કચ્છમાં વાહનવ્યવહારની શરૂઆત અને વિકાસ

Published: Jan 28, 2020, 13:53 IST | Mavji Maheshwari | Mumbai

વર્તમાન કચ્છ એટલે ગુજરાતનો ઔદ્યોગિક ક્ષેત્રે ધમધમતો વિસ્તાર, પરંતુ હજી અડધી સદી પહેલાં મુંબઈ જનારને કેટલી મુશ્કેલીઓ પડતી એના સાક્ષી હયાત છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

વર્તમાન કચ્છ એટલે ગુજરાતનો ઔદ્યોગિક ક્ષેત્રે ધમધમતો વિસ્તાર, પરંતુ હજી અડધી સદી પહેલાં મુંબઈ જનારને કેટલી મુશ્કેલીઓ પડતી એના સાક્ષી હયાત છે. વીસમી સદીના અંત સુધી કચ્છમાં દરેક ક્ષેત્રના વિકાસની ગતિ અત્યંત ધીમી હતી. કંઈક અંશે રાજકીય ઇચ્છાશક્તિ પણ ઓછી હતી. વાહનવ્યવહાર માટે મૂળ જરૂરિયાત એવા માર્ગોની દશા પણ સારી ન હતી. પરિણામે  માલપરિવહન અને મુસાફરીની બાબતમાં કચ્છ ગુજરાતના અન્ય વિસ્તારોના પ્રમાણમાં પછાત હતો. જોકે રેલવેની સુવિધાથી આજની તારીખે પણ પોણું કચ્છ વંચિત છે. જમીન માર્ગનાં અન્ય વાહનોની સરખામણીએ ગુજરાત પરિવહનની બસસુવિધા કોઈ સમયે ગામડાંને મળતી હતી એ હવે સતત ઓછી થતી રહી છે. હવાઈયાત્રા અલ્પ અને અત્યંત મોંઘી છે.

વર્તમાન માનવજીવન સાથે  વાહનવ્યવહાર અભિન્ન રીતે જોડાયેલો છે. કોઈ પણ દેશની પ્રગતિ માટે વાહનવ્યવહાર અત્યંત જરૂરી છે. વાહનવ્યવહાર થકી જ રોજગારીના પ્રશ્નો હળવા થાય છે તેમ જ સ્થાનિક ઉત્પાદનનો અર્થ સરે છે. દેશના અર્થતંત્રમાં વાહનવ્યવહારનો મોટો ફાળો છે. કોઈ વિસ્તારનો વિકાસ કરવો હોય તો એ માટે માર્ગો અને વાહનસુવિધા અનિવાર્ય બની રહે છે. છેલ્લા બે દાયકામાં કચ્છમાં વાહનવ્યવહારનું ચિત્ર સંતોષકારક અને પ્રગતિશીલ દેખાઈ રહ્યું છે. જોકે કચ્છની ભૂગોળ અને વિસ્તારને જોતાં રેલવે અને હવાઈસુવિધા ઓછી છે. તેમ છતાં, વસ્તીના હિસાબે કચ્છ જિલ્લો આધુનિક પ્રવાહમાંથી પસાર થઈ રહ્યો છે.

કચ્છના વાહનવ્યવહારના ઇતિહાસ પર નજર કરતાં કેટલીક આશ્ચર્યજનક હકીકતો નજરે ચડે છે, કારણ કે કચ્છને દરિયાકિનારો હોવાથી જમીની વાહનવ્યવહારથી પહેલાં દરિયાઈ પરિવહનની સુવિધા હતી. એટલું જ નહીં, ઝડપી અને નિયમિત હતી. એ સમયની કેટલીક સુવિધા નવેસરથી શરૂ કરાય તો સમય અને નાણાંની મસમોટી બચત થઈ શકે એમ છે જેમ કે મુન્દ્રા અથવા માંડવીથી જામનગર કે દ્વારકા જવા વર્ષો પહેલાં સ્ટીમરની સુવિધા હતી. એ ફેરીબોટ ફરી શરૂ કરવામાં આવે તો સમયમાં લગભગ ૬ કલાકનો ફરક પડી શકે છે. જોકે થોડાં વર્ષો પૂર્વે મુન્દ્રાથી જામનગર જવા ફેરીબોટની સેવા શરૂ કરાઈ હતી, પણ એ શા માટે બંધ કરી દેવામાં આવી એ કચ્છની પ્રજાને સમજાયું નથી. દરિયાઈ વાહનસુવિધાની બાબતમાં કચ્છના માંડવી બંદરનો સગર્વ ઉલ્લેખ જરૂરી છે કેમ કે માંડવીથી આફ્રિકા તેમ જ ખાડી દેશો ઉપરાંત જાવા-સુમાત્રા સુધીનાં વેપારી વહાણો માંડવી બંદરથી ઊપડતાં હતાં. કંડલા બંદરના વિકાસ પછી માંડવી માત્ર કહેવાનું બંદર રહ્યું છે. 

સ્વતંત્ર ભારતના કચ્છની ભૌગોલિક સ્થિતિ એવી હતી કે ગુજરાત કે રાજસ્થાન સાથે જોડતો સીધો જમીનમાર્ગ હતો જ નહીં. કચ્છમાંથી બહાર જવા રણમાર્ગ હતો જે બહુ જ કઠીન હતો. ઊંટની મુસાફરી સિવાય એ માર્ગે જવા માટે સામાન્ય માણસ માટે શક્ય ન હતું. સૌરાષ્ટ્ર તરફ જવા દરિયાઈ કિચડ પાર કરીને જવું પડતું એટલે જ આઝાદી બાદ કચ્છને ગુજરાત સાથે જોડવા માટે કચ્છના નાના રણની દરિયાની નેળમાં મહત્ત્વપૂર્ણ પુલ બાંધવામાં આવ્યો છે તથા રાજસ્થાન સાથે જોડવા માટે પણ રણ વચ્ચેથી માર્ગ બનાવવામાં આવ્યો છે. એક અર્થમાં આઝાદી સમયે કચ્છ દેશના અન્ય ભાગોથી વિખૂટું જ હતું. જો કંડલા બંદરનો વિકાસ થયો ન હોત તો કચ્છને રેલવેસુવિધા પણ મળી હોત કે કેમ એ પ્રશ્ન છે. એ રીતે કચ્છથી બહાર નીકળવા કે પ્રવેશ કરવા માટે આઝાદી સમયે માત્ર અને માત્ર દરિયાનો જ સહારો હતો એટલે જ કચ્છમાં સૌપ્રથમ સ્ટીમર-સેવા શરૂ કરવામાં આવી હતી. માંડવીથી મુંબઈ વચ્ચે સ્ટીમર-સેવા અંગ્રેજોના સમયમાં ૧૮૭૨માં શરૂ કરવામાં આવી હતી જે ૧૯૬૫ સુધી ચાલુ રહી હતી. લગભગ ૧૯૭૦ સુધી કંડલાથી નવલખી સુધી મોટરબોટ દ્વારા અવરજવર થતી રહી, પરંતુ સડક માર્ગો બન્યા પછી આ સેવાઓ બંધ થવા પામી.

કચ્છનું ભાગ્ય ઉઘાડનારો ભારત સરકારનો કોઈ નિર્ણય હોય તો એ છે કંડલા બંદરનો વિકાસ. કંડલા બંદર થકી જ આજે પૂર્વ કચ્છ હવાઈ, જમીની અને દરિયાઈ માર્ગનો મહત્ત્વપૂર્ણ વિકાસ થયો છે. કચ્છને રેલવે પણ કંડલા થકી વહેલી મળી છે. શરૂઆતના ગાળામાં પૂર્વ કચ્છમાં અંજાર મહત્ત્વનું મથક હતું. તમામ સેવાઓનું કેન્દ્ર પણ અંજાર હતું. કચ્છમાં રેલવેની શરૂઆત ૧૯૫૨માં થઈ હતી. કંડલાને દિલ્હી સાથે જોડવા માટે શરૂઆતમાં કંડલાથી ડીસાનો રેલમાર્ગ બન્યો હતો. ૧૯૫૨ની બીજી ઑક્ટોબરે આ રેલસેવાનું ઉદ્ઘાટન તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. એ પછી રેલવેમાર્ગનું વિસ્તરણ થયું અને રેલસેવા ભુજ સુધી લંબાવાઈ. એ મીટરગેજ માર્ગનું ઉદ્ઘાટન ૧૯૫૫ની ૭ એપ્રિલે રેલવેપ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીએ કર્યું હતું. વર્તમાન કચ્છમાં રેલવેમાર્ગ સીમિત વિસ્તારોને જ સાંકળે છે. અબડાસા, લખપતને જોડવા માટે ૧૯૮૨માં રેલવેપ્રધાન કેદાર પાંડેએ ભુજ-નલિયા માર્ગનું ઉદ્ઘાટન કર્યું. એ માર્ગ ૧૯૯૨માં તૈયાર થયો પછી રહી-રહીને ખબર પડી કે એ માર્ગ કશા કામનો નથી. એ માર્ગ પર રેલવે માંડ ચારેક વર્ષ ચાલી. અત્યારે એ માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે, પણ જે રીતનો માર્ગ નક્કી કરાયો છે એ જોતાં એમાં લોકો મુસાફરી કરશે કે કેમ એ જટીલ પ્રશ્ન છે, કેમ કે જમીન માર્ગે ભુજથી નલિયા ૮૮ કિલોમીટર છે, જ્યારે રેલવે માર્ગ ૧૫૦ કિલોમીટર કરતાં પણ લાંબો છે. કચ્છમાં રેલવેની માલપરિવહન સેવા ૧૯૬૯ની ૧૬ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. ગાંધીધામથી મુંબઈ સેકન્ડ એસી કોચની શરૂઆત ૧૯૮૫થી થઈ. મુંબઈને જોડતી ફાસ્ટ ટ્રેન કચ્છ એક્સપ્રેસ ૧૯૮૪ની બીજી ઑક્ટોબરે શરૂ થઈ. કચ્છમાં રેલવેના ઇતિહાસમાં ગાંધીધામ જંક્શનનો ભારે દબદબો હતો, પરંતુ ૧૯૯૦થી ભુજમાં નવું રેલવે સ્ટેશન શરૂ થતાં ગાંધીધામનું મહત્ત્વ થોડું ઘટ્યું. આજે કચ્છમાં લગભગ ૩૫ જેટલાં રેલવે સ્ટેશન છે.

કચ્છના જમીન માર્ગવ્યવહારને ૧૦૦ વર્ષ થવા જાય છે. કચ્છમાં સૌપ્રથમ બસસેવા માંડવી અને ભુજ વચ્ચે ૧૯૨૧માં શરૂ થઈ હતી. એ સાથે જ અંજાર અને ખારીરોહર વચ્ચે બસસેવા પણ શરૂ થઈ હતી. કચ્છમાં સૌપહેલો ડામરનો રસ્તો ૧૯૪૬માં બન્યો. ૧૯૫૪ની ૧ ડિસેમ્બરથી બસસેવાનું નામ કચ્છ રોડ ટ્રાન્સ્પોર્ટ કૉર્પોરેશન થયું જે ૧૯૬૦માં સ્ટેટ મોટર સર્વિસ કહેવાયું જેનું વર્તમાન ટૂંકું નામ જીએસઆરટીસી છે. કચ્છને ગુજરાતના અન્ય જિલ્લા સાથે જોડવા કચ્છની જમીની સીમા પૂરી થાય છે ત્યાં દરિયાની નેળ પર સૂરજબારી નામનો પુલ બનાવવાની શરૂઆત ૧૯૬૨માં થઈ અને ૧૯૭૦માં એનું ઉદ્ઘાટન થયું. એ પછી કચ્છ જમીન માર્ગે દેશના તમામ વિસ્તારો સાથે જોડાઈ ગયું. ૧૯૭૦ પછી કચ્છમાં સરકારની પરિવહનની બસોનું ગામડાંનું માળખું વિસ્તર્યું. કચ્છના અંતરિયાળ ધૂળિયા માર્ગો પર ગુજરાત પરિવહનની બસોએ જે સેવાઓ આપી છે એનો ઊજળો ઇતિહાસ છે. વર્તમાન સમયમાં કચ્છનાં તમામ ગામડાંઓ પાકા માર્ગોથી જોડાઈ ગયાં છે જે ખાનગી વાહનોથી ધમધમે છે. અત્યારે કચ્છમાંથી જુદા-જુદા જિલ્લાઓ અને રાજ્યોમાં જવા માટે આધુનિક બસો મળે છે. ઉપરાંત ખાનગી બસવ્યવહારમાં પણ ગળાકાપ સ્પર્ધાઓ છે તેમ છતાં કચ્છની બસો મુસાફરોથી ભરાયેલી જ રહે છે.

આ પણ વાંચો : કૉલમ: 2500 વર્ષ જૂના ભદ્રેશ્વર મહાતીર્થનો ઇતિહાસ

કચ્છમાં હવાઈસેવા ટપાલ હેતુ ૧૯૪૨માં શરૂ થઈ હતી. ભુજથી જામનગર હવાઈ મુસાફરસેવા ૧૯૪૬થી શરૂ થઈ હતી. કંડલા-મુંબઈની વિમાનીસેવા ૧૯૯૦થી શરૂ થઈ. કચ્છ આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. તેમ છતાં, કચ્છની હવાઈસેવા બિલકુલ સંતોષકારક નથી. દિલ્હીની સીધી વિમાનીસેવાની અધુરપ આ વિસ્તારની મોટી સમસ્યા છે. માંડવીની ઍર સ્ટ્રીપ શરૂ કરવાની વાતો ખૂબ ગાજી પણ એ દિશામાં કશું નક્કર નથી થયું.

Loading...

Tags

kutch
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK