Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કાલા પત્થર : આત્મા અને ખાણના અંધકારનો અપરાધબોધ

કાલા પત્થર : આત્મા અને ખાણના અંધકારનો અપરાધબોધ

08 February, 2020 12:44 PM IST | Mumbai
Raj Goswami

કાલા પત્થર : આત્મા અને ખાણના અંધકારનો અપરાધબોધ

કાલા પત્થર

કાલા પત્થર


બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

ભારતમાં હૉલીવુડની તર્જ પર મનોવૈજ્ઞાનિક ફિલ્મો ઓછી બની છે. જે બની છે એ ભૂત-પ્રેત અને ડ્રામાબાજી-તમાશાથી ભરપૂર મસાલા-ફિલ્મો છે, પણ જેને ‘શુદ્ધ’ રીતે માનસિક ગ્રંથિઓવાળી ફિલ્મ કહેવાય કે જે વ્યક્તિ અને તેની આજુબાજુના જીવનને પ્રભાવિત કરે એવી બહુ ઓછી છે. અમિતાભ બચ્ચન-યશ ચોપડાની ‘કાલા પત્થર’ (૧૯૭૯) આવી જ એક અન્ડર-રેટેડ ફિલ્મ છે. ‘કાલા પત્થર’માં બે અંધકારની વાત હતી; એક, એના નાયક વિજયપાલ સિંહ (અમિતાભ)ની જેના માથા પર મર્ચન્ટ નેવીના બીકણ-બાયલા કૅપ્ટનનું કલંક છે અને જે અપરાધબોધ તળે તેનો આત્મા પથ્થર બની ગયો છે અને બે, કોલસા-પથ્થરોની એ ખાણો જેમાં મૂડીવાદી માલિક ધનરાજપુરી (પ્રેમ ચોપડા)ની શોષણ-વ્યવસ્થાને કારણે કામદારો મરી જઈને પથ્થર બની જાય છે. ફિલ્મ ઘણી ‘ડાર્ક’ હતી એટલે અમુક દર્શકોને નહીં ગમી હોય, પણ આજે એ હિન્દી સિનેમાના ઇતિહાસમાં એક ક્લાસિક તરીકે ગણાય છે.



‘કાલા પત્થર’માં અમિતાભના વિજયનો એક અંગ્રેજી સંવાદ છે, ‘પેઇન ઇઝ માય ડેસ્ટની ઍન્ડ આઇ કૅન નૉટ અવૉઇડ ઇટ (પીડા એ મારું નસીબ છે અને હું એને ટાળી નથી શકતો). વિજય કૅપ્ટન છે અને એક ડૂબતા જહાજમાં પ્રવાસીઓને બચાવવાને બદલે ખુદ પાણીમાં કૂદીને જીવ બચાવી લે છે. તેને કોર્ટ-માર્શલ કરવામાં આવે છે અને તેના સ્ટાર્સ છીનવી લેવામાં આવે છે. લોકો તેને ધક્કે ચડાવે છે અને તેનો હુરિયો બોલાવે છે. તેનાં માતા-પિતા તેને ત્યજી દે છે. વિજય પર આ અપમાનની એટલી ખરાબ અસર થાય છે કે તે ઘર છોડીને રખડતો-ભટકતો કોલસાની ખાણમાં ગુમનામ જિંદગી ગુજારે છે, જ્યાં તે અવારનવાર ઊંઘમાં ઝબકીને જાગી જાય છે અને અપરાધની પીડામાં જોરથી ચીસો પાડવા માંડે છે. જહાજના પ્રવાસીઓને નહીં બચાવી શકવાના આ અપરાધબોધમાં તે ખાણ-કામદારોની જિંદગી બચાવવા માટે ખુદને પીડામાં ધકેલી દે છે (પેઇન ઇઝ માય ડેસ્ટની ઍન્ડ આઇ કૅન નૉટ અવૉઇડ ઇટ). જ્યારે પણ દુર્ઘટનાની સાયરન વાગે ત્યારે અંધારી ખાણમાં ઊતરનારો વિજય પહેલો હોય છે.


‘કાલા પત્થર’ સૌથી મોટી મલ્ટિ-સ્ટારર ફિલ્મ હતી. બધાએ અત્યંત ખૂબસૂરત અભિનય કર્યો હતો. શત્રુઘ્ન સિંહા (જેને અસલી જીવનમાં પણ અમિતાભ સામે બહુ વાંધા હતા)એ વિજયપાલ સિંહના હરીફ મંગલ સિંહ (એ પણ તેના ભૂતકાળથી પીછો છોડાવતો એક શેરદિલ ઇન્સાન છે) તરીકે એટલા જ જોશથી ટક્કર આપી હતી. એક ઇન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું, ‘અમારી વચ્ચેથી બધી સાહજિકતા જતી રહી હતી. અમને એટલી જ ખબર હતી કે કોણે કોને કેટલા મુક્કા મારવાના છે. મને લાગે છે કે અમારી દોસ્તીના કૉફિન પર ‘કાલા પત્થરે’ છેલ્લો ખીલો ઠોક્યો હતો. હું આ ફિલ્મ કરું એની સામે તેને વાંધો હતો અને હું તેની ઇચ્છા વિરુદ્ધ એ ફિલ્મમાં હતો.

પોતાના અવાજ અને ડાયલૉગ-ડિલિવરી માટે જાણીતો અમિતાભ બચ્ચન ચૂપ રહીને પણ કેવી રીતે અંદરનો લાવા ઊકળતો બતાવી શકે એનું ‘કાલા પત્થર’ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમિતાભે પોતે ફિલ્મોમાં આવતાં પહેલાં કલકત્તાની બર્ડ ઍન્ડ કંપનીના ખાણ વિભાગમાં નોકરી કરી હતી અને (આજના ઝારખંડમાં) ખાણ પ્રદેશમાં જઈને ત્યાંની પ્રક્રિયા શીખ્યો હતો. ‘કાલા પત્થર’ બનતી હતી ત્યારે અમિતાભે ઘણા ઇન-પુટ્સ આપ્યા હતા. એનાથી ખાણના મજૂરો કેવી દયનીય સ્થિતિમાં કામ કરે છે એનો સસામાજિક-આર્થિક સંદેશ બહુ પ્રભાવશાળી રીતે ફિલ્મમાં ચિત્રિત થયો હતો.


અમિતાભ બચ્ચન એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મેં મારા કામ દરમ્યાન દુર્ઘટના પણ જોઈ હતી. મેં એમાં માણસોના વિચિત્ર ભાવ જોયા હતા. કોઈની છાતી પર પથ્થર પડ્યો હતો, તો કોઈનો હાથ દબાયેલો હતો અને જ્યારે મદદ આવી ત્યારે જેની છાતી પથ્થર નીચે દબાયેલી હતી તે કહેતો હતો, ‘ઉનકો બચા લો, મૈં તો બચનેવાલા નહીં હૂં.’ આખું ગામ ખાણના મોઢા પાસે આવીને એકદમ ખામોશ થઈને ઊભું રહેતું. કોઈ એક શબ્દ ન બોલે. એ અજીબ અનુભવ હતો, કારણ કે એક તરફ વિસ્ફોટ થતા હોય અને બીજી તરફ આ ખામોશી. બધાને ખબર હતી કે મોત થવાનાં છે. એ લોકો રજિસ્ટરનાં પાનાં ઊથલાવીને તપાસતા કે કોના ઘરમાંથી કોણ અંદર છે.’

વર્ષો પછી ૨૦૧૭માં રાહુલ ધોળકિયાએ અમદાવાદના બૂટલેગર-ડૉન અબ્દુલ વહાબ લતીફ પર ફિલ્મ બનાવી ત્યારે તેમણે લતીફને ગરીબોના બેલી તરીકે પેશ કરવા માટે ‘કાલા પત્થર’નો સહારો લીધો હતો. રઈસ (શાહરુખ ખાન) અમદાવાદના ડ્રાઇવ-ઇન સિનેમામાં ‘કાલા પત્થર’નું એ દૃશ્ય જોતો હોય છે, જેમાં વિજયપાલ શેઠ ધનરાજપુરીનો ઊધડો લેતો હોય અને ત્યારે જ એક મિલમાલિકને રઈસની કારની વિન્ડો પાસે લાવવામાં આવે છે અને રઈસ તેને ચીમકી આપે છે કે તું

મિલ-મઝદૂરોના હકકની કમાણી આપી દે. પડદા પર વિજય ધનરાજને કહેતો હોય છે, ‘યે કોયલે કી ખાન એક અજગર હૈ, જો રોજ અનગિનત મઝદૂરોં કો નિગલતા હૈ ઔર ઉન્હેં ચબા કે, પીસ કે, કુચલ કે ઉનકે જિસ્મોં સે ઝિંદગી કા એક એક કતરા ચૂસકર એક લાશ કી સૂરત મેં ઉન્હેં વાપસ ઊગલ દેતા હૈ.’

kaala-patthar

ફિલ્મમાં વિજયપાલ સિંહનું પાત્ર અંગ્રેજી ભાષાના મહાન નવલકથાકાર જોસેફ કોન્રાડ (૧૮૫૭-૧૯૨૪)ની ‘લૉર્ડ જિમ’ (૧૯૦૦) નવલકથાના બ્રિટિશ નાવિક જિમ પરથી આવ્યું હતું. નવલકથામાં જિમ એક ડૂબતા જહાજને ત્યજીને ખુદ પાણીમાં કૂદી પડે છે અને પછી તેને તેની આ કાયરતા બદલ જાહેરમાં અપરાધી ઠેરવવામાં આવે છે. જિમ પછી તેની આ બેઇજ્જતીને ધોવા માટે પ્રયાસ કરે છે. ‘કાલા પત્થર’ શીર્ષક જોસેફ કોન્રાડની બીજી એક નવલકથા ‘હાર્ટ ઓઑફ ડાર્કનેસ’ (૧૮૯૯) પરથી આવ્યું હતું. એમાં માર્લો નામના એક જહાજી કૅપ્ટનના સાહસની વાર્તા હતી જે લંડનથી શરૂ કરીને કૉન્ગો-આફ્રિકાના હાથીદાંતના એક વેપારીને મળવા જાય છે.

‘કાલા પત્થર’નો કલાઇમૅક્સ હૉલીવુડની લોકપ્રિય ડિઝૅસ્ટર ફિલ્મ ‘ટાવરિંગ ઇન્ફર્નો’ (૧૯૭૪) પરથી પ્રેરિત હતો, જેમાં ૧૩૮ માળની ઇમારતમાં ઉદ્ઘાટનના દિવસે જ પ્રચંડ આગ લાગે છે (આ જ થીમ પરથી ૧૯૮૦માં બી. આર. ચોપડાએ દિલ્હીથી મુંબઈ વચ્ચે દોડનારી ‘સુપર એક્સપ્રેસ’ ટ્રેનમાં ઉદ્ઘાટનના દિવસે જ આગ લાગે છે). ‘કાલા પત્થર’માં કલાઇમૅક્સ ખાણમાં પાણી ભરાઈ જાય છે અને વિજયપાલ, મંગલ (શત્રુઘ્ન સિંહા) અને રવિ મલ્હોત્રા (શશી કપૂર) ખાણિયાઓને બચાવવા અંદર ઊતરે છે.

‘કાલા પત્થર’ આવી એનાં ૨૦ વર્ષ પહેલાં આપણે જેમને કૉમેડિયન તરીકે યાદ કરીએ છીએ તે કમ્યુનિસ્ટ બુદ્ધિજીવી ઉત્પલ દત્તે ‘અંગાર’ (૧૯૫૯) નામનું નાટક બનાવેલું. કલકત્તામાં ભજવાયેલા આ નાટકમાં નીચે ખાણમાં ખાણિયાઓ જીવ ગુમાવી રહ્યા હોય અને ઉપર જમીન પર રાજકારણીઓ અફલાતૂન નિવેદન કરી રહ્યા હોય એવું ક્લાઇમૅક્સ દૃશ્ય હતું. આ નાટક સત્યકથા પર આધારિત હતું. કલકત્તાના આસનસોલમાં બેંગાલ કોલ કંપની લિમિટેડની ચીનાકુરી ખાણમાં ૧૯૫૮ની ૨૨ ફેબ્રુઆરીએ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી જેમાં ૧૮૨ ખાણિયાઓ મરી ગયા હતા.

આ દુર્ઘટનાના હૃદયદ્રાવક અહેવાલો એ વખતે મુંબઈથી પ્રગટ થતા રુસ્તમજી ખુરશેદજી કરંજિયાના મારફાડ ‘બ્લિટ્ઝ’ સાપ્તાહિકમાં આવતા હતા અને એના પરથી આખા દેશનું ધ્યાન ખાણમાં કામ કરતા મજૂરોના શોષણ તરફ ખેંચાયેલું. આ અહેવાલ વાંચીને ઉત્પલ દત્તનો સામ્યવાદી આત્મા કકળી ઊઠેલો અને એમાંથી તેમણે ‘અંગાર’ની પટકથા લખી હતી. અમિતાભ બચ્ચને આ નાટક જોયું હતું. એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, ‘હું યુનિવર્સિટીમાં હતો ત્યારે ઉત્પલ દત્તનું ‘અંગાર’ જોવાનો મોકો મળેલો. નોંધપાત્ર નાટક હતું એ. તપન સિંહાના લાઇટનિંગને કારણે ખાણમાં પૂર આવવાનું અને દુર્ઘટના સર્જાવાનું દૃશ્ય નોંધપાત્ર હતું.’

‘કાલા પત્થર’ આ નાટકથી પ્રેરિત હતું? શક્ય છે, પણ અધિકૃત રીતે એવું કહેવાય છે કે ‘કાલા પત્થર’ ૧૯૭૫માં આજના ઝારખંડમાં ધનબાદસ્થિત ચાસનાલા કોલસા ખાણ દુર્ઘટના આધારિત હતું. ૧૯૭૫ની ૨૭ ડિસેમ્બરે ખાણમાં ધડાકા સાથે પૂર આવ્યાં હતાં. ભારતની આ સૌથી મોટી ખાણ-દુર્ઘટના હતી જેમાં ૩૮૦ લોકો માર્યા ગયા હતા. શક્ય છે કે ‘અંગાર’ નાટક અને ધનબાદની ઘટના બન્ને ‘કાલા પત્થર’ માટે પ્રેરણારૂપ બન્યાં હોય.

એક આડ, પણ મહત્ત્વની વાત. ‘બ્લિટ્ઝ’ સાપ્તાહિક માટે ચીનાકુરી ખાણની દુર્ઘટનાનું રિપોર્ટિંગ પહેલી ગુજરાતી મહિલા પત્રકાર વિદ્યા મુનશીએ કર્યું હતું. વિદ્યા મુનશી મુંબઈમાં જન્મેલાં અને ૧૯૩૮માં ડૉક્ટર બનવા લંડન ગયેલાં. ૧૯૪૨માં પાછાં આવીને સીપીઆઇનાં કાર્યકર બની ગયાં અને કલકત્તાના ‘ધ સ્ટુડન્ટ’ નામની પત્રિકાના એડિટર સુનીલ મુનશીને પરણી ગયાં. વિદ્યાએ એને યાદ કરતાં કહેલું કે ‘હું તો જન્મે ગુજરાતી, બંગાળી મને આવડે નહીં. ‘ધ સ્ટુડન્ટ’માં હું રિપોર્ટિંગ કરતી હતી. એવામાં ‘ચાલાર પાથે’ નામના બંગાળી પત્રનું સંપાદન કરવાની જવાબદારી આવી. તંત્રીને ભાષા ન આવડતી હોય તો ચાલે? હું એમાં જ બંગાળી શીખી ગઈ.’

તેઓ ‘બ્લિટ્ઝ’ સાપ્તાહિક માટે કલકત્તાથી લખતાં હતાં અને એમાં જ ચાસનાલા કોલસા ખાણ દુર્ઘટનાનું સાહસિક રિપોર્ટિંગ કર્યું હતું, જે ઉત્પલ દત્તના ‘અંગાર’નો આધાર બન્યું. ૯૪ વર્ષની વયે ૨૦૧૪માં કલકત્તામાં તેમનું અવસાન થયું.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2020 12:44 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK