Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્વિચ ઑન કે ઑફ?

સ્વિચ ઑન કે ઑફ?

06 February, 2021 04:28 PM IST | Mumbai
Sanjay Raval

સ્વિચ ઑન કે ઑફ?

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


આજે તમારી સ્વિચ ઑન છે કે ઑફ?

હા, એક્ઝૅક્ટ વાંચ્યું તમે. અત્યારે, આ સમયે તમારી સ્વિચ ઑન છે કે ઑફ?



આપણે કોઈ મશીનની વાત નથી કરતા કે પછી આવનારા સાયન્સ-ફિક્શનની વાતો પણ નથી કરતા કે પછી નથી કાલ્પનિક વાતો કરતા. આપણી જ વાત કરીએ છીએ અને એ જ વાત કરતાં તમને આ સવાલ પૂછ્યો છે કે તમારી સ્વિચ અત્યારે ‍ઑન છે કે ઑફ છે?


આપણું શરીર અને ખાસ તો આપણું મગજ ક્યારેય ન સમજી શકાય એવું અદ્ભુત મશીન છે જેની રચના ઈશ્વરે કરી છે. હું તો કહેતો પણ હોઉં છું કે આપણું મગજ એક એવું મશીન છે જે કાયમ માટે મૉડર્ન છે. તમે ગમે એટલા મૉડર્ન થાઓ તો પણ એ મશીન તો એનાથી પણ આગળનું જ મૉડર્ન રહેવાનું છે. હવે વાત કરીએ શરીર નામના આ મશીનની, જેની રચના ભગવાને કરી છે, પણ એક મોટી વિટંબણા છે. આપણે ભગવાનને આજ સુધી સમજી નથી શક્યા તો ક્યાંથી આપણે ઈશ્વરની દેન એવા આ ચમત્કારિક શરીરને સમજી શકવાના, પણ મુદ્દો આપણો અત્યારે એ નથી કે આપણી શરીરની રચનાને કે પછી શરીરની રચના કરનારા ભગવાનને ઓળખીએ. મુદ્દો છે ઈશ્વરની રચનાનો અને ઈશ્વરની દરેક રચના પાછળ કોઈ ને કોઈ કારણ છે, દરેક રચનાનો કોઈ ને કોઈ ઉપયોગ છે અને જે કારણસર એ બની છે કે પછી જે એનો સાચો ઉપયોગ છે એમાં એનો વપરાશ નથી થતો ત્યારે આપણે કહીએ છીએ કે સિસ્ટમ બગડી ગઈ છે.

જો આપણા આ શરીરને કે મગજને આધુનિક સિસ્ટમ સમજીએ તો એનો ઉપયોગ પણ એવો જ થવો જોઈએ અને એ ઉપયોગ પ્રોપર મેનરમાં ન થાય કે ન કરી શકતા હો તો એનો સીધો અર્થ એવો નીકળે કે કંઈક ગરબડ છે. આ ગરબડને ઓળખવા માટે કે પછી આપણા મગજની સિસ્ટમને ઓળખવા માટે આપણે એને સમજવી જ જોઈએ, સમજવી પણ જોઈએ અને સમજ્યા પછી એને સમયાંતરે ઑન અને ઑફ પણ કરતા રહેવું જોઈએ. તમને એમ થાય કે મગજ થોડું ઑન-ઑફ કરી શકાય, એને સ્વિચ થોડી છે તો પહેલાં હું તમારી પહેલી મૂંઝવણનો જવાબ આપું. મગજ ઑન-ઑફ થોડું થાય એ વાતનો.


તમે રાતે સૂઓ ત્યારે તમારું મગજ કમ્પ્યુટરની જેમ હાઇબરનેટ મોડમાં હોય છે. તમારું મગજ શાંત થાય, શરીર દિવસનો થાક ઉતારે છે અને તમે નિરાંતે ઊંઘી શકો. જેમ શરીર કામ કરવા માટે બન્યું છે અને એ આખો દિવસ કામ કરે છે એમ જ, મગજ પણ કામ કરવા માટે જ બન્યું છે અને એ પણ આખો દિવસ વિચારવાની પ્રક્રિયા કરે છે. મગજ દિવસ દરમ્યાન લાખો-કરોડો વિચારો કરતું હશે. હા, સાચું વાંચ્યું. લાખો-કરોડો, પણ એ દરેક વિચાર પર આપણે પૂરતું ધ્યાન આપી નથી શકતા અને એને લીધે દરેક વિચાર પર ફોકસ નથી થઈ શકતું. એક વાત યાદ રાખજો કે સાયન્ટિસ્ટ પોતે કહે છે કે મનમાં ચાલતા તમામ વિચારો જો તમને યાદ રહેવા માંડે અને એ મગજની ઉપરની સપાટી પર સ્ટોર થવા માંડે તો માણસ ગાંડો જ થઈ જાય અને દુનિયાને એની ખબર પણ પડી જાય. જુઓ તમે ગાંડા માણસોને, તે ઘણી વાર માથામેળ વિનાની વાતો કરતા હોય છે. આ માથામેળ વિનાની વાતો થવાનું કારણ એ જ છે, તેના મનમાં ચાલતા તમામ વિચારો ઉપરની સપાટી પર છે એટલે એ અસંબદ્ધ રીતે રજૂ પણ કર્યા કરે છે.

આપણું મગજ જે બધું વિચારે છે એ બધાની આમ પણ આપણને જરૂરિયાત હોતી નથી અને એ બધા એટલા ઉપયોગી પણ નથી. તમે એ વિચારોને આવતા અટકાવી પણ શકો નહીં, કારણ કે જેમ-જેમ વિચારો કોઈ એક બાબત વિશે આવે એટલે એના વિશે ગહન વિચારણા શરૂ થાય અને એ વિચારો કદાચ ક્યાંક ને ક્યાંક ચિંતા લઈને આવે, ઉપાધિ લઈને આવે અને કદાચ તમે એને કારણે ડિસ્ટર્બ થઈ જાઓ. શું કામ? કારણ કે એ જે વિચારો આવ્યા છે એના વિશે તમારે વધારે વિચારવાની જરૂર જ હતી નહીં. જેમ કે કદાચ હું અત્યારે એવું વિચારું કે મારે આજથી પાંચ વર્ષ પછી તાજ મહેલ લઈ લેવો છે, બની શકે કે આજથી પાંચ વર્ષ પછી તાજ મહેલ વેચવામાં આવે પણ ખરો, પરંતુ હું અત્યારથી એનો વિચાર કર્યા જ કરું અને અત્યારથી બધા વિચારો મારા એ તરફ વળી જાય તો શું થાય? મને ડિસ્ટબર્ન્સ જ આવે. કારણ કે એ આજે તો વેચાતો નથી, આજે તો મારે ખરીદી કરવાની નથી અને આજે તો ખરીદવાની મારી શક્તિ નથી. તો પછી જ્યારે આવા વિચારો આવે ત્યારે શું કરવાનું? સિમ્પલ, સ્વિચ ઑફ. હા, તમારી પાસે તમારા મશીનનો કન્ટ્રોલ તો હોવો જ જોઈએ. આજે આપણે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ, આજે જે પેન્ડેમિક સિચુએશન છે એમાં મારી પાસે હજારો લોકો એવી ફરિયાદ લઈને આવે છે કે કાલે શું થશે, હવે શું કરીશું, હવે આમાંથી ક્યારે બહાર નીકળવાનું? શું આમ જ રહેશે? શું ક્યારેય આપણે ફરી પાછા હતા એમ નૉર્મલ નહીં રહી શકીએ? આવા હજારો પ્રશ્નો મને પૂછવામાં આવતા હોય છે અને કદાચ આ બધા પ્રશ્નો સાચા પણ છે, પરંતુ પરિસ્થિતિ કદાચ કન્ટ્રોલમાં નથી અને આપણા હાથમાં પણ નથી. જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય ત્યારે રેન્ડર કરો, મેં અગાઉ પણ કહ્યું છે કે જ્યારે તમારા ધાર્યાં કામ ન થાય ત્યારે પરિસ્થિતિને સરેન્ડર કરો અને પછી એમાંથી રસ્તો કાઢવાનું કામ કરો. આ સમયે તમને જે આવા અસહ્ય કહી શકાય એવા વિચાર આવે છે એનામાંથી પહેલાં તો કટ-ઑફ થવું અને તમારા મન પર કન્ટ્રોલ કરો અને સ્વિચ ઑફ કરો. એ કઈ રીતે થઈ શકે?

બહુ ઈઝી છે, કદાચ તમને એવું લાગશે કે આ બધી વાતો પૉસિબલ નથી, પણ એવું નથી. જ્યારે પણ તમને એવું લાગે કે હવે મારું મગજ કન્ટ્રોલની બહાર જઈ રહ્યું છે ત્યારે બેસીને સૌથી પહેલાં ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરો અને મનમાં ગણતરી પણ ચાલુ કરો. ૧૦ સુધી ઊંડા શ્વાસ લીધા પછી તમને પોતાને લાગશે કે મગજ પર કાબૂ પાછો આવવા માંડ્યો છે. હવે એક ગ્લાસ ઠંડું પાણી પીઓ. તમારા મગજને શાંતિના નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું કામ આ પાણીથી થશે. એ પછી હવે શાંતિથી બેસો, ગમતી વ્યક્તિ સાથે વાત કરો કે પછી ગમતું પુસ્તક કે મનગમતું મ્યુઝિક સાંભળો અને એના વિચાર કરો જે તમારી ગમતી વ્યક્તિ હોય. મગજ તોફાની છે, પણ સાથોસાથ એ ચીટકુ પણ છે. એક જગ્યાએ અટકી ગયું તો પછી એ ત્યાં જ ચોંટેલું રહે છે, પણ એને માટે તમારે એને થોડો સમય આપવો પડશે. તમારા મનગમતા વિચારો કે પછી પ્રક્રિયા તમને એ દિશામાંથી બહાર લાવવાનું કામ કરશે અને આ જ સાચી પ્રક્ર‌િયા છે મગજને સ્વિચ્ડ-ઑફ કરવાની. મગજને સ્વ‌િચ્ડ-ઑફ કરીને ન‌િરાંતે તમારે એ સમયને માણવાનો છે. સમયને માણવાની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તમને નકારાત્મક વિચારો અને માનસિકતામાંથી બહાર લાવશે અને ખોટા કે ખરાબ વિચારોમાંથી બહાર આવવાની પ્ર‌‌ક્રિયા જ સ્વિચ્ડ-ઑફનીસ્ટાઇલ છે.

આ થઈ સ્વિચ્ટ-ઑફની વાત. હવે કરીએ મગજ સ્વિચ્ડ-ઑન કરવાની વાત. ઑફ કરેલું મગજ ઑન પણ કરવાનું જ છેને, કારણ કે વિચારોમાંથી લીધેલું કે પછી પ્રૉબ્લેમમાંથી લીધેલું આ વેકેશન કાયમી તો છે જ નહીં. રાતે મગજ સ્વિચ્ડ-ઑફ કરો તો દરરોજ સવારે મગજને સ્વિચ્ડ-ઑન પણ કરવાનું છે. મગજને સ્વિચ્ડ-ઑન કરવા માટે દિવસના કામનું એક લિસ્ટ બનાવો અને દિવસનું પ્લાનિંગ એવી રીતે કરો જેથી તમને બીજી કોઈ ફાલતુ ઘટના કે પછી એવો કોઈ બનાવ પણ અપસેટ ન કરે. સ્વિચ્ડ-ઑન થયેલું બ્રેઇન કામ કરશે, કામ કરશે તો આઉટપુટ મળશે અને આઉટપુટ મળશે તો એ વધારે ઍક્ટિવ થઈને કામ કરશે. બનાવેલા કામનું અને બનાવેલા પ્લાનિંગ દર કલાકે રિવ્યુ કરવાનું પણ રાખો, કારણ કે યાદ રાખ્યે કે કામ લખી લીધા પછી તમારું કામ પૂરું નથી થતું. તમારે રિઝલ્ટ-ઓરિયેન્ટેડ પણ બનવાનું છે અને રિઝલ્ટ-ઓરિયેન્ટેડ તમે ત્યારે જ થઈ શકો જ્યારે તમે તમારા કામનું મૂલ્યાંકન પણ કરતા હો. એક વાત ખાસ યાદ રાખજો મગજને સ્વિચ્ડ-ઑફ કરવાની. જેવી નકારાત્મકતા આવી કે તરત જ મગજને સ્વ‌િચ્ડ-ઑફ કરવાનું. બ્રેક લેવાનો અને બ્રેક લઈ, મગજને સુવડાવી દેવાનું અને એમાંથી પાછા આવીને ફરીથી મગજ ઑન કરી કામ પર લાગવાનું. આ એક એવી પ્રક્રિયા છે જે નિયમિત કરવાથી શ્રેષ્ઠ રિઝલ્ટ આપશે. તો લાગી પડો આ ટેક્નિકના ઉપયોગમાં.

ઑલ ધ ગુડ લક.

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2021 04:28 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK