Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીનો સૂરજ ભણી હનુમાનકૂદકો!

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીનો સૂરજ ભણી હનુમાનકૂદકો!

16 February, 2020 02:52 PM IST | Mumbai
Parakh Bhatt

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીનો સૂરજ ભણી હનુમાનકૂદકો!

સોલાર

સોલાર


સૂરજ પર શું છે એ જાણવાની જિજ્ઞાસા સંતોષવા તાજેતરમાં કુલ ૧.૫ અબજ ડૉલરના ખર્ચે ‘સોલર ઑર્બિટર’ લૉન્ચ થયું છે. યુરોપિયન સ્પેસ એજન્સી ૮૭૭ મિલ્યન ડૉલરના ખર્ચ સાથે આ મિશનનું નેતૃત્વ કરી રહી છે, જ્યારે નાસા ‘સોલર ઑર્બિટર’ માટે ૩૮૬ મિલ્યન ડૉલરની રકમ ફાળવી ચૂક્યું છે. બન્ને એજન્સીઓનું આ સંયુક્ત સાહસ આવતાં ૧૦ વર્ષ સુધી માનવજાતને સૂર્યનાં નવાં-નવાં રહસ્યોથી અવગત કરાવવાનું કામ કરશે.

આપણા ધર્મગ્રંથોની કથામાં પવનપુત્ર હનુમાન સાથે જોડાયેલો એક સુંદર પ્રસંગ છે. ભગવાન હનુમાનને કેરીનું ફળ બહુ ભાવતું હતું. એક દિવસ પોતાના કક્ષની બારીએથી તેમને વૃક્ષની વચ્ચેથી ચળકતો પીળા રંગનો સૂરજ દેખાયો, જેને તેઓ કેરીનું ફળ સમજી બેઠા. રસપ્રચુર કેરીને આરોગવા માટે તેઓ અધીરા બન્યા અને ઠેકડો મારીને ત્યાં સુધી છલાંગ લગાવી. ત્યાર બાદ કથા પૂરી નથી થઈ જતી. ઇન્દ્રના વજ્રાસ્ત્રના પ્રહાર અને તેમની મૂર્છાવસ્થા સહિતના કંઈકેટલાય પ્રસંગો આ કથા સાથે જોડાયેલા છે, પરંતુ આપણો મૂળ મુદ્દો ફક્ત હનુમાનકૂદકા સુધી સીમિત છે.



સમય સમયાંતરે સૂરજનાં રહસ્યોને પિછાણવાની આપણી ઘેલછા ફક્ત વાસ્તવિક જીવનમાં જ નહીં, પરંતુ ધર્મગ્રંથોમાં પણ છલકાઈ છે એ વાત અહીં પુરવાર થાય છે. જીવનદાતા સૂર્ય આપણી પૃથ્વીથી એક એવા અંતરે બિરાજમાન છે જ્યાંથી તસુભાર નજીક આવે તો પૃથ્વી સળગી ઊઠે અને જરા દૂર જાય તો પૃથ્વી બરફ થઈ જાય! આટલા ચોકસાઈભર્યા સ્થાન અને પરિમાણોના સ્વામી એવા સૂર્યને વધુ બારીકાઈથી જોવા માટે માનવજાતે ફરી એક વખત એના ભણી છલાંગ લગાવી છે.


રવિવારની રાતે જ્યારે હોકિન ફીનિક્સ પોતાની ફિલ્મ ‘જોકર’ માટે ઑસ્કર અવૉર્ડ લઈ રહ્યા હતા ત્યારે ૧૮૦૦ કિલોનો ‘સોલર ઑર્બિટર’ ફ્લૉરિડાના કૅપ કેનવેરલ ઍરફોર્સ સ્ટેશન ખાતેથી ‘ઍટલસ 5 રૉકેટ’માં અવકાશમાં રવાના થઈ રહ્યો હતો. યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ) અને અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’ના આ સંયુક્ત સાહસનો પાયો આજથી ૨૧ વર્ષ પહેલાં નખાયો હતો. કેટલાક વૈજ્ઞાનિકોના મનમાં સૂર્ય સુધી પહોંચવાનું વિચારબીજ રોપાઈ ચૂક્યું હતું. બધું સમુંસૂતરું પાર ઊતર્યું હોત તો તેમનો પ્લાન હતો કે ‘સોલર ઑર્બિટર’ને ૨૦૦૮થી ૨૦૧૩ની સાલ વચ્ચે લૉન્ચ કરીએ, પરંતુ એ શક્ય ન બન્યું. છેવટે ૨૦૨૦ની ૯ ફેબ્રુઆરીનું મુહૂર્ત મળ્યું!

આજ સુધીમાં માનવજાતે સૂર્યને જાણવા માટે જેટલાં મિશન લૉન્ચ કર્યાં છે એ તમામની સરખામણીમાં ‘સોલર ઑર્બિટર’ થોડું હટકે છે, કારણ કે એ તમામ મિશનોનાં પરિણામો સૂર્યની આજુબાજુ ઘૂમતા ગ્રહોની ભ્રમણકક્ષા પર રહીને નોંધવામાં આવ્યા છે, જ્યારે આ જ વખતે ‘સોલર ઑર્બિટર’ પહેલવહેલી વખત સૂર્યના બન્ને ધ્રુવોના ફોટો ખેંચશે! માણસજાત સૌપ્રથમ વખત સૂર્યના બન્ને ધ્રુવો અને ત્યાં ચાલી રહેલી હિલચાલથી અવગત થવા જઈ રહી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક ગણાય છે.


‘સોલર ઑર્બિટર’ના નિર્માણમાં સૌથી મોટી ચૅલેન્જ હતી એને સૂર્યના તાપમાન સામે રક્ષણ આપવાની! સૂર્યના ૨૦ લાખ ફૅરનહાઇટ સુધીના તાપમાનને સહન કરી શકે એવું મટીરિયલ હજી આપણે વિકસાવી નથી શક્યા. આથી શુક્ર ગ્રહની સપાટીથી ત૩૦ લાખ માઇલના અંતરે ‘સોલર ઑર્બિટર’ સૂર્યની ઇર્દગિર્દ ઘૂમશે. આ માટે એમાં ૧૫૦ કિલોનું હીટ-શીલ્ડ બેસાડવામાં આવ્યું છે, જે ૯૭૦ ડિગ્રી ફૅરનહાઇટ (૫૨૦ ડિગ્રી સેલ્સિયસ) જેટલા તાપમાનને સહન કરવા માટે સક્ષમ છે.

solar-01

સરળ ભાષામાં કહેવું હોય તો સોલર ઑર્બિટર એક એવા ગરમ અવનમાંથી પસાર થવાનું છે જેની ગરમી વિશે કલ્પના કરવી પણ કદાચ આપણે માટે શક્ય નથી. આ કારણસર ઑર્બિટરની અંદરનાં ઉપકરણો ફક્ત અમુક સમય પૂરતાં જ સક્રિય થશે, જેથી સૂર્યની ગરમી એને નુકસાન ન પહોંચાડી શકે. હીટ-શીલ્ડના નિર્માણમાં ટિટેનિયમના વરખના પુષ્કળ સ્તરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટિટેનિયમ ધાતુના વરખના આ સ્તરની ઉપર ‘સોલર બ્લૅક’ નામના ખાસ મટીરિયલનું આવરણ ચડાવવામાં આવ્યું છે, જે કૅલ્શિયમ ફૉસ્ફેટનું બનેલું છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે માનવશરીરનાં હાડકાં પણ આ જ ધાતુનાં બનેલાં છે. ફક્ત સોલર ઑર્બિટર માટે જ ખાસ ‘સોલર બ્લૅક’ મટીરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર સોલર ઑર્બિટર પર ‘સોલર બ્લૅક’નાં આવરણો ચડાવવામાં આવ્યાં છે જેથી એની અંદરનાં ઉપકરણો પર કોઈ સૂર્યની આગઝરતી ગરમીનો દુષ્પ્રભાવ ન પડે. આને માટે એને સફેદ રંગ આપવામાં આવ્યો છે, કારણ કે સફેદ રંગ સૂર્યનાં કિરણોનું પરાવર્તન કરે છે, પરંતુ સફેદ રંગનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે સમયની સાથે એના પર અલ્ટ્રાવાયલેટ કિરણોની પણ અસર થશે, જે એને ધીરે-ધીરે કાળા રંગમાં તબદિલ કરશે. આને લીધે અમુક વર્ષોની અંદર સમગ્ર સોલર ઑર્બિટરનાં ઉપકરણો પણ બગડવાનું શરૂ થશે, પરંતુ વૈજ્ઞાનિકોને આશા છે કે ત્યાં સુધીમાં સોલર ઑર્બિટર પોતાનું નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરી ચૂક્યું હશે.

સોલર ઑર્બિટરમાં જુદાં-જુદાં કુલ ૧૦ ઉપકરણો બેસાડવામાં આવ્યાં છે, જે સૂર્યનું અત્યંત બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. નાસાએ આ મિશન માટે પોતાનું લૉન્ચ વેહિકલ ‘ઍટલસ 5 રૉકેટ’ અને એક ઉપકરણ ફાળવ્યાં છે, જ્યારે યુરોપિયન સ્પેસ એજન્સીએ ૧૦માંથી ૮ ઉપકરણો સાથે આખેઆખું સોલર ઑર્બિટર તૈયાર કર્યું છે. સૂર્ય કેવી રીતે પોતાની આસપાસ હેલિયોસ્ફિયર (આપણા સૂર્યમંડળની આજુબાજુ ફરતા એક વિશાળ પરપોટા)નું નિર્માણ અને નિયંત્રણ કરી શકે છે એ જાણવા માટે સોલર ઑર્બિટરને આ મિશન પર મોકલવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રશ્નનો જવાબ સૂર્યના બન્ને ધ્રુવો પર છુપાયેલો છે. આ કારણસર જ સોલર ઑર્બિટરનું મુખ્ય ધ્યેય સૂર્યના બન્ને ધ્રુવોની તપાસ કરવાનું રહેશે.

સોલર ઑર્બિટરનાં શરૂઆતનાં પરિણામો આવતા મે મહિનાથી આવવાનું શરૂ થઈ જશે. ત્યાર બાદ નવેમ્બર ૨૦૨૧થી સોલર ઑર્બિટર તરફથી ખેંચાયેલી તસવીરો આપણી સામે આવશે, પરંતુ સૂર્યના ધ્રુવોની તસવીરો જોવા માટે હજી આપણે ૨૦૨૫ની સાલ સુધી રાહ જોવી પડશે. સોલર ઑર્બિટર આગામી ૭ વર્ષ એટલે કે ૨૦૨૬ની સાલ સુધી આપણી સમક્ષ સૂર્યનાં અવનવાં રહસ્યો ઉજાગર કરતું રહેશે. ત્યાર બાદ એને અગર કોઈ મોટું નુકસાન નહીં પહોંચ્યું હોય તો એ શુક્રના ગુરુત્વાકર્ષણનો સહારો લઈને સૂર્યની વધુ નજીક જવાનો પ્રયત્ન કરશે.

૨૦૧૮માં નાસાએ ‘પાર્કર સોલર પ્રોબ’ લૉન્ચ કર્યું હતું જે સૂર્ય સુધી પહોંચીને જુદા-જુદા ખૂણેથી તસવીરો ખેંચવાનું કામ કરશે. તદુપરાંત એક એવા ટેલિસ્કોપનું પણ નિર્માણ થઈ રહ્યું છે જેને હબલ ટેલિસ્કોપનો ભાઈ ગણવામાં આવે છે, જેણે તાજેતરમાં સૂર્યની સપાટી પરની રસપ્રદ તસવીરો ખેંચીને માનવજાતને ઘણી માહિતી પૂરી પાડવાનું કામ કર્યું છે. સૂર્યનાં રહસ્યોનો તાગ મેળવવાની પ્રક્રિયામાં આ બન્ને મિશનની સાથોસાથ હવે સોલર ઑર્બિટરનું નામ પણ જોડાઈ ગયું છે. સમગ્ર મિશનનું સંચાલન કરી રહેલા એન્જિનિયર એન્ન પેક્રોસનું કહેવું છે કે સોલર ફિઝિક્સ માટેનો આ સ્વર્ણકાળ ચાલી રહ્યો છે!

આ પહેલાં ૧૯૯૦માં નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના સંયુક્ત સાહસ ગણાતા ‘ઉલિસ્સેસ’ દ્વારા સૂર્યના ધ્રુવોની ફરતે ચક્કર કાપવામાં આવ્યું હતું, પરંતુ એમાં કોઈ કૅમેરાની વ્યવસ્થા ન હોવાથી આપણને સૂર્યના ધ્રુવોની કોઈ તસવીર પ્રાપ્ત નહોતી થઈ શકી, પરંતુ આ વખતે સોલર ઑર્બિટરમાં ફિટ કરવામાં આવેલા કૅમેરા ૧૦ દિવસ માટે સૂર્યના ધ્રુવોની તસવીર ખેંચશે. આ કૅમેરાની આગળ સૂર્યનો તાપ રોકતા કાચ બેસાડવામાં આવ્યા છે, જે એને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવવાનું કામ કરશે. આ એવા પ્રકારના કૅમેરા છે જે પ્રકાશને એની વેવલેંગ્થ પ્રમાણે વહેંચીને એનું જુદી-જુદી રીતે પૃથક્કરણ કરી શકશે.

વિજ્ઞાને ભરેલી આ હરણફાળ આગામી ૧૦ વર્ષ સુધી અવનવાં પરિણામ આપતી રહેશે. આશા રાખીએ કે ૨૦૩૦ સુધીમાં આપણે સૂર્ય તેમ જ સૂર્યમંડળના એવાં અજ્ઞાત રહસ્યોથી અવગત હોઈએ જે માનવજાતના ઉત્થાનમાં મહત્વનો ભાગ ભજવે! આ એક દસકો સૂરજદેવતાની અપ્રતિમ શક્તિને નામ!

સૂર્ય પર બની રહેલી ઘટનાઓને લીધે ઉદ્ભવતા સોલર પવનો (સોલર વિન્ડ)ને કારણે વિદ્યુત સંચારિત અણુઓ અને ઇલેક્ટ્રોન્સ પૃથ્વી તરફ ધસી આવે છે, જેનામાં પ્રકાશની ગતિએ પ્રવાસ ખેડી શકવાની ક્ષમતા છે. માણસોએ બનાવેલાં ઉપકરણો અને ટેક્નૉલૉજી સાથે તે ચેડાં કરે છે, જેને કારણે ઘણી વખત અણધારી આપત્તિ પેદા થાય છે. ઈ. સ. ૧૮૫૯માં આવા જ એક સૌર-તોફાનને કારણે બનેલી કેરિંગટન ઘટનામાં ટેલિગ્રાફના વાયરમાં આગ લાગી હતી, જેનું દુષ્પરિણામ અમેરિકાએ ચાર દિવસ સુધી ભોગવવું પડ્યું હતું

પૃથ્વીનું સૂર્યથી કુલ અંતર ૯ કરોડ ૩૦ લાખ માઇલનું છે, જ્યારે સૂર્યથી સૌથી નજીકના ગ્રહ બુધનું અંતર બે કરોડ ૯૦ લાખ માઇલનું છે. સોલર ઑર્બિટર પૃથ્વીથી ૧૮ કરોડ ૬૦ લાખ માઇલનું અંતર કાપશે

સોલર ઑર્બિટરની ખાસિયતો

1. પૃથ્વી પરથી સૂર્ય સુધીનું નિર્ધારિત થયેલું ૪ કરોડ ૨૦ લાખ કિલોમીટરનું અંતર કાપીને સોલર ઑર્બિટર સૂર્યનાં રહસ્યોનો તાગ મેળવશે.  

2. પૃથ્વીથી વધુમાં વધુ એ ૩૦ કરોડ કિલોમીટરના અંતર સુધી જ જઈ શકશે.

3. પ્રતિ ૧૬૮ દિવસે એક ચક્કરની ગણતરી મુજબ સોલર ઑર્બિટર સૂર્યની આજુબાજુ કુલ ૨૨ પ્રદક્ષિણા કરશે.

4. સોલર ઑર્બિટરના મુખ્ય મિશનની શરૂઆત નવેમ્બર ૨૦૨૧થી થશે.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2020 02:52 PM IST | Mumbai | Parakh Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK