Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભગવાન સ્વામીનારાયણ અને કચ્છ

ભગવાન સ્વામીનારાયણ અને કચ્છ

18 February, 2020 11:59 AM IST | Kutch
Vasant Maru

ભગવાન સ્વામીનારાયણ અને કચ્છ

સ્વામીનારાયણ મંદિર

સ્વામીનારાયણ મંદિર


દાદર રેલવે સ્ટેશનની સામે સ્વામીનારાયણ મંદિર અને યોગી સભાગૃહ છે. આ ભવ્ય યોગી સભાગૃહમાં નાટક ભજવવું એ એક શુકનવંતી અનુભૂતિ છે. ભચાઉ હૉસ્પિટલ માટે મારું એક નાટક તાજેતરમાં ત્યાં ભજવાયું ત્યારે ઑડિયન્સની સાથે-સાથે મને પણ ભવ્ય આધ્યાત્મિક અનુભવ થયો. નાટક જોતાં-જોતાં પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની આ ભવ્ય પરિસરનાં સત્વોની અનુભૂતિ કરતાં હતાં અને સ્વામીનારાયણ સંપ્રદાય સિવાયના ‘મિડ-ડે’ના વાચકો માટે ભગવાન સ્વામીનારાયણ અને કચ્છ સાથેના તેમના સંબંધોની પ્રાથમિક જાણકારી મળે માટે આ લેખ લખાયો.

પાર્લામાં રહેતા માંડવીના ભરતભાઈ કારાણી પરદેશથી આવતા સ્વામીનારાયણ પંથના હરિભક્તોની અનોખી સેવા કરે છે. વિદેશથી આવેલા આ હરિભક્તોના ભારત પ્રવાસનું આયોજન, તેમનાં રહેઠાણ અને બીજી વ્યવસ્થા કરી આપવા ભરતભાઈ મદદ કરે છે. ભરતભાઈ અને તેમના કુટુંબીજન માંડવીમાં એક હાઈ સ્કૂલ પણ ચલાવે છે. તેમના કારણે ભુજ મંદિરના ડૉક્ટર સંતના હુલામણા નામે પ્રસિદ્ધ ડૉ. સત્યપ્રસાદ સ્વામીનો પરિચય થયો. ડૉ. સત્યપ્રસાદ સ્વામી મૂળ કચ્છના રામપર વેકરા ગામના છે. કચ્છના પ્રસિદ્ધ અખબારમાં સામાન્ય માનવી સમજી શકે એવી આધ્યાત્મિક લેખની કૉલમ દર ગુરુવારે લખી, ખૂબ લોકપ્રિય થયા છે. તેમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં ૪૦ જેટલાં પુસ્તકો લખી સ્વામીનારાયણ સંપ્રદાયની ફિલોસોફી સામાન્ય લોકોમાં પહોંચાડવા ભગીરથ પ્રયત્ન કર્યો છે. ડૉ. સત્યપ્રસાદ સ્વામી બૅન્ગલોર અને મૈસૂરમાં રહી ‘ઇન્ડિયન ફિલોસોફી’ પર પીએચ.ડી કર્યું છે. કચ્છના આ સંતે વિશ્વના અનેક દેશોમાં ફરી સ્વામીનારાયણ સંપ્રદાયનો પ્રચાર કર્યો છે.



ડૉ. સ્વામીને કારણે ભગવાન સ્વામીનારાયણનો ભુજ સાથેનો ગજબનો નાતો મને જાણમાં આવ્યો. ભગવાનને કચ્છ પ્રત્યેની લાગણી અન્યોનય હતી. ઉત્તર પ્રદેશના અયોધ્યાથી થોડે દૂર છપૈયા ગામમાં, ૧૭૮૧ની ત્રીજી એપ્રિલે હરિપ્રસાદ પાંડે (ધર્મદેવ) અને પ્રેમવતી પાંડે (ભક્તિમાતા)ના ઘરે ઘનશ્યામ પાંડે નામના બાળકનો જન્મ થયો. યોગાનુયોગે અયોધ્યાથી થોડે દૂર છપૈયા ગામ છે અને યોગાનુયોગે રામનવમીના દિવસે ઘનશ્યામનો જન્મ થયો. તે એટલા તેજસ્વી હતા કે ૭ વર્ષની ઉંમરે વેદ, ઉપનિષદ, પુરાણ, રામાયણ, મહાભારતનું ઊંડું જ્ઞાન મેળવી લીધું હતું!


ઘનશ્યામ ૧૧ વર્ષના થયા ત્યારે તેમના જીવનમાં વળાંક આવ્યો. તેમનાં માતા-પિતાનું અવસાન થતાં જ ઘર છોડી દીધું અને નીલકંઠ વરણી નામ ધારણ કરી ગુરુની શોધ આદરી. તેઓ એવા જ્ઞાની મહાત્માની શોધમાં હતા જે વેદાંત, ધર્મશાસ્ત્ર, સાંખ્યયોગને સાચી રીતે સમજતા હોય. તેમની યાત્રા નેપાલ સુધી વિસ્તરી. કહેવાય છે કે નેપાલના રાજા રાણા બહાદુરશાહના પેટની બીમારી તેમણે દૂર કરી એટલે રાજાએ કેદ કરેલા તપસ્વીઓને મુક્ત કર્યા. ૭ વર્ષની તેમની યાત્રા દરમ્યાન ભગવાન જગન્નાથ (પુરી), બદ્રીનાથ, કેદારનાથ, દક્ષિણ ભારતમાં રામેશ્વરમ, નાશિક, પંઢરપુર, દ્વારકા ઇત્યાદિ ફર્યા અને ગુજરાતના જૂનાગઢ પાસેના એક ગામમાં મુક્તાનંદ સ્વામી નામના યોગીનો ભેટો થયો. નીલકંઠ વરણીના પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર મુક્તાનંદ સ્વામીએ આપતાં તેમના

ગુરુ રામાનંદ સ્વામીને મળવાનો નિશ્ચય તેમણે કર્યો.


એ સમયે રામાનંદ સ્વામીનો કચ્છના ભુજ ખાતે સ્થિરવાસ હતો. રામાનંદ સ્વામીએ ઉઘવ સંપ્રદાયની સ્થાપના કરી હતી. ગુરુને મળવા છેક પીપલાણા ગયા. સમય જતાં રામાનંદ સ્વામીએ નીલકંઠ વરણીને દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી નામ આપ્યું. થોડા સમય બાદ રામાનંદ સ્વામીએ ઉઘવ સંપ્રદાયની લગામ સહજાનંદ સ્વામીને આપી. ધર્મ, અહિંસા, બ્રહ્મચર્યનું પુનરુત્થાન કરતા રહ્યા. તેમના ભક્તો સહજાનંદ સ્વામીને ભગવાન માનવા લાગ્યા અને ભગવાન સ્વામીનારાયણ તરીકે પ્રખ્યાત થયા. ઉઘવ સંપ્રદાય પણ સ્વામીનારાયણ સંપ્રદાય તરીકે પ્રખ્યાત થયો.

ભગવાન સ્વામીનારાયણે પોતાની હયાતી દરમ્યાન ૧૮૨૨માં અમદાવાદ અને ભુજમાં મંદિરો બંધાવ્યાં. ત્યાર પછી વડતાલ, ધોલેરા, જૂનાગઢ, ગઢડા એમ બધાં મળીને ૬ મંદિરો બંધાવ્યાં. ભગવાન સ્વામીનારાયણે લખેલા ‘શિક્ષાપત્રી’ અનુયાયીઓમાં ખૂબ આદર ધરાવે છે. ૧૮૩૦માં ભક્તોને ભેગા કરી જગતમાંથી તેમની વિદાયના સંકેત આપ્યા. સાથે આ દુનિયામાંથી ગયા બાદ પોતાના મોટા ભાઈ રામપ્રસાદના પુત્ર અયોધ્યાપ્રસાદને અમદાવાદ ગાદીના આચાર્ય બનાવ્યા અને નાના ભાઈ ઇચ્છારામના પુત્ર રઘુવીરને વડતાલ ગાદીના આચાર્ય બનાવ્યા. આજે પણ તેમના વંશ જ આચાર્યપદે આવે છે. ભુજ મંદિર અમદાવાદ ગાદી સાથે સંકળાયેલ છે અને અમદાવાદ ગાદીના હમણાંના આચાર્ય કૌસેન્દ્રપ્રસાદ અને વડતાલ ગાદી પર અજેન્દ્રપ્રસાદ આચાર્યપદે બિરાજમાન છે.

૧૮૩૦ની ૧ જૂને ભગવાન સ્વામીનારાયણની વિદાય જગતમાંથી થઈ. તેમના અંતિમ સંસ્કાર હિન્દુ પ્રથા પ્રમાણે ગઢડા ખાતે થયા. ઈશ્વરદત્ત તેજસ્વી મહાપુરુષની વિદાય થઈ ત્યારે તેમના ૧૮,૦૦,૦૦૦ અનુયાયીઓ હતા. માત્ર ૨૩૯ વર્ષમાં સ્વામીનારાયણ સંપ્રદાય જગતભરમાં ફેલાઈ ગયું. આજની તારીખે બે - સવાબે કરોડ અનુયાયીઓ છે. ભગવાનની વિદાય પછી અલગ માન્યતાઓ સાથે સ્વામીનારાયણ સંપ્રદાયની વિવિધ શાખાઓ (ગાદીઓ) અસ્તિત્વમાં આવી જેમાં બીએપીએસ, મણિનગર સ્વામીનારાયણ ગાદી ઇત્યાદિનો સમાવેશ થાય છે.

swaminarayan

કોઈ પણ ધર્મ આત્માના ઉદ્ધારની સાથે-સાથે માનવધર્મના પાયા પર પાંગરે છે. ભગવાન સ્વામીનારાયણના ગુરુએ ઘણા વખત સુધી કચ્છના ભુજ ખાતે સ્થિરવાસ કર્યો હતો. એ જ રીતે સ્વામીનારાયણ ભગવાને છૂટક-છૂટક કુલ ૭ વર્ષ સુધી કચ્છમાં રહ્યા હતા. એ દરમ્યાન તેમણે ઘણાં માનવસેવાનાં કાર્યો કર્યાં હતાં. કચ્છમાંથી સિંધુ નદીના વહેણ બદલાઈ ગયા પછી સતત પાણીની ખેંચ રહેતી. માનવીઓ અને પશુઓને પાણી માટે વલખાં મારતાં જોઈ ભગવાન સ્વામીનારાયણે જાતે પાવડો લઈ તળાવ ખોદવાનું કાર્ય કરી કચ્છમાં અસંખ્ય તળાવ ખોદવા હરિભક્તોને પ્રેરણા આપી હતી. ઉપરાંત ઘણી બધી વાવો ખોદી હતી.

કચ્છમાં ખેતી સિવાય ખાસ ઉધમ હતો નહીં, દુકાળને કારણે બેરોજગારીમાં સબળતા લોકો વ્યસનોની નાગચૂડમાં ફસાઈ જતા. મદિરાપાન, તંબાકુ ઇત્યાદિના વ્યસનમાં ફસાયેલા લોકોને વ્યસનમુક્ત કરવા પ્રચંડ કાર્ય ભગવાને કચ્છમાં કર્યું હતું. ભગવાન સ્વામીનારાયણે જોયું કે કચ્છમાં અમુક જ્ઞાતિઓમાં દીકરીનો જન્મ શ્રાપિત મનાતો. પરંપરા અનુસાર મા-બાપ જાતે દીકરીને દૂધમાં ડુબાડી મૃત્યુ આપી દેતા. એને ‘દૂધપીતી’ પ્રથા કહેવાતી. આ ક્રૂર પ્રથા કચ્છમાં બંધ કરાવવા ભગવાન સ્વામીનારાયણે પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો.

સ્વચ્છતાના આગ્રહી ભગવાન સ્વામીનારાયણ શરીર અને ગામને સ્વચ્છ રાખવા લોકોને પ્રેરતા જેથી વિચાર અને વર્તન પણ સાત્વિક રહે. અમુક હિન્દુ જ્ઞાતિઓમાં પક્ષી ઇત્યાદિનો શિકાર કરી માંસાહાર કરવાની પ્રથા હતી. માંસાહારને તિલાંજલિ આપવા તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો. કચ્છની અમુક જ્ઞાતિઓમાં દહેજનું દૂષણ હતું. દહેજને કારણે સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બનતી. તેમણે દહેજ પ્રથાનો વિરોધ કરી પ્રથાને નાબૂદ કરાવી. સરવાળે કચ્છમાં ‘સમાજસુધારક ભગવાન શ્રી  સ્વામીનારાયણ’ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી.

સમગ્ર ભારતમાં વર્તમાને અંદાજે ૩૫૦૦ વ્યક્તિઓએ સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે, જેમાં સારા એવા એનઆરઆઇ પણ છે. આ સંતોમાં ઘણા લોકોએ ઉચ્ચ સ્તરનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. આ સંપ્રદાયમાં દીક્ષા પ્રાપ્ત કરનાર સંત કે સાધ્વીને શરૂઆતમાં પાંચ વર્ષ સુધી અંગ્રેજી, સંસ્કૃત અને તેમની મનગમતી કલાપ્રવૃત્તિઓ ફરજિયાત શીખવાની હોય છે જેથી તેમની આ શક્તિનો લાભ સમાજ આખાને મળી રહે અને સ્વ, સમાજ અને સંપ્રદાયનો વિકાસ થાય.

આજે કચ્છમાં ૧૫૦ જેટલાં સ્વામીનારાયણ મંદિરો છે. ઉપરાંત ૧૫ જેટલી ગુરુકુળ છે જ્યાં નાતજાતના ભેદભાવ વગર શિક્ષણ અપાય છે. દર વર્ષે સાડાસાત હજાર વિદ્યાર્થીઓને આ ગુરુકુળનો લાભ મળે છે. દેશભરમાં કુદરતી આફતો આવે ત્યારે આરએસએસના સ્વયંસેવકો તથા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભકતો અચૂક રાહતકાર્યો માટે મેદાનમાં ઊતરી પડે છે. ૧૯૫૬ અને ૨૦૦૧ના કચ્છના ધરતીકંપે જગતને સ્તબ્ધ કરી દીધેલું. ૨૦૦૧માં ભચાઉ હૉસ્પિટલમાં એક વૃદ્ધ બાપા ઇલાજ માટે દાખલ થયા. બીજા દિવસે સવારના તેમની ચાર દીકરીઓ અને જમાઈઓ હૉસ્પિટલમાં મળવા આવેલાં. બીમાર બાપાએ ચારે જમાઈને ચા-નાસ્તો કરી આવવા આગ્રહ કર્યો. ચારે જમાઈ ચા પીવા જેવા હૉસ્પિટલની બહાર નીકળ્યા કે ધરતી ધણધણી ઊઠી. ઇમારત તૂટી પડી, એમાં બાપા અને ચાર દીકરીઓ દબાઈને મૃત્યુ પામ્યાં. આખું ખાનદાન એક મિનિટમાં ખતમ થઈ ગયું. એકસાથે ચાર પુરુષો વિધુર બની ગયા! એ વખતે ભુજમાં એક જૈન સાધ્વી શ્રાવકના ઘરે વ્હોરાવવા ગયાં હતાં અને ધરતીકંપમાં કાળનો કોળિયો બની ગયાં. એ જ સમયે અંજારમાં એક પત્ની ધરતીકંપમાં તૂટી પડેલા મકાનના કાટમાળમાં દબાઈ ગઈ. નસીબજોગે ત્રીજા દિવસે પત્ની કાટમાળમાંથી જીવંત બહાર આવી. પત્નીને જીવંત જોઈ પતિને હર્ષાવેશમાં હાર્ટ અટૅક આવ્યો અને મૃત્યુ પામ્યો! અંજારમાં જ પ્રભાતફેરી માટે નીકળેલાં સેંકડો બાળકો તૂટી પડેલાં મકાનો નીચે કાળનો કોળિયો બની ગયાં. આવા તો કેટલાય કિસ્સાઓથી કચ્છ સ્તબ્ધ થઈ ગયું હતું ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તો રાહતકાર્ય માટે મેદાનમાં ઊતરી પડ્યા. ભુજ મંદિરમાં તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરાયું, ત્યાં નાતજાતના ભેદભાવ વગર સતત બે મહિના સુધી રોજના ૧૦,૦૦૦ માણસોને ભોજન પીરસાતું. આ તો ભુજ મંદિરની વાત થઈ, કચ્છના અન્ય મંદિરોમાં પણ રાહતકામ શરૂ થયું. જાન્યુઆરીની કડકડતી ઠંડીથી બચવા હંગામી મકાનોમાં લોકોને આશરો અપાયો. બે મહિના બાદ લોકો શ્રમથી પોતાનાં ઘરો બાંધે અને માનસિક આઘાતમાંથી બહાર આવે એ હેતુથી સિમેન્ટ, બ્લૉક્સ (ગજિયા),  પતરાં ઇત્યાદિ સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડી અસંખ્ય રહેઠાણો ઊભાં કરવામાં મદદ કરી. દુકાળનાં વર્ષોમાં પશુપાલકોને નાતજાતના ભેદભાવ વગર પશુઓ માટે હજારો ગાંસડીઓ ઘાસ વિનામૂલ્યે આપવામાં આવે છે. એક વાર ભગવાન સ્વામીનારાયણ ભચાઉમાંથી પસાર થતી વખતે ભૂટિયા તળાવ પાસે વિસામો ખાવા ઊભા હતા ત્યારે ભચાઉના જૈન શ્રાવક વાઘાશા નીસર અને તેમની બહેન રતનબા ખુથિયાએ ભગવાનને પોતાના ઘરે આવી થાળ આરોગવા આગ્રહ કર્યો. તેમની ભાવનાથી પ્રભાવિત થઈ સ્વામીનારાયણ ભગવાને ચોવીસ તીર્થંકરોનાં દર્શન તેમને કરાવ્યાં એટલે ભગવાનથી પ્રભાવિત થઈ તેઓ સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ થઈ ગયાં. આજ રીતથી સ્વામીનારાયણ ભગવાને વિવિધ ધર્મના અનુયાયીઓને પોતપોતાના ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી સ્વામીનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા જાગૃત કરી. પરિણામે લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, લુહાણા, જૈન, મુસ્લિમ ઇત્યાદિ જ્ઞાતિના ઘણા લોકો તેમના અનુયાયીઓ બન્યા. માનવતાની મહેક પ્રસરાવતા ઈશ્વર સમીપે લઈ જતા સ્વામીનારાયણ સંપ્રદાયની આછેરી જાણકારી માટે મદદ કરનાર ડૉ. સત્યપ્રસાદ સ્વામી તથા ફોર્ટના ભગવાનજીભાઈ ખુથિયાનો આભાર માની વિરમું છું.

જય સ્વામીનારાયણ.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 11:59 AM IST | Kutch | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK