હેમ જડેલા હીરા જેવી પારસી કોમના નબીરાની ભેટ કાવસજી જહાંગીર કૉન્વોકેશન હૉલ

Published: Feb 08, 2020, 15:06 IST | Deepak Mehta | Mumbai

આ વાત છે ૧૮મી સદીની પહેલી વીસીની. એ વખતે તો ક્યાં ખોબા જેવડું નવસારી, ક્યાં ખાબોચિયા જેવું મુંબઈ અને ક્યાં દરિયાપારનું દૂર દેશાવરનું ચીન.

કાવસજી જહાંગીર કૉન્વોકેશન હૉલ
કાવસજી જહાંગીર કૉન્વોકેશન હૉલ

આ વાત છે ૧૮મી સદીની પહેલી વીસીની. એ વખતે તો ક્યાં ખોબા જેવડું નવસારી, ક્યાં ખાબોચિયા જેવું મુંબઈ અને ક્યાં દરિયાપારનું દૂર દેશાવરનું ચીન. એ જમાનામાં આ ત્રણ વચ્ચે સીધો સંબંધ હતો એમ કોઈ કહે તો માનવામાં ન આવે, પણ હકીકત છે કે એવો સંબંધ હતો. ૧૭૧૩માં જન્મેલા હીરજી જીવણજી રેડીમની ફકત ચાર વરસની ઉંમરે કુટુંબ સાથે ૧૭૧૭માં નવસારીથી મુંબઈ આવ્યા. મુંબઈ આવીને નાનાંમોટાં કામ કર્યાં, પણ તેમને ભણકારા સંભળાતા હતા દરિયાપારના દેશના. ૧૭૫૬માં ઊપડ્યા ચીન. દરિયાઈ રસ્તે ચીન જનારા એવણ પહેલા પારસી, પહેલા ગુજરાતી, પહેલા હિન્દુસ્તાની. તેમણે જ શરૂ કર્યો હિન્દુસ્તાન અને ચીન વચ્ચેનો વેપાર. એમાં મુખ્ય તો અફીણનો વેપાર. આ વેપાર માટે તેમણે ‘હૉર્નબી’ અને ‘રૉયલ શાર્લટ’ નામનાં બે વહાણ ખરીદેલાં. પછી તો એ વેપારને પરિણામે કેટલાય પારસીઓ એ જમાનામાં લખપતિ થઈ ગયા. હીરજીભાઈ પાંચ વખત ચીન આવ્યા-ગયા અને અઢળક કમાયા. મુંબઈમાં પુષ્કળ જમીન ખરીદી. ધીરધારનો ધંધો પણ શરૂ કર્યો અને ખૂબ વિકસાવ્યો. કોઈ અડધી રાતે પણ પૈસા લેવા આવે તો હીરજીભાઈ પાસે રોકડા તૈયાર જ હોય. એટલે લોકો તેમને ‘રેડીમની’ તરીકે ઓળખવા લાગ્યા. પછી તો તેમની અટક જ પડી ‘રેડીમની.’

આ હીરજીભાઈના એક વંશજ તે સર કાવસજી જહાંગીર રેડીમની. જન્મ ૧૮૧૨ના મે મહિનાની ૨૪મી તારીખે મુંબઈમાં કાવસજી પટેલના મહોલ્લામાં આવેલા તેમના મમાવા દાદીશેઠના ઘરમાં થયો હતો. કોટ વિસ્તારમાં આવેલી સાર્જન્ટ સાઇકલ્સની સ્કૂલમાં થોડોઘણો અભ્યાસ. ૧૫ વરસની ઉંમરે ડંકન ગીબ ઍન્ડ કંપનીમાં ગોડાઉન કીપર તરીકે નોકરી શરૂ કરી. દસ વરસ પછી ૧૮૩૭માં મુંબઈની બે યુરોપિયન કંપનીના ‘ગૅરન્ટી બ્રોકર’ બન્યા. ૧૮૪૬થી તેમણે પોતાનો વેપાર-ધંધો શરૂ કર્યો. વેપારીઓ અને મુંબઈના લોકોની ખૂબ ચાહના મેળવી. ૧૮૬૦ના ફેબ્રુઆરીમાં બ્રિટિશ સરકારે આ દેશમાં પહેલી વાર ઇન્કમ-ટૅક્સ દાખલ કર્યો. પહેલા ફાઇનૅન્સ મિનિસ્ટર જેમ્સ વિલ્સને આ માટેનો ખરડો રજૂ કર્યો. એ જ વરસના જુલાઈની ૨૪મી તારીખે ગવર્નર જનરલે એને મંજૂરી આપી. આ નવા વેરાનો લોકોએ, ખાસ કરીને વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો. ૧૮૬૬માં મુંબઈ સરકારે કાવસજીની નિમણૂક મુંબઈના ઇન્કમ- ટૅક્સ કમિશનર તરીકે કરી. મુંબઈના વેપારીઓ સાથે કાવસજીના મીઠા સંબંધો. તેમણે વેપારીઓને સમજાવ્યા, પટાવ્યા. પરિણામે સરકારે ધારી નહોતી એટલી આવક આ નવા ટૅક્સમાંથી થઈ.

બીજી બાજુ વધતી જતી સંપત્તિનો ઉપયોગ કાવસજી લોકોને ઉપયોગી થાય એવાં કામો માટે કરવા લાગ્યા. સુરતમાં એક હૉસ્પિટલ બાંધવા માટે ૧૮૫૭માં તેમણે ૩૦ હજાર રૂપિયા આપ્યા હતા. પણ એ બાંધવાનો ખર્ચ ૭૧,૯૦૨ રૂપિયા જેટલો થયો હતો અને એ બધો જ કાવસજીએ ઉપાડી લીધો હતો. તેમણે મુંબઈ ઇલાકામાં હૉસ્પિટલો બાંધી, અનાથાશ્રમો શરૂ કર્યા, મુંબઈમાં ઠેર ઠેર પીવાના પાણી માટેનાં ‘ફાઉન્ટન’ શરૂ કર્યાં. અરે, છેક લંડનના રીજન્ટ્સ પાર્કમાં પણ એવો એક ફુવારો બંધાવ્યો. વળી તેમની સખાવતો જાતિ કે ધર્મના ભેદભાવ વગરની હતી. હિન્દુઓ, પારસીઓની સંસ્થાઓને તો તેમણે દાન આપ્યાં જ પણ કૅથ્લિક અને પ્રેસબિટેરિયન મિશનનાં કામો માટે પણ દાન આપ્યાં.

૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઑફ બૉમ્બે પાસે ૧૭ વર્ષ સુધી પોતાનું મકાન નહોતું. બીજા ઘણાની જેમ આ વાત કાવસજીને પણ ખૂંચતી હતી. એટલે તેમણે યુનિવર્સિટીનું મકાન બાંધવા માટે એક લાખ રૂપિયાનું દાન આપવાની સરકારને ઑફર કરી. પણ તેમણે એક શરત એવી મૂકી હતી કે આ મકાન બાંધવા માટે બીજા કોઈ પાસેથી દાન લેવું નહીં. મુંબઈના ગવર્નર અને યુનિવર્સિટીના ચાન્સેલર સર બાર્ટલ ફ્રેરેએ મહાબળેશ્વરથી ૧૮૬૩ના એપ્રિલની ૩૦મી તારીખે કાવસજીને એક પત્ર લખીને આ દરખાસ્ત માટે આભાર માન્યો પણ સાથોસાથ જણાવ્યું કે આ કામ માટે બીજા કોઈ પાસેથી દાન લેવું નહીં એવી શરત સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે ભવિષ્યમાં જેમ-જેમ યુનિવર્સિટીનો વિકાસ થતો જશે તેમ-તેમ નવાં મકાન બાંધવાં પડશે અને એ માટે નવાં દાન પણ લેવાં પડે. એટલે આ રીતે સરકાર પોતાના હાથ બાંધી આપી શકે નહીં. એટલે આવી શરત અંગે આગ્રહ ન રાખવા મારી સલાહ છે. અને કાવસજીએ ગવર્નરની વાત માનીને એ શરત રદ કરી. ગવર્નરનું આ પગલું કેટલું ડહાપણ અને દૂરંદેશીભર્યું હતું એની સાબિતી થોડા જ વખતમાં મળી ગઈ, કારણ કે પ્રેમચંદ રાયચંદે ૧૮૬૪ના ઑગસ્ટની ૨૭મી તારીખે લાઇબ્રેરીનું મકાન બાંધવા માટે બે  લાખ રૂપિયાનું દાન આપવાની ઑફર કરતો પત્ર મુંબઈ સરકારના ચીફ સેક્રેટરીને લખ્યો. આ દરખાસ્ત તો સ્વીકારાઈ, પણ પોતે આપેલી રકમથી પ્રેમચંદભાઈને સંતોષ નહોતો એટલે લાઇબ્રેરીના મકાન સાથે એક ટાવર બાંધવા માટે બીજા બે લાખ રૂપિયાનું દાન પણ આપ્યું.

આપણી આજકાલની સરકારોનું કામ જ ગોકળગાયની ગતિએ ચાલે છે એવું નથી. ૧૯મી સદીની બ્રિટિશ સરકારનું કામ પણ ઘણી વખત એ રીતે ચાલતું. સર કાવસજી જહાંગીરે દાનની પૂરી રકમ આપી દીધી. સરકારે આભાર માની લીધો. એક પછી એક દિવસ, મહિના વીતવા લાગ્યા પણ યુનિવર્સટીના મકાનનું બાંધકામ શરૂ થવાની કોઈ નિશાની દેખાતી નહોતી. હવે બાર્ટલ ફ્રેરે ગવર્નર પણ નહોતા રહ્યા. તેમની જગ્યાએ આવ્યા હતા સર વેસે ફિટઝિરાલ્ડ. એટલે કાવસજીએ નવા ગવર્નરને પત્ર લખ્યો. એમાં લખ્યું કે આ વાત લખવા માટે મને માફ કરશો, પણ સરકારનું કામ એટલું તો ધીમેથી ચાલે છે કે મદગળ હાથીઓ એને ધક્કો મારે તો પણ એ ચસકવાનું નામ લેતું નથી. સરકારને ઢંઢોળી શકો એવા આપ એક જ છો અને આ પત્ર મેં દાન આપ્યું છે એટલે નથી લખતો, પણ યુનિવર્સિટીનું મકાન વહેલી તકે બંધાય એ લોકોના હિતમાં છે એટલે લખું છું. ગવર્નરની ઑફિસ તરફથી જવાબ તો મળ્યો, પણ તુમારશાહી. ગોળ-ગોળ. હવે કાવસજી છંછેડાયા. ૧૮૬૭ના જૂનની ત્રીજી તારીખે તેમણે યુનિવર્સિટીના ઍક્ટિંગ રજિસ્ટ્રારને પત્ર લખીને જણાવ્યું કે મેં ૧૮૬૩ના ઑગસ્ટની ૯મી તારીખે એક લાખ રૂપિયા યુનિવર્સિટીને આપ્યા છે પણ ચાર વરસ પછીય મકાનનું બાંધકામ શરૂ થયું નથી. એટલે આ પત્ર મળ્યેથી મેં આપેલી એક લાખ રૂપિયાની રકમ સરકારી ધોરણ પ્રમાણેના વાર્ષિક પાંચ ટકાના વ્યાજ સાથે મને વહેલામાં વહેલી તકે પાછી મોકલી દેવા વિનંતી. એટલે પછી સરકાર સફાળી જાગી. લંડન સાથે લખાપટ્ટી કરી. અને છેવટે ૧૮૬૮ના ડિસેમ્બરની ૨૯મી તારીખે ચાન્સેલર સર ફિટઝિરાલ્ડે યુનિવર્સિટીના મકાનની શિલારોપણ વિધિ કરી. એ સમારંભ માટે બપોરના ત્રણ વાગ્યાથી વિદ્યાર્થીઓ અને લોકો સભાસ્થળે બાંધેલા માંડવામાં આવવા લાગ્યા. ચાર વાગ્યે સેનેટના સભ્યો આવ્યા. બરાબર સાડાચાર વાગ્યે મુખ્ય મહેમાનને લઈને ગવર્નર આવી પહોંચ્યા. મુખ્ય મહેમાન હતા ઓનરેબલ અર્લ ઑફ મેયો. એ વખતે હિન્દુસ્તાનના વાઇસરૉય અને ગવર્નર જનરલ તરીકે તેમની નિમણૂક થઈ ચૂકી હતી, પણ હજી તેમણે એ હોદ્દો સંભાળ્યો નહોતો. વાઇસ ચાન્સેલર રેવરંડ જૉન વિલ્સને સ્વાગતનું ભાષણ કર્યું. સર કાવસજી જહાંગીર અને પ્રેમચંદ રાયચંદનો તથા બીજા દાતાઓનો તેમણે ખાસ આભાર માન્યો. મુખ્ય મહેમાને તેમના ભાષણમાં કહ્યું કે મને ખાતરી છે કે પશ્ચિમ ભારતના લોકો માટે આ યુનિવર્સિટી આધુનિક જ્ઞાનના દરવાજા ખોલી આપશે. અને એ સમારંભ રંગેચંગે પૂરો થયો. પણ આજની મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ કૅમ્પસના ખૂણેખૂણામાં તમે ફરી વળો તો પણ એ દિવસે જેનો ન્યાસ કરવામાં આવ્યો એ શિલા તમને ક્યાંય જોવા નહીં મળે. કેમ? કારણ કે ત્યાં હોય તો મળેને? જે જગ્યાએ એ દિવસે શિલાન્યાસ થયો હતો એ જગ્યાએ પછીથી યુનિવર્સિટીનું મકાન બંધાયું જ નથી. સરકારી તંત્રની રીતિનીતિ હંમેશાં અકળ હોય છે. જે જગ્યાએ શિલાન્યાસ થયો એ જગ્યા પછીથી સરકારે બૉમ્બે હાઈ કોર્ટનું મકાન બાંધવા માટે ફાળવી દીધી, અને એ જગ્યાએ આજે પણ બૉમ્બે હાઈ કોર્ટનું મકાન ઊભું છે! એ જગ્યાએ ક્યાંક દટાઈને પેલો પથ્થર પડ્યો હશે. પછીથી મૂળ જગ્યાની બાજુનો એક વધુ મોટો પ્લૉટ સરકારે યુનિવર્સિટીને ફાળવ્યો. શરૂઆતમાં સેનેટે આ સ્થળબદલીનો વિરોધ કર્યો, પણ સત્તા આગળ કોનું શાણપણ ચાલ્યું છે? છેવટે ૧૮૭૦ના જૂનની ૧૬મી તારીખે યુનિવર્સિટીએ નીચી મુંડી કરી નવી જગ્યા સ્વીકારી લીધી. એ વખતે એણે સરકાર સમક્ષ કેટલીક શરતો મૂકી હતી અને સરકારે એ સ્વીકારી પણ હતી. પણ વખત જતાં સરકાર એ શરતોને ઘોળીને પી ગઈ. આપેલાં વચન પાળે તો એ સરકાર શાની?

ફરી કેટલોક વખત લંડનના આર્કિટેક્ટ સાથે લખાપટ્ટીમાં ગયો. પછી અંદાજિત ખર્ચ બહુ વધુ હોવાથી એ ઘટાડવા માટે સ્થાનિક જાણકારો સાથેની વાટાઘાટમાં સમય ગયો. પણ છેવટે ૧૮૭૪ના નવેમ્બરમાં સેનેટ હૉલ (આજનો કૉન્વોકેશન હૉલ)નું બાંધકામ પૂરું થયું. ૧૮૭૫ના માર્ચની ચોથી તારીખે મળેલી સેનેટની બેઠકમાં સર્વાનુમતે આ હૉલનું નામ ‘સર કાવસજી જહાંગીર હૉલ’ રાખવાનું ઠરાવાયું. પછીથી હૉલના પ્રવેશદ્વાર પાસે સર કાવસજી જહાંગીરનું આરસનું આદમકદ પૂતળું પણ મૂકવામાં આવ્યું. પણ રાજાબાઈ ટાવર અને આ હૉલનું ઉદ્ઘાટન એકસાથે કરવાનું નક્કી થયું હતું એટલે બન્નેનું ઉદ્ઘાટન છેક ૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે થયું હતું. પણ એ દિવસ જોવા માટે સર કાવસજી જહાંગીર હયાત નહોતા, કારણ કે ૧૮૭૮ના જુલાઈની ૧૯મી તારીખે તેઓ લાંબી માંદગી પછી બેહસ્તનશીન થયા હતા. એ વખતે આ હૉલ અને રાજાબાઈ ટાવર મુંબઈ શહેરનાં ‘રત્નો’ તરીકે ઓળખાતાં હતાં. વચમાં કેટલાંક વર્ષો આ બન્ને ઇમારતોની હાલત કથળી ગઈ હતી, પણ પછીથી સારાએવા ખર્ચ અને પરિશ્રમથી એને ફરીથી મૂળની ભવ્યતા અને સુંદરતા પાછી મળી છે.

એલ્ફિન્સ્ટન કૉલેજની શરૂઆત ટાઉનહૉલમાં થઈ હતી. એનું અલાયદું મકાન બાંધવા માટે પણ સર કાવસજી જહાંગીરે બે લાખ રૂપિયાનું દાન આપ્યું હતું, પણ આ મકાન એ હાલનું કાળા ઘોડા નજીક આવેલું મકાન નહીં પણ એ મકાન ભાયખલામાં બંધાયું હતું અને ૧૮૭૧ના ફેબ્રુઆરીની વીસમી તારીખથી કૉલેજે એ વાપરવાનું શરૂ કર્યું હતું. ૧૮૮૮માં કાળા ઘોડા નજીક આવેલું હાલનું મકાન બંધાયું ત્યાં સુધી કૉલેજ ત્યાં જ કામ કરતી હતી. આ ઉપરાંત પુણેમાં એન્જિનિયરિંગ કૉલેજ બાંધવા માટે ૫૦ હજાર રૂપિયા અને હૉસ્પિટલ બાંધવા માટે અને સુરતમાં કૉલેજ બાંધવા માટે અને બીજાં અનેક નાનાંમોટાં દાન કાવસજીએ કર્યાં હતાં. તેમની હયાતી દરમ્યાન તેમણે કરેલી સખાવતોનો કુલ આંકડો સાડાસત્તર લાખ રૂપિયા જેટલો થાય છે જે એ વખતે અધધધ રકમ ગણાય.

હિન્દુસ્તાનની વસ્તીમાં પારસીઓની સંખ્યા ચપટી જેટલી, પણ આ કોમના નબીરાઓની સખાવત ઢગલા જેવડી. ત્યારે પણ અને આજે પણ. કવીશ્વર દલપતરામે સાચું જ કહ્યું છે:

છે આગેવાન સખાવતમાં,

વિખ્યાતી ચીન વિલાયતમાં,

સઘળે શુભ કામ સહાયતમાં,

સુણ સાહેલી

વળી ધર્મધુરંધર ધીરા છે,

સર્વે વાતે તે શૂરા છે,

એ તો હેમ જડેલા હીરા છે,

સુણ સાહેલી

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK