Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નળનું પાણી તો અપવિત્ર છે એમ કહીને મુંબઈમાં એનો વિરોધ થયેલો

નળનું પાણી તો અપવિત્ર છે એમ કહીને મુંબઈમાં એનો વિરોધ થયેલો

06 February, 2021 03:58 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

નળનું પાણી તો અપવિત્ર છે એમ કહીને મુંબઈમાં એનો વિરોધ થયેલો

મેટ્રો સિનેમા સામેનો પિયાવો

મેટ્રો સિનેમા સામેનો પિયાવો


ભારી બેડાં ને હું તો નાજુકડી નાર,
કેમ કરી પાણીડાં ભરાય રે,
ભમ્મરિયા કૂવાને કાંઠડે
૧૯૨૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પ્રભુલાલ દ્વિવેદીનું ‘સત્તાનો મદ’ નાટક પહેલી વાર ભજવાયું ત્યારે આ ગીતને સાત વન્સમોર મળેલા. પાછળથી એની ગ્રામોફોન રેકૉર્ડ બહાર પડી ત્યારે એની હજારો નકલ વેચાયેલી એમ કહેવાય છે, પણ આજની યુવાન મુંબઈગરા પેઢીને આ ગીત સંભળાવીએ તો મોટે ભાગે પૂછે કે ‘કૂવો’ એટલે શું? પાણી તો નળ ખોલો કે તરત આવે, બેડાં લઈને કૂવેથી ભરી લાવવાની શી જરૂર? કારણ કે આજે આપણા શહેરમાં કૂવા ભાગ્યે જ જોવા મળે. પણ જ્યારે મુંબઈના સાત ટાપુઓ અલગ હતા ત્યારે તો રડ્યાખડ્યા કૂવા સિવાય પીવાનું પાણી બીજે કશેથી મળે એમ નહોતું. સાત ટાપુ જોડાયા પછી પણ એની ત્રણ બાજુ તો હતાં દરિયાનાં ખારાં પાણી. નદી તો એકે હતી નહીં. ૧૮૬૫માં મુંબઈનો કિલ્લો તોડી પડાયો પછી તો મુંબઈની વસ્તી ઝડપથી વધવા લાગી અને એટલે પાણીની તંગી વધવા લાગી. એમાં વળી ઈ. સ. ૧૮૦૦માં મુંબઈમાં દુકાળ પડ્યો. ત્યારે જમશેદજી જીજીભાઈ, ફરામજી કાવસજી બનાજી જેવા દાનવીરોએ લોકો માટે નવા કૂવા બંધાવ્યા. જમીનમાં મોટા ખાડા ખોદીને એમાં વરસાદનું પાણી સંઘરવાના પ્રયોગો પણ થયા. પણ આમાંનું કશું મુંબઈની કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તીની પાણીની જરૂરિયાતને પહોંચી શકે એમ નહોતું.
એટલે શહેરમાં મોટાં તળાવ ખોદાવવાનું શરૂ થયું. આવું પહેલું તળાવ ખોદાવ્યું કાવસજી રૂસ્તમજી પટેલે, ગિરગામ વિસ્તારની નજીક. આજે ત્યાં તળાવ નથી, તળાવનું પાણી નથી છતાં લોકો એ વિસ્તારને સી. પી. ટૅન્ક તરીકે જ ઓળખે છે. બીજું મોટું તળાવ ૧૮૩૧માં બંધાવ્યું ફરામજી કાવસજીએ. એ વખતના એસ્પ્લેનેડ રોડને નાકે આવેલું એ તળાવ પછીથી ધોબીઓ કપડાં ધોવા માટે વાપરતા એટલે લોકજીભે એનું નામ ચડ્યું એ ધોબી તળાવ. સી. પી. ટૅન્કની જેમ આ તળાવનું પણ આજે નામોનિશાન રહ્યું નથી. ફક્ત મેટ્રો સિનેમાની સામે એક તકતી સચવાઈ રહી છે. પછી ગ્રાન્ટ મેડિકલ કૉલેજ પાસે બાબુલા ટૅન્ક બંધાયું. તો પૂતળીબાઈ નામની મુંબાદેવીની એક ભક્તાણીએ એ મંદિર પાસે તળાવ બંધાવ્યું. બાણગંગાનું તળાવ તો મુંબઈનું સૌથી જૂનું તળાવ. એને વિશેની વિગતવાર વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. ગોવાળિયા તળાવ વિશે પણ એવી જ રીતે વાત અગાઉ કરી છે. નૌપાડા વિસ્તારના એક તવંગર કોંકણી સખાવતીએ વાંદરાનું તળાવ બંધાવ્યું. આ ઉપરાંતનાં મોટાં તળાવ એ ખારા તળાવ, દોન ટાંકી, અને નવાબ તળાવ.
૧૮૪૫માં મુંબઈના લોકો પાણીની તંગીથી વાજ આવી ગયા અને રસ્તા પર ઊતરી આવ્યા અને આખો દિવસ દેખાવો કર્યા. એટલે પાણી મેળવવા માટે બીજા શા ઉપાય કરી શકાય એ વિશે વિચાર કરવા માટે સરકારે એક સમિતિ બનાવી. એ સમિતિએ મુંબઈથી દૂર આવેલી મીઠી નદી પાસે વિહાર નામના ગામડા પાસે બંધ બાંધીને તળાવમાં પાણી સંઘરવાની ભલામણ કરી. ૧૮૫૦માં આ અહેવાલને આધારે વિહાર તળાવ બાંધવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર ક્રૉફર્ડે સરકારને મોકલી. એ સ્વીકારાતાં ૧૮૫૬ના જાન્યુઆરીમાં એનું કામ શરૂ થયું અને ૧૮૬૦માં પૂરું થયું.
૧૮૪૬માં ફરી પાણીની તંગી ઊભી થઈ ત્યારે ફરામજી કાવસજીએ પોતાના બંગલોના બગીચામાં ત્રણ કૂવા ખોદાવ્યા અને સ્ટીમ એન્જિનની મદદથી આસપાસના લોકોને પાણી પૂરું પાડ્યું. ૧૮૫૬માં શહેરમાં દુકાળ પડ્યો ત્યારે બધાં ઢોરઢાંખરને માહિમ કે એથી દૂર ખસેડવાનો હુકમ બહાર પાડ્યો જેથી શહેરનું પાણી બચે. ત્યારે ફરામજી કાવસજી તળાવમાંથી પાણી ભરવા માટે હજારો લોકો એસ્પ્લેનેડ રોડ (આજનો મહાત્મા ગાંધી રોડ) પર કલાકો સુધી લાઇન લગાવીને ઊભા રહેતા. તો બોરી બંદર, ચિંચબંદર, ડોંગરી જેવા વિસ્તારોના કૂવામાં ઠાલવવા માટે સરકાર હજારો પીપડાંમાં ભરીને દૂર-દૂરથી પાણી લાવતી હતી.
વિહાર તળાવનું કામ પૂરું થતાં મુંબઈના લોકોને ઘેર-ઘેર પાઇપ વાટે પાણી પહોંચાડવાનું શરૂ થયું. વિહારના બંધથી શહેર સુધી ૩૨ સેન્ટિમીટરના વ્યાસવાળી પાઇપલાઇન નખાઈ જે વરસે ૩૨ લાખ લિટર પાણી શહેરને પૂરું પાડવા લાગી. ૧૮૭૨માં બંધની ઊંચાઈ વધારવામાં આવી અને બીજી એક પાઇપલાઇન નાખ્યા પછી શહેરને વધારાનું ૩૭ લાખ લિટર પાણી મળવા લાગ્યું. પછી તો વખત જતાં નવી-નવી યોજનાઓ થતી ગઈ. ૧૮૭૯માં તુલસી તળાવ, ૧૮૯૨માં તાનસા તળાવ, ૧૯૫૭માં વૈતરણા નદી પરનો બંધ, એક પછી એક નામો ઉમેરાતાં ગયાં.

pani-02



પાણી વેચતો ભિસ્તી
અલબત્ત, રૂઢિચુસ્ત લોકોએ શરૂઆતમાં નળનું પાણી તો અપવિત્ર છે એમ કહીને એનો વિરોધ કરેલો. ૧૮૬૩માં કવીશ્વર દલપતરામે મુંબઈની બીજી મુલાકાત લીધી ત્યારે ઘરોમાં નળનું પાણી વપરાતું જોયું હતું. બુદ્ધિપ્રકાશ માસિકના ૧૮૬૩ના ઑગસ્ટ અંકમાં પ્રગટ થયેલા લેખમાં દલપતરામ લખે છે : ‘પાણીના નળ ઘેર-ઘેર ચોથા માળ સુધી અને પાંચમા માળ સુધી ચડાવેલા છે. મુંબઈમાં ભાલ દેશના કરતાં પણ પાણીનું દુઃખ ઘણું હતું, ત્યાં હાલ પાણીનું પરમ સુખ થયું છે. ચોથા વર્ષ ઉપર નળનું પાણી મુંબઈમાં આવતું હતું, પણ બ્રાહ્મણ-વાણિયા કહેતા કે એ પાણી અમે કદાપિ પીતા નથી. એમ કહીને તે પાણીનું ભ્રષ્ટાચારપણું ઘણું બતાવતા હતા તેઓ હાલમાં હરેક પ્રકારે એ પાણીમાં કંઈ પણ બાધ નથી એવી વાતો કરે છે. વડનગરા નાગરોને અમે પૂછ્યું કે તમે આ પાણી પીઓ છો કે નહીં? ત્યારે એકે કહ્યું કે છાની રીતે પીએ છીએ. ત્યારે બીજાએ કહ્યું કે હવે છાની રીતે શા વાસ્તે? અમે તો ઉઘાડે છોગે પીએ છીએ. એ પાણીમાં શો બાધ છે?


pani-01

અને છતાં દાયકાઓ સુધી મુંબઈનાં ઘણાં ઘરોમાં નહાવા-ધોવા માટે જ નળનું પાણી વપરાતું. પીવા માટે તો કૂવાનું પાણી જ મગાવતા. સફેદ સદરો પહેરેલા ભૈયાજી. સદરો એવી રીતે પહેરેલો કે ખભા પરની જનોઈ થોડી દેખાય. ખભે લાલ ગમછો. તેમના ગાડામાં લાકડાનું મોટું પીપડું. પાછળ નળ. નળ પર સફેદ માદરપાટનું ગરણું બાંધેલું. ભૈયાજી નળ નીચે પોતાનો ચકચકતો હાંડો ધરે. નળ ઉઘાડીને હાંડો ભરે. રોજના ઘરાકને ત્યાં લઈ જાય. ‘જય સિયારામ’ બોલીને તેના ઘરના માટલામાં પાણી ઠાલવે. ઘરમાં પીવા માટે અને રસોઈ માટે આ પાણી જ વપરાય, નળનું પાણી નહીં. પાણી લઈને ભિસ્તીઓ પણ ત્યારે મુંબઈના રસ્તા પર ફરતા. પણ તેમની મશક તો ચામડાની બનેલી એટલે તેમનું પાણી રૂઢિચુસ્તોને તો ન જ ખપે. ‘બીજા વરણ’ના લોકો એ પાણી વાપરે.
દક્ષિણ મુંબઈમાં પાણી પૂરું પાડવા માટે મલબાર હિલ પર મોટું તળાવ (રેઝર્વોયર) બાંધવામાં આવ્યું. આ જગ્યા ઊંચાણમાં હોવાને કારણે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે દક્ષિણ મુંબઈનાં ચાર-પાંચ માળનાં મકાનોમાં પણ પાણી સહેલાઈથી પહોંચતું. ક્યાંય બૂસ્ટર પમ્પ બેસાડવાની જરૂર ન પડતી. અલબત્ત, આખો દિવસ પાણી આવતું નહીં. સવાર-સાંજ કલાક-અડધો કલાક આવે ત્યારે દરેક ઘરમાં જરૂરી પાણી ભરી લેતા. પહેલાં તો આ રેઝર્વોયર ઉપરથી ખુલ્લું હતું. તેથી એમાં જાતભાતનો કચરો પડતો અને પાણી દૂષિત થતું. આમ ન થાય એ માટે રેઝર્વોયરને ઉપરથી બંધ કરવાનું ઠરાવ્યું. પણ મોટાં-મોટાં ઢાકણાંથી ઢાંકવાને બદલે એના પર સરસ મજાનો બગીચો બનાવ્યો, જેને લોકો હૅન્ગિંગ ગાર્ડન તરીકે ઓળખવા લાગ્યા. એનું સત્તાવાર નામ છે સર ફિરોઝશાહ મહેતા ગાર્ડન. પછી તો એની સામે ડુંગરની ધાર પર કમલા નેહરુ ગાર્ડન પણ બન્યું. આ બન્ને બગીચા આજ સુધી મુંબઈગરાઓ માટે અને મુલાકાતીઓ માટે આકર્ષણરૂપ બની રહ્યા છે.
સ્કૂલ, કૉલેજ કે ઑફિસમાં જતી દરેક વ્યક્તિ આજે પોતાની સાથે પીવાનું પાણી રાખે છે અથવા પ્લાસ્ટિકની બાટલીમાં વેચાતું મિનરલ વૉટર રસ્તામાંથી ખરીદી લે છે, પણ ૧૯મી સદીમાં તો આ રીતે પીવાનું પાણી વેચવાનો કોઈને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. પણ બે પાંદડે સુખી લોકો મા-બાપ કે બીજા કોઈ કુટુંબીની યાદમાં શહેરમાં પાણીના ‘પિયાવા’ બંધાવતા જ્યાં હર કોઈ માણસ પોતાની તરસ છિપાવી શકતો. ૧૮૬૫થી ૧૯૪૩ સુધી શહેર ઉપરાંત દાદર અને શિવ (સાયન) સુધી આવા પિયાવા બંધાતા રહ્યા જ્યાં નળનું પાણી હરકોઈને પીવા મળતું. એક નોંધવા જેવી વાત એ છે કે આ ‘પિયાવો’ શબ્દ મરાઠી ભાષાનો નથી. મરાઠી શબ્દ તો છે પાણપોઈ. પિયાવો શબ્દ ગુજરાતીનો છે, કારણ કે મોટે ભાગે આ પિયાવા હિન્દુ અને પારસી ગુજરાતીઓએ બંધાવ્યા છે. આવા પિયાવા મોટે ભાગે ધોરી રસ્તાઓ પર, ટ્રામના રૂટ પર, બજારોની આજુબાજુ અને જ્યાં લોકોની અવરજવર વધુ હોય એવી જગ્યાએ બંધાવતા. ઘણા પિયાવાની સાથે બે ઘડી બેસીને આરામ કરી શકાય એવી વ્યવસ્થા પણ રાખતા. અને આ પિયાવા એટલે થાંભલા પર એક-બે નળ ખોડી દેવા એમ નહીં, સ્થાપત્યની દૃષ્ટિએ એ ભલે નાનકડી હોય તોય એ ઇમારતને જુદી-જુદી રીતે સુશોભિત કરતા. ઘણાખરા પિયાવા પર દાનવીરનાં નામની તખ્તી પણ ચોડાતી. ફળ-ફૂલની ડિઝાઇન ઉપરાંત સિંહ કે ગાયનાં મુખ, નાના ઘુમ્મટ કે છત્રી વગેરે વડે પિયાવાને સુશોભિત કરતા. આવા પિયાવા બાંધવામાં પારસીઓનો મોટો ફાળો. એકલા સર કાવસજી જહાંગીરે જુદી-જુદી જગ્યાએ ૪૦ જેટલા પિયાવા બંધાવ્યા હતા. એવી જ રીતે ફરદુનજી જીજીભાઈ અને જમશેદજી જીજીભાઈએ પણ મોટી સંખ્યામાં પિયાવા બંધાવ્યા હતા. બીજું કશું ન કરી શકે તો કેટલાક લોકો પોતાના બંગલોની દીવાલની બહારની બાજુએ લોકો માટે એક-બે નળ મુકાવતા. આ બધા જ પિયાવા સાર્વજનિક હતા. ન્યાતજાત કે ધર્મના કશા ભેદભાવ વગર બધા જ લોકો ત્યાં પાણી પી શકતા. જેમ માણસો માટે નળવાળા પિયાવા બંધાતા એમ ઢોરો માટે, ખાસ કરીને ગાડીએ જોડાતા ઘોડા માટે, પણ પિયાવા બંધાવેલા. એમાં યોગ્ય ઊંચાઈએ નાના હવાડામાં સતત પાણી રહે એવી વ્યવસ્થા થતી.
બદલાતા સમય અને જરૂરિયાતો પ્રમાણે વખત જતાં આવા પિયાવાની ઉપયોગિતા ઘટવા લાગી. નવા બાંધકામ વખતે ઘણા તોડી પડાયા તો ઘણા બિસમાર હાલતમાં માંડ-માંડ ટકી રહ્યા. પણ છેલ્લાં થોડાં વર્ષોમાં આ પિયાવા એ પણ શહેરની સાંસ્કૃતિક સંપત્તિનો ભાગ છે એ સમજાયું છે અને એટલે જરૂરી સમારકામ કરીને ઘણા પિયાવાને સજીવન કર્યા છે. પણ કૂવા અને તળાવો તો ગયાં તે ગયાં. ૧૯મી સદીના છેલ્લા દાયકામાં પ્લેગની મહામારીએ મુંબઈને ધમરોળ્યું પછી લાગ્યું કે કૂવા-તળાવની ગંદકી શહેરમાં રોગચાળો ફેલાવે છે. વળી ત્યાં સુધીમાં લોકોની પાણીની જરૂરિયાત તો નળના પાણીથી સંતોષાતી હતી. કૂવા-તળાવ તો મોટે ભાગે ઢોરઢાંખર માટે વપરાતાં થયાં હતાં. એટલે એક પછી એક તળાવ અને કૂવા બંધ થયાં. પહેલાંનાં દસેક મોટાં તળાવોમાંથી આજે ફક્ત બે જ બચ્યાં છે : બાણગંગાનું તળાવ અને વાંદરાનું તળાવ. વચમાં થોડો વખત આ બન્નેની પણ માઠી દશા બેઠી હતી, પણ ફરી ભૂતકાળને જોવા માટેની સમજણ કેળવાતાં એ બન્ને તળાવોને નવું જીવન મળ્યું છે. અને કૂવા તો બહુ જ ઓછા બચ્યા છે. પહેલાં જ્યારે કોઈ વ્યક્તિ કૂવો પૂરતી ત્યારે મ્યુનિસિપાલિટી એ જગ્યાએ ‘Well, કૂવો, વાવડી, એમ ત્રિભાષી બોર્ડ લગાવતી. હવે તો એ પાટિયાં પણ ભાગ્યે જ જોવા મળે છે અને છતાં તમારા કાન સરવા હશે તો કોઈ-કોઈ જગ્યાએથી પસાર થતાં તમને હળવા સાદે ગવાતું સંભળાશે :
ગામને કૂવે પાણીડાં નહીં ભરું,
કૂવે કળાયેલ મોર મોરી સઈયરું,
ગામને કૂવે પાણીડાં નહીં ભરું


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2021 03:58 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK