સાધુઓ પગપાળા એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક નદી આવી. નદીના કિનારે એક યુવાન સ્ત્રી ઊભી હતી. સ્ત્રીએ સાધુઓને વિનંતી કરી કે નદી પાર કરવા માટે કોઈ નાવ નથી એટલે તેને સામે પાર જવા માટે મદદ કરો. બન્ને સાધુઓમાંથી જે યુવાન સંન્યાસી હતો તેણે પેલી મહિલાને ખભે ઊંચકીને નદી પાર કરાવી દીધી. બન્ને સાધુઓ આગળ ચાલ્યા. થોડો સમય થયો એટલે વૃદ્ધ સાધુથી રહેવાયું નહીં. તેણે પેલા યુવાન સંન્યાસીને ટોણો મારતાં કહ્યું કે તેં સ્ત્રીને ખભે ઊંચકી એટલે તારું બ્રહ્મચર્ય વ્રત તૂટી ગયું હતું. ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. યુવાન સંન્યાસીએ જવાબ આપ્યો કે મેં તો એ સ્ત્રીને કિનારે જ ઉતારી દીધી હતી, તમે હજી તેને મનમાં ઊંચકીને ચાલી રહ્યા છો. અદ્ભુત વાર્તા છે. આ વૃદ્ધ સાધુએ હજી એ ભાર ઊંચકેલો હતો. તેના ખભા પર હતી એ સ્ત્રી. તેનું મન એ જ વિચાર કરતું હતું. પેલો યુવાન સાધુ તો ક્ષણમાં જીવતો હતો. સ્ત્રી જ્યારે તેના ખભા પર હતી ત્યારે જ હતી, કિનારે મૂકી અને મુક્ત. ન તેને સ્ત્રીને ઉઠાવવાનો આનંદ હતો, ન છોડવાનું દુ:ખ. 

કેટકેટલું ઠાંસી રાખીએ છીએ આપણે મનની અંદર. એમાં ને એમાં જ ભટકતા રહીએ છીએ આપણે. ૧૦ વર્ષ પહેલાં જે ઘટના આપણી સાથે ઘટી ગઈ હોય એને આજે યાદ કરીને દુખી થઈએ. અથડાતાં-કુટાતાં ૬ મહિના પછી મનના કબાડખાનામાં ફરી એ ઘટના સાથે અથડાઈશું ત્યારે ફરી દુખી થઈશું. જે વ્યક્તિ જીવનમાં નથી તેનો સાથ છૂટ્યો એ વેળા પીડાદાયક હતી. હોય જ, પણ એ ક્ષણને વળગી રહેવાથી અવસાદ સિવાય શું મળવાનું હતું? છતાં ધરાર એ ક્ષણની રીવિઝિટ આપણે કરીએ છીએ. દુખી થવાની ટેવ પડી ગઈ હોય છે ઘણાને. કેટલાકને પીડામાં જ મજા આવતી હોય છે. કેટલાકને પોતાને દુખી બતાવવાની અને સહાનુભૂતિ મેળવવાનો આનંદ આવતો હોય છે. તમારે એવું બનવું છે? જો નથી બનવું તો છોડતાં શીખો. ક્ષણમાં રહેતાં શીખો. સ્પૉન્ટેનિયસ બનો. અદ્ભુત શબ્દ છે સ્પૉન્ટેનિયસ. એને માટે યોગ્ય ગુજરાતી શબ્દ શોધવો મુશ્કેલ છે. સૌથી નજીકનો શબ્દ સ્વયંસ્ફુર્ત છે, પણ આ શબ્દ ગુજરાતીઓને જ અઘરો લાગે એવો છે. બીજો દૂરનો શબ્દ છે સહજ. આમ એ સ્પૉન્ટેનિયસનો તરજુમો ભલે નથી છતાં એના ભાવને પકડી શકે છે. વધુ નજીકના શબ્દ પણ કદાચ મળી આવે ભાષાપંડિતોને. આપણો મુદ્દો અત્યારે ભાષા નહીં, ભાવ છે. જ્યારે જે બને એને જીવી લઈને એમાંથી બહાર નીકળી જવું. એના અનુભવમાંથી જે શીખી શકાય એ શીખી લેવું. જે અનુભૂતિ થાય એને માણી લેવી. બોધપાઠ લેવો હોય એ લઈ લેવો. વાત અહીં પૂરી થવી જોઈએ. સુખી થવાની આ ચાવી છે. બહુ સરળ ચાવી છે, પણ એ મેળવવાની શરત એ છે કે એને માટે સરળ બનવું પડે. અને સરળ બનવું સૌથી અઘરું છે આજના જમાનામાં. તમે ઇચ્છો તો પણ તમને સરળ નહીં બનવા દેવા માટેની વ્યવસ્થા છઠ્ઠીના સંસ્કારથી લઈને ભણતર-ગણતર અને વ્યવહાર સુધીના દરેક તબક્કે છે. એ તમામ કોઠા વીંધીને પણ જો સરળ રહી શકો તો તમારા જેટલો સુખી આ જગતમાં બીજો કોઈ માણસ નહીં હોય.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2020 01:38 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK