‘ભયમુક્ત જીવન.’
હમણાં મને મુંબઈના જ એક વાચકમિત્રએ પૂછ્યું કે મેં આ સિરીઝનું નામ આવું શું કામ આપ્યું છે. એ વાચકને એ તો ખબર જ હતી કે મારાં વ્યાખ્યાનોની શ્રેણીનું નામ પણ આ જ છે અને આ જ નામથી યુટ્યુબ પર પણ સિરીઝ ચાલે છે, પણ તેમનો પ્રશ્ન પણ એ જ હતો કે આ બધી જગ્યાએ આવું નામ કેમ, શું કામ ભયમુક્ત જીવન. એનું કારણ છે. એમ જ આ નામ રાખી દેવામાં નથી આવ્યું.
હું હંમેશાં કહું છું કે ભયમુક્ત જીવન જીવવું જોઈએ અને માણસે ભયમુક્ત જીવન જ જીવવાનું હોય અને છતાં મોટા ભાગના લોકો આ વાત સ્વીકારતાં નથી અને સતત ભય વચ્ચે જીવ્યા કરે છે. આખી જિંદગી ભય વચ્ચે જીવ્યા હોઈએ, ડર વચ્ચે જીવ્યા હોઈએ એટલે હવે તો એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે કોઈ પણ પ્રકારનો ડર ન હોય તો પણ આપણે સામે ચાલીને ડર શોધવા નીકળી પડીએ, પણ શું કામ?
આ ‘શું કામ’નો જે જવાબ છે એ જવાબ ખરેખર સૌકોઈએ મનમાં ઉતારવાની જરૂર છે અને એ ઉતારીને સૌકોઈએ એનો અમલ કરવાની જરૂર પણ છે.
ક્યાંક ને ક્યાંક હવે આપણે એ સ્વીકારતા થઈ ગયા છીએ કે ભય વગરનું જીવન હોઈ જ ન શકે, એ તો રહેવો જ જોઈએ અને એ હોય તો જ આપણે શાંતિથી જીવી શકીએ. અચરજભર્યું જૂઠાણું આપણે આખી જિંદગી સાથે રાખીને ફરીએ છીએ અને એમાં જ આપણે ભય અને ડર વચ્ચે આખી જિંદગી પસાર કરી નાખીએ છીએ, પણ મિત્રો, હું સાચું કહું તમને, ડર વિનાનું જીવન શક્ય છે. ડર વિનાનું જીવન પણ શક્ય છે અને ઉપાધિ વિનાનું જીવન પણ શક્ય છે.
બને છે એવું કે આપણે દરેક જગ્યાએ આપણી જાતને ઇન્ફિરિયર કરતા રહીએ છીએ, નીચી માનતા રહીએ છીએ. સતત મનને કાબૂમાં રાખીએ અને આપણે નેગેટિવ કમાન્ડ આપતા રહીએ કે જો તું આમ કરીશ તો આ ખરાબ પરિણામ આવશે અને જો તું પેલું કરીશ તો આમ નહીં થાય. બસ, આ ‘જો’ અને ‘તો’ વચ્ચેની રમત આપણે રમ્યા કરીએ છીએ અને સાથે-સાથે આપણે આપણી જાતને ડીમોટિવેટ પણ કરતા રહીએ છીએ. હકીકત એ છે કે આપણે આપણી જાતને મોટિવેટ કરવાની છે. જો આગળ આવવું હોય, વિકાસ કરવો હોય અને જો નામ રોશન કરવું હોય તો તમારે મહેનત કરવી પડે. મહેનત જેટલી કરશો એવું અને એટલું પરિણામ મળશે. જો વધારે મોટું અને સારું પરિણામ જોઈતું હોય તો તમારે ઠેકડો મારવો પડે અને નવાં-નવાં સાહસ કરવાં પડે અને આ સાહસ કરવા માટે તમારે જ તમારી જાતને મોટિવેટ કરવાની હોય, પણ ના, આપણે આપણી જાતને સતત ડીમોટિવેટ કરતા રહીએ છીએ.
એક વાર્તા સાંભળો...
એક ગોવાળ હતો. તેની પાસે ૩૦૦ ઘેટાં હતાં. તે રોજ દૂર ડુંગર સુધી ઘેટાં ચારવા જાય. રસ્તામાં તેને નદી આવે, અડાબીડ જંગલ આવે અને એના પછી છેક ડુંગર આવે. રોજ એ આટલું ચાલીને પોતાની મંજિલ પર પહોંચે. સવાર પડે એટલે દરરોજ તે ચાલતો નીકળે. બધાં ઘેટાં પણ સાથે જોડાય અને બધાં પોતપોતાની રીતે આગળ વધતાં જાય. વર્ષોનો આ નિયમ હતો એટલે કોઈને કશું કહેવાનું નહીં, કોઈને ખોટી દિશામાં વળવાનું નહીં અને સાંજે પાંચ વાગ્યે પાછાં આવવાનું ત્યારે પણ આ એક જ રસ્તો એટલે એમાં પણ કોઈએ કોઈને ટોકવાના નહીં. નવાઈ ત્યારે થાય જ્યારે એક દિવસ એક ઘેટું એકલું નીકળી પડે અને દૂર સુધી એકલું ચાલ્યું જાય. જ્યારે ગોવાળને દેખાતું બંધ થાય ત્યારે ગોવાળ બાકીનાં બધાં ઘેટાંને પડતાં મૂકીને નીકળે તે એકલા નીકળી ગયેલા ઘેટાને પાછું લાવવા. થોડે દૂર જાય એટલે એ દેખાઈ આવે અને પછી એ ઘેટાને ખભે નાખીને પાછું લઈ આવે. આ ગોવાળ એટલે ઈશ્વર. ઈશ્વરને ખબર છે કે તમને એક રસ્તો બતાવ્યો છે એ રસ્તે જ તમે ચાલી નીકળો છો, પણ જો તમે અલગ રસ્તો બનાવશો તો ઈશ્વર જ તમને ખભે નાખીને પાછો લઈ આવશે. તમે એકલા જ છો અને તમને એકલાને જ એ રસ્તેથી પાછા લાવવાના છે, પણ એ કામ ભગવાન કરે છે. બધાને પડતા મૂકીને કરે છે, પણ એ કામ ભગવાને કરવું પડે એ પહેલાં તમારે તમારી હિંમત દેખાડવાની છે, તમારે એકલા આગળ વધી જવાનું છે. યાદ રાખજો કે જો તમે એકલા ક્યાંય જશો અને એ રસ્તો તમારો નહીં હોય તો ઈશ્વર તમને ક્યાંય જવા નહીં દે, તે તમારી મદદે આવી પહોંચશે. જો તમે ખોવાઈ જશો તો તે તમને શોધી પણ લેશે અને જો તમને મદદની જરૂર પડશે તો તે તમને મદદ આપવા પણ આવી જશે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જો તમે ઇચ્છતા હો કે ઈશ્વર તમારી પાસે આવે, ઈશ્વર તમારી બાજુમાં રહે તો તમારે સતત સાહસ કરતા રહેવું પડશે. ગાડરિયા પ્રવાહમાં ચાલતા જતા લોકોની મદદે તેણે નથી જવું પડતું. તેણે મદદ તો તેને કરવા જવી પડે છે જે રસ્તાથી દૂર જાય છે. ગાઇડન્સ તો તેણે તેને આપવું પડે છે જે કંઈક નવું કરવા માટે તત્પર છે. દિશા તો તેણે તેને દેખાડવી પડે છે જે ખોટી કે પછી અયોગ્ય દિશામાં આગળ વધવા માંડે છે અને મિત્રો, ખભા પર તો તેણે તેને જ લેવો પડે છે જે પોતાની જાતે પોતાનો માર્ગ બનાવવા નીકળે છે.
ડર કે ભય શું કામ?
આપણને એની આદત પડી ગઈ છે એટલે? બસ, આ જ કારણે. એક ઉંમરે પહોંચ્યા પછી આપણને જેમ દરરોજ બ્લડપ્રેશરની દવા લેવી પડે છે એમ આપણને હવે ભયની પણ દરરોજ દવા લેવી પડે છે. મારી સાથે કોઈ બીક સાથે કે પછી ડર સાથે કોઈ વાત કરે તો હું તેમને કહેતો હોઉં છું કે ચિંતા નહીં કરો, તમે ક્યાંય નથી જવાના અને તમને કંઈ નથી થવાનું અને સમય આવ્યે જે થશે એ માત્ર અફસોસ હશે કે એક સમય હતો જે સમયે હું સાહસ કરી શકતો હતો, પણ મેં કર્યું નહીં. બસ, આ જ વાતનો અફસોસ.
હું સાચું કહું છું. જો આ જ રીતે રહ્યા, જો આ જ રીતે ડરતા રહ્યા અને સંકોચ સાથે જીવતા રહ્યા તો એક દિવસ અફસોસ જરૂર થવાનો છે. અફસોસ થાય ત્યારે જો તકલીફ ન થવાની હોય તો ચાલે, પણ જો તકલીફ પડવાની હોય, પીડા થવાની હોય, દુઃખ થવાનું હોય તો હું માત્ર એટલું જ કહીશ કે અત્યારે જ ભય છોડીને નીકળી જાઓ. જૂના પીંજરાને છોડીને નીકળશો તો જ ઊંચી ઉડાન ભરવાના દિવસો આવશે. નહીં તો કિનારે બેસીને બીજા કહેતા હોય છે એમ કહેતા રહેવું પડશે, ‘બાપરે, પાણી બહુ ઠંડું હતું.’
ઘણા યુવાનો મેં એવા પણ જોયા છે જે બધું હારી ગયા હોય અને એ પછી પણ ફરીથી બેઠા થઈને ભાગવા માંડે. આનું કારણ એ છે કે એક વાર તમને ખબર પડી ગઈ કે તમે બધું ગુમાવી દીધું. હવે તમને ખબર છે કે આનાથી વધારે કંઈ ગુમાવવાનું રહેતું નથી. બહુ સાચો સ્પિરિટ છે આ. બીજી વાત, તમે જે ભૂલ એક વાર કરી લીધી છે એ જ ભૂલ તમે બીજી વાર તો કરવાના જ નથી તો પછી બીક શેની રાખવાની મનમાં.
કીડીનો એક સ્વભાવ છે. એ એક વાર પડે કે હજાર વાર પડે, પણ પડવાની પ્રક્રિયાને એ સહજ ગણીને દર વખતે ફરી પોતાના માર્ગ પર ચાલવાનું શરૂ કરી દે છે. તમે ક્યારેય કીડીની આ પ્રકૃતિનું કારણ સમજવાની કોશિશ કરી છે ખરી?
મારી દૃષ્ટિએ સતત ચાલતી રહેતી કીડીના મનમાં એક જ વાત હોતી હશે કે જો હું આગળ નહીં વધુ તો લોકો મને ચગદી નાખશે. મિત્રો, યાદ રાખજો કે આ જ ફિલોસૉફી તમારામાં હોવી જોઈશે. જો તમે આગળ નહીં વધો તો બીજા તો તમને કચડી નાખશે અને કચડાવું ન હોય તો કચડાઈ જવાનો ડર રાખ્યા વિના રસ્તો ક્રૉસ કરવા માટે દોડો, ભાગો. એક ફિલ્મનો ડાયલૉગ છે. મિત્રો આ ડાયલૉગને તમારા જીવનનો મંત્ર બનાવીને રાખશો તો બહુ લાભ થશે, ‘કહી પહોંચને કે લિએ, કહીં સે નિકલના બહુત ઝરૂરી હોતા હૈ.’ ૨૦૨૧ સુધી પહોંચવા માટે આપણે ચાલતા રહ્યા અને ચાલતા રહ્યા એટલે આપણે ૨૦૨૦ પાર કરી શક્યા. પાર કરવાનું છે અને પાર કરવા આપણે સતત ચાલતા રહેવાની પ્રક્રિયા કરતા રહેવાની છે.
યાદ રાખજો કે માણસ સૂએ ત્યારે ઘડિયાળના કાંટા થંભી નથી જતા
16th January, 2021 17:12 ISTઆજે રોકડા ને ઉધાર કાલે
9th January, 2021 13:04 ISTપહેલા ત્રણ નંબરનું જ મહત્ત્વ શું કામ?
26th December, 2020 17:18 ISTજો તમે મીડિયોકર હો અને તમારું બાળક મીડિયોકર બને તો એમાં ખોટું શું છે?
19th December, 2020 13:03 IST