Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નાનાભાઈનાં મોટાં કામ : ખટલો, કોશ, છાપખાનું, નાટક, અનુવાદ

નાનાભાઈનાં મોટાં કામ : ખટલો, કોશ, છાપખાનું, નાટક, અનુવાદ

29 February, 2020 04:08 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

નાનાભાઈનાં મોટાં કામ : ખટલો, કોશ, છાપખાનું, નાટક, અનુવાદ

નાનાભાઈ રુસ્તમજી રાણીના

નાનાભાઈ રુસ્તમજી રાણીના


ઈ. સ. ૧૮૫૧ના વર્ષના શિયાળાની એક સાંજ. મુંબઈના કોટ વિસ્તારમાં આવેલી પારસી છોકરીઓ માટેની નિશાળનો ૧૯ વર્ષની ઉંમરનો એક પારસી શિક્ષક. સાંજે નોકરીએથી છૂટીને ચાલતો ઘરે જઈ રહ્યો છે. ધોબી તળાવ પાસે રસ્તાને કિનારે એક મુસલમાન ફેરિયો ચોપડીઓ વેચી રહ્યો છે. યુવાન ઊભો રહી જાય છે. વાંકો વળી એક ચોપડી ઉપાડે છે. એનું નામ છે મોલ્સવર્થ અને કેન્ડી કૃત અંગ્રેજી-મરાઠી શબ્દકોશ. યુવાન ભાવ પૂછે છે. ફેરિયો: ત્રણ રૂપિયા. યુવાન નિસાસો મૂકે છે. છોકરીઓ માટેની નિશાળમાં મહિને ૧૮ રૂપિયાનો પગાર મળતો હતો. એક ચોપડી પાછળ ત્રણ રૂપિયા ખરચવાનું પોસાય નહીં. ભારે હૈયે આગળ ચાલે છે.

સાત-આઠ વર્ષની ઉંમરે મા-બાપ બન્ને ગુમાવેલાં. પુણેનું બાપીકું ઘર છોડી ભાઈ-બહેન સાથે મુંબઈ આવી મોસાળમાં રહેતો હતો એ યુવાન. મામાઓની પણ ટૂંકી આવક. છતાં બધાં ભાણજાંને પાંખમાં લીધેલાં. ચોપડી માટે મામા પાસે ત્રણ રૂપિયા માગવા કઈ રીતે? નછૂટકે જુઠ્ઠું બોલે છે: ‘નોકરીએ આવતાં-જતાં રસ્તામાં બહુ ઠંડી લાગે છે. એટલે એક જૂનો ડગલો ખરીદવો છે. એ માટે ત્રણ રૂપિયાની જરૂર છે.’ જરા કચવાતે મને, મામા ત્રણ રૂપિયા આપે છે. અને બીજે દિવસે સાંજે ફેરિયા પાસેથી મોલ્સવર્થ અને કેન્ડીનો



અંગ્રેજી-મરાઠી શબ્દકોશ ખરીદીને યુવાન ઘરે આવે છે. રસ ગળે ને કટકા પડે એવી કોઈ નવલકથા હાથમાં આવી હોય એમ ફુરસદનો બધો સમય આપી એ કોશનો શબ્દેશબ્દ વાંચી લે છે અને મનોમન નક્કી કરે છે કે મરાઠી ભાષા માટે જે કામ બે અંગ્રેજોએ કર્યું એ મારી ગુજરાતી ભાષા માટે હું કરીશ. આવો જ અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ બનાવીશ.


એ યુવાનનું નામ નાનાભાઈ રુસ્તમજી રાણીના. નામ ભલે નાનાભાઈ, પણ ૬૮ વર્ષની જિંદગીમાં ઘણાં મોટાં કામ કરી ગયા. નાનાભાઈના બાપનાં બપાઈનું નામ હતું રાણીબાઈ. તેમના વંશજો પહેલાં ‘રાણીબાઈના’ અને પછીથી ‘રાણીના’ તરીકે ઓળખાયા. રુસ્તમજી પુણેમાં કોમેસેરિયેટ ખાતાના કૉન્ટ્રૅક્ટર તરીકે કામ કરતા. પણ નાનાભાઈનો જન્મ મુંબઈના મોસાળના ઘરે થયેલો, ૧૮૩૨ના મે મહિનાની ૩૧મી તરીખે. શરૂઆતનું શિક્ષણ પુણેમાં. ખાધેપીધે સુખી કુટુંબ એટલે દીકરાને લાડકોડમાં ઉછેરતા. પણ પછી પહેલાં માતા ડોસીબાઈનું અને પછી પિતા રુસ્તમજીનું અણધાર્યું અવસાન થયું. છેવટનાં વર્ષોમાં રુસ્તમજીને ધંધામાં ભારે ખોટ આવેલી એટલે કુટુંબ પૈસેટકે પાયમાલ થઈ ગયેલું. ત્રણ ભાઈ-બહેન મુંબઈ મોસાળમાં રહેવા આવ્યા પછી થોડા વખતમાં મોટા મામા મનચેરજીનું અવસાન થયું. એટલે બધો ભાર આવ્યો નાના મામા કાવસજીને માથે.

મુંબઈમાં થોડો વખત મોહનલાલ ચીમનલાલ મહેતાની દેશી નિશાળમાં ભણ્યા. પછી નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં, પછી એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુશનમાં. ભણવામાં તેજસ્વી હતા એટલે ‘ઇનામો’ મેળવી ઘણુંખરું ‘ફ્રી સ્કૉલર’ તરીકે ભણ્યા. ત્યાં દાદાભાઈ નવરોજી, અરદેશર ફરામજી મૂસ, કાવસજી મહેતા વગેરે તેમના શિક્ષકો. દાદાભાઈએ પારસીઓમાં સમાજસુધારો કરવા માટેની શરૂ કરેલી ચળવળમાં નાનાભાઈ જોડાયા. ૧૮૪૮ના જૂનની ૧૩મી તારીખે સ્થપાયેલી સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીના સભ્ય બન્યા.


૧૮૫૪માં કુંવરબાઈ સાથે લગ્ન થયા પછી ઘરખર્ચ વધ્યો. એટલે ૧૮૫૭માં મહિને વીસ રૂપિયાના પગારે ધોબી તળાવ પરની નેટિવ જનરલ લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન તરીકે જોડાયા. ત્યાંના કામના ભાગરૂપે ‘પુસ્તક પ્રસિદ્ધ’ નામના છાપખાનાના તથા ‘સત્ય દીપક’ નામના સામયિકના માલિક નવરોજજી ફરામજીના પરિચયમાં આવ્યા. તેમણે નાનાભાઈને મહિને બે રૂપિયાના પગારે ‘સત્ય દીપક’ના પાર્ટટાઇમ અધિપતિ (તંત્રી) નીમ્યા. આ પ્રેસ અને પત્રના સંપર્કને પરિણામે નાનાભાઈના જીવનને નવો જ વળાંક મળ્યો. અવારનવાર છાપખાનામાં જવાનું થતાં એક છાપખાનું કાઢવાનો કીડો તેવણના મનમાં ચવડી આયો. પણ ખાલી ખિસ્સે છાપખાનું કઈ રીતે કાઢવું? પોતાના ચાર મિત્રો અરદેશર ફરામજી મૂસ, જહાંગીર વાચ્છા, કાવસજી મહેતા અને પેસ્તનજી શાપુરજી માસ્ટરના ગળે વાત ઉતારી. નવરોજજી ફરામજીને પણ સાથે લીધા અને ૧૮૫૭માં યુનિયન પ્રેસ શરૂ કર્યું. અલબત્ત, શરૂઆતમાં નાનાભાઈએ એમાં પોતાની મૂડી રોકી નહોતી (હોય તો રોકેને?) એટલે મહિને ૩૦ રૂપિયાના પગારે એના મૅનેજર બન્યા. વખત જતાં એક ભાગીદાર બન્યા અને છેવટે એના એકમાત્ર માલિક બન્યા. પ્રેસ શરૂ થયા પછી વર્ષો સુધી એનું સરનામું ‘ફરામજી કાવસજીના તલાવ આગળ, નેટિવ જનરલ લાઇબ્રેરી એઠલ’ એમ છપાતું. એટલે કે જે લાઇબ્રેરીમાં નાનાભાઈ નોકરી કરતા હતા એના જ મકાનમાં આ પ્રેસ શરૂ થયેલું. પછીથી એ હોર્નિમન સર્કલ પાસે ખસેડાયું જ્યાં આજે પણ એ ચાલુ છે.

nanabhai

નાનાભાઈ અને કવિ નર્મદ મિત્રો હતા અને નર્મદનાં કેટલાંક પુસ્તકો નાનાભાઈએ યુનિયન પ્રેસમાં છાપેલાં. નર્મદનું સામયિક ‘ડાંડિયો’ પણ ઘણા વખત સુધી ત્યાં જ છપાતું. તો બીજી બાજુ સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજી પણ નાનાભાઈના મિત્ર. તેમનું સામયિક ‘સત્યપ્રકાશ’ પણ નાનાભાઈના પ્રેસમાં જ છપાતું. અને એને લીધે નાનાભાઈએ અદાલતમાં આરોપી તરીકે હાજર થવું પડ્યું હતું. જદુનાથજી મહારાજ અંગેના કેટલાક લેખો ‘સત્યપ્રકાશ’માં છપાયા ત્યારે એ મહારાજે ‘સત્યપ્રકાશ’ના તંત્રી કરસનદાસ મૂળજી અને મુદ્રક નાનાભાઈ રાણીના પર માનહાનિનો કેસ માંડી પચાસ હજાર રૂપિયા જેટલી (જે એ વખતે ઘણી મોટી ગણાય) રકમ વળતર તરીકે માગી હતી. ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે ઓળખાતા આ કેસે એ વખતે દેશમાં અને દેશની બહાર પણ સારીએવી ચકચાર જગાડી હતી. જદુનાથ મહારાજે કેસમાંથી નાનાભાઈને ખસેડવા મહેનત કરી. કહેવડાવ્યું કે તમે તો પારસી છો. અમારા હિન્દુઓના ઝઘડામાં નાહકના શું કામ પડો છો? મને મળીને મૌખિક માફી માગી લો તો પ્રતિવાદીઓમાંથી તમારું નામ કાઢી નાખીએ. ઉપરાંત તમને સારીએવી રકમ પણ અમે આપીશું. ત્યારે નાનાભાઈએ જવાબમાં કહેવડાવ્યું: તમારા ધરમ અંગે મને ઝાઝી ખબર નથી. પણ થોડા રૂપિયા ખાતર મિત્રનો દ્રોહ કરવાનું મારો ધરમ તો મને નથી શીખવતો. આ ખટલામાં છેવટ સુધી નાનાભાઈ કરસનદાસની સાથે ઊભા રહ્યા અને છેવટે કેસ જીત્યા.   

હવે અદાલતના ગૂંગળાવતા વાતાવરણથી બહાર નીકળી મુંબઈના ગ્રાન્ટ રોડ પર જરા ખુલ્લી હવામાં લટાર મારીએ (એ વખતે એ શક્ય હતું). ૧૮૫૩ના ઑક્ટોબર મહિનાની ૨૯મી તારીખ, વાર શનિ. મુંબઈ શહેરમાં ત્યારે નહોતી વીજળીની સગવડ કે નહોતી સ્થપાઈ યુનિવર્સિટી ઑફ બૉમ્બે. બે-પાંચ અખબારોને બાદ કરતાં પ્રચાર માટેનાં ઝાઝાં સાધનો નહીં. અને છતાં એ સાંજે ગ્રાન્ટ રોડ પર લોકોની સારીએવી ભીડ જામી હતી. બધા જઈ રહ્યા હતા નાના શંકરશેટે બંધાવેલા થિયેટર તરફ, કારણ કે ત્યાં ભજવાવાનું હતું એક ગુજરાતી નાટક. મુંબઈમાં આવું અગાઉ ક્યારેય બન્યું નહોતું. એ વખતે ભજવાતાં અંગ્રેજી નાટકો જોઈને દાદાભાઈ નવરોજીને વિચાર આવ્યો કે ગુજરાતીમાં પણ નાટક કેમ ન ભજવાય? એટલે થોડાક મિત્રો સાથે મળીને ‘પારસી નાટક મંડળી’ શરૂ કરી. આ મંડળીએ એ દિવસે સાંજે ‘રુસ્તમ અને શોરાબ’નો નાટક તથા ‘ધનજી ગરક’નો ફારસ ભજવ્યો હતો. આ પહેલવહેલા ગુજરાતી નાટકમાં જે પારસી પુરુષોએ અભિનય કર્યો હતો તેમનાં નામ ‘બૉમ્બે કુરિયર’ના ૩૧ ઑક્ટોબર, ૧૮૫૩ના અંકમાં છપાયાં હતાં. એમાંનું એક નામ હતું નાનાભાઈ રુસ્તમજી રાણીના.

પછી નાનાભાઈ નાટકો લખવા લાગ્યા. શેક્સપિયરના ‘ટેમિંગ ઑફ ધ શ્રૂ’ પરથી બનાવેલું ‘ફેરાવન ફરન્ગીઝ’ તેમનું પહેલું નાટક. ‘પાક દામન ગુલજાર’ નામનું તેમનું નાટક એલ્ફિન્સ્ટન નાટક મંડળીએ ૧૮૭૦-૧૮૭૧માં ભજવેલું. ૧૮૮૦માં ‘નાજાં શીરીન’, ૧૮૮૧મા ‘કાળાં મેંઢા’, ૧૮૮૭માં ‘હોમલો હાઉ’, ૧૮૯૩માં ‘વેહમાયલી નજર’ વગેરે તેમનાં લખેલાં નાટકો ભજવાયેલાં. તો હિન્દુ દંતકથા પરથી લખેલું ‘સાવિત્રી’ ૧૮૮૨માં પ્રગટ થયેલું. ૧૮૬૫માં પ્રગટ થયેલું ‘શેક્સ્પીરનાટક’માં ‘કૉમેડી ઑફ એરર્સ’ અને ‘ઑથેલો’ પરથી કરેલાં રૂપાંતરો સમાવ્યાં છે.

વારુ, નાનાભાઈએ ઘણાં મોટાં કામ કર્યાં એ કબૂલ, પણ એ બધાં કરવામાં પેલી અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ બનાવવાની વાતનું શું થયું? ભુલાઈ ગઈ? ના સાહેબ. જિંદગીનાં ઘણાં વર્ષો સુધી બીજાં બધાં કામની સાથોસાથ એ કામ તો ચાલુ જ રહ્યું હતું. એ કામ તેમના જીવનના અંત સુધી ચાલ્યું અને પછી તેમના દીકરા રુસ્તમે એ અધૂરું રહેલું કામ પૂરું કર્યું. પણ સૌથી પહેલાં જ્યારે આવો કોશ બનાવવા વિશે મિત્ર અરદેશર ફરામજી મૂસને વાત કરી ત્યારે પહેલાં તો તેમણે એ વાત હસી કાઢી: ગુજરાતી ભાષાનો કોશ અને એ એક પારસીને હાથે! પણ નાનાભાઈ ‘ના’ સાંભળવા માગતા નહોતા.

પોતે તૈયાર કરેલા કોશનાં થોડાં પાનાં સાથે ફરી મૂસને મળ્યા. એ વખતે જહાંગીર વાચ્છા પણ ત્યાં હાજર હતા. તેમણે તથા મૂસે ફરી નાનાભાઈને સમજાવ્યા. નાનાભાઈ કહે કે પહેલાં મારું લખાણ વાંચો તો ખરા. પછી નક્કી કરજો કે આ કામ મારાથી થઈ શકે તેમ છે કે નહીં. વાચ્છા પીગળ્યા. વાંચ્યું. પ્રભાવિત થયા. મૂસને પણ કહ્યું કે આ વાતમાં માલ છે. એટલે ત્રણે પહોંચ્યા ડોસાભાઈ ફરામજી કરાકા પાસે. તેઓ પણ કામ જોઈ ખુશ થયા અને સોહરાબજી જમશેદજી જીજીભાઈને આર્થિક મદદ માટે ભલામણ કરી. પહેલાં સો પાનાં છપાવવાનો ખર્ચ આપવા સોહરાબજી તૈયાર થયા એટલે નાનાભાઈ ગયા અમેરિકન મિશન પ્રેસ પાસે. સોહરાબજીએ આપેલી પૂરેપૂરી રકમ હાથમાં મૂકીને કહ્યું કે મારો આ કોશ છાપવાનું શરૂ કરો. પ્રેસવાળા કહે કે પણ પછીનાં પાનાં છાપવાનું ખર્ચ કોણ આપશે? નાનાભાઈ કહે: પહેલો ભાગ છપાઈ જાય પછી એની બધી જ નકલ તમારા તાબામાં રહેશે. તમે જ એ વેચશો. ખર્ચની બધી રકમ વળી જાય પછી જ બાકી વધેલી નકલ તમે મને આપજો. અને એ પ્રેસે કામ હાથમાં લીધું. રાણીનાના

અંગ્રેજી-ગુજરાતી કોશનો પહેલો ભાગ એ રીતે છપાઈને ૧૮૫૭ના ઑગસ્ટની પહેલી તારીખે પ્રગટ થયો. પચીસ રૂપિયના ભાવે આખા કોશની એક હજાર નકલ ખરીદવાની દરખાસ્ત નાનાભાઈએ મુંબઈ સરકારને કરી, પણ આટલી મોટી રકમ – પચીસ હજાર રૂપિયા – ખરચવાનું સરકાર માટે શક્ય નથી એવો જવાબ કેળવણી ખાતાના વડા જેમ્સ બી. પીલે લેખિત રીતે મોકલ્યો. પુસ્તકનાં વખાણ કરતા, એને આર્થિક કે બીજી રીતે મદદની ઑફર કરતા પત્રો તો આજેય ઘણાં પુસ્તકોમાં છપાય છે. પણ નાનાભાઈ જેનું નામ! પીલનો પેલો પત્ર પણ તેમણે પોતાના કોશમાં છાપ્યો. અથાગ મહેનત પછી નાનાભાઈ પોતાની હયાતી દરમ્યાન કોશના બાર ભાગ પ્રસિદ્ધ કરી શક્યા. તેમના અવસાન પછી તેરમો અને છેલ્લો ભાગ તેમના દીકરા રુસ્તમજીએ તૈયાર કરી પ્રગટ કર્યો.

એકાદ અઠવાડિયાની ટૂંકી માંદગી પછી ઈ. સ. ૧૯૦૦ના જાન્યુઆરીની દસમી તારીખે ૬૮ વર્ષની ઉંમરે નાનાભાઈનું મુંબઈમાં અવસાન થયું. બીજા દિવસે તેમને અંજલિ આપતાં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’એ લખ્યું હતું: ‘શ્રી નાનાભાઈ બહુમુખી વ્યક્તિત્વ અને અસાધારણ શક્તિ ધરાવનાર વ્યક્તિ હતા અને જીવનના અંત સુધી તેમણે આ બન્નેને જાળવી રાખ્યાં હતાં. તેમણે એક લેખક અને પત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી, પણ તેમની યાદગીરી લાંબા વખત સુધી સચવાયેલી રહેશે એ તો ભગીરથ પુરુષાર્થથી તેમણે તૈયાર કરેલી ઇંગ્લિશ-ગુજરાતી ડિક્શનરીને કારણે.’ પણ નાનાભાઈનાં મોટાં કામ અને તેમનું નામ આજે તો લગભગ ભુલાઈ ગયાં છે.

Whatsapp-channel Whatsapp-channel

29 February, 2020 04:08 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK