Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. મોરારજી દેસાઈ વિશે તમે આ નહીં જ જાણતા હો

ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. મોરારજી દેસાઈ વિશે તમે આ નહીં જ જાણતા હો

29 February, 2020 04:08 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. મોરારજી દેસાઈ વિશે તમે આ નહીં જ જાણતા હો

મોરારજી દેસાઈ

મોરારજી દેસાઈ


અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને મળેલાં સન્માનો તેમ જ તેમણે વાપરેલી ચીજો આજે પણ સચવાયેલાં પડ્યાં. આજે આ ગરવા ગુજરાતીની જન્મજયંતી છે ત્યારે તેમના વિશેની ઓછી જાણીતી વાતોની દુનિયામાં ડૂબકી લગાવીએ.

આજે ૨૯ ફેબ્રુઆરી. જેમનો જન્મ ૨૯ ફેબ્રુઆરીએ થયો હોય તેમનો જન્મદિન ચાર વર્ષે એક વાર આવે છે, કેમ કે આપણે જાણીએ છીએ કે લીપ વર્ષ હોવાથી દર ચાર વર્ષે એક વાર ૨૯ ફેબ્રુઆરી આવે છે. ત્યારે આ દિવસે જન્મેલા એક એવા ગુજરાતીનો જન્મદિન દેશ અને દુનિયાના નાગરિકો યાદ કરીને ઊજવશે જેમનું સર્વોચ્ચ સન્માન ન માત્ર ભારત સરકારે, પરંતુ પાકિસ્તાન સરકારે પણ કર્યું છે. ઘણાબધા વાચકમિત્રોએ આ વાંચવાની સાથે તેમના સ્મૃતિપટ પર જે નામ ઊભરી આવ્યું એ આપણા ગરવા ગુજરાતી એવા ભારતીય આપણા સ્વ. મોરારજીભાઈ દેસાઈ છે.



ગુજરાતના વલસાડ નજીક આવેલા ભદેલી ગામે ૧૮૯૬માં ૨૯ ફેબ્રુઆરીએ જન્મેલા અને પહેલાં ભદેલી ગામમાં ત્યાર પછી કુંડલા ગામે અને ત્યાર બાદ વલસાડની શાળામાં અભ્યાસ કરીને મુંબઈની વિલ્સન કૉલેજમાંથી ઉચ્ચ અભ્યાસ મેળવીને અખંડ ભારતમાં બ્રિટિશ રાજમાં ઉચ્ચ હોદ્દા પર મોરારજીભાઈ દેસાઈ નોકરીમાં જોડાયા હતા. જોકે ત્યાર બાદ દેશની સ્વતંત્રતાના રંગે રંગાઈને ભારતની આઝાદીના એક લડવૈયા અને ત્યાર પછી દેશના ઘડવૈયા તરીકે પણ જેમના અથાક પ્રયાસો રહ્યા અને ભારતમાં સામાન્ય વર્ગના નાગરિકોના જીવનધોરણને સુદૃઢ બનાવવા પગલાં ભરનાર મોરારજીભાઈ દેસાઈનો મુંબઈ સાથેનો અતૂટ નાતો રહ્યો છે. આજની નવી જનરેશનમાંથી બહુ ઓછાને ખબર હશે કે મોરારજીભાઈ દેસાઈ એક સમયે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા. આ ઉપરાંત તેમણે દેશના નાયબ વડા પ્રધાન અને વડા પ્રધાન તરીકે કાર્યરત રહીને દેશની ઉન્નતિ અને પ્રગતિ માટે અનેકવિધ પગલાંઓ ભરીને દેશવાસીઓમાં અમીટ છાપ છોડી હતી.


સાદગી અને સેવાને વરેલા અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વ્યક્તિત્વની જેમના પર ઊંડી છાપ પડી હતી તેવા મોરારજી દેસાઈએ ૧૬-૦૬-૧૯૬૩થી લઈને મૃત્યુપર્યંત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવાઓ આપી હતી. મહત્ત્વની વાત એ બની રહી કે મોરારજીભાઈને મળેલી તમામ વસ્તુઓ તેમણે ગૂજરાત વિદ્યાપીઠને આપી દેવાની ઇચ્છા દર્શાવી હતી, જેના પગલે અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં ભારત દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાન દેશનું સર્વોચ્ચ સન્માન નિશાન–એ–પાકિસ્તાન અવૉર્ડ આજે પણ સચવાયેલા છે.

ગૂજરાત વિદ્યાપીઠનાં ટ્રસ્ટી મંદાબહેન પરીખે દાવો કરતાં ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મોરારજીભાઈ દેસાઈ પહેલા એવા વ્યક્તિ છે જેમને બે રાષ્ટ્રોનાં ઉચ્ચ સન્માન મળ્યાં છે. ભારત સરકારના ભારત રત્ન અને પાકિસ્તાન સરકારના નિશાન–એ–પાકિસ્તાન અવૉર્ડથી મોરારજીભાઈ દેસાઈને સન્માનિત કરાયા હતા. વિદ્યાપીઠમાં બનાવવામાં આવેલા મોરારજીભાઈ દેસાઈ મ્યુઝિયમમાં આ બન્ને અવૉર્ડ મૂકવામાં આવ્યા છે. આવી વ્યક્તિ દુનિયામાં બહુ ઓછી છે જેમને બે રાષ્ટ્રોનાં સર્વોચ્ચ સન્માન મળ્યાં હોય. મોરારજીભાઈએ તેમનાં ભાષણોમાં કહ્યું હતું કે જે કંઈ છે મારું એ વિદ્યાપીઠનું છે.’


ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મોરારજીભાઈ પહેલા એવા ગુજરાતી હતા કે જેમને ભારત અને પાકિસ્તાનનાં સર્વોચ્ચ સન્માન મળ્યાં હોય. તેમણે તેમની બધી વસ્તુઓ વિદ્યાપીઠમાં આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ધીરે-ધીરે તેમની વસ્તુ–ગિફ્ટ વિદ્યાપીઠમાં આવી અને એને સાચવવા માટે વિદ્યાપીઠે મોરારજીભાઈ દેસાઈ સંગ્રહાલય બનાવ્યું છે.’

મોરારજીભાઈ દેસાઈના જીવનની આવી કંઈ કેટલીયે જાણી-અજાણી બાબતો છે. મોરારજીભાઈ દેસાઈએ તેમની આત્મકથાનું ‘મારું જીવનવૃત્તાંત’ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં મોરારજીભાઈએ તેમના જીવનની કંઈ કેટલીય બાબતો આલેખી છે.

તમને ખબર છે કે માત્ર ૧૦ વર્ષની ઉંમરે મોરારજીભાઈ દેસાઈએ આઝાદીની લડતમાં ચા પીવાનું છોડી દીધું હતું?, વાંકડો લેવાના રિવાજનો વિરોધ કરવા માટે તેઓ પોતાના સાળાનાં લગ્નમાં ગયા નહોતા. ગાડીવાળાને અને મજૂરને પૈસા ન આપવા પડે એ માટે ટ્રન્ક ખભે મૂકીને ગિરગામ ચાલીને ગયા હતા. મોરારજીભાઈને ક્રિકેટનો શોખ હતો અને ચોકીદારોની નજર ચૂકવીને તેઓ મૅચ જોવા અંદર જતા રહ્યા હતા. દાંડીકૂચથી પ્રભાવિત થઈને તેમણે રાજીનામું આપી દેવાનો નિશ્ચય કર્યો હતો. કલ્યાણના ભૂત બંગલોમાં રહ્યા હતા. આવી તો કંઈ કેટલીય જાણી–અજાણી વાતો મોરારજીભાઈ દેસાઈએ તેમના પુસ્તક ‘મારું જીવનવૃત્તાંત’માં આલેખી છે ત્યારે એમાંથી કેટલીક વાતો વાચકોને વાંચવા અને જાણવા માટે રસપ્રદ થઈ પડશે.

ચા પીવાનું છોડી દીધું અને શિક્ષક સામે વિરોધ દર્શાવ્યો

આઝાદીના સમયે ૧૯૦૫માં ‘બંગભંગ’ની ચળવળ ચાલતી હતી ત્યારે ૧૦ વર્ષના મોરારજીભાઈએ આ લડત જોઈને ચા પીવાનું છોડી દીધું હતું. તેમણે તેમના પુસ્તક ‘મારું જીવનવૃત્તાંત’માં લખ્યું છે કે ‘બંગભંગની ચળવળ ચાલી ત્યારે હું દસ વર્ષનો હતો. એ વખતે ચળવળને પરિણામે જે જાગૃતિ દેશમાં આવેલી એમાં મેં પણ ચા પીવાનું છોડી દીધેલું. ત્યાર પછી જ્યારે લોકમાન્ય ટિળકને પકડ્યા અને તેમને સજા થઈ ત્યારે અમે શાળામાં હડતાળ પાડેલી, શહેરમાં સભા કરેલી અને સ્વદેશી વ્રત લીધેલું. એક વખત અમારા એક શિક્ષક, જેમનો હું પણ એક પ્રિય વિદ્યાર્થી હતો, તેમણે બીજા એક તેમના પ્રિય વિદ્યાર્થીને અઠવાડિક પરીક્ષા દરમ્યાન જવાબ આપવામાં મદદ કરેલી એ મેં જોયેલું. એના વિરોધમાં બીજા વિદ્યાર્થીઓ સાથે વર્ગ ખાલી કરીને અમે બધા ચાલી ગયેલા. એમાં પહેલા વિદ્યાર્થી તરીકે મેં આગેવાની લીધેલી. શિક્ષકે પોતાની ભૂલ કબૂલ કરી અને અમે એ વાત ભૂલી ગયા. એ શિક્ષકની સાથે મારો સંબંધ આ બનાવથી ઓછો થયો નહોતો, પણ વધારે સારો થયો હતો.’

વાંકડાનો વિરોધ કર્યો અને સાળાનાં લગ્નમાં ગયા નહીં

લગ્નપ્રસંગે દહેજ આપવા જેવી પ્રથાનો મોરારજીભાઈએ વિરોધ કરીને આવા લગ્નપ્રસંગમાં નહીં જવાનો નિર્ણય કર્યો હતો. જોગાનુજોગ એવું બન્યું કે આ નિર્ણય કર્યા પછી સૌથી પહેલો લગ્નપ્રસંગ તેમના સાળાનો આવ્યો અને તેઓ સાળાનાં લગ્નમાં ગયા નહીં. આ વાતને આલેખતાં મોરારજીભાઈએ લખ્યું છે કે ‘મારી જ્ઞાતિમાં છોકરીને પરણાવવાના સંબંધમાં ભારે ખરાબ રિવાજ ચાલ્યો આવે છે. છોકરીને પરણાવવા માટે તેના પિતાએ વરપક્ષને વાંકડો આપવો પડે છે એટલે કે રૂપિયા હજારથી માંડીને ત્રણ હજાર કે એથી પણ વધારે રકમ રોકડી આપવી પડે છે. એ ઉપરાંત લગ્ન પહેલાં અને પછી ઘણીય વસ્તુઓ આપવી પડે. છોકરીનાં બાળકોને જનોઈ દેવાની હોય કે પરણાવવાનાં હોય ત્યારે મોસાળું કરવું પડે અને એ રીતે ઘણો ખર્ચ ઉઠાવવો પડે. જો કોઈ પિતા આમાં આનાકાની કરે તો તેની દીકરીને સાસરા તરફથી ઘણું દુઃખ સહન કરવું પડતું. આ રિવાજનો વિરોધ પણ મેં સન ૧૯૧૮થી શરૂ કર્યો. મેં નિયમ કર્યો કે મારે આ જાતના રિવાજને સંમતિ આપવી નહીં એટલે એ દિવસથી જ જે છોકરાઓનાં લગ્નમાં આ રિવાજનો અમલ થાય તેના લગ્નપ્રસંગે હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો. એ નિર્ણય કર્યા પછી પહેલું જ લગ્ન મારા એક સાળાનું આવ્યું. મારા સસરાએ આ રિવાજ પ્રમાણે વાંકડો લીધો એટલે એ લગ્નમાં હું ગયો નહીં અને એ રીતે તેમની સાથે મેં અસહકાર કર્યો. પણ તેમની સાથેનો મારો સંબંધ પૂર્વવત્ ચાલુ રાખ્યો. એ અસહકારને પરિણામે મારા બીજા બે સાળાઓનાં જ્યારે લગ્ન લેવાયાં ત્યારે મારા સસરાએ એ રિવાજને છોડી દીધો અને કંઈ વાંકડો લીધો નહીં એથી મને પોતાને કંઈક સંતોષ થયો.’

morarji

 મોરારજીભાઈ દેસાઈ સંગ્રહાલયમાં મૂકવામાં આવેલાં તેમનાં કપડાં.

મુંબઈ સ્ટેશનથી ગિરગામ ચાલીને ગયા

પોતાની આર્થિક સ્થિતિને બખૂબી રીતે જાણતા હોવાથી ૧૯૧૩માં જ્યારે મોરારજીભાઈ મુંબઈમાં કૉલેજનો અભ્યાસ કરવા આવ્યા હતા ત્યારે ગાડી ભાડું કે મજૂરીના પૈસા આપે એવી સ્થિતિમાં નહીં હોવાથી સ્ટેશનેથી ગિરગામ ચાલીને ગયા હતા. આ વાતનો ઉલ્લેખ કરતાં મોરારજીભાઈએ લખ્યું છે કે ‘સ્ટેશને ઊતર્યો ત્યારે ગાડીવાળાએ ગિરગામ જવાને માટે એક રૂપિયો માગ્યો અને મજૂરે છ આના માગ્યા. એટલે હું મારી નાનીસરખી ટ્રન્કને ખભે મૂકીને ગિરગામ ચાલીને ગયો. ગાડીવાળાએ અને મજૂરે પૈસા માગ્યા હતા એ વધારે માગ્યા હતા એમ નહીં, પણ એ વખતે મારી આર્થિક સ્થિતિ એવી નહોતી કે હું આવો ખર્ચ કરી શકું. પોતાની સ્થિતિ ઉપરાંત ખર્ચ ન કરવો જોઈએ એનું ભાન ત્યારે મને સતત રહેતું હતું.’

મહાત્મા ગાંધીજીના વ્યક્તિત્વની ઊંડી છાપ પડી

દેશ-વિદેશના અનેક નાગરિકો જેમનાં કાર્યો અને સાદગીભર્યા જીવનથી પ્રભાવિત થયા છે અને તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વ્યક્તિત્વની ઊંડી છાપ મોરારજીભાઈ દેસાઈ પર પડી હતી એ બાબતનો ઉલ્લેખ પુસ્તકમાં કર્યો છે, જેમાં લખ્યું છે કે ‘હું ઇન્ટરમાં પાસ થયો ત્યાર પછી ૧૯૧૫ની આખરે મુંબઈમાં સર સત્યેન્દ્રપ્રસાદ સિંહાના પ્રમુખપદે રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન મળેલું. એ અધિવેશનમાં એક સ્વયંસેવક તરીકે હું જોડાયેલો અને વીસની ટુકડીનો કૅપ્ટન બનેલો. મહાત્મા ગાંધીને પહેલવહેલા એ અધિવેશનમાં મેં સાંભળેલા અને તેમના વ્યક્તિત્વની મારા પર ઘણી ઊંડી છાપ પડેલી.

desai

પાકિસ્તાન સરકારે સ્વ. મોરારજીભાઈ દેસાઈને નિશાન–એ–પાકિસ્તાન અવૉર્ડ આપી સન્માન કર્યું હતું એ અવૉર્ડ હાલમાં અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલા મોરારજીભાઈ દેસાઈ સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યો છે.

મુંબઈમાં રમાતી મૅચ જોવા ચોકીદારોની નજર ચૂકવીને અંદર જતા રહેતા

મોરારજીભાઈને ક્રિકેટનો શોખ હતો એ કદાચ બહુ ઓછાને ખબર હશે. તેમના કૉલેજકાળ દરમ્યાન મુંબઈમાં રમાતી મૅચ જોવા ચોકીદારોની નજર ચૂકવીને તેઓ અંદર જતા રહેતા હોવાની રસપ્રદ વાત પુસ્તકમાં લખી છે એનો ઉલ્લેખ કરતાં પુસ્તકમાં લખ્યું છે કે ‘એ દિવસોમાં ક્રિકેટની ટ્રાયેન્ગ્યુલર મૅચ મુંબઈમાં રમાતી. એ પછી ક્વૉડ્રેન્ગ્યુલર થઈ જેમાં હિન્દુ જિમખાના, મુસ્લિમ જિમખાના, પારસી જિમખાના અને યુરોપિયન જિમખાના ભાગ લેતાં. ક્રિકેટનો મને શોખ હતો એટલે દર વર્ષે એ મૅચો જેવાનું હું ચૂકતો નહોતો. પરીક્ષાના દિવસો તદ્દન નજીક હતા ત્યારે પણ આ મૅચો જોવાનું મેં છોડ્યું નહોતું. એમાં જોવા જનારાઓએ પૈસા આપીને ટિકિટો લેવાની હતી. મારી પાસે ટિકિટ ખરીદવાને પૈસા હતા નહીં એટલે ચોકીદારોની નજર ચૂકવીને અંદર ઘૂસી જતો હતો અને ચારે વર્ષ મેં એ રીતે અંદરથી મૅચ જોઈ હતી. આ રીતે અંદર ચોરીથી પેસી જવું એ ખોટું છે એવું ભાન એ વખતે મને નહોતું. આજે એમ લાગે છે કે આ કામ મેં બરોબર કર્યું નહોતું.’

ભૂત રહેતું હોવાની લોકવાયકા વચ્ચે કલ્યાણના મકાનમાં રહ્યા

ભૂત બંગલોની વાતો વર્ષોથી ચાલી આવે છે ત્યારે ખુદ મોરારજીભાઈ દેસાઈને પણ કલ્યાણના આવા જ કહેવાતા ભૂત બંગલોમાં રહેવાનો વારો આવ્યો હતો. પહેલાં થાણે અને ત્યાર બાદ કલ્યાણના હેડ ક્વૉર્ટરમાં જ્યારે મોરરાજીભાઈ સર્વિસ કરતા હતા ત્યારે તેઓ કહેવાતા ભૂત બંગલોમાં રહ્યા હોવાની વાતને રજૂ કરી છે. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે  ‘થાણે જિલ્લામાં હું અઢી વર્ષ રહ્યો. શરૂઆતમાં થાણેમાં મારું હેડ ક્વૉર્ટર હતું અન છેલ્લા દોઢ વરસમાં કલ્યાણમાં હેડ ક્વૉર્ટર હતું, કારણ કે ત્યારે મારા પ્રાંતમાં કલ્યાણ, શાહપુર અને મુરાદ એમ ત્રણ તાલુકા હતા. કલ્યાણમાં જે મકાનમાં હું રહેતો હતો એ મકાન શન્ટિંગ યાર્ડની સામે જ આવેલું હતું અને વચ્ચે માત્ર ત્રીસ ફુટનો રસ્તો જ હતો. ગૅલરીમાં હું સૂતો હતો. એમ કહેવામાં આવતું હતું કે એ બંગલોમાં ભૂત રહે છે અને એ રાત્રે બહાર આવે છે. ગૅલરીમાં સૂવા છતાં આનો અનુભવ મને કોઈ દિવસ થયો નહોતો અને શન્ટિંગ કરતી ગાડીઓનો ભારે અવાજ પણ હું પચાવી ગયો હતો.’

દાંડીયાત્રાથી પ્રભાવિત થઈને રાજીનામું આપી દેવાનો નિશ્ચય કર્યો હતો

મોરારજીભાઈ દેસાઈ ૧૯૨૯માં અમદાવાદમાં કલેક્ટરના પર્સનલ અસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. એ ઉપરાંત તેમની પાસે તાલુકદારી સેટલમેન્ટ ઑફિસરનો ચાર્જ પણ હતો. આ દરમ્યાન ગાંધીબાપુએ સાબરમતી આશ્રમાંથી દાંડીકૂચ કરી હતી, જેનાથી પ્રભાવિત થઈને એક તબક્કે રાજીનામું આપી દેવાનો નિશ્ચય મોરારજીભાઈએ કર્યો હતો. આ મુદ્દે પુસ્તકમાં લખ્યું છે કે ‘હું જ્યાં રહેતો હતો ત્યાંથી થોડે દૂર મહાત્મા ગાંધી તેમના એંસી સાથીઓને લઈને દાંડીકૂચ કરી રહ્યા હતા એ જોવા ગયો હતો. રસ્તા પરનું દૃશ્ય અદકભુત હતું. લોકોનો ઉત્સાહ સમાતો નહોતો. ખૂબ આનંદોત્સાહનું વાતાવરણ હતું. જ્યારે મીઠાના સત્યાગ્રહનો કાર્યક્રમ ગાંધીજીએ નક્કી કર્યો ત્યારે ઘણા આગેવાનોને એમાં બહુ રસ પડ્યો નહોતો. તેમને એમ લાગતું હતું કે આ ક્રાન્તિકારક પગલું નહોતું. પણ મહાત્મા ગાંધીએ જ્યારે કૂચ શરૂ કરી અને તે કૂચ કરતા-કરતા દાંડી પહોંચ્યા ત્યારે આખા ગુજરાતમાં અને દેશભરમાં જે ઉત્સાહ ઊમટ્યો એ સૌને આશ્ચર્યકારક લાગતો હતો. મહાત્મા ગાંધીનું અચૂક દૂરંદેશીપણું એનાથી સાબિત થયું. એ જ દિવસે રાજીનામું આપી દેવાનો મેં નિશ્ચય કર્યો હતો.’

પરદેશી રાજને દેશની વિરુદ્ધ મદદ કરે એ શોભતું નથી

મોરારજીભાઈ દેસાઈએ મે ૧૯૩૦માં આઝાદીની ચળવળ જોઈને ખુદ્દારીપૂર્વક કલેક્ટરને રાજીનામા પત્ર લખીને મોકલી આપ્યો હતો, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે ‘જે રીતે સરકારે મારી વિરુદ્ધ ખોટો નિર્ણય આપ્યો છે એ જોતાં મારી ખાતરી થઈ છે કે સરકાર અન્યાયથી જ ચાલે છે અને ન્યાયની એને ચિંતા નથી. એટલે એવી સરકારી નોકરી કરવી એ માણસાઈને અને સ્વમાનને નુકસાન કરનારું છે. વળી આ સમયે આખા દેશમાં સ્વતંત્રતાનો યજ્ઞ ચાલી રહ્યો છે એ વખતે, જ્યારે લાખો દેશવાસીઓ આ યજ્ઞમાં જોડાયા છે ત્યારે, મારા જેવા બાજુએ બેસીને એ જોયા કરે, આરામની જિંદગી ગુજાર્યા કરે અને પરદેશી રાજને દેશની વિરુદ્ધ મદદ કરે એ શોભતું નથી. તેથી હું નોકરીનું રાજીનામું આપું છું.’

જ્યાં દેશની આઝાદીનો સવાલ છે ત્યાં કુટુંબ વગેરેના સવાલો ગૌણ બને છે

જેમના પર દેશની સ્વતંત્રા માટે આઝાદીનો રંગ લાગ્યો હતો તેવા મોરારજીભાઈ દેસાઈએ તેમના ભાઈઓ સમક્ષ સત્યાગ્રહમાં જોડાવા માટેનો પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો. તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે કે ‘મારા ભાઈઓની એક લાગણી એવી હતી કે મારે નોકરી ન છોડવી અને એ બધા સત્યાગ્રહમાં જોડાઈ જાય – એટલે કુટુંબની દેખભાળ હું બરાબર કરી શકું. મેં તેમને કહેલું કે જ્યાં દેશની આઝાદીનો સવાલ છે ત્યાં કુટુંબ વગેરેના સવાલો ગૌણ બને છે અને તેથી હું તો સત્યાગ્રહમાં જવાનો જ છું. તમારે પણ જોડાવું હોય તો જોડાઈ શકો છો. બાકી બધું ઈશ્વર પર છોડવું જોઈએ.’

યેરવડા જેલમાં અઢાર દિવસમાં ગીતાના અઢાર અધ્યાયના પાઠ કર્યા હતા

મોરારજીભાઈ દેસાઈ જ્યારે યેરવડા જેલમાં કેદી બન્યા હતા ત્યારે તેમણે જેલની ઓરડીમાં અઢાર દિવસમાં ગીતાના અઢાર અધ્યાયના પાઠ કરતાં ખ્યાલ આવ્યો હતો કે ગીતા સાચા માનવધર્મનો ગ્રંથ છે. ગીતા ગ્રંથ વિશે મોરારજીભાઈએ વિસ્તૃત રીતે છણાવટ કરતાં લખ્યું છે કે  ‘૧૯૩૪ના પહેલા છ મહિના હું યેરવડા જેલમાં હતો ત્યારે જે વૉર્ડમાં હું કેદી તરીકે રહેતો હતો એમાં અમે પાંચ જ કેદીઓ હતા અને રોજ સાંજે સાડાછ વાગ્યે ઓરડીના દરવાજા બંધ થઈ જતા હતા અને બીજા દિવસે સવારે છ વાગ્યે દરવાજા ખૂલતા હતા. રવિવારે તો બપોરે દોઢ વાગ્યે જ અમને પૂરી દેવામાં આવતા અને બીજે દિવસે સવારે સાડાછ વાગ્યે દરવાજા ખુલ્લા કરવામાં આવતા. આને લઈને સમય ઘણો રહેતો હતો એટલે ગીતા મોઢે કરવાનો સંકલ્પ પાછો તાજો થયો. એ સંકલ્પ પૂરો કરવાને માટે નિશ્ચય કર્યો એટલે દરરોજ દોઢથી બે કલાકમાં દરેક અધ્યાયનો પાઠ થઈ જતો હતો અને અઢાર દિવસમાં અઢારે અધ્યાયનો પાઠ મેં કરી લીધો હતો. ત્યાર પછી રોજ દિવસમાં ઓછામાં ઓછું એક વખત આખી ગીતાનું રટણ હું કરી જતો હતો. આ થયું ત્યાં સુધી ગીતાની ઘણી ટીકાઓ મેં વાંચી હતી તેમ છતાં કેટલાક શ્લોકોનો અર્થ મને સમજાતો  નહોતો અથવા તો મને રુચતો નહોતો. પણ ગીતાપાઠ કર્યા પછી એને રોજ બોલવા લાગ્યો અને મારા જીવનમાં વહેવારની સાથે સરખાવવા લાગ્યો ત્યારથી ગીતા હું બરાબર સમજવા લાગ્યો અને  થોડાં વર્ષોમાં ગીતા મને પૂરેપૂરી સમજાઈ ગઈ અને કોઈ પણ શ્લોક વિશે મારા મનમાં કોઈ શંકા રહી નહીં. ગીતા સાચા માનવધર્મનો ગ્રંથ છે. બધા કાળને, પરિસ્થિતિને, સમાજને અને વ્યક્તિઓને લાગુ પડી શકે અને એમાંથી દરેક મુશ્કેલીમાંથી મન શાંતિનો માર્ગ મેળવી શકે એવો એ અદ્ભુત ગ્રંથ છે એવી મારી શ્રદ્ધા બંધાઈ અને એમાંથી જ ગુસ્સાનું ખરું સ્વરૂપ સમજવાનું પણ મને ભાન થયું અને ત્યાર પછી જ હું ગુસ્સા પર વધારે કાબૂ મેળવી શક્યો.’

મોરારજીભાઈ દેસાઈએ તેમના પુસ્તકમાં તેમના જીવનના આવા તો અનેક પ્રસંગોને વર્ણવ્યા છે જે વાંચવાથી આઝાદીની વાતો, તેમના સમયનું ભારત દર્શન, દેશ–વિદેશની રાજનૈતિક બાબતો, સામાજિક જીવનથી લઈને અનેક બાબતોથી આપણે વાકેફ થઈ શકીએ છીએ. દેશના માજી વડા પ્રધાન અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ સ્વ. મોરારજી દેસાઈની આજે ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આજે સવારે અમદાવાદ સાબરમતી આશ્રમ પાસે તેમના સમાધિ સ્થળ અભયઘાટ પાસે પ્રાર્થના અને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

મોરારજીભાઈ દેસાઈ સંગ્રહાલયમાં શું છે?

અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલા મોરારજીભાઈ દેસાઈ સંગ્રહાલયના ક્યુરેટર પ્રવીણ પરીખે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘આ સંગ્રહાલયમાં મોરારજીભાઈ દેસાઈને ભારત સરકાર દ્વારા આપવામાં આવેલો ભારત રત્ન અવૉર્ડ તેમ જ પાકિસ્તાન સરકાર દ્વારા આપવામાં આવેલો નિશાન–એ–પાકિસ્તાન અવૉર્ડ છે. એ ઉપરાંત તેમનાં વસ્ત્રો, લાકડી, ચશ્માં, પૂજાની સામગ્રી, ઍક્યુપ્રેશરનાં સાધનો, ચોકઠું, પર્સનલ ડાયરી, તેમને મળેલી કાશ્મીર અને નાગાલૅન્ડની કલાત્મક કલાકૃતિઓ, ગૌતમ બુદ્ધની પ્રતિમા, સોનાની કાતર, તેમણે કલેક્શન કરેલા પ્રાચીન સમયના સિક્કાઓ, માનપત્રો અહીં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેઓ જ્યારે મુંબઈના મુખ્ય પ્રધાન હતા ત્યારે એ સમયે ઉત્તર મુંબઈના નાગરિકોએ કાષ્ટનો અર્જુનનો રથ આપ્યો હતો એ અહીં મૂકવામાં આવ્યો છે. આ સંગ્રહાલયની વર્ષે દહાડે ૧૨ હજારથી વધુ નાગરિકો મુલાકાત લે છે. તેઓ શિવામ્બુનો રોજ ઉપયોગ કરતા હતા.’

 

 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

29 February, 2020 04:08 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK