Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સીમા સુરક્ષાની દૃષ્ટિએ કચ્છમાં ખારાઈ ઊંટનું સંવર્ધન કેન્દ્ર જરૂરી છે

સીમા સુરક્ષાની દૃષ્ટિએ કચ્છમાં ખારાઈ ઊંટનું સંવર્ધન કેન્દ્ર જરૂરી છે

25 February, 2020 02:21 PM IST | Kutch
Mavji Maheshwari

સીમા સુરક્ષાની દૃષ્ટિએ કચ્છમાં ખારાઈ ઊંટનું સંવર્ધન કેન્દ્ર જરૂરી છે

ખારાઈ યૂનિટ

ખારાઈ યૂનિટ


કચ્છમાં સદીઓથી ઊંટ પાલતુ પ્રાણી તરીકે લોકો સાથે રહ્યું છે. કચ્છના ઇતિહાસમાં પવનવેગી સાંઢણીઓનો ઉલ્લેખ પણ છે. ઊંટ મુસાફરી અને ભારવાહક પ્રાણી તરીકે લોકોને ઉપયોગી રહ્યું છે. કચ્છમાં મીઠિયાર (કચ્છી) અને ખારાઈ એવી ઊંટની બે પ્રજાતિ અસ્તિત્વ ધરાવે છે. ખારાઈ ઊંટની વિશેષતા એ છે કે તે દરિયાનાં પાણીમાં તરી શકે છે. ખારાઈ ઊંટ આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા કચ્છ માટે સુરક્ષાની દષ્ટિએ અગત્યનું પ્રાણી છે, પણ તેની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. કચ્છના ક્રીક વિસ્તારમાં બીએસએફ માટે અતિ અગત્યના એવા ખારાઈ ઊંટની સંખ્યા માંડ ૧૮૦૦ જેટલી છે. ઊંટની આ વિશિષ્ટ પ્રજાતિના સંવર્ધન કેન્દ્ર મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ.

કચ્છના પ્રાણીજગતમાં વિશેષ ઓળખ હોય તો એ છે કચ્છની ઊંટની ખારાઈ નામની પ્રજાતિ. કચ્છના જ નહીં વિશ્વના પ્રાણીઓમાં ખારાઈ ઊંટ એટલા માટે અલગ તરી આવે છે. એવું જોવા મળે છે કે બકરી અને ઊંટને દરિયા સાથે કોઈ સંબંધ નથી. આ બે પ્રાણીઓ સામાન્ય રીતે દરિયાકાંઠે જોવા મળતાં નથી, પરંતુ કુદરતે જીવજગતમાં જે વિવિધતાઓ ભરી છે તેનું એક ઉદાહરણ કચ્છનું ખારાઈ ઊંટ છે. કચ્છનું ખારાઈ ઊંટ આમ તો સદીઓથી આ પ્રદેશમાં વિહાર કરે છે, પરંતુ તેની વિશેષતાઓ એકવીસમી સદીમાં વિશ્વ સમક્ષ ઉજાગર થઈ છે. ખારાઈ ઊંટ દરિયાકિનારે થતાં ચેરિયા (મેન્ગ્રૉવ્સ)નાં પાંદડાં ઉપર જીવે છે. એટલું જ નહીં તે પાણીમાં તરી શકે છે. ઊંટોની અન્ય પ્રજાતિ રણમાં ઝડપભેર દોડી શકે છે, પરંતુ પાણીમાં તરી શકતી નથી.



કચ્છના આ ખારાઈ ઊંટની સંખ્યા પ્રતિદિન ઘટતી રહી છે, જેના અનેક કારણો છે. એક તો આ ઊંટો હવે માત્ર લખપત તાલુકાની થોડી વાંઢોમાં જ રહ્યા છે. કોઈ સમયે મુન્દ્રા તાલુકાના ટુન્ડા વાંઢમાં હતા અને જંગી પાસે હતા. જેના માલિકો રબારી હતા પણ અમુક કિસ્સામાં તેને ચારવાનું કામ ફકીરાણી જત કરતા હતા. ટુન્ડા વાંઢ ગામ પાસે તાતા અને અદાણીની જેટી બંધાતા ચેરિયાનું નિકંદન નીકળી ગયું. કંટાળીને ટુન્ડા વાંઢના રબારીઓએ ઊંટો જ કાઢી નાખ્યા. જંગી બાજુ મડ એરિયામાં સેંકડો એકર જમીનમાં ચેરિયા હતા, પણ એ જમીન મીઠાના અગરોને આપી દેવાનું શરૂ થયું અને વળી પવનચક્કીઓ નાખવામાં આવી એટલે ત્યાંથી પણ ખારાઈ ઊંટોનું સ્થળાંતર થયું. હવે માત્ર લખપત તાલુકામાં ખારાઈ ઊંટો ધરાવતા ફકીરાણી જત આ વિશિષ્ટ પ્રજાતિને બચાવવા રીતસર ઝઝૂમે છે. વનવિભાગના કાયદા પ્રમાણે અમુક સમય દરમ્યાન ઊંટને રક્ષિત વિસ્તારમાં ચરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેને કારણે ઊંટના ચરિયાણ માટે મુશ્કેલીઓ ઊભી થાય છે. ઊંટ એવું પ્રાણી છે જેને અન્ય પાલતુ જાનવરની જેમ બાંધીને ખવડાવી શકાય નહીં. વળી ઊંટની શારીરિક રચના પણ એવી છે કે તે ડોક ઊંચી કરીને દસથી બાર ફૂટ ઊંચાં વૃક્ષોના પાંદડાં ચરી શકે છે. વનવિભાગે ઊંટના માલિકોને ચરિયાણ વિસ્તારમાં આવવાની મનાઈ કરી તે સામે ઊંટના માલિકોએ કચ્છના અગાઉના કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. માલધારીઓની વ્યથા વનવિભાગ સાંભળવા તૈયાર નથી. ઉપરાંત લખપતના જે વિસ્તારમાં ચેરિયાના વન છે તે નારાયણ સરોવરથી જખૌ સુધીનો ૭૦ કિલોમીટર વિસ્તાર સુરક્ષાની દષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોવાથી બીએસએફ ઊંટોને ચરવા દે છે પણ માલિકને સાથે આવવા દેતા નથી. પરિણામે ઊંટના માલિકો મુંઝાયા છે. માલધારી વગરના ઊંટ તરીને દૂર નીકળી જાય તો તેને કોઈ રીતે પાછા લાવી શકાય નહીં. ખારાઈ ઊંટના માલિકોની મૂંઝવણ અને મુશ્કેલીનો ઉકેલ નથી વનવિભાગ પાસે, નથી સરકાર પાસે કે નથી બીએસએફ પાસે. જ્યારે મેનકા ગાંધી પર્યાવરણ પ્રધાન હતાં ત્યારે તેમણે સંસદમાં કચ્છના ખારાઈ ઊંટના મામલે ખાસ્સી દરમ્યાનગીરી કરી હતી. એમના સિવાય ગુજરાત સરકાર વતી કેન્દ્રમાં ખારાઈ ઊંટના મામલે કોઈ રજૂઆત થઈ નથી. ખારાઈ ઊંટ વિશે આધારભૂત માહિતીઓ ધરાવતા અને માલધારી સંઘઠન સાથે જોડાયેલા માલધારી સંઘઠનના પ્રમુખ ભીખાભાઈ રબારી, રમેશ ભટ્ટી અને પંકજ જોશીએ ગુજરાત સરકારને જંગી પાસે ખારાઈ ઊંટનું સંવર્ધન કેન્દ્ર સ્થાપવાની રજૂઆત કરી છે, પણ હજી કોઈ પરિણામ આવ્યું નથી.


કચ્છમાં અન્ય પ્રાણીઓ કરતાં ખારાઈ ઊંટ શા માટે અગત્યનાં છે તે બાબત પર ધ્યાન અપાયું નથી. કચ્છ આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. કચ્છની પાકિસ્તાન સાથે જોડાયેલી અટપટી ક્રીક ધરાવતી સીમા અત્યંત સંવેદનશીલ છે. જેની સુરક્ષા બીએસએફને હવાલે છે. કચ્છની સીમાએ ખારાઈ ઊંટ કેટલું અગત્યનું પ્રાણી છે તે બીએસએફ સુપેરે જાણે છે. તેમ છતાં આજ સુધી બીએસએફે સરકારને ખારાઈ ઊંટની અગત્યતા બાબતે રિપોર્ટ કરેલ નથી. સરહદ સાથે જોડતી ક્રીક મોટાભાગે દરિયાનાં પાણી અને કીચડથી ભરાયેલી રહે છે. જ્યાં પગે ચાલીને પેટ્રોલિંગ કરવું સેનાના જવાનો માટે જીવનું જોખમ સાબિત થાય છે. અન્ય વાહનો પણ એ ક્રીકના કાદવમાં ફસાઈ જાય છે ત્યારે કીચડ ભરેલા માર્ગમાં ખારાઈ ઊંટની સવારી જ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ચોમાસામાં જ્યારે ક્રીકમાં પાણી ભરાઈ જાય છે ત્યારે ખારાઈ ઊંટ પાણીમાં તરીને જવાનોને નિશ્ચિત જગ્યાએ લઈ જાય છે. કચ્છની સરહદની ભૂગોળ જોતાં બીએસએફ માટે આ ઊંટ અત્યંત મહત્વના છે. ઊંટ બીએસએફને માત્ર પેટ્રોલિંગ માટે જ નહીં, પરંતુ ટપાલ, દવા, તેમ જ અન્ય પુરવઠાની હેરફેર માટે પણ અત્યંત ઉપયોગી છે. બીએસએફ પોતે ઊંટનો ઉછેર કરતું નથી પરંતુ પશુમેળામાંથી ખરીદી કરે છે. ઊંટોની ખરીદી કર્યા બાદ તેને એકવીસ દિવસ એકલું રાખવામાં આવે છે જેથી તેને તાલીમબધ્ધ કરી શકાય. એકવીસ દિવસ બાદ જોધપુર ખાતે આવેલા ‘ઊંટ પ્રશિક્ષણ’ સંસ્થામાં મોકલવામાં આવે છે. તેને ત્યાં રોગપ્રતિકારક રસીઓ અપાય છે અને તે પછી તેને વિવિધ તાલીમો અપાય છે, જેમાં માઈલો સુધી દોડવાની તાલીમ મુખ્ય હોય છે. ઊંટની ગંધ અને દિશા પારખવાની શક્તિ  તીવ્ર હોય છે. તે હવાની રૂખ પારખી શકે છે. રણમાં ઊઠતી આંધી કે ખારાપાટમાં ચડતા વંટોળનો ખ્યાલ ઊંટને વહેલો આવી જાય છે. ઉપરાંત જ્યારે રણમાં જીપ જેવાં વાહનો ફસાઈ જાય છે ત્યારે રેતી કે કીચડમાંથી વાહનને બહાર કાઢવા માટે જવાનો ઊંટની મદદ લે છે.

કચ્છમાં ખારાઈ તેમ જ મીઠિયાર (કચ્છી) ઊંટનો ઉછેર થવો અત્યંત જરૂરી છે. જો તેની સંખ્યા ઘટી જશે તો સેનાની શક્તિ ઉપર અસર પડવાની છે. ભારતની સીમાપારની પ્રવૃત્તિઓનો ઇતિહાસ જોતાં પાકિસ્તાનને ખબર છે કે કચ્છની સરહદે ખારાઈ ઊંટ બીએસએફ માટે અતિ મહત્ત્વના છે. આ ઊંટોની સંખ્યા ઘટી જાય એવી કોઈ પ્રવૃત્તિઓ લશ્કરી ધોરણે થતી હોય તે નકારી શકાય નહીં. ભૂતકાળમાં ૯  એપ્રિલ ૧૯૬૫માં પાકિસ્તાને કચ્છની સરદાર પોસ્ટ, છાડબેટ અને બેરિયાબેટ પર હુમલો કરી નાખ્યો ત્યારે ગુજરાતને એની ગંધ સુધ્ધાં આવી ન હતી એ વિચિત્ર સ્થિતિ હતી. આવી સ્થિતિ ફરી ઊભી ન થાય તે માટે બીએસએફ પાસે તાલીમબદ્ધ ઊંટો પૂરતી માત્રામાં હોવા જરૂરી છે. પાકિસ્તાન કચ્છની સરહદ કે રાજસ્થાનની સરહદે કોઈ હુમલો કરે ત્યારે આ ૭૦૦ કિલોમીટરની સરહદે ઊંટ અત્યંત મહત્ત્વના બની રહે છે. આ બધું જોતાં ગુજરાત સરકાર આ પ્રાણીનું મહત્ત્વ નહીં સમજે તો તેની લાંબાગાળાની અસર પડવાની છે. છેલ્લાં દસેક વર્ષથી કચ્છમાં ઊંટડીના દૂધ વિશે સંશોધન થઈ રહ્યા છે જે સારી બાબત છે, પણ સુરક્ષાની દષ્ટિએ કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરીને કચ્છના ખારાઈ ઊંટને વિશેષ દરજ્જો આપવો જોઈએ. એટલું જ નહીં આ ઊંટ


પાળતા અને તેનો ઉછેર કરતા માલધારીઓને પણ વિશેષ સવલતો આપવી જોઈએ. ફકીરાણી જત લોકો ખારાઈ ઊંટોની નૈસર્ગિક શક્તિઓના જાણકાર છે. ઊંટના વૈજ્ઞાનિક ઉછેર બાબતે સરકારે આ જ્ઞાતિના કૌશલ્યોનો ઉપયોગ પણ કરવો  જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2020 02:21 PM IST | Kutch | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK