સિંચાઈ પ્રશ્ને કચ્છની ભૂમિ બદલી રહી છે કરવટ

Published: Feb 04, 2020, 15:10 IST | Kishor Vyas | Kutch

મુંબઈમાં વસતા કચ્છીઓ અને સ્થાનિક કચ્છી અગ્રણીઓ સફાળા જાગ્યા છે અને સિંચાઈ માટે પાણીના સંગ્રહની દિશામાં અત્યાર સુધી ન થયેલા પ્રયાસ શરૂ થયા છે.

નર્મદા
નર્મદા

મુંબઈમાં વસતા કચ્છીઓ અને સ્થાનિક કચ્છી અગ્રણીઓ સફાળા જાગ્યા છે અને સિંચાઈ માટે પાણીના સંગ્રહની દિશામાં અત્યાર સુધી ન થયેલા પ્રયાસ શરૂ થયા છે. એવું લાગે છે કે રાજાશાહીની વિદાય પછી સ્વરાજ્ય પ્રાપ્તિના પ્રારંભમાં, કચ્છ જ્યારે ‘ક’ વર્ગનું રાજ્ય હતું ત્યારે ૧૯૫૦ના વર્ષની આસપાસ જે સામૂહિક વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી અને સિંચાઈ માટે મોટી સંખ્યામાં ડૅમ બાંધવાનું કામ ચીલઝડપે હાથ ધરાયું હતું તેવું જ વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યું છે. ગ્રામવાસીઓનો ફાળો ઉપરાંત સરકાર પણ બાકીનો ખર્ચ આપવાની હોય એવું ચિત્ર ઊપસી આવ્યું છે.

એ નિર્વિવાદ હકીકત છે કે ઘણા ઉદ્યોગો શરૂ થયા હોવા છતાં કચ્છની અર્થવ્યવસ્થા ખેતી ઉપર જ આધારિત રહી છે. ખેતી મોટાભાગે વરસાદ આધારિત હોય છે અને તેને રામમોલ ખેતી કહેવાય છે. વારંવાર પડતા દુષ્કાળના કારણે પાકના ઉત્પાદનનો આંક ખૂબ જ નીચો રહે છે. વળી કાળક્રમે પ્રાકૃતિક રચનામાં થયેલા ફેરફારોના કારણે અહીં નદીઓના વહેણ બદલાઈ ગયાં છે. રણના કારણે કચ્છનો અર્ધો ભાગ બિન-ઉત્પાદક બની ગયો છે. અનિયમિત વરસાદના કારણે મૂળ ખેતીપદ્ધતિ નામશેષ થઈ ગઈ છે. તેથી જરૂર છે સિંચાઈના પાણીની! આમ ખેતી માટે મુખ્ય જરૂરિયાત પાણી હોવા છતાં કચ્છમાં પાણીનો આધારભૂત સ્રોત કોઈ નથી. પાણીના પ્રશ્ને કચ્છ એક વિશેષ હાંસિયામાં હોવા છતાં કચ્છને હક અને અધિકારની રૂએ સિંધુ નદીનાં પાણી અપાવવામાં સરકારો નિષ્ફળ રહી છે. એટલું જ નહીં નર્મદાનાં પાણીના પ્રશ્ને પણ કચ્છને જોઈએ તેવો ન્યાય મળ્યો નથી.

જમીનમાં ક્ષાર વધતો જાય છે. જમીન બિન-ફળદ્રુપ બનતી જાય છે, પાણીનું સ્તર ભૂતળે પહોંચી જાય પછી અને તેમાં પણ વધતા જતા ઉદ્યોગો બાકીનું પાણી ચૂસી લેતાં મૂળ ખેતી ઉદ્યોગને તો મરણતોલ ફટકો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે, તેવા સંજોગોમાં સિંચાઈનાં પાણીને સંઘરવા માટેના પ્રયાસમાં જાગૃતિ આવી છે એ અત્યંત આવકાર્ય છે. દેશ સ્વતંત્ર થયા પછી ૧૯૫૧માં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ થયો. ફરી યાદ અપાવું કે ત્યારે કચ્છ ‘ક’ વર્ગનું દેશનું સ્વતંત્ર રાજ્ય હતું. ૧૯૫૧થી ૧૯૫૬ સુધીની એ પહેલી પંચવર્ષીય યોજનાના ભંડોળમાંથી કચ્છના વિકાસ માટે ૬૭ ટકા ખર્ચ થયો હતો. આંતરિક માળખાની સુંદર વ્યવસ્થા ઊભી થતી જોવા મળી હતી.

બીજી પંચવર્ષીય યોજના વખતે કચ્છનો ‘ક’ વર્ગના રાજ્યનો દરજ્જો પાછો ખેંચી લેવાયો હતો અને કચ્છનો સમાવેશ મુંબઈ રાજ્યમાં કરવામાં આવ્યો હતો. ત્યાંથી દશા બેઠી હતી. યોજનાનો પૂરો તો ઠીક પણ જોઈએ તેટલો જરૂરી ખર્ચ પણ કચ્છ માટે કરવામાં આવ્યો નહીં અને એ ખર્ચ સૌરાષ્ટ્રમાં કરવાનો રાજકોટ વિભાગીય કચેરીએ નિર્ણય કર્યો હતો! ત્રીજી યોજના વખતે તો કચ્છ ગુજરાત રાજ્યનું એક અંગ બની ગયું હતું! પરિણામે એ વખતે કચ્છને માત્ર જિલ્લા કક્ષાની યોજનાઓ જ મળી! રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ કચ્છને આપવાનો કોઈએ વિચાર પણ કર્યો નહીં.

ચોથી યોજના માટે કચ્છની જિલ્લા પંચાયતે કચ્છ માટે ખાસ દરખાસ્તો મોકલી જેનો સ્વીકાર જ ન થયો! એ વર્ષોમાં ઉદ્યોગોનો વિકાસ પણ મહેસાણાથી વાપી વચ્ચેના ગ્રીન બેલ્ટમાં જ થયો! પરિણામે આર્થિક આયોજનોમાં કચ્છ સૌથી પાછળ અને પછાત રહ્યું. માત્ર જૂના આંકડાઓ પર નજર નાખીએ તો ૧૯૫૦થી ૧૯૯૦ સુધીનાં ૪૦ વર્ષમાં યોજનાઓ માટે ફાળવવામાં આવેલાં કુલ ૧૬,૭૯૪ લાખ રૂપિયામાંથી કચ્છ માટે માત્ર ૫૯૩૯ લાખ રૂપિયાનો જ ખર્ચ થયો હતો!

વારંવાર કચ્છને જે સ્વાયત્ત રાજ્યનો જ દરજ્જો ફરી આપવાની માગણી ઊઠે છે તેનું કારણ પણ એ જ છે. તેનું આદર્શ અને પ્રેરક ઉદાહરણ કચ્છને મળેલો ‘ક’ વર્ગનો દરજ્જો અને મુંબઈ રાજ્યમાં લઈ જવાયા પહેલાં કચ્છનો જે વિકાસ થયો હતો તે છે. ‘ક’ વર્ગના દરજ્જાનાં આઠ વર્ષ કચ્છના ઇતિહાસના સુવર્ણકાળ સમાન હતા! અંધકારમય કચ્છને વિકાસના તેજ લિસોટા તરફ લઈ જનારાં હતાં એ આઠ વર્ષ!

૧૯૪૮ સુધી કચ્છ એ સરહદી પ્રદેશ છે અને અહીં રોકટોક વિના વાહનો હેરફેર કરી શકે તેવા રસ્તા જોઈએ એવો ખ્યાલ પણ કોઈને નહોતો. ભુજથી અંજાર અને અંજારથી ભચાઉ સુધી સામાન્ય રસ્તા હતા. ભચાઉ સુધી પહોંચવા માટે રેલવેના આઠથી દસ ફાટકો ઓળંગવા પડતાં! ભુજથી માંડવી કે મુન્દ્રા સુધીના રસ્તાઓ પણ આયોજનથી બહાર હતા જ્યારે માંડવી એક ધમધમતું બંદર પણ ગણાતું હોવા છતાં રસ્તાઓને મહત્વ નહોતું અપાયું! એ આયોજન પણ કચ્છ જ્યારે ‘ક’ વર્ગનું રાજ્ય બન્યું ત્યારે કરવામાં આવ્યું હતું.

એ વખતે કેન્દ્ર સરકારના અધિકારીએ આવીને ભારતના રસ્તા અંગેનાં ધોરણો કચ્છમાં દાખલ કર્યાં હતાં.  નાગપુર યોજના કચ્છમાં અમલમાં મૂકવાનું પણ વિચારવામાં આવ્યું હતું અને શરૂ થયું હતું રસ્તાઓ અંગેનું તડામાર કામ! મંજલથી લખપત, કુકમાથી દુધઈ, અંજારથી મુન્દ્રા, મુન્દ્રા-માંડવીને જોડતો માર્ગ અને જખૌ પણ બંદર હોવાથી નલિયા સુધીનો માર્ગ. આમ બીજા ૩૬૭ માઈલના રસ્તાઓ એ આઠ વર્ષ દરમ્યાન બન્યા અને એ સમય દરમ્યાન બંધાયેલા માર્ગો કચ્છના વિકાસના સીમાચિહ્ન બની રહ્યા.

રસ્તા બંધાયા એટલે તેની સાથે બસની સેવાઓ અંગે ત્વરિત વિચારવામાં આવ્યું. આશ્ચર્યની વાત તો એ છે કે રસ્તાનાં ઠેકાણાં ન હોવા છતાં ભુજ અને માંડવી વચ્ચે છેક ૧૯૨૧માં એક ખાનગી કંપનીએ બસની સેવા શરૂ કરી હતી! ત્યાર પછી ૧૯૪૮માં ‘કચ્છ મોટર સર્વિસ’ શરૂ થઈ! શરૂઆતમાં માત્ર ૧૫ રૂટ્સ પર એ સેવા શરૂ થઈ હતી. બસ સેવાની તવારીખ અંગે નોંધપાત્ર બાબત એ હતી કે કમિશનરનો વહીવટ શરૂ થયો ત્યાં સુધી જેમ રેલવે સેવા કચ્છના રાજાના વહીવટ હેઠળ હતી એમ તેની સાથે જ કચ્છની બસ સેવાને પણ જોડી દેવામાં આવી હતી. ૧૯૫૦માં રેલવેનું તંત્ર ભારત સરકારે સંભાળી લીધું તેથી કચ્છની બસનું તંત્ર પણ જુદા બસ ટ્રાન્સપોર્ટના કચ્છના અધિકારી હેઠળ આવ્યું અને છેક ૧૯૫૪માં ‘કચ્છ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન’ રચવામાં આવ્યું હતું. બીજા ૪૧ રૂટ્સ પર બસો દોડતી થઈ. ૧૯૪૮માં ૯૧ ગામડાઓને જે સેવા મળતી હતી એ ૧૯૫૬ના અંતમાં ૩૨૫ ગામોને મળતી થઈ હતી.

હજુ વીજ સેવાનું કામ બાકી હતું. આજે આપણને એ જાણીને આશ્ચર્ય થશે કે સ્વરાજ્ય પહેલા ભુજ, માંડવી કે અંશતઃ અંજારને બાદ કરતાં કચ્છનાં ૯૬૭ ગામડાઓમાં અંધારું હતું! હંમેશાં ‘બ્લૅક આઉટ’ જેવી જ સ્થિતિ! માર્ગો પર ચાલવાની મુશ્કેલી અને ઘરોમાં કોડિયા કે ફાનસ વપરાતાં હતાં. ફાનસ એ સમયે સુખી ઘરનું ઘરેણું ગણાતું! વીજળીની સત્તા ‘કચ્છ ડેવલપમેન્ટ કંપની’ પાસે હતી. ૧ એપ્રિલ, ૧૯૫૨થી કચ્છ રાજ્યની સરકારે તેનો વહીવટ ખાનગી કંપની પાસેથી હસ્તગત કર્યો. આદિપુર અને ગાંધીધામ ભાગલા વખતના નિરાશ્રિતોની વસાહત સમાન હતા અને ત્યાંના વીજળીકરણનું કામ અને વીજ ઉત્પાદનનું કામ ‘સિંધુ રી-સેટલમેન્ટ કૉર્પોરેશન’ને સોપાયું, એ સાથે વીજળીની રોશનીના કચ્છમાં શ્રીગણેશ થયા હતા. ૧૯૫૩માં ભુજમાં પાવરહાઉસ ખુલ્લું મુકાયું હતું. પછી નજર પથરાઈ કચ્છનાં ગામડાઓને અજવાળવા! અને પહેલું ગામ હતું ભુજ પાસેનું માધાપર! ત્યાર પછી માંડવી નજીક આવેલું શિરવા ગામ! ત્યાં ૧૯૫૫માં મંગલાચરણ થયા પછી ૧૯૫૬મા મુન્દ્રા નજીકના બારોઈ ગામે વીજળી પહોંચી હતી. એ સાથે મુન્દ્રાને પણ વીજળીથી જોડવામાં આવ્યું હતું.

વીજળી કચ્છના લોકોના અંધાર માનસ બદલવાનું માધ્યમ બની ગઈ! એ સમયે ઉદ્યોગોનું પ્રમાણ નહીવત હતું. અંજારમાં એક સૂતરની મિલ હતી. માંડવીમાં તેલ અને બાકસ બનાવવાનાં કારખાનાં, મેરાઉ ગામમાં મેટલ વર્કસ અને કંડલામાં મીઠાના ઉદ્યોગો હતા. કંડલામાં મીઠાના ઉદ્યોગના પિતામહ એક અંગ્રેજ, જ્યૉફ આર્ચર, જે સુદાનના ગવર્નર રહી ચૂક્યા હતા તેમને મહારાણા શ્રી ખેંગારજીએ ૧૯૩૪માં એ અંગેનો પરવાનો આપ્યો હતો તેમણે એ ઉદ્યોગ શરૂ કર્યો હતો. પછી તો ‘યુનાઇટેડ સોલ્ટ વર્કસ’ નામની કંપની થઈ હતી. ‘ક’ વર્ગનું રાજ્ય બન્યા પછી આદિપુરમાં હ્યુમ પાઇપ ફૅક્ટરી, મુન્દ્રામાં ભારત સોલ્ટ અૅન્ડ એલાઈડ અને જખૌમાં પણ સોલ્ટ વર્કસ શરૂ થયું હતું. ૧૯૫૨માં ભુજ ખાતે  ઉદ્યોગને ઉત્તેજન આપવા માટેની પ્રથમ કૉન્ફરન્સ મળી હતી એમ છતાં તેને લગતું વાતાવરણ જામ્યું નહોતું. ભૂકંપ પહેલાં અદાણી સિવાય કોઈનો મોટો ઉદ્યોગ નહોતો, ૨૦૦૧ના ભૂકંપ પછી હાલનું ઔદ્યોગિક વાતાવરણ જોવા મળ્યું છે! 

Loading...

Tags

kutch
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK