જીવનની ઢળતી સંધ્યાએ ખુશ રહેવું છે? તો કંઈક નવું શીખો

Published: Jan 29, 2020, 16:43 IST | Rashmin Shah | Mumbai

‘હિટ ગર્લ’ નામની આત્મકથામાં ઍક્ટ્રેસ આશા પારેખે પોતાની ગ્લૅમર ઇન્ડસ્ટ્રીની વાતો તો કરી જ છે પણ એમાં આશા પારેખ નામની એક કૉમન વુમન તેની હતાશા અને ચિંતાની વાતો પણ કરે છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

‘હિટ ગર્લ’ નામની આત્મકથામાં ઍક્ટ્રેસ આશા પારેખે પોતાની ગ્લૅમર ઇન્ડસ્ટ્રીની વાતો તો કરી જ છે પણ એમાં આશા પારેખ નામની એક કૉમન વુમન તેની હતાશા અને ચિંતાની વાતો પણ કરે છે. આશા પારેખે લખ્યું છે કે માતાના અવસાન પછી મારા પિતા સૂનમૂન રહેતા. થોડા સમય પછી ૨૦૦૩માં તેમણે પણ વિદાય લીધી. પહેલી વાર થયું કે મારે ભાઈ-બહેન હોવાં જોઈતાં હતાં. ખાલી ઘર મને ખાવા દોડતું, જીવનનો કોઈ અર્થ નહોતો રહ્યો. નબળા અને બીમાર કહેવાય એવા વિચારો આવતા અને મનમાં સતત મૂંઝવણ અને ગભરામણ રહેતાં. મને લાગતું કે હું પાગલ થઈ રહી છું.

આશા પારેખની આ વાતને આગળ વધારીએ, પણ આપણી રીતે. આશા પારેખે પોતાના આ ઉચાટ વચ્ચે સાથી ઍક્ટ્રેસ અને બહેનપણી વહીદા રહેમાનને ફોન કરીને કહ્યું કે મને મરવાના વિચાર આવે છે, મને બાલ્કનીમાંથી કૂદીને મરવાનું મન થાય છે. વહીદા રહેમાન સ્વાભાવિક રીતે બહુ ગભરાઈ ગઈ હતી. એક વાત યાદ રહે, આશા પારેખ ૭૪ વર્ષનાં અને વહીદા રહેમાન ૮૧ વર્ષનાં છે. જીવનનો આ એક એવો તબક્કો છે જેમાં તમારી અનિવાર્યતા ઘટી જાય, તમારી ઉપયોગિતા ખતમ થઈ જાય અને તમારી આસપાસથી ભીડ ઓછી થવા માંડે ત્યારે જીવન દોહ્યલું લાગવા માંડતું હોય છે. આ એક સહજ પ્રક્રિયા છે, પણ આ સહજ પ્રક્રિયાને જ્યારે સરળ બનાવવામાં નથી આવતી ત્યારે આખી દુનિયા સામે ફરિયાદો ઊભી થવા માંડે છે. આશા પારેખ પણ અહીં એક દૃષ્ટાંત છે અને વહીદા રહેમાન પણ એક દૃષ્ટાંત છે. વ્યવહારુ રીતે બન્ને એકલાં છે. આશા પારેખ સિંગલ છે એટલે તેમને એ રીતે પરિવાર નથી જ્યારે વહીદા રહેમાનના પતિનો દેહાંત થઈ ગયો છે અને તેમનાં બન્ને બાળકો પોતપોતાની દુનિયામાં મસ્ત-વ્યસ્ત છે એટલે એ રીતે તે પણ એકલાં છે, પણ બન્ને વચ્ચેનો મોટો મર્મભેદ એક છે કે જો તમે ઉંમરની સાથે તમારા દરવાજા બંધ કરી દીધા તો તમે એકલા પડશો, પણ જો તમે કશું નવું કરવા માટે કે પછી નવતર આરંભની તૈયારી રાખશો તો તમે ક્યાંય એકલા નહીં પડો, ક્યારેય એકલાં નહીં પડો. વહીદા રહેમાને ૮૧ વર્ષની ઉંમરે પણ ‘નવું’ કરવાની તૈયારી રાખી અને એ કોઈ પણ સિનિયર સિટિઝન માટે ઉદાહરણરૂપ છે.

કહે છે કે શોખની કોઈ ઉંમર નથી હોતી. એમાંય મોટી ઉંમરમાં તો શોખનો અને સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના સાઇકોલૉજી વિભાગના પ્રોફેસર ડૉ. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી છ અઠવાડિયાંમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઈ જાય છે, પણ એ નવો હુન્નર શીખવાની તાલાવેલી હોવી જોઈશે. જો તમને હિમેશ રેશમિયાનું સંગીત ઘોંઘાટ લાગવા માંડે કે પછી દિવાળીના ફટાકડા તમને ત્રાસ લાગવા માંડે ત્યારે માની લેવું કે હવે ઉંમર એ દિશામાં આગળ વધતી થઈ છે જે દિશાનું પહેલું પગથિયું વૃદ્ધાવસ્થા તરફ છે. આ વૃદ્ધાવસ્થાને સ્વીકારવાની સાથોસાથ નવું કંઈ કરવાની ભાવના મનમાં અકબંધ રાખશો, જે કંઈ આજુબાજુમાં બની રહ્યું છે એનો આનંદ માણવાની તૈયારી રાખશો તો એ ઉંમરની તકલીફો નડતર નહીં બને. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘રિટાયરમેન્ટ પછી બેસી રહેવાને બદલે પ્રવૃત્ત રહો તો ઉંમરની આડઅસર ઓછી થતી હોય છે. સિત્તેર વર્ષે પણ કાર્યરત રહેતા લોકોની ફરિયાદો કરતાં સિત્તેર વર્ષે સાવ પ્રવૃત્તિ છોડી દેનારાની ફરિયાદો ત્રણથી ચારગણી હોય છે. પ્રવૃત્તિ કરતા રહેવાનો અર્થ એ છે કે જાતને સક્રિય રાખવી અને જાતને સક્રિય રાખવાનો અર્થ એ છે કે મનમાં નવી ઊર્જા ભરતા રહેવી.’

આ નવી ઊર્જા માટે શોખને બળવત બનાવવા આવશ્યક છે અને શોખને બળવત બનાવવા માટે રસપ્રદ બનવું જરૂરી છે. સિત્તેર ટકા ગુજરાતી વડીલો ઉંમર થવાની સાથે જીવનને નિરસ બનાવી દેતા હોય છે. ઘરમાં પડ્યા રહેવાથી માંડીને ઇચ્છા ન હોય તો પણ ધર્મધ્યાન તરફ વળી જવાની માનસિકતા એક તબક્કે શરીરમાં કાટ ચડાવવાનું શરૂ કરી દે છે. પણ એવું કરવાને બદલે જો મનગમતા શોખ પૂરા કરવાનું કામ કરવામાં આવે તો શરીરમાં હકારાત્મક એનર્જી જન્મે છે, જે અણગમાની માત્રા ઘટાડે છે એવું પણ સાઇકિયાટ્રિસ્ટ પાસે પુરવાર થયું છે. વહીદા રહેમાનની જ વાત કરીએ તો ૮૧ વર્ષની ઉંમરે તે આ જ કરે છે. વહીદા રહેમાન વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરે છે, જે તેમણે હજી હમણાં જ છ વર્ષ પહેલાં શરૂ કરી છે. શોખને ક્યારેય કોઈ ઉંમર હોતી નથી. શોખને ક્યારેય કોઈ ઉંમર સાથે બાંધી દેવાની જરૂર નથી. જો ફરવું ગમતું હોય તો ફરવાનું, ઘૂંટણના દુખાવાને ભૂલીને પણ ફરવાનું અને આનંદ લેવાનો. ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘ઘૂંટણના દુખાવા માટે અઢળક પેઇન-રિલીફ છે, આવીને માલિશ કરી લેવાનું કે પછી મેડિસિન લઈ લેવાની પણ ઘૂંટણમાં દુખે નહીં એવું ધારીને નિરસ બનવાનો કોઈ અર્થ નથી. એવું કરનારા પોતાના બુઢાપાને વધારે આકરો બનાવે છે.’

બુઢાપો તાપ જેવો છે, જેટલો વધારે આકરો એટલો વધારે અકળામણ આપનારો. જો એ તાપને આકરો ન થવા દેવો હોય તો એની અગમચેતી તમારે વાપરવાની છે. ઓશોએ ઓશો-દર્શન પુસ્તકમાં કહ્યું છે, આપણે ત્યાં એક જ વાત સૌથી વધારે ખરાબ છે, ઉંમર સાથે બધી વાતોને જોડી દેવામાં આવી છે. આ ઉંમરે જ આ થાય અને ફલાણી ઉંમરે જ ફલાણું કામ થઈ શકે. ઉંમરની સાથે જોડવામાં આવેલી આ ભેદરેખાને કારણે હિન્દુસ્તાનના બુઢાપામાં કોઈ રોનક નથી રહી. ઉંમર વધે, નિવૃત્તિ આવે એટલે એક જ કામ કરવાનું. પ્રભુભક્તિ.

વાત બિલકુલ ખોટી નથી.

‘આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે?’

આ અને આ પ્રકારના સવાલો લોકો બહુ કરે અને એમાં સમાવેશ વડીલોનો પણ થઈ જાય છે. તમારામાં તરવરાટ હોય અને નવું અપનાવવા માટે મન ખુલ્લું હોય તો જે ચાહો એ તમે શીખી શકો. શોખને ઉંમરનો બાધ ન હોવો જોઈએ. ઉંમર થાય એમ શોખનું મહત્ત્વ વધવું જોઈએ. આ શોખ ઈંધણ બનીને કામ કરશે. આજે કિટી પાર્ટીમાં પચીસ-ત્રીસ અને પાંત્રીસની મહિલાઓ હિસ્સો લે છે, પણ એવું કરવાને બદલે નિવૃત્તિ પછી ઘરે બેઠેલાં આન્ટીઓએ પોતાના માટે કિટી શરૂ કરવી જોઈએ અને જો સોશ્યલ નેટવર્કિંગ ગમતું હોય તો એનો પૂરો લાભ લેવો જોઈએ. ગમતું હોય એ કરો, પૂરા લગાવથી કરો. જરૂરી નથી કે એનાથી દુનિયાને શું ફરક પડે છે અને દુનિયાને ફરક પડતો પણ હોય તો એને ગણકારવાની જરૂર નથી. દૂરદર્શનના ભૂતપૂર્વ ડિરેક્ટર વિદ્યુત શાહ રિટાયરમેન્ટ પછી પોતાની લાઇફને મસ્ત રીતે એન્જૉય કરે છે. હસબન્ડ-વાઇફ બન્ને વર્ષમાં મસ્ત મજાનાય બે વેકેશન પર નીકળી જાય છે અને ફરવાનો પૂરતો આનંદ ઉઠાવે છે. દર શુક્રવારે ફિલ્મ જોવા પણ અચૂક જવાનું અને વીક-એન્ડમાં ઘરે રસોઈ નહીં બનાવવાની. વિદ્યુત શાહ કહે છે, ‘દરેક તબક્કાની પોતાની એક જવાબદારી હોય છે. નાના હતા ત્યારે શીખવાની અને ભણવાની જવાબદારી હતી, યંગ થયા એટલે કમાવાની અને કરીઅર સેટ કરવાની જવાબદારી આવી, પ્રૌઢ થયા પછી બાળકોને મોટાં કરવાની જવાબદારી આવી, હવે જો પ્રભુભક્તિ કરવાની જવાબદારી અપનાવવાની હોય તો પછી જાત માટે ક્યારેય જીવવાનું? મને લાગે છે કે રિટાયરમેન્ટ એ જાત માટે જીવવાનો તબક્કો છે. મન ભરીને જીવવાની આ તક છે, આ તકને વેડફી નાખવી એ મૂર્ખામીથી ઓછું કંઈ નથી.’

વાત જરા પણ ખોટી નથી. આ મૂર્ખામી છે. જો શરીર સાથ આપતું હોય, જો રોજબરોજની ચિંતા જીવનમાં ક્યાંય જોડાયેલી ન હોય અને જો ઉંમરના અગાઉના તમામ તબક્કાઓની જવાબદારી સુખરૂપ પાર પાડી હોય તો હવે આ જવાબદારીને પણ એટલી જ નિષ્ઠા સાથે પૂરી કરો અને અંતિમ તબક્કાના આ અધ્યાયને પણ નિષ્ઠાપૂર્વક આવકારો. નવું કરવાની તૈયારી રાખો અને નવું કરવાના માર્ગ પર પ્રારંભ કરો. ઉંમર સાથે કશું જોડાયેલું હોતું નથી.

પાછલી જિંદગીમાં ખુશ રહેવું હોય તો જુવાનીમાં જેકંઈ કરવાના અભરખા બાકી રહી ગયા હોય એ પૂરા કરી લેવા જોઈએ. કોઈ શું કહેશે, કોઈને કેવું લાગશે એવું વિચારવાની કોઈ જરૂર જ નથી. ગીતો ગાવાં ગમે છે તો ગાઓ, ડાન્સ કરવો છે તો કરી લો, કંઈક નવી આર્ટ શીખવી છે તો શીખવા મંડો. જ્યારે તમે કંઈક નવું શીખવા તૈયાર થાઓ છો ત્યારે તમારું મગજ યંગ એનર્જી ફીલ કરે છે.

યંગ ઍટ હાર્ટ અને યંગ ઍટ બ્રેઇન રહેશો તો બીજી કોઈ ચિંતા જ નથી.

જીવનના દરેક તબક્કાની પોતાની જવાબદારી છે. નાનપણમાં ભણવાની જવાબદારી, યુવાવસ્થામાં કરીઅરને સેટ કરવાની જવાબદારી, એ પછી બાળકોને મોટાં કરવાની જવાબદારી, ત્યાર પછી તેમને સેટ કરવાની જવાબદારી અને એ પછી નિવૃત્તિ; પણ આ નિવૃત્તિમાં જ્યારે કોઈ જવાબદારી નથી ત્યારે સૌથી મોટી જવાબદારી એ છે કે જાતે ખુશ રહેવું, કંઈક નવું કરવું અને જીવનને માણી લેવા માટે જે કંઈ કરવું પડે એ કરી લેવું.

રિટાયરમેન્ટ પછી બેસી રહેવાને બદલે પ્રવૃત્ત રહો તો ઉંમરની આડઅસર ઓછી થતી હોય છે. સિત્તેર વર્ષે પણ કાર્યરત રહેતા લોકોની ફરિયાદો કરતાં સિત્તેર વર્ષે સાવ પ્રવૃત્તિ છોડી દેનારાની ફરિયાદો ત્રણથી ચારગણી હોય છે. પ્રવૃત્તિ કરતા રહેવાનો અર્થ એ છે કે જાતને સક્રિય રાખવી અને જાતને સક્રિય રાખવાનો અર્થ એ છે કે મનમાં નવી ઊર્જા ભરતા રહેવી.

- મુકુલ ચોકસી, સાઇકિયાટ્રિસ્ટ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK