Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સતત જાગતા અને દોડતા મુંબઈને નાઇટલાઇફની જરૂર છે?

સતત જાગતા અને દોડતા મુંબઈને નાઇટલાઇફની જરૂર છે?

25 January, 2020 04:05 PM IST | Mumbai

સતત જાગતા અને દોડતા મુંબઈને નાઇટલાઇફની જરૂર છે?

મુંબઈ

મુંબઈ


૨૭ જાન્યુઆરીથી હવે થિયેટર, મૉલ, દુકાનો, રેસ્ટોરાં અને ખાઉગલીઓ ચોવીસ કલાક ધમધમી શકે એવી છૂટ સરકારે આપી છે. મહારાષ્ટ્રના વડા પ્રધાન ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે આ યોજનાથી રોજગારમાં વધારો થશે, ચોવીસ કલાક શહેર ધમધમતું રહેશે અને લોકો બેખોફ હરીફરી શકતા હશે તો ટૂરિસ્ટોને પણ આકર્ષી શકાશે. જોકે આખી રાત મૂવી, શૉપિંગ, ખાણીપીણીની મજા માણવાની છૂટ માટે મુંબઈગરાઓ શું માને છે એ જાણીએ...

સ્ટ્રીટ-ફૂડ માટે હવે લાઇસન્સ ફરજિયાત કરવાં જોઈએ



મુંબઈગરાઓ આખી રાત ખાણી-પીણી અને શૉપિંગનો આનંદ ઉઠાવી શકે એ માટે મહારાષ્ટ્ર સરકારે લીધેલો નિર્ણય આવકાર્ય છે. એનાથી રોજગાર વધશે અને કદાચ એક નવા જ કન્સેપ્ટનો જન્મ થશે એવું મને લાગે છે એમ જણાવતાં કાંદિવલીના ૩૧ વર્ષના બિઝનેસમૅન અંકિત વ્યાસ કહે છે, ‘અત્યાર સુધી રાતે હોટેલો જલદી બંધ થઈ જતી હતી અને પરિણામે રાતે અગિયાર-બાર વાગ્યે ભૂખ લાગે તો આપણે લારી પર મ‍ળતું ફૂડ ખાતા હતા. હવે કદાચ આ કન્સેપ્ટ બદલાઈ જશે. રોડનો કચરો ખાવાની જગ્યાએ લોકો હોટેલમાં બેસીને સારી વસ્તુ ખાશે. બધા પોતાની અનુકૂળતા પ્રમાણે નીકળશે તો ભીડમાં ફરક પડશે. મારા મતે રોડ પર ખુલ્લામાં વેચાતી વાનગીઓ માટે હોટેલની જેમ જ લાઇસન્સ ફરજિયાત હોવાં જોઈએ. સ્ટ્રીટસાઇડ સ્ટૉલનાં લાઇસન્સ અને સલામતી માટેનાં પગલાં વિશે સરકારે શું વિચાર્યું છે એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. થિયેટર ખુલ્લાં રહેતાં રાતે ઘરે મોડા આવતા પુરુષો પોતાની ફૅમિલીને લઈને પિક્ચર જોવા જઈ શકશે એ ફાયદો પણ થશે. એન્ટરટેઇનમેન્ટ અને ફૂડની યોજના સક્સેસ જશે, શૉપિંગમાં સફળતા મળે એવું લાગતું નથી.’


- અંકિત વ્યાસ, બિઝનેસમૅન

નાઇટલાઇફ અમારી પૉકેટમનીમાં ફિટ નહીં થાય


હવેથી આખી રાત મુંબઈના રસ્તા ધમધમશે એવા સમાચારથી હાઈ ઇન્કમ ધરાવતા લોકો ચોક્કસ ખુશ થશે, પરંતુ મધ્યમ વર્ગ દેખાદેખીમાં બહાર નીકળશે તો ખિસ્સાનો ભાર વધી જશે એવો અભિપ્રાય આપતાં દહિસરની ૧૭ વર્ષની સ્ટુડન્ટ ભક્તિ પરમાર કહે છે, ‘મધ્યમ વર્ગનાં સંતાનોને પૉકેટમની ગણીને મળે છે. આખી રાત મોજમસ્તી કરવા વધુ પૈસા જોઈશે. બધી જગ્યાએ દિવસના અને રાતના ભાવ જુદા હોય છે. મને લાગે છે કે આ કલ્ચર બાઇક અને કાર લઈને નીકળનારા લોકો માટે છે. સલામતીની દૃષ્ટિએ પણ સરકારનો નિર્ણય યોગ્ય નથી. આમેય આપણા ગુજરાતીઓના ઘરમાં છોકરીઓ રાતે મોડે સુધી બહાર રહે એ સ્વીકાર્ય નથી. હા, વર્કિંગ વિમેનને થોડો ફાયદો થશે ખરો. તેમની પાસે દિવસે ટાઇમ હોતો નથી અને વીક-એન્ડમાં ઘરમાં બીજાં ઘણાં કામ કરવાનાં હોય છે. ચોવીસ કલાક મૉલ્સ ખુલ્લા રાખવાથી તેઓ પોતાની અનુકૂળતા પ્રમાણે જોઈને ચીજ-વસ્તુ ખરીદી શકશે. આ સિવાય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પાર્ટટાઇમ જૉબ કરીને અભ્યાસનો ખર્ચ કાઢી શકશે. એનાથી કરીઅરને અસર થઈ શકે છે. કોને ફાયદો થશે અને કોને નુકસાન એ અત્યારે કહી ન શકાય.’

- ભક્તિ પરમાર, સ્ટુડન્ટ

હેલ્ધી લાઇફસ્ટાઇલને પ્રમોટ કરાય કે જન્ક ફૂડને?

ખાઉગલીઓ અને હોટેલો ખુલ્લી રાખીને સરકાર લોકોનાં પેટ બગાડવાનું કામ કરી રહી છે એવો બળાપો વ્યક્ત કરતાં ઘાટકોપરના ૪૭ વર્ષનાં ગૃહિણી વૈશાલી ભગત કહે છે, ‘આમેય આપણાં સંતાનો બહારનું જન્ક ફૂડ ખૂબ ખાય છે. સ્વિગી અને ઝોમૅટો જેવી કંપનીઓ તેમ જ રાતે બાર વાગ્યે હોમ ડિલિવરી જેવી સિસ્ટમને લીધે નજીકના ભવિષ્યમાં ગુજરાતીઓના ઘરમાં કિચનના દરવાજા બંધ કરી દેવાનો વારો આવવાનો જ છે. એમાં આવી યોજનાઓ યંગ જનરેશનની હેલ્થને વધુ બગાડવાનું કામ કરશે. મને એ ખબર નથી પડતી કે હેલ્ધી લાઇફસ્ટાઇલને પ્રમોટ કરવાને બદલે ખાણી-પીણીનો જલસો કરવા પ્રોત્સાહન આપવાનું? મને આ યોજના જરાય ગમી નથી. અત્યારે રાતે દોઢ-બે વાગ્યા સુધી યંગસ્ટર્સ પાર્ટી કરે છે, હવે આ પાર્ટીઓ સવાર સુધી ચાલશે. ઊંઘની પૅટર્ન ફરી જતાં બૉડી પર એની વિપરીત અસર થશે. સરકાર કહે છે કે નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકોને ખાવા નથી મળતું તો અત્યારે તેઓ શું કરે છે? ઘરેથી લઈ જાય છે અથવા કંપની વ્યવસ્થા કરે છેને. તમે તેમને હોટેલનો રસ્તો બતાવશો તો એ લોકો કામેથી સીધા ઘરે જવાને બદલે હોટેલમાં જશે. રહી શૉપિંગની વાત તો એને માટે રાતે જાગવાની જરૂર નથી. શૉપિંગ માટે આખો દિવસ પડ્યો છે.’

- વૈશાલી ભગત, ગૃહિણી

શૉપિંગમાં કોઈ ખાસ વધારો નહીં થાય, પણ ફૂડ-જૉઇન્ટ્સને ફાયદો જરૂર થશે

બધી જ શૉપ કે મૉલ આખી રાત ખુલ્લાં રાખવાની વાત મને બહુ વાજબી નથી લાગતી. એનું કારણ એ કે રાતના સમયે લોકો મિડનાઇટ શૉપિંગ કરવા આવે એવું ઓછું બનશે, પરંતુ એની સામે મેઇન્ટેનન્સનો ખર્ચ ખૂબ વધારે હશે. ખરીદી તો વ્યક્તિ જેટલી જરૂર હોય એટલી જ કરવાના છે, એ રાતે કરે કે દિવસે કરે. વળી મોટા ભાગની ખરીદી કરવા માટે લોકો ફૅમિલી સાથે નીકળતા હોય છે. અડધી રાતે ફૅમિલી તો શૉપિંગ કરવા મૉલમાં ફરે એવું સંભવ નથી. બીજી તરફ મૉલ ખુલ્લા રાખવા હોય તો દરેક ડિપાર્ટમેન્ટને તમારે અલર્ટ રાખવા પડે, સિક્યૉરિટી વધુ જોઈએ અને કસ્ટમર્સનો ફુટફૉલ્સ એટલો ન હોય. વળી, ઇલેક્ટ્રિસિટી અને ઓવરહેડ્સનો ખર્ચ વધી જશે. દુકાનદારોને નાઇટલાઇફ બહુ પોસાય એવું નથી લાગતું. હા, ફૂડ-સ્ટૉલ્સ, ઇટરીઝમાં ચોક્કસ ફાયદો થશે. આપણે સાંભળીએ છીએ કે અડધી રાતે તમે ફૉરેનથી મુંબઈમાં લૅન્ડ થાઓ અને ભૂખ્યા હો તો ક્યાંય ખાવાનું ન મળે. ફાઇવસ્ટારમાં મળે, પણ એ પોસાય નહીં. મુંબઈ એ ધમધમતું શહેર છે અને દિવસ-રાત કામ કરતું હોય છે એટલે ખાવાની જરૂર પડશે. ઇટરીઝને ગ્રાહકો પૂરતા મળી રહેશે અને ફૂડ-કોર્ટ ચલાવવામાં મેઇન્ટેનન્સ પણ એટલું નથી એટલે જરૂરિયાત મુજબ એક-બે જણને રાખે તોય ચાલે.

મને એવું લાગે છે કે જ્યાં-જ્યાં હોલસેલ માર્કેટ છે અને બહુ ભીડભાડવાળી જગ્યાએ હોય છે ત્યાં રાતે શૉપ ખુલ્લી રાખવાની કે કામ કરવાની છૂટ હોવી જોઈએ. રાતના સમયે બહારગામથી માલની ટ્રક આવે તો વિધાઉટ ટ્રાફિક ઝટપટ માલની હેરફેર થઈ શકે. ઓવરઑલ જોઈએ તો નાઇટલાઇફથી ઇકૉનૉમીમાં ફરક પડશે પણ એ બહુ નોંધનીય નહીં હોય.

શૉપિંગમાં તો નહીં જ, ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં એમ્પ્લૉયમેન્ટ અને કન્ઝમ્પ્શન વધશે.

- ભાવના દોશી, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ, ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર

વીજળીની ચોરી વધશે અને ઇલેક્ટ્રિસિટી પણ વધુ વપરાશે

ખૂમચાવાળાઓ અને રોડસાઇડ સ્ટૉલવાળાઓ કાયમ વીજળીની ચોરી કરતા જ હોય છે. હવે એમાં વધારો થશે એવો મત વ્યક્ત કરતાં બોરીવલીનાં ૨૯ વર્ષનાં લૉયર રુચિ દોશી કહે છે, ‘આખી રાત મૉલ્સ ખુલ્લા રાખવા એટલે મોટા પાયે વીજળીનો વ્યય. દુકાનો અને ખાઉગલીઓ ખુલ્લાં રાખવામાં પણ મને કોઈ લૉજિક દેખાતું નથી. વીજળીનો વપરાશ અને વીજળીની ચોરી બન્ને વધશે. ક્રાઇમ રેટ્સમાં તો કદાચ વધારો નહીં થાય, કારણ કે બધે સીસીટીવી કૅમેરા ગોઠવેલા હશે, પરંતુ જે-તે જગ્યાએ પહોંચવા માટે અડધી રાતે ઑટોરિક્ષા અને કૅબ-ડ્રાઇવર પર ભરોસો ન મૂકી શકાય. બીજું, વર્ક-ટાર્ગેટ અને આખા દિવસના સ્ટ્રેસ બાદ થાક્યાપાક્યા મુંબઈગરાઓ રાતે રખડવા નથી નીકળવાના. હવે તો હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે અવેરનેસ વધી છે. વહેલી સવારે મૉર્નિંગ-વૉક કરવાવાળી અને ઑફિસ જવા માટે ટ્રેન પકડનારી પબ્લિક ઊંઘને જ પ્રાધાન્ય આપશે. સરકારની આ યોજનાથી માત્ર ને માત્ર યંગ જનરેશનને ફાયદો થશે. પહેલાં તેઓ ક્લબિંગ બાદ ઘરે આવી જતા હતા હવે તેમને આખી રાત રખડવા માટે મોકળું મેદાન મળી જશે. આવી યોજનાઓ વીક-એન્ડ અથવા ફેસ્ટિવલ સીઝન પૂરતી અમલમાં મૂકવી જોઈએ. ડેઇલી જરૂર નથી.’

- રુચિ દોશી, લૉયર

વીક-એન્ડથી શરૂઆત કરાય, સીધું ઝંપલાવી ન દેવાય

લાલબાગ‍માં રહેતા ૪૯ વર્ષના સંજીવ શાહ સરકારના આ નિર્ણય સાથે અસહમત થતાં કહે છે, ‘ચોવીસ કલાક દુકાનો અને મૉલ્સ ખુલ્લાં રાખવાનો શું ફાયદો? ચાલુ દિવસોમાં કોઈ શૉપિંગ કરવા નીકળવાનું નથી. શૉપિંગમાં મહિલાઓને વધુ રસ હોય છે એથી શરૂઆત વીક-એન્ડથી કરવી જોઈએ જેમાં તેઓ હસબન્ડ અને ફૅમિલી સાથે નીકળી શકે. પબ્લિકનો રિસ્પૉન્સ મળે પછી જ રોજ માટે આવી પરવાનગી વિશે વિચારવું જોઈએ.

બીજું એ કે રાતે શૉપિંગ સેન્ટરો ખુલ્લાં રહેશે તો સલામતી માટે એક્સ્ટ્રા મેનફોર્સ લગાવવો પડશે. સરકારે સલામતી માટેનાં કેવાં પગલાં લીધાં છે અને શું બંદોબસ્ત કર્યો છે એની જાણકારી નથી. રાતના સમયે ટ્રાન્સપોર્ટ ફૅસિલિટી હશે કે નહીં એ બાબતે પણ કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

બધા પાસે કંઈ પોતાનું પ્રાઇવેટ વેહિકલ ન હોય. આમ સરકારના આ નિર્ણયમાં કેટલીક ત્રુટિઓ દેખાય છે. મારા મતે નાઇટ લાઇફમાં ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોનું કલ્ચર જુદું છે. એ લોકો પહેલાં પણ એન્જૉય કરવાના રસ્તા શોધી લેતા હતા અને આગળ પણ શોધી લેશે.’

- સંજીવ શાહ, ટેક્સટાઇલ મૅન્યુફૅક્ચરિંગ

પહેલાં મોડેથી રાતે ઢાબા પર ખાવા જતા, હવે હાઇવે સુધી લાંબા નહીં થવું પડે

વસઈનો ૨૦ વર્ષનો સ્ટુડન્ટ સાહિલ ત્રિવેદી સરકારના નિર્ણયથી ખુશ તો છે, પણ તેને લાગે છે કે તેમના ફૅમિલી-બિઝનેસને ફાયદો નહીં થાય. સાહિલ કહે છે, ‘અમારી હોટેલ સાતીવલીના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં છે. રાત પડે એટલે આ વિસ્તારમાં સોપો પડી જાય છે. બિઝનેસને  ફાયદો નહીં થાય, પણ રાતે ખાણી-પીણીનો જલસો ખુલ્લો રહેતાં મજા ખૂબ પડશે. અમે બધા ફ્રેન્ડ્સ ઘણી વાર રાતે મોડેથી ઢાબા પર ખાવા જઈએ છીએ. લોકલ એરિયામાં જો બધું મળવા માંડશે તો હાઇવે સુધી લાંબા થવું નહીં પડે. બીજું ચોવીસ કલાક રસ્તા પર ચહલપહલ રહેશે તો ગર્લ્સને એકલી બહાર નીકળતાં ડર નહીં લાગે. તેઓ બિન્દાસ હરી-ફરી શકશે. અત્યારે સરકારે કેટલીક શરતોને આધીન આ નિર્ણય લીધો છે એ યોગ્ય છે, પરંતુ મને લાગે છે કે અમારી જનરેશનના ટેસ્ટને ધ્યાનમાં રાખી હજી થોડી છૂટછાટ આપવી જોઈએ. અઠવાડિયામાં એક વાર સેટર ડે ફુલ નાઇટ અથવા રાતે બે વાગ્યા સુધી ક્લબિંગની પરવાનગી મળે તો યંગ જનરેશનના ઉત્સાહમાં વધારો થશે.’

- સાહિલ ત્રિવેદી, હોટેલ બિઝનેસ

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2020 04:05 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK