Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડર લગે તો ગાના ગા યા ફિર ગાના સુન!

ડર લગે તો ગાના ગા યા ફિર ગાના સુન!

09 April, 2020 06:14 PM IST | Mumbai
Jayesh Chitalia

ડર લગે તો ગાના ગા યા ફિર ગાના સુન!

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


આ ટાઇટલનું ગીત આમ તો સાદું-સરળ લાગે છે, પરંતુ એમાં ઊંડો ભેદ છે. સમજો તો ગીતો આપણને મનોરંજનની સાથે મનોમંથન કરવાની તક આપી જીવવાના બોધપાઠ આપતાં રહે છે. વર્તમાન તંગ અને સ્ટ્રેસસભર વાતાવરણમાં હિન્દી ગીતોને ગાઈએ- માણીએ-સમજીએ તો આ ગીતો દવા અને દુઆ બની શકે છે.

આપણને સૌને જૂની હિન્દી ફિલ્મોનાં ગીતો વરસોથી પસંદ છે. આપણે એને વારંવાર ગણગણતા કે સાંભળતા હોઈએ છીએ. આ ગીતોમાં પ્રેમ-વિરહ, લાગણી-સંબંધો, જોશ-આક્રોશ, ભક્તિભાવ-મૈત્રીભાવ-પારિવારિક ભાવ, કુદરત કે પ્રકૃતિ, દેશભક્તિ, વેદના-સંવેદના વગેરેનો સમાવેશ થતો હોય છે. આ ગીતોમાંથી દરેક જણ પોતાને ગમતા અર્થ અને આનંદ મેળવે છે. મેં અનેક લોકોને કહેતા સાંભળયા છે કે હિન્દી ગીતો (ગુજરાતી ગીતો પણ ખરાં) તેમના માટે સ્ટ્રેસ-બસ્ટર બન્યાં છે. પોતે ઉદાસી યા નિરાશામાં હોય છે યા કોઈ પીડામાં પણ હોય છે ત્યારે મનગમતાં ગીતો સાંભળીને યા ટીવી કે સોશ્યલ મીડિયાની યુટયુબ જેવી ચૅનલ પર એ ગીતો જોઈને શાંતિ મેળવવાનો પ્રયાસ કરે છે. એમ કરતાં શાંતિ મળે કે નહીં અથવા મળે તો કેટલી મળે એની ખબર નથી, પરંતુ કમસે કમ એટલો સમય વેદના કે પીડાને ભૂલી શકાય છે, યે ભી ક્યા કમ હૈ?



ગીત ગાઓ, સુનો, કોરોના કા ડર ભગાઓ


વર્તમાન સમય કોરોનાના ભયના અસાધારણ અને અગાઉ કયારેય ન જોયેલા-અનુભવેલા  વાતાવરણના સ્ટ્રેસનો છે, સતત ચાર દીવાલ વચ્ચે પુરાઈ રહેવાનો છે, પ્રવૃત્તિ વિનાનો અથવા સતત એક જ માહોલમાં રહેવાનો છે ત્યારે માણસોને અનેક પ્રકારના વિચારો આવતા હોય છે, જેમાં નેગેટિવ વિચારો મગજ પર વધુ અસર જમાવે છે. અસલામતી અને ભાવિનો ભય સતત મન પર છવાયેલો રહે છે. એકની એક વાતથી પણ મન ભારે થઈ જાય છે. પોતાના જ ઘરમાં માણસ જ્યારે આનંદને બદલે કેદ જેવું ફીલ કરવા લાગે ત્યારે તેની મનઃસ્થિતિ કેટલી હદ સુધી પડી ભાંગતી હશે એની કલ્પના કરવી કઠિન છે. ખેર, હાલ તો કોરોનાની વાસ્તવિકતાને સૌએ કમને પણ સ્વીકારવાની જ છે. એમાં જ ભલું છે. આવા સમયમાં હિન્દી ફિલ્મી ગીતો (ખાસ કરીને જૂનાં) તેમનાં સ્ટ્રેસ-બસ્ટર બની શકે છે. આ ગીતો આપણને શા માટે ગમતાં હોય છે એની ઝલક જાણવા-સમજવા જેવી છે.

ગીતોમાં શું હોય છે? વો દિન યાદ કરો


જસ્ટ હાલ થોડો સમય કોરોનાને બાજુએ મૂકી વિચારીએ કે ગીતો વિના આપણા જીવનમાં કેવી અધૂરપ હોત. આ ગીતો આપણને ગમે છે, કારણ કે એ આપણા દિલની વાત કરે છે, આપણી ખુશી, આપણી વેદનાને સ્પર્શે છે. આપણને આપણા જન્મ પહેલાંનાં ફિલ્મગીતો પણ ગમે છે, કારણ કે એના શબ્દોમાં ભાવ છે, લાગણી છે, દર્દ, સંવેદના છે. આ શબ્દોની શક્તિ છે, સાર્થકતા અને અર્થસભરતા છે. આ ગીતો સ્ટ્રેસ-બસ્ટર તો ખરાં જ, પરંતુ આપણાં મૂડ ચેન્જર પણ બને છે. ગીતોમાં દર્દ હોય છે, જખમ હોય છે, નમક હોય છે તો મલમ પણ હોય છે. યાદ કરો, એક સમય એવો હતો જ્યારે ટીવી હજી આવ્યાં નહોતાં અથવા સાવ નવાં હતાં. માત્ર પૈસાદાર ઘરોમાં જ હતાં. ત્યારે આપણે રેડિયોમાં ચોક્કસ સમયે ગીતો સાંભળવા માટે રાહ જોતા અને એ સાંભળીએ પછી જ આપણને શાંતિ અને આનંદ મળતાં. ટીવી આવ્યા બાદ આપણે દર સપ્તાહમાં માત્ર એક દિવસ દર્શાવાતાં છાયાગીત જોવાની પ્રતીક્ષામાં રહેતા. પોતાના ઘરે ટીવી ન હોય તેઓ બીજાના ઘરે ટીવી જોવા જતા, બારીઓમાંથી ડોકિયાં કરી એટલો સમય ગીતો જોઈને અનહદ આનંદ મેળવતા. વો ભી ક્યા દિન થે! ‘કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન’ આજે ભી ગવાઈ જાય છે. 

શબ્દોની શક્તિ અને સાર્થકતા

જીવનના અનુભવના આધારે નિખાલસતાપૂર્વક કહું તો આ ગીતો આપણને ધ્યાન-મેડિટેશનમાં લઈ જઈ શકે છે. આ ગીતોને સાંભળતી વખતે આપણે એની સાથે તાદાત્મ્ય સાધી શકીએ છીએ. ઘણાં ગીતો તો આપણને આપણી જાતને મળવામાં સહાય કરે છે. ગીતો આપણી સંવેદનાને જગાડે છે, જિવાડે છે અને પાળે છે. ગીતો આપણને

જગતનાં-બીજાનાં દુઃખદર્દની સમજ પણ આપે છે. આપણી ભીતર પ્રેમ, કરુણા, વિવેક અને ઊંડી સમજણ પણ જગાવે છે. જિંદગીની ફિલસૂફી સહિત જીવન જીવવાનો માર્ગ-દિશા પણ બતાવે છે. આપણી પ્રેરણા બને છે. અતિશયોક્તિ લાગે તો ભલે લાગે, કેટલાંક ગીતો આપણને અમુક જ શબ્દો કે પંક્તિઓમાં ગીતા અને ઉપનિષદના સારની ઝલક કહી દે છે. ગીતો આપણને પરમાત્માની વધુ નિકટ લઈ જવામાં સહાય કરે છે. આને આપણે ભજન પણ કહી શકીએ અને ભક્તિ પણ.

સમય સાથે અર્થ અને સમજણ બદલાય

ગીતોની મજા અને વિશિષ્ટતા એ છે કે સમય જાય એમ આપણી દૃષ્ટિ બદલાય છે, અભિગમ બદલાય છે, સમજણ અને પરિપક્વતામાં પરિવર્તન આવે છે. ત્યારે એ જ ગીતમાંથી નવા અર્થ, નવી દૃષ્ટિ, નવું ઊંડાણ ઊભરવાનું શરૂ થાય છે. ગીતોની આટલી લાંબી વાત કર્યા પછી કેટલાંક ગીતોની ચોક્કસ પંક્તિઓની ઝલક એના અર્થ સાથે મમળાવીએ નહીં તો બધું અધૂરું રહી જાય.  પ્રિય ગીતોની વાત કરું (યાદી તો બહુજ... લાંબી છે) તો કેટલાંક ચુનંદા ગીતોની ઝલક જોઈએ. પરમાત્માને–તેની પ્રકૃતિને ધ્યાનમાં રાખી રચાયેલું ગીત-યે કૌન ચિત્રકાર હૈ સાંભળી-જોઈ લેજો. કુદરતમય-પરમમય થઈ જવાની ખાતરી છે.

‘કિસીકી મુસ્કુરાહટોં પે હો નિસાર, કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસીકે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર...’ જીવનને ભીતરથી સભર-સમૃદ્ધ કરી દેશે.

‘જીવન સે ભરી તેરી આંખેં, મજબૂર કરે જીને કે લિએ’ ગીત પ્રિયતમા પ્રત્યેના પ્રેમને નવી ઊંચાઈએ લઈ જશે.

‘આના હૈ તો આ રાહ મેં કુછ ફેર નહીં હૈ, ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ...’, ‘નયા દૌર’નું આ ગીત ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક સમાન ગણાય જેમાં કહે છે, જબ તુઝ સે ન સુલઝે તેરે ઉલઝે હુએ ધંધે, ભગવાન કે ઇન્સાફ પે સબ છોડ દે બંદે, ખુદ હી તેરી મુશ્કિલ કો વો આસાન કરેગા, જો તૂ ન કર પાએગા વો ભગવાન કરેગા ! કોરોનામાં આપણે શું કરી શકીએ છીએ? તે જ કરશે ઉપાય, તેના પર જ શ્રદ્ધા રાખવામાં સાર્થકતા.

આપણું અને આપણી રીતે જીવન જીવવું હોય તો અનેક મોટિવેશનલ સ્પીકર યા ફિલોસૉફર આપણને જે આજે કહે છે એ આ ગીતે વરસો પહેલાં કહી દીધું હતું. કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના, છોડો સંસાર કી બાતોં મેં કહીં બીત ન જાએ રૈના (રૈના અહીં આખું જીવન કહી શકાય).

‘સફર’નું આ ગીત કોને ન સ્પર્શે? આજીવન સવાલ બનીને પૃથ્વી રચાઈ ત્યારથી આપણને સ્પષ્ટ કહી દે છે આ ગીત - ‘ઝિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમઝા નહીં, કોઈ જાના નહીં...’

બાળપણને સતત યાદ કરાવતું અને એ દિવસોમાં લઈ જતું આ ગીત કેટલી પણ વાર સાંભળો બાળપણ યાદ કરાવશે જ -‘ આયા હૈ મુઝે ફિર યાદ વો ઝાલિમ, ગુઝરા ઝમાના બચપન કા...’

પરમ પરની શ્રદ્ધાનાં ગીતો

ઈશ્વરની ભક્તિનાં આ ગીત આજે પણ ફિલ્મી હોવા છતાં આપણા જીવનમાં પ્રભુ પ્રેમ બનીને છવાયેલાં રહ્યાં છે. ઇતની શક્તિ હમેં દેના દાતા મન કા વિશ્વાસ કમઝોર હો ના, હમ ચલેં નેક રસ્તે પે હમ સે ભૂલકર ભી કોઈ ભૂલ હો ના! તોરા મન દર્પણ કહલાએ, ભલે બુરે સારે કર્મોં કો દેખેં ઔર દિખાએં, હમ કો મન કી શક્તિ દેના, મન વિજય કરે, તૂ પ્યાર કા સાગર હૈ, તેરી એક બુંદ કે પ્યાસે હમ, જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તન કો મિલ જાએ તરુવર કી છાયા, ઐસા હી સુખ મેરે મન કો મિલા હૈ મૈં જબ સે શરણ તેરે આયા, મેરે રામ.

ઝિંદગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં જૂઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા

છેલ્લે જીવન જીવવાના સંદેશ આપતાં અમુક ગીતની ઝલક સાથે વાત પૂરી કરીએ એ પછી તમે તમારાં ગમતાં ગીતો સાંભળી-માણી આ વાતને તમારી સાથે આગળ વધારી શકો. જિંદગીનાં આ ગીતો છે, સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ, ન હાથી હૈ ન ઘોડા હૈ, યહાં પૈદલ હી જાના હૈ! મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, જો મિલ ગયા ઉસી કો મુકદ્દર  સમજ લિયા, જો ખો ગયા મૈં ઉસકો ભુલાતા ચલા ગયા! ઝિંદગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં જૂઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા? કોરોના આજે છે, કાલે નહીં હોય, આપણે આજે છીએ, કાલે ન પણ હોઈએ. જે છે આજ છે. જીવવાનું આજમાં છે. આટલું સમજાઈ જાય તોય ભયો ભયો.

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2020 06:14 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK