Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છના પ્રવાસનનું અભિન્ન અંગ : કાળો ડુંગર

કચ્છના પ્રવાસનનું અભિન્ન અંગ : કાળો ડુંગર

25 February, 2020 02:21 PM IST | Kutch
Sunil Mankad | feedbackgmd@mid-day.com

કચ્છના પ્રવાસનનું અભિન્ન અંગ : કાળો ડુંગર

કાળો ડુંગર

કાળો ડુંગર


કચ્છમાં પ્રવાસન પરીકથાની જેમ વૃદ્ધિ પામતું જાય છે. સહેલાણીઓને કચ્છનાં રમણીય સ્થળો સાથે કચ્છની લોકસંસ્કૃતિના તાણાવાણા વધુ આકર્ષિત કરી શકે છે. કચ્છમાં ચોમાસા પછી શિયાળાની શરૂઆતથી જ પ્રવાસનની સીઝન શરૂ થઈ જાય છે અને એમાંય પહેલું નામ હોય છે ધોરડોના સફેદ રણનું, પરંતુ આજે આપણે વાત કરીશું એ જ માર્ગે આવેલા કાળા ડુંગરની. કાળો ડુંગર જોયા વગરની સફેદ રણની મજા અધૂરી જ લાગે. પાકિસ્તાનની પ‌શ્ચિમ ભારતની સરહદના સંત્રી સમો કાળો ડુંગર ઐતિહાસિક તો છે જ, પણ એ સાથે કચ્છની સંસ્કૃતિ સાથે પણ એટલો જ વણાયેલો છે.

કચ્છની ઉત્તર સરહદે ખાવડા પાસેના મોટા રણ વિસ્તારમાં ધ્રોબાણા ગામ નજીક ૪૬ર મીટર ઊંચા (૧પ૧૬ ફુટ) અને ૯૬૦ હેક્ટર વિસ્તારમાં પથરાઈને પડેલા કચ્છની ઓળખ સમા સૌથી ઊંચા અને પ્રખ્યાત કાળા ડુંગર પર પચ્છમાઈ પીર તરીકે જાણીતા ગુરુણામ ગુરુ દત્તાત્રેયજીનું પ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. સમગ્ર કચ્છના લોકોની શ્રદ્ધા અને આસ્થાનું એ પરમ ધામ છે. કચ્છના પાટનગર ભુજથી ૯૦ કિલોમીટર અને ખાવડાથી ર૦ કિલોમીટર દૂર આવેલો કાળો ડુંગર એ કચ્છના મોટા રણના પેનોરેમિક દૃશ્યને નિહાળવાનું એકમાત્ર શ્રેષ્ઠ સ્થળ છે.



કચ્છવાસીઓ માગશર સુદ ૧પના દિવસે ભગવાન દત્તાત્રેય જયંતીને દત્ત જયંતી તરીકે ધામધૂમથી ઊજવે છે. કાળા ડુંગર પર ભગવાન દત્તાત્રેયજીનાં બેસણાં છે. કાળા ડુંગર પર ભગવાન દત્તાત્રેયનું ૪૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. આજે પણ દેશી-વિદેશી તમામ પ્રવાસીઓ જેના સાક્ષી બની રહ્યા છે એ દૃશ્ય છે કાળા ડુંગર પરના લોંગ પ્રસાદનું. મંદિરના પૂજારી એક ચોક્કસ પથ્થર પર સંધ્યા આરતી બાદ ‘લોંગ... લોંગ...’ અવાજ કરી પ્રસાદ મૂકે છે ત્યારે જંગલી શિયાળોનું ઝુંડ એ પ્રસાદ આરોગવા આવે છે. ૪૦૦ વર્ષ જૂની આ પ્રથા આજે પણ જીવંત છે એની પાછળ એક કથા એવી છે કે દત્તાત્રેયજી જ્યારે પૃથ્વી પર ભ્રમણ કરતા હતા ત્યારે અહીં કાળા ડુંગર પર રોકાયા હતા. ત્યાં તેમણે ભૂખ્યાં જંગલી શિયાળોનું એક ઝુંડ જોયું. તેમણે એ ભૂખ્યાં શિયાળોને પોતાના શરીરને ખાવાનું કહ્યું અને જેવાં શિયાળો તેમના શરીરને ખાતાં ગયાં એમ-એમ તેમનું શરીર ફરીથી નવસર્જિત થતું ગયું. ત્યારથી ચાર સદીથી મંદિરના પૂજારી એ જગ્યાએ રાંધેલા ચોખાનો પ્રસાદ ખવડાવે છે. બીજી એક વાયકા એવી પણ છે કે કાળા ડુંગર પર રહેતો લખ ગુરુ નામનો એક માણસ ભગવાન દત્તાત્રેયની પૂજા-અર્ચના આ સ્થળે કરતો હતો. અહીંનાં જંગલી શિયાળોને ભોજન આપવાની અતૂટ આસ્થા હતી. એક દિવસ એવો આવ્યો કે તેની પાસે શિયાળોને આપવા માટે કોઈ ખોરાક રહ્યો નહીં એથી તેણે શિયાળોને પોતાનું એક-એક અંગ ખાવા આપ્યું. આપતી વખતે તે એવું બોલતો કે ‘લે... અંગ’. આ શબ્દ આજે પણ પરંપરા સાથે અપભ્રંશ થઈ ‘લોંગ’ બની ગયો છે.


devi

કેટલાક પ્રવાસીઓએ નોંધ્યું છે કે કાળો ડુંગર ઊતરતી વખતે ગાડીનું ઇગ્નિશન બંધ હોય તો પણ વાહનની ગતિ ૮૦ કિલોમીટર જેટલી ઝડપી હોય છે. આ માટે ગુજરાત ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલૉજિકલ રિસર્ચ-ગાંધીનગર અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી-કાનપુરે અભ્યાસ કર્યો છે. અન્ય કોઈ ઊંચા સ્થળથી ઊતરતી વખતે આટલી ગતિ ક્યારેય નોંધાઈ નથી એ વિષયે ચોક્કસ તારણ હજી સુધી શોધી શકાયું નથી. ક્યારેક એ જગ્યાએ વાહન અચાનક ઊલટી દિશામાં ખેંચાણ અનુભવે એવો પણ અનુભવ થાય છે. એ માટે નૅશનલ જ્યૉગ્રાફિક સાયન્સે એનો ટીવી-એપિસોડ પણ બનાવ્યો છે. જોકે એ ધરતી નીચેના ચૂંબકીય બળને કારણે હોવાનું પ્રાથમિક તારણ પણ છે.


કચ્છમાં ભૂકંપ આવ્યો એ વર્ષથી એટલે કે ર૦૦૧થી શ્રી દત્ત જયંતી ઉત્સવ સમિતિ તરફથી માગશર સુદ પૂનમના દિવસની ઉજવણી થાય છે. આ વર્ષે ૧૯મો દત્તોત્સવ ઊજવાયો ત્યારે  ભુજથી કાળો ડુંગર સાઇકલ-યાત્રા ૧૦ દિવસ પહેલાં શરૂ કરાઈ હતી. દર વર્ષની જેમ ઉત્સવના પહેલા દિવસે વહેલી સવારના સાડાછ વાગ્યે ભુજથી કાળો ડુંગર જવા પદયાત્રીઓ રવાના થયા હતા. વચ્ચે આવતાં નિરોણા સહિતનાં ગામોથી પદયાત્રીઓ જોડાતા જાય અને કાળો ડુંગર પહોંચતા સુધીમાં લગભગ રપ૦ પદયાત્રીઓ થઈ જાય છે. બીજા દિવસે સાંજે પદયાત્રીઓ કાળો ડુંગર પહોંચી જાય છે.    ઉત્સવના દિવસે દત્તાત્રેય મંદિરે યજ્ઞ કરી ધજા ચડાવવામાં આવે છે. ધાર્મિક વિધિઓ, ધર્મસભા અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમોથી આખા દિવસ દરમ્યાન ઉજવણી થાય છે.

ભાદરવા સુદ અગિયારસના પણ અહીં વાર્ષિક મેળો યોજાય છે. મોટી સંખ્યામાં લોકો એ ‘પચ્છમાઈ પીર’ના મેળાને માણવા-મહાલવા ઊમટી પડે છે. એ દિવસે પણ જ્યારે ભાવિકો ગુરુ દત્તાત્રેયને પેડી કરે છે અને પૂજારી ઝાલર વગાડી ‘લોંગ... લોંગ...’ સાદ કરી શિયાળને પ્રસાદી આરોગવા બોલાવે છે ત્યારે શિયાળોનો સમૂહ પ્રસાદી લેવા કાળા ડુંગર પર મંદિર નજીક ચોક્કસ ઓટલા સુધી આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2020 02:21 PM IST | Kutch | Sunil Mankad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK