Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુજરાતી પુસ્તકોની દુનિયાનો ધરમનો કાંટો – યશવંત દોશી

ગુજરાતી પુસ્તકોની દુનિયાનો ધરમનો કાંટો – યશવંત દોશી

14 March, 2020 11:57 AM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ગુજરાતી પુસ્તકોની દુનિયાનો ધરમનો કાંટો – યશવંત દોશી

યશવંત દોશી

યશવંત દોશી


‘સર સલામત તો પગડિયાં બહોત’ એ કહેવતને આદર્શ માનનાર સરેરાશ ગુજરાતી જણના ધોરણે જોતાં યશવંત દોશી એક અનોખી ઘટના હતા. આ સોમવારે, ૧૬ માર્ચે તેમની જન્મશતાબ્દી છે ત્યારે મુંબઈના એક અનોખા, અલગારી, આગવું વ્યક્તિત્વ ધરાવતા યશવંતભાઈ વિશે આજે થોડી વાત. નામ ભલે યશવંત; પણ યશની, કીર્તિલાભની સ્પૃહા તેમણે કદી રાખી નહોતી. બલકે સત્તાસ્થાનોથી, સંસ્થાઓથી, સભા-સમારંભોથી તેઓ પ્રયત્નપૂર્વક દૂર રહેતા. તે હંમેશાં એકડો કાઢી નાખતા; બીજાનો નહીં, પોતાનો.

અટક ભલે દોશી, કાપડના વેપારીની; પણ ધનલાભની લાલસા તેમણે રાખી નહોતી. જન્મ થયો હતો પરંપરાગત ધર્મપરાયણ જૈન કુટુંબમાં, પણ ધર્મલાભની કામના તેમણે રાખી નહોતી. આજે આપણા ભલભલા સાહિત્યકારો કોઈ ને કોઈ બાપુ, શાસ્ત્રી, મહારાજના ખોળામાં બેસી જવામાં ગૌરવ અનુભવે છે ત્યારે યશવંતભાઈ છેવટ સુધી નાસ્તિક નહીં તોય નિરીશ્વરવાદી કે અજ્ઞેયવાદી રહ્યા હતા. બુદ્ધિના પ્રમાણ સિવાયનું બીજું કોઈ પ્રમાણ તેમને સ્વીકાર્ય નહોતું. ધર્મ નહીં પણ ધાર્મિકતામાં રચ્યાપચ્યા રહેતા સરેરાશ ગુજરાતીના ધોરણે જોતાં આ અનોખી વાત કહેવાય. અને છતાં જૈન ધર્મનો અપરિગ્રહનો સિદ્ધાંત તેમણે પોતાના જીવનમાં બહુ સહજ રીતે અપનાવી લીધો હતો. યશવંતભાઈને પોતાની જાત વિશે કે પોતાના કામ વિશે વાત કરવાનું ફાવતું નહીં. આપણા આત્મપ્રશંસામાં રાચતા લેખકોના ધોરણે આ વાત અસામાન્ય ગણાય.



આવા એક અનોખા જણ યશવંત દોશીનો જન્મ ૧૯૨૦ના માર્ચ મહિનાની ૧૬ તારીખે અમદાવાદમાં થયો હતો. ફૂલચંદભાઈ અને ચંદનબહેનનો એકનો એક દીકરો. પાંચ દીકરીઓ પછી યશવંતભાઈનો જન્મ થયેલો એટલે નાનપણમાં ‘ભીખલો’ કહીને ઘરનાં બધાં બોલાવતાં. અમદાવાદની શેઠ મનસુખલાલની નિશાળમાં, પછી ચી.ન. વિદ્યાવિહારમાં, પછી નવચેતન હાઈ સ્કૂલમાં ભણ્યા. કૉલેજનાં પહેલાં ત્રણ વર્ષ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં ભણ્યા. બી.એ.નું છેલ્લું વરસ ભાવનગરમાં શામળદાસ કૉલેજમાં ભણી ૧૯૪૨માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. થયા. યશવંતભાઈના જન્મ વખતથી જ કુટુંબની આર્થિક સ્થિતિ ખૂબ નબળી એટલે બી.એ. સુધી ભણ્યા એ બોર્ડિંગમાં રહીને, ખાનગી ટ્યુશનો કરીને, છૂટક કામો કરીને ભણ્યા. ૧૯૪૪માં વસંતબહેન શાહ સાથે સ્વેચ્છાએ લગ્ન કર્યાં. કાપડ, સ્ટેશનરી અને ચાના વેપારમાં પડ્યા, નિષ્ફળ ગયા. બિહાર જઈ કોલસાના વેપારીને ત્યાં બાળકોને ભણાવવાનું તથા શેઠના ધંધાના વ્યવસ્થાપક તરીકેનું કામ કર્યું. ૧૯૪૯થી ૧૯૫૪ સુધી ભાવનગરની ભો.મ. કૉમર્સ હાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું. પછી નોકરીની તલાશમાં આવ્યા મુંબઈ અને ત્યારથી જિંદગીના છેલ્લા દિવસ સુધી મુંબઈના બનીને રહ્યા.


મુંબઈ આવ્યા પછી મહાવીર જૈન વિદ્યાલયમાં ગૃહપતિની નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયા. ત્યાં મુખ્ય ટ્રસ્ટી પિતાના પરિચિત નીકળ્યા. તેમણે ઝાઝી પૂછપરછ કર્યા વગર નોકરીની ઑફર કરી. પછી ગૃહપતિએ પાળવાની આચારસંહિતાનો છાપેલો કાગળ યશવંતભાઈને વાંચવા માટે આપ્યો. એમાં એક કલમ એવી હતી કે વિદ્યાર્થીઓએ રોજ સવારે પૂજા કરી છે એવી સહી ગૃહપતિએ આપવી. યશવંતભાઈએ પૂછ્યું: ‘પણ વિદ્યાર્થીઓ પૂજા કરે છે ખરા?’ જવાબ મળ્યો: ‘કરે પણ ખરા અને નયે કરે, કારણ કે આજના વિદ્યાર્થીઓને પૂજા કરવાનું બહુ ગમતું નથી. પણ ગૃહપતિ સહી કરી દે એટલે વાત પતી.’ આ સાંભળી યશવંતભાઈ કહે: ‘મારે જો સહી કરવાની હોય તો પહેલાં મારે વિદ્યાર્થીઓ પાસે પૂજા કરાવવી જ પડે. જોકે હું પોતે પૂજામાં માનતો નથી છતાં હું પૂજા કરું અને કરાવું. પણ વિદ્યાર્થીએ પૂજા કરી ન હોય છતાં કરી છે એવા લખાણ પર મારાથી સહી તો ન જ થાય.’ કહેવાની જરૂર ખરી કે એ નોકરી તેમના હાથમાંથી ગઈ?

પણ કહે છેને કે જે થાય એ સારા માટે. થોડા વખત પછી ૧૯૫૪ના સપ્ટેમ્બરમાં અમેરિકન માહિતી કચેરી (યુસિસ)ની મુંબઈ ખાતેની ઑફિસમાં અખબારી વિભાગમાં સહાયક તરીકેની માન, ધન, અને મોભાવાળી નોકરી યશવંતભાઈને મળી. પોતે મુંબઈ આવ્યા એ વખતનાં સ્મરણો વાગોળતાં યશવંતભાઈએ ૨૬ જુલાઈ, ૧૯૯૫ના ગુજરાતી ‘મિડ-ડે’ને આપેલી એક મુલાકાતમાં કહેલું: શરૂઆતમાં હું કિંગ્સ સર્કલ રહેતો. એ વખતે કિંગ્સ સર્કલથી છેક કોલાબા સુધીની ટ્રામનું ભાડું હતું એક આનો. એટલે મુંબઈ જોવા મળે એટલા ખાતર ટ્રામના જુદા-જુદા રૂટ્સ પર હું રખડતો. મુંબઈ જોઈ શકાય એટલે દાંડો પકડી ટ્રામના દરવાજામાં જ ઊભો રહેતો, અંદર જગ્યા હોય તોય બેસતો નહીં. એ વખતે બસની મુસાફરી લક્ઝરી ગણાતી. મોટા માણસો જ બસમાં બેસે એમ કહેવાતું.


પછી ગોરેગામ રહેવા ગયા ત્યારે હજારેક સ્ક્વેરફીટના વિશાળ ફ્લૅટનું ભાડું હતું મહિને ૯૦ રૂપિયા. ત્યારે જવાહરનગરમાં મોટે ભાગે દવા બજાર અને ઝવેરી બજારના વેપારીઓના બંગલો આવેલા હતા. નારિયેળ, ખજૂરી, તાડનાં પુષ્કળ ઝાડ હતાં. એ વખતે મુંબઈ શહેરની હદ જોગેશ્વરી સુધીની જ હતી એટલે ગોરેગામ મુંબઈની બહાર ગણાતું. એટલે મુંબઈની બસ કે ટૅક્સી જોગેશ્વરી સુધી જ જતી. પછી સાંતાક્રુઝ (વેસ્ટ) રહેવા ગયા. ત્યાં પણ ઘણા બંગલો, પણ ફ્લૅટવાળાં ચાર માળનાં મકાનો બંધાવાં શરૂ થઈ ગયેલાં. કેટલાક મિત્રો સાથે જુહુના દરિયાકિનારે ચાલવા જતા ત્યારે વચમાં ઘણીબધી વેરાન, ઉજ્જડ જમીન પરથી પસાર થવું પડતું. પછી જીવનના અંત સુધી બોરીવલી (વેસ્ટ)માં રહ્યા. ત્યારે સ્ટેશનથી જેમ-જેમ દૂર જાઓ તેમ-તેમ જમીનના ખાલી પ્લૉટ જોવા મળતા. દિવસમાં ગમે તે વખતે લોકલ ટ્રેનના ડબ્બામાં બેસવાની જગ્યા નિરાંતે મળી રહેતી. બોરીવલીથી ચર્ની રોડ સુધીની ટૅક્સીના ૪૦ રૂપિયા થતા.

yashwant

કશી રાવફરિયાદ નહોતી. ઘરસંસાર સરળતાથી ચાલતો હતો. નોકરીમાં બઢતી મળતી ગઈ હતી અને અખબારી વિભાગના વડા બન્યા હતા. પાંચમાં પુછાતા થયા હતા. સારો પગાર. નિવૃત્તિ પછી ખાસ્સું પેન્શન. કામ કરવાની ઘણી સગવડ. પત્રકારો, લેખકો વગેરે સામે ચાલીને મળવા આવે. પણ અણધારી રીતે બાજી બદલાઈ ગઈ બલકે યશવંતભાઈએ પોતે જોઈ-જાણીને, સમજી-વિચારીને બાજી બદલી નાખી. યશવંતભાઈ અને વાડીલાલ ડગલી બન્ને અમદાવાદના ચી.ન. વિદ્યાવિહારમાં ભણેલા, પણ ત્યારે એકબીજાને ઓળખતા નહીં. બન્ને પહેલી વાર મળ્યા ૧૯૪૬માં અને જોતજોતામાં ગાઢ મિત્રો બની ગયા. એ મૈત્રીમાંથી પહેલાં ‘પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ’નો જન્મ થયો. ૧૯૫૮ના એપ્રિલમાં પહેલી બે પરિચય પુસ્તિકા પ્રગટ થઈ. શરૂઆત તો અંગત સાહસ તરીકે કરેલી, પણ પછી ૧૯૫૯ના જુલાઈમાં પરિચય ટ્રસ્ટની સ્થાપના થઈ. પછી પુસ્તક-સમીક્ષાને વરેલું માસિક ‘ગ્રંથ’ શરૂ કરવાનું નક્કી થયું. એનું તંત્રીપદ યશવંતભાઈ સંભાળે એમ નક્કી થયું. અને એ કામ ખાતર યશવંતભાઈએ પોતાની અમેરિકન સરકારની નોકરીનું સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. આમ કરવાથી ઘણીબધી આર્થિક મર્યાદાઓ સ્વીકારવી પડશે એની પૂરેપૂરી સભાનતા સાથે રાજીનામું આપ્યું. ઘણાં વર્ષો પછી આ વિશે વાડીલાલ ડગલીએ લખ્યું હતું: ‘યશવંતભાઈએ જ્યારે આ નિર્ણય લીધો ત્યારે તેમણે દુન્યવી માણસને અચંબો થાય એવી આર્થિક મર્યાદા સ્વીકારી હતી. યશવંતભાઈએ ‘પરિચય’ની ધૂણી ધખાવીને મૂંગા-મૂંગા પરિચય પુસ્તિકા અને ‘ગ્રંથ’નું કામ ધપાવ્યે રાખ્યું ન હોત તો પરિચય ટ્રસ્ટનો આટલો વિકાસ શક્ય બન્યો ન હોત. પાયાના પથ્થર થવાની વાત કવિતાઓમાં વાંચી છે પણ અહી મેં નજરે નિહાળી છે.’

૧૯૬૪થી ૧૯૮૬ સુધીમાં ‘ગ્રંથ’ માસિકના કુલ ૨૭૦ અંક પ્રગટ થયા. એનાં લખાણોનાં કુલ પાનાંનો આંકડો લગભગ ૧૭ હજારે પહોંચે (જાહેરખબરનાં પાનાં જુદાં). આપણી ભાષામાં ‘ગ્રંથ’ પ્રગટ થયું ત્યારે એ એક અપૂર્વ સામયિક હતું અને એ બંધ થયા પછી આજ સુધી અદ્વિતીય રહ્યું છે. જેવું નામ એવા ગુણ ધરાવતું આ માસિક મૂળભૂત રીતે પુસ્તકને વરેલું હતું. પુસ્તકો વિશેની જાણકારી બને તેટલા વધુ લોકો સુધી પહોંચાડવી એ તેમનો ઉદ્દેશ હતો. પણ પુસ્તક એટલે માત્ર ગુજરાતી પુસ્તકો જ નહીં; એ ઉપરાંત અંગ્રેજી, હિન્દી, મરાઠી અને બને એટલી બીજી ભાષાનાં પુસ્તકો વિશે ‘ગ્રંથ’માં નિયમિત રીતે અવલોકનો પ્રગટ થતાં. અને આ બધી ભાષાનાં પુસ્તકો એ માત્ર સાહિત્યનાં પુસ્તકો જ નહીં. એ ઉપરાંત બીજા અનેક વિષયનાં પુસ્તકો પણ ખરાં. વળી પુસ્તકોનાં અવલોકનો આવે તો ગ્રંથસાર, લેખો, મુલાકાતો, ચર્ચા-વિચારણા, વાદવિવાદ, પત્ર-ચર્ચા પણ આવે. પુસ્તકોની દુનિયાને બને એટલી બાજુએથી પામવાનો અને માપવાનો પ્રયત્ન. જુદા-જુદા લેખકો, સાહિત્ય પ્રકારો, પ્રવાહો વગેરે વિશેના વિશેષાંકોએ ગ્રંથની એક આગવી પરંપરા ઊભી કરી. એમાંથી જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશેના વિશેષાંકોમાં પ્રગટ થયેલી સામગ્રી પછીથી પુસ્તકરૂપે પણ પ્રગટ થઈ. ‘ગ્રંથ’ શરૂ થયું પછી થોડા જ વખતમાં એના તંત્રીની જે છાપ પડી એ એક નિખાલસ, નિર્ભીક, તટસ્થ તંત્રીની. કોઈ જૂથ કે વાદ સાથે ન તો યશવંતભાઈ જોડાયા ન ‘ગ્રંથ’ જોડાયું. તેમ કોઈ જૂથ કે વાદનો વિરોધ પણ નહીં. એટલે ગુજરાતી પુસ્તકોની અને સાહિત્યની દુનિયામાં એવી શાખ બંધાઈ ગઈ કે ‘યશવંતભાઈ અને ગ્રંથ એટલે પુસ્તકોનો ધરમનો કાંટો.’ અને આ શક્ય બન્યું એ યશવંતભાઈની નીરક્ષીર વિવેકભરી દૃષ્ટિને પ્રતાપે. બાવીસેક વર્ષના ગાળામાં ‘ગ્રંથ’માં લગભગ દસ હજાર પુસ્તકોનાં અવલોકન પ્રગટ થયાં. પુસ્તક-સમીક્ષાનું યશવંતભાઈએ કરેલું આ કામ ગુજરાતીમાં તો અપૂર્વ અને અદ્વિતીય કહી શકાય એવું છે જ, પણ આપણા દેશની બીજી કોઈ પણ ભાષામાં પણ આવું કામ ઝાઝું થયું નથી. ‘ગ્રંથ’ બંધ થયા પછી એક લેખમાં યશવંતભાઈએ લખ્યું હતું: ‘મારી જાતને પ્રમાણપત્ર આપવાનું હોય તો હું આમ આપું: આ માણસને પુસ્તકો વિશે જાણવામાં ખૂબ રસ છે. બીજું બધું પડતું મૂકીને તે પુસ્તકો વિશેની માહિતી તરત હાથમાં લે છે. એને લીધે પુસ્તકો પરત્વેની વિવેકશક્તિ તેનામાં કદાચ ખીલી પણ હોય.પણ એ પુસ્તકપ્રેમી છે એમ તો હું વિનાસંકોચ કહી શકું.’ 

૧૯૫૮ના એપ્રિલ મહિનામાં શરૂ થયેલી ‘પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ’ હજી આજે પણ ચાલુ છે. એ શરૂ થઈ ત્યારથી ૧૯૮૫ના ડિસેમ્બરમાં તેમનું અવસાન થયું ત્યાં સુધી એના પર સંપાદક તરીકે વાડીલાલ ડગલીનું નામ છપાતું. પણ જાણનારા સૌ જાણતા હતા કે આ પ્રવૃત્તિને પીઠબળ તો યશવંતભાઈનું જ છે. પરિચય પુસ્તિકાના વિશ્વામિત્ર હતા વાડીભાઈ તો એના કણ્વ બન્યા યશવંતભાઈ. તેમના આશ્રમમાં જ એ ખીલી, વિકસી. જ્ઞાન અને માહિતીના કોઈ પણ લોકોપયોગી વિષયને પરિચય પુસ્તિકામાં સ્થાન મળતું. દરેક વિષયની પુસ્તિકા એના જાણકાર, અભ્યાસી, નિષ્ણાત લેખક પાસે જ લખાવતા. જરૂર લાગે ત્યારે બીજી ભાષાના લેખકો પાસે લખાવી એનો અનુવાદ યશવંતભાઈ કરતા કે કરાવતા. આમ આદમીને જેમાં રસ પડી શકે એવા વિષયો અને એને માટે લખનારાઓની સતત શોધ કરતા અને આખા વરસની ૨૪ પુસ્તિકાનું અગાઉથી આયોજન કરતા. તો બીજી બાજુ કેવા વિષયો પર પુસ્તિકા પ્રગટ ન જ થાય એ વિશે પણ તેમના મનમાં બહુ સ્પષ્ટ ખ્યાલ હતો. હિંસા, વહેમ, અંધશ્રદ્ધા, વર્ગ કે જાતિ વચ્ચે અસમાનતાને પોષે એવા વિષયો વગેરે વિશે તેમણે એક પણ પુસ્તિકા પ્રગટ કરી નહોતી. જગતના કેટલાક મુખ્ય ધર્મો વિશે પુસ્તિકા લખાવી; પણ કોઈ ધર્મપુરુષ, સાધુ, બાવા, બાપુ વગેરે વિશે યશવંતભાઈની હયાતીમાં એક પણ પુસ્તિકા પ્રગટ થઈ નહોતી.

ગ્રંથ બંધ થયું એ પછી યશવંતભાઈ ગુજરાતી મિડ-ડે સહિત મુંબઈનાં જુદાં-જુદાં વર્તમાનપત્રોમાં અઠવાડિક કૉલમ લખતા. એમાં પણ તેઓ સાહિત્ય, સમાજ, કેળવણી, રાજકારણ વગેરે વિશે સામાન્ય વાચકને ધ્યાનમાં રાખીને, પણ નિર્ભીકપણે લખતા. લખતી વખતે ‘દે દામોદર દાળમાં પાણી’ કરી લખાણને નિરર્થક લંબાવતા ક્યારેય નહીં. પહેલી નજરે પ્રાસંગિક લાગે એવા વિષયો વિશેના લેખોમાં પણ કોઈ કાયમી મહત્ત્વનો મુદ્દો સહજતાથી વણી લેતા. અને આ બધાં કામ કરતાં- કરતાં તેમણે લખેલાં કે સંપાદન કરેલાં પુસ્તકોની સંખ્યા ત્રીસ જેટલી થાય છે. અવસાનના થોડા દિવસ પહેલાં જ ‘ચિત્રલેખા’ સાપ્તાહિકને આપેલી એક મુલાકાતમાં યશવંતભાઈએ કહેલું: ‘ના, જિંદગી સામે કાંઈ ફરિયાદ નથી. ભરપૂર જીવન જીવ્યો છું.’ અને એ ભરપૂર જીવનમાં તેમણે જે ભરપૂર કામ કર્યું એ તેમની જન્મશતાબ્દીને ટાણે પ્રેમાદરપૂર્વક યાદ કરીએ.

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2020 11:57 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK