કૉલમ: 2500 વર્ષ જૂના ભદ્રેશ્વર મહાતીર્થનો ઇતિહાસ

Published: Jan 28, 2020, 13:53 IST | Bhavini Lodaya | Kutch

વર્તમાન તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણ બાદ બાવીસમા વર્ષે મહાતીર્થનું નિર્માણ થયું હતું

ભદ્રેશ્વર મહાતીર્થ
ભદ્રેશ્વર મહાતીર્થ

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં ભદ્રેશ્વર નામનું પ્રાચીન ગામ અગાઉનું શહેર આવેલ છે. આ સ્થાને ભવ્ય ઇતિહાસ ધરાવતું દિવ્ય, મનોહર, પરમ પ્રભાવક શ્રી વસહી (ભદ્રેશ્વર) તીર્થ આવેલું છે. તેનું જૂનું નામ ભદ્રાવતી નગરી જે અતિસમૃદ્ધ હતી અને તેનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે.

ભારતમાં શ્રી સમેતશિખરજી તથા શ્રી શત્રુંજય જેવા શાશ્વત મહાતીર્થો પછી આ ભદ્રેશ્વર તીર્થનો ક્રમ આવે છે. કચ્છના ધર્મસ્થાનોમાં આ તીર્થ સૌથી અધિક પ્રાચીન અને મહત્ત્વનું છે.

અહીંથી મળેલા તામ્રપત્ર પ્રમાણે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં વર્તમાન ચોવીસીના પરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પછી ૨૨ વર્ષે ભદ્રાવતી નગરીના તત્કાલીન રાજા સિદ્ધસેનની સહાનુભૂતિ અને સહાયથી ભદ્રાવતીના દેવચંદ શ્રાવકે ભૂમિ સંશોધન કરી આ તીર્થનું શિલારોપણ કર્યું. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૪૫ વર્ષે પરમ પૂજ્ય કપિલ કેવલી મુનિવારે ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા અહીં પ્રતિષ્ઠિત કરી.

આ કલ્યાણકારી પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભદ્રાવતી નગરીના અનન્ય બ્રહ્મચારી દંપતી વિજય શેઠ અને વિજયા શેઠાણીએ જૈન ભાગવતી દિક્ષા અંગીકાર કરી હતી તેમ જ તેમને કેવળજ્ઞાન પણ અહીં થયેલ હતું.

મહારાજ કુમારપાળ તથા સમ્રાટ સંપ્રતિરાજા તથા દાનવીર શેઠ જગડુશા, શેઠ વર્ધમાન, શેઠ પદ્મસિંહ અને અન્ય યુગપુરુષો દ્વારા આ તીર્થના નવ કરતાં વધારે જિર્ણોદ્ધાર કરાવી જિનમંદિરની અનુપમ રચના કરાવી અને ભદ્રાવતી નગરી ફરતે મોટો કિલ્લો બંધાવ્યો.

કાળક્રમે આ નગરને ક્ષતિ પહોંચતાં આ મંદિરમાં બિરાજેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને એક તપસ્વી મુનિએ સુરક્ષિત રાખી હતી. વિક્રમ સવંત ૧૬૮૨થી ૬ વર્ષ સુધી અચલગચ્છાધિરાજ આચાર્ય શ્રી કલ્યાણસાગર સૂરીશ્વરજીના ઉપદેશથી શેઠ વર્ધમાન શાહે આ તીર્થનો જિર્ણોદ્ધાર કરાવીને શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. તે મૂર્તિ નીચે સં. ૧૬૨૨નો લેખ હોય એમ જણાય છે, જિનાલયમાં ૧૬મી સદીનો એક મહત્ત્વનો શિલાલેખ છે. ત્યારબાદ તેમની શ્રીને આ તીર્થનું મહત્ત્વ સમજાવતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રાચીન પ્રતિમા શ્રી સંઘને સોંપી જે આજે પણ તીર્થમાં બિરાજમાન છે.

મુખ્ય જિનાલય મૂળનાયક વિશ્વ વાલેશ્વર ત્રિલોકનાથ પરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી બિરાજમાન હતા. પદ્માસન સ્થળો મૂળનાયક પ્રભુજીની પ્રતિમા શ્વેત વર્ણની અને ૨૮ ઇંચ ઊંચાઈની હતી. તેજ પ્રભુજીનું મુખારવિંદ પ્રેમ, કારુણ્ય અને સમભાવની લાગણી પ્રસરાવી સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવે છે.

૨૫મી દેરીમાં પુરુષ આ દાદાની સિંધુ ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પૂજ્ય મુનિવરે પ્રતિષ્ઠિત કરેલી અનુપમ મંગલમૂર્તિ બિરાજમાન હતી જે જૂના મૂળનાયક તરીકે જાણીતી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની બાજુમાં બે કાઉસગ્ગીય પ્રતિમાઓ હતી. ૫૦ ડેરીઓમાં કુલ ૧૪૬ પ્રભુ પ્રતિમાઓ અને એક-એક પ્રતિમા શ્રી ગણધરની છે. મુખ્ય જિનાલયના ગભારાની બહાર પૂર્વ બાજુએ શ્રી વાઘેશ્વરીદેવી અને પશ્ચિમ બાજુએ શ્રી ચકેશ્વરીદેવીની પ્રતિમા હતી.

મૂળનાયક રંગમંડપના શિલાલેખની ઉપર શ્રી મહાવીર ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવી શ્રી માતંગયક્ષ તથા શ્રી સિદ્ધયિકાદેવીના ગોખલામાં હતાં. રંગમંડપના ઘુમ્મટ ઉપર પ્રભુશ્રી નેમનાથ ભગવાનની જાન-વરઘોડો વિ. સુંદર રીતે આલેખાયેલા હતા. જિનાલયમાં રંગમંડપ,  પૂજામંડપ અને રાસમંડપ પણ આવેલા હતા. ભાવના મંડપમાં શ્રી શત્રુંજય,  શ્રી ગીરનાર, શ્રી સમેતશિખર, શ્રી અષ્ટાપદ અને શ્રી નંદીશ્વરદ્વીપના મોટા તીર્થ પટ્ટો હતા.

ઉપરની છતમાં શ્રી પાવાપુરી,  શ્રી ચંપાપુરી,  શ્રી હસ્તિનાપુરી,  શ્રી રાજગૃહી  અને ત્રિશલા માતાજીનાં ૧૪ સ્વપ્નના કલામય પાંચ પટ્ટો આલેખાયેલા હતા. મુખ્ય જિનાલયની પ્રદક્ષિણામાં શ્રી મહાવીર પ્રભુના ૨૭ ભવના આરસમાં કોતરેલા ૩૯ ચિત્ર પટ્ટો હતાં. તેમ જ પ્રવેશદ્વારની બંને બાજુની દીવાલ ઉપર શ્રી મહાવીર પ્રભુના અભિગ્રહ, પ્રભુના ચાર કલ્યાણક, પ્રભુજીને થયેલ ઉપસર્ગો અને પ્રભુજીની આમલકી ક્રીડાના ચાર કલામય ચિત્રો હતાં. જિનાલયમાં ચાર મોટા અને બે નાના ઘુમ્મટ હતા. ઘુમ્મટની નીચે વિશાળ રંગમંડપ હતો. કુલ ૨૧૮ સ્તંભો હતા અને તેમાં એક સ્તંભ ઉપર સવંત ૧૬૫૯ વૈશાખ સુદ ૧૫ અને બીજા સ્તંભ ઉપર લેખો કોતરેલા હતા, પરંતુ તેના મરોડ સારા હોવા છતાં ઉકેલી શકાતા નથી.

તપાગચ્છના યતિ શ્રી ખાંતિવિજયજીના અંતરમાં આ તીર્થનો જિર્ણોદ્ધાર કરાવવાની તીવ્ર ઝંખના જાગી હતી અને તેમણે અચલગચ્છના યતિ શ્રી સુમતિસાગરજીને પ્રેરણા કરી, તેમણે શ્રી ભદ્રેશ્વરના જિર્ણોદ્ધારમાં પોતાની મોટી રકમનો લાભ લીધો અને આ જિર્ણોદ્ધારમાં સહાય બન્યા. આ રીતે ત્રણેય ગચ્છોની શુભ નિષ્ઠાથી આ તીર્થનો નવમો જિર્ણોદ્ધાર થવા પામ્યો હતો.

દુર્ગાપુરના શ્રાવક શા. આસુભાઈ વાઘજીને સવંત ૧૯૬૦ આસપાસ તે સમયની વિકટ પરિસ્થિતિમાં અગાથ પરિશ્રમ લઈ આ તીર્થની સાચવણી કરવામાં વર્ષો (જિંદગીના અંત) સુધી પોતાની સેવાનો ઉદ્દામ ફાળો આપ્યો તે ચિરસ્મરણીય રહેશે.

આ તીર્થસ્થાનને અદ્યતન કક્ષા પર લાવવામાં જે સ્વર્ગસ્થ મોવડીઓનો તથા ટ્રસ્ટીઓનો ફાળો છે તેમાં એકધારા છ દાયકા સુધી પ્રમુખપદે રહીને સંસ્થાનું સુકાન સંભાળનાર ભુજના નગરશેઠ શ્રી સાકળચંદભાઈ પાનાચંદ અગ્રગણ્ય હતા.

ભુજપુરના શાહ ટોકરશી મુલજી,  શાહ દેવજી ટોકરશી અને શાહ નેમિદાસ દેવ તથા માંડવીના શ્રી ઝુમકલાલ લક્ષ્મીચંદ મહેતા, ભુજના કાંતિભાઈ ઘીવાલાએ પોતાનાં કૌશલ્ય,  ચોકસાઈ અને દીર્ઘદૃષ્ટિ દ્વારા સંસ્થાના વહીવટમાં પોતાની મૂલ્યાંકન સેવાઓ આપી હતી તે ફાળો નોંધપાત્ર છે.

જેમની આ તીર્થધામ પ્રત્યે અનન્ય ભક્તિ અને નિષ્ઠા હતી, તીર્થની સુરક્ષા અને સુવ્યવસ્થા જમાવવામાં મોટો ફાળો હતો તે ભુજપુર (કચ્છ)ના વતની પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી આણંદજીભાઈને કેમ ભૂલી શકાય?

ભૂકંપ બાદ આ તીર્થનો દસમો તીર્થ જિર્ણોદ્ધાર તપસ્વીરત્ન, વર્ષીતપારાધક અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ. સા. તથા અધ્યાત્મક યોગી, આગમોદ્ધારક પ. પૂ. આ. ભ. કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી અચલગચ્છીય શ્રાવક,  કચ્છ મેરાઉ નિવાસ, અનેક જિનાલયોની પ્રતિષ્ઠા કરાવનાર,  દાનવીર,  ધર્મવીર શેઠશ્રી ચાંપસી પદમશી શાહ પરિવાર તથા અચલગચ્છીય શ્રાવક નવાવાસ નિવાસી શ્રેષ્ઠીવર્યા શ્રીમતી કેસરબેન ટોકરશી સાવલા પરિવાર તથા સહાયક જિર્ણોદ્ધારક  દાતા તરીકે શ્રી મનફરા (કચ્છ વાગડ) વીસા ઓસવાલ મૂર્તિપૂજક જૈન સંઘે આ લાભ લીધો છે. તેથી વર્ધમાન કલ્યાણજી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દસમા તીર્થ જિર્ણોદ્ધારક તરીકે કચ્છ મેરાઉ નિવાસી શ્રી ચાંપશી પદમશી શાહ પરિવાર તથા કચ્છ નવાવાસ નિવાસી શ્રીમતી કેસરબેન ટોકરશી સાવલા( રવિ ગ્રુપ) ને ઘોષિત કર્યા છે.

આ તમામ જાણકારી પ્રબોધભાઈ મુનવર દ્વારા મળેલ છે. ઐતિહાસિક ધરોહર રૂપે આ મનોહરતીર્થ ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના ભૂકંપ બાદ તેની પણ પ્રાચીન સુંદરતા સાથે શોભાયમાન છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK