કચ્છનું રજવાડી નાણું... ચલણનું નઝરાણું

Published: Feb 04, 2020, 15:10 IST | Sunil Mankad | Kutch

જૂના રાજવીઓ પોતાનાં નામના અને પોતાના ચિત્રવાળા સિક્કા બનાવીને ચલણમાં મૂકતા.

સિક્કાઓ
સિક્કાઓ

ભારતનાં પ્રાચીન રાજારજવાડાંના સમયમાં કદાચ હૂંડિયામણની સમસ્યા આજના જેટલી અને જેવડી વિકટ નહોતી. ૩૦૦૦થી વધુ રજવાડાંનાં પોતાનાં આગવાં ચલણ હતાં. એકબીજાં રાજ્યોનાં ચલણની સરખામણી માટે આજના જેવી સ્પર્ધા પણ નહોતી, છતાં એ ચલણનાં આગવાં મૂલ્યો હતાં. આજે પણ કચ્છ રાજ્યના જૂના ચલણી સિકકાઓ જૂના લોકોનાં ઘરોમાંથી સચવાયેલી હાલતમાં મળી આવે છે. એટલું જ નહીં, કચ્છના એ સમયના ચલણી સિક્કાઓ ચાંદીમાં બનાવી એ નઝરાણા સ્વરૂપે આપવાની પ્રથા અમલમાં છે.

જૂના રાજવીઓ પોતાનાં નામના અને પોતાના ચિત્રવાળા સિક્કા બનાવીને ચલણમાં મૂકતા. ગુજરાતમાં છેક ૧૯૪૮ની સાલ સુધી આવાં કચ્છ, ગાયકવાડ વગેરે જેવા મોટાં રજવાડાંના સિક્કા ચલણમાં મોજૂદ હતા. એમાં કચ્છના ચલણનું હૂંડિયામણની દૃષ્ટિએ અદકેરું મહત્વ હતું. ૧૯૪૮ સુધી કચ્છ અલગ રાજય તરીકે હતું. આજે કચ્છી ચલણનું અસ્તિત્વ નથી એ મ્યુઝિયમની મહોલાત બનીને હાલમાં પડ્યું છે, પરંતુ એના પરથી એના ભવ્ય ભૂતકાળનો ચળકાટ હજી પણ ઝાંખો પડ્યો નથી.

વાગડમાં પ્રથમ રાજ્યસત્તા મેળવ્યા પછી કચ્છને એક સત્તા અને એક આણ નીચે રાવશ્રી ખેંગારજી પહેલાએ ઈસવી સન ૧પ૧૦માં મૂક્યું. એ અરસામાં અમદાવાદના સુલતાનના શાહી સિક્કાઓનું ચલણ કચ્છમાં હતું. ઈસવી સન ૧૬૧૭માં દિલ્હીના બાદશાહ જહાંગીર અમદાવાદની મુલાકાતે આવેલો એ સમયે કચ્છના રાવશ્રીને પોતાનો સિક્કો પાડવાની પરવાનગી આપી હતી. ત્યારથી કચ્છમાં પોતાનું ચલણ અમલમાં આવ્યું. આ પ્રસંગનું વર્ણન જહાંગીરનામામાં છે. એમાં લખ્યું છે કે રાવશ્રી ભારમલજીએ બાદશાહ જહાંગીરની મુલાકાત લીધી અને બાદશાહને ૨૦૦૦ રૂપિયાની ઘોળ કરી તથા ૨૦૦ સોનામહોરો અને ૧૦૦ કચ્છી ઘોડાઓનું નઝરાણું ધર્યું. બાદશાહે એની કદર કરીને રાવશ્રીને એક ઘોડો, એક હાથી, એક હાથણી, ખંજર, તલવાર અને વીંટીઓની બક્ષિસ આપી. એ સમયની યાદગીરીમાં કોરીનો ચલણી સિક્કો બહાર પાડવાની રાવશ્રીને પરવાનગી મળી હતી. આમ, કચ્છમાં પોતાનું ચલણ પ્રથમ કોરીના સિક્કા વડે ઈસવી સન ૧૬૧૭માં અમલમાં આવ્યું.

શરૂઆતમાં આ ચલણી સિક્કાઓ સોનામાંથી, ચાંદીમાંથી અને તાંબામાંથી બનાવવામાં આવતા. જોકે સમયાંતરે સોનાના સિક્કા બહાર પાડવાનું બંધ કરી છેક ૧૯૪૮ સુધી તાંબા અને ચાંદીના સિક્કાઓ ચલણમાં રહ્યા હતા. મોટાં ચલણ રૂપે કોરી, આધિયો, પાંચિયો અને અડધિયો સિક્કાઓ ચાંદીનાં રહેતાં, જયારે નાના ચલણ તરીકે તાંબિયા, દોકડા, ઢીંગલાં અને ઢબુ એ તાંબાના સિક્કાઓ ચલણમાં રહ્યા હતા. ચલણના મુખ્ય માધ્યમ તરીકે ચાંદીની કોરીના સિક્કાને એકમ તરીકે સ્વીકારાયો હતો અને એની સરખામણીએ અન્ય સિક્કાઓને મૂલવાતા. આ ચાંદીની કોરીનું વજન ૧ર વાલ એટલે કે દસ આની ભાર મુકરર કરવામાં આવ્યું હતું. મૂલ્યમાં પાંચિયો બરાબર એક કોરી થતી તો અઢી કોરીનો એક અડધિયો અને અડધી કોરી બરાબર એક આધિયો થતો. તો તાંબાના સિક્કા ૮ ઢબુ બરાબર એક કોરી તેમ ૧૬ ઢીંગલાં, ર૪ દોકડા અને ૪૮ તાંબિયાનું મૂલ્ય પણ એક કોરી બરાબર થતું. સોના અને ચાંદીની ધાતુઓના ભાવની અસમતુલાને કારણે સોનાના સિક્કા બંધ થયા હોવાનું કહી શકાય, કારણ કે શરૂઆતમાં સોનાની એક કોરીનો ભાવ ર૬ ચાંદીની કોરી બરોબર થતો, પરંતુ ભાવની અસમતુલાને કારણે ભારે ફેરફાર થતો.

જોકે ચલણમાં આગળ જતાં છેક છેલ્લે એટલે કે ૧૯૪૮ પહેલાંનાં થોડાં વર્ષો પહેલાં ચલણી નોટો પણ છપાઈ હતી, પરંતુ એ ચલણમાં મૂકવાનો પ્રસંગ આવ્યો નહોતો. એ રપ, પ૦, ૧૦૦ અને પ૦૦ કોરીની નોટો લંડનમાં છપાયેલી. એના પર મહારાવશ્રી વિજયરાજજીનું ચિત્ર તથા દીવાન ત્રિભોવનદાસ રાજાની સહી હતી. પાછળની બાજુએ વહાણ, કિલ્લો અને શસ્ત્રનાં પ્રતીકો છાપેલાં હતાં. એ નોટો આજે પણ કચ્છ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી છે.

કચ્છ રાજ્યની વિશિષ્ટતા એ હતી કે ચલણી સિક્કાઓ રાજ તરફથી છપાવી ચલણમાં મુકાતા. એ ઉપરાંત લોકોને પણ પોતાની ચાંદીની પાટો આપીને કોરીના સિક્કા પડાવી જવાની છૂટ હતી. જોકે રાજાશાહી પરંપરાગત પદ્ધતિ એવી હતી કે જ્યારે રાજા ગાદી પર બેસે ત્યારે તિલકવિધિ થઈ ગયા બાદ નવા રાજા કૂળદેવી આશાપુરાના મંદિરે દર્શન કરવા જાય અને ત્યાંથી ટંકશાળે જાય. ટંકશાળમાં તેમના નામના સિક્કા પાડવાની વિધિ કરવામાં આવતી.

coins

ઈસવી સન ૧૬૧૭થી ઈસ્વી સન ૧૯૪૮ સુધી, લગભગ સવા ત્રણસો વર્ષ સુધી ચલણમાં રહેલા આ સિક્કાઓ પોતાના વજન, ઘાટ અને છાપમાં વિશિષ્ટ ભાત પાડતા હતા. રાવશ્રી ભારમલજી પહેલાના સમયમાં (૧પ૮૬-૧૬૩ર) પહેલવહેલા જે સિક્કા બહાર પાડવામાં આવ્યા એમાં એક બાજુએ ફારસીમાં મુઝફર શાહનું નામ અને હિજરી સંવત ૯૭૮ લખ્યું હતું. બીજી બાજુએ કટારનું નિશાન ફારસી લખાણ છે. ત્યાર પછીના રાવશ્રી ભોજરાજજી (૧૬૩ર-૧૬૪પ) તથા રાવશ્રી ખેંગારજી બીજા (૧૬૪પ-૧૬પ૪)ના સમયમાં માત્ર નામનો જ ફેર પડ્યો છે. જ્યારે એ પછી મહારાવશ્રી લખપતજી (૧૭પર-૧૭૬૧)ના સિક્કાઓ દિલ્હીથી બહાર પડાતા સિક્કાઓ જેવા જણાયા હતા. એમાં ‘મહારાવશ્રી લખપત’ એ શબ્દો હતા. મહારાવશ્રી દેશળજી બીજા (૧૮૧૯-૧૮૬૧)ના સમયના સિક્કાઓમાં એક બાજુએ ફારસીમાં ‘બહાદુરશા બાદશાહ ગાઝી ઝરબે ભુજ’ એવું લખાણ છે અને બીજી બાજુએ ‘રાવશ્રી દેશળજી ૧૮ર૯’ એ શબ્દો ઉપરાંત કટાર અને ત્રિશૂળનાં નિશાનો છે (ઝરબ એટલે ટંકશાળ). મહારાવશ્રી પ્રાગમલજી બીજા (૧૮૬૧-૧૮૭પ)ના સમયમાં કોરી, અડધી મહોર અને મહોરના સોનાના સિક્કાઓ બહાર પડાતા. એમાં ફારસીમાં લખ્યું હતું ‘મુલ્કે મુઆઝમા ક્વિન વિકટોરિયા ઝરબ ભુજનગર કોરી દુવતમ ૧૮૭૦’. આ સોનાની એક કોરી બરાબર ચાંદીની ૧૦૦ કોરીનો હિસાબ હતો. મહારાઓશ્રી ખેંગારજી ત્રીજા (૧૮૭૬-૧૯૪ર)ના સમયમાં મહારાઓશ્રીના મહોરવાળા સિક્કાઓ બહુ જૂજ બહાર પાડવામાં આવ્યા હતા. તો મહારાઓશ્રી વિજયરાજજી (૧૯૪ર-૧૯૪૮)ના સમયમાં વચ્ચે કાણાવાળા તાંબાના સિક્કાઓ બહાર પાડવા સાથે ચાંદીનો ૧૦ કોરીનો સિક્કો પણ પડાવ્યો હતો. ચલણી નોટોની સિરીઝ તેમણે જ છપાવી હતી, પરંતુ એ ચલણમાં લાવી ન શકાઈ. છેલ્લે-છેલ્લે મહારાવશ્રી મદનસિંહજી થોડા મહિનાઓ પૂરતા ગાદી પર બેઠા ત્યારે ઈસવી સન ૧૯૪૮માં સિક્કાઓ પર મોગલ અગર બ્રિટિશ સત્તાના ઉલ્લેખને બદલે એક તરફ ‘જય હિન્દ, કોરી એક, ભુજ’ અને બીજી તરફ ‘મહારાવશ્રી મદનસિંહજી કચ્છ ર૦૦૪’ એમ દેવનાગરી શબ્દો તથા કટારી, ત્રિશૂળ અને ચંદ્રનાં નિશાન હતાં.

ઈસવી સન ૧૯ર૦ સુધી આ તમામ સિક્કાઓ મહારાવશ્રીની ટંકશાળમાં જૂની જગ્યાએથી જ બહાર પડાતા અને છીણી અને હથોડીની મદદથી કોરીઓ પાડતા, પરંતુ ઈસવી સન ૧૯ર૯-૩૦માં ભુજમાં નવી ટંકશાળ શરૂ કરવામાં આવી ત્યારથી એકસરખા વજન, ઘાટ અને છાપવાળા સિક્કાઓ બહાર પાડવાનું શરૂ થયું.

કચ્છી સિક્કાઓ ચલણમાં આવ્યા એ પહેલાં પણ માત્ર ચલણ સિવાય સિક્કાઓ પડાતા અથવા તો કચ્છમાં જોવા મળતા ખરા. એમાં ગધૈયા સિક્કા પાછળ એક એવી દંતકથા છે કે ગંધર્વસેન નામે કોઈ એક રાજકુમારને દેવી શાપ થતાં તે ગધેડો બની ગયો હતો. ફરતો-ફરતો એ વાગડના ગેડી ગામે આવી ચડ્યો. પૂર્વ જન્મના સંસ્કારબળે ગેડીની રાજકુમારીને તેની પર પ્રીતિ થઈ. ગધેડા જેવા પશુ પર હેત વરસાવનાર કુંવરીની ઘણી અવહેલના થઈ, પણ કુંવરીએ ગંધર્વસેનની શાપની અવધિ પૂરી થતાં ફરીથી રાજકુંવર બનેલા ગંધર્વસેન સાથે લગ્ન કર્યાં અને તે ગેડીનો રાજા બન્યો. તે ગંધર્વસેને જે સિક્કા બહાર પાડ્યા એ ‘ગધૈયા’ કહેવાયા. એના પર ગધેડાનું ચિહન રાખવામાં આવ્યું. ગધૈયા ચાંદીના તેમ જ તાંબાના સિક્કાઓ હતા.

આ ઉપરાંત કચ્છમાંથી ચલણ સિવાયના એટલે કે કચ્છી ચલણ પહેલાંની મુદ્રાઓ પણ મળી આવી છે જેમાં મોટો ભાગ સમુદ્રગુપ્ત સમયના સિક્કાઓ છે. માંડવી નજીક પ્રાચીન બંદર રાયપુર અથવા રિયાણ હતું. એનાં અવશેષો, પુરાંતન ખંડિયેરોમાંથી ક્ષત્રપ, ગુપ્ત, કુશાન અને ઇન્ડોસિરિયન સિક્કાઓ મળી આવ્યા હતા જે મુખ્યત્વે આ બંદરેથી પરદેશ જતા-આવતા વહાણવટીઓ લાવ્યા હોવાનું અનુમાન થઈ શકે છે. જોકે સિક્કાઓ ખરેખર ચલણમાં હોય છે ત્યારે તેમનું મૂલ્ય ખરીદશક્તિની દૃષ્ટિએ હોય છે, ચલણમાંથી બંધ થયેલા આ સિક્કાઓ પુરાતત્વવિદોની દૃષ્ટિએ આજે ય બહુમૂલ્ય છે.

કચ્છનાં અર્થકારણમાં તત્સમયે આવા ચલણી સિક્કાઓ દ્વારા હૂંડિયામણની ઘણી મજબૂત પકડ રહેતી. આજે જેમ આયાત-નિકાસમાં ‘ફૉરેન એકસચેન્જ’માં રમતો થાય છે એમ કચ્છનો કાબેલ-હોશિયાર વેપારી પણ આવા હૂંડિયામણનો ઉપયોગ કરીને સારો નફો રળતો.

ઈસવી સન ૧૮૧૯ પહેલાં સિંધુ નદી કચ્છમાંથી વહેતી એટલે કચ્છનો પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ ગણાતો અને ત્યારે ખાદ્ય અનાજ માટે કચ્છ સ્વતંત્ર હતો. એટલું જ નહીં, નિકાસ કરવામાં આવતી. એ સમયે હૂંડિયામણનો દર ૧૦૦ રૂપિયા બરાબર ૩૭પ કોરી હતો, પરંતુ ૧૮૧૯માં ધરતીકંપ બાદ સિંધુ નદીનાં વહેણ કચ્છમાંથી બદલી જતાં કચ્છની અવદશા શરૂ થઈ અને હૂંડિયામણનો દર ૩૭પ કોરીને બદલે ૬૦૦ કોરીએ પહોંચી ગયો. એ છેક ૧૯૦ર સુધી ચડતી-પડતી દરમ્યાન ૬૦૦ કોરીનો દર ૧૯ર૪માં ૧પપ જેટલો ઘટી પણ ગયો હતો, પરંતુ એ પછી સમયાંતરે હૂંડિયામણના ભાવો ઊંચા ચડતા અને કોરીના ભાવો ઘટતા, પરંતુ આ હૂંડિયામણને મહત્વનો ટેકો આપવા માટે પણ કચ્છીઓ જ પ્રયત્ન કરતા. કચ્છની મોટા ભાગની પ્રજા કચ્છની બહાર વસે. તેઓ પોતાના કુટુંબીઓના નિભાવ માટે કચ્છમાં રૂપિયા મોકલે એ વટાવી કોરીઓ ખરીદાતી અને એથી કેટલેક અંશે હૂંડિયામણનો દર સ્થિર રહેતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK