Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચાર નાટક, દસ દિવસ અને ચાર રોલ

ચાર નાટક, દસ દિવસ અને ચાર રોલ

25 February, 2020 03:03 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ચાર નાટક, દસ દિવસ અને ચાર રોલ

એક માણસ, ચાર અદાકાર : છેલ્લા દસ દિવસમાં ચાર નાટક કર્યાં અને પાછો ચારેચાર નાટકમાં લીડ રોલ. ખરેખર આટલી ક્ષમતા જો પહેલાં આવી ગઈ હોત તો આજે ડૉક્ટર સંજય ગોરડિયા તરીકે ઓળખાતો હોત.

એક માણસ, ચાર અદાકાર : છેલ્લા દસ દિવસમાં ચાર નાટક કર્યાં અને પાછો ચારેચાર નાટકમાં લીડ રોલ. ખરેખર આટલી ક્ષમતા જો પહેલાં આવી ગઈ હોત તો આજે ડૉક્ટર સંજય ગોરડિયા તરીકે ઓળખાતો હોત.


મિત્રો, આપણે મારી નાટ્યયાત્રાની વાત આગળ વધારીએ એ પહેલાં મારે તમારી સાથે એક વાત શૅર કરવી છે. ગયા અઠવાડિયાએ એક અજબ કિસ્સો બન્યો મારી સાથે અને આપણી નાટ્ય ઇન્ડસ્ટ્રી સાથે પણ. જે બન્યું એવું અગાઉ ક્યારેય નહીં થયું હોય એની ગૅરન્ટી. અત્યારે મારું નાટક ચાલી રહ્યું છે, નામ એનું ‘બૈરાંઓનો બાહુબલી’. આ નાટકની સાથે ૯ ફેબ્રુઆરીએ અમે ઓપન કર્યું વધુ એક નાટક ‘દે તાળી, કોના બાપની દિવાળી’. એમાં પણ મારો મેઇન રોલ છે. આમ એક ઍક્ટરનાં એક જ સમયે બબ્બે નાટક ચાલી રહ્યાં છે અને બન્ને નાટકો પાછાં સુપરહીટ છે. આવું જ્વલ્લે જ બનતું હોય કે મારમાર ચાલતાં બે નાટકમાં એક જ કલાકાર હોય અને એ બન્નેના નિયમિત શો કરતો હોય. વાત આગળ વધારીએ. આ બે નાટકો ભાગી રહ્યાં છે ત્યાં વળી મારા અગાઉના નાટક ‘સુંદર બે બાયડીવાળો’નો શો આવ્યો. બે મહિનાથી અમે સુંદરના શો કરતા નથી, પણ એની ઇન્ક્વાયરી ચાલતી રહે અને ‘દે તાળી, કોના બાપની દિવાળી’ ઓપન કર્યા પછી તો નક્કી જ કરી લીધું હતું કે હવે સુંદરના શોની ના પાડીશું, પણ શો આવ્યો અને ના બોલતા તો હું શીખ્યો જ નથી, મેં તો હા પાડી દીધી. બે મહિનાનો ગૅપ અને એમાં આવ્યો શો એટલે બધા બરાબર મુંઝાયા અને આ મૂંઝવણ વચ્ચે અમારા અમદાવાદના ઑર્ગેનાઇઝર ચેતન ગાંધીનો ફોન આવ્યો કે મેં ‘જોકસમ્રાટ’નો શો મહેસાણામાં વેચી નાખ્યો છે એટલે તું એની તૈયારી કરી લેજે.

હું તો આવી ગયો ટેન્શનમાં. ચારેચાર નાટકમાં હું મુખ્ય ભૂમિકામાં અને એ ચારમાંથી બે નાટક ચાલુ, ત્રીજું નાટક બે મહિના પહેલાં બંધ કર્યું હતું અને ચોથું નાટક ‘જોકસમ્રાટ’ તો બે વર્ષ પહેલાં બંધ કરી દીધું હતું. નાટક બંધ કર્યું તો એ પાછું ચાલુ પણ કરી શકાય, પરંતુ જ્યારે બે નાટકો ચાલુ છે ત્યારે બાકીનાં બેના ડાયલૉગ્સ કેવી રીતે યાદ રાખવાના. સાચું કહું તો મને આ વાત તરત તો ધ્યાન પર આવી પણ નહોતી, પરંતુ અમારા નાટકના એક કલાકારે મને પૂછ્યું કે સંજયભાઈ, તમે આ ચાર-ચાર નાટકના ડાયલૉગ્સ યાદ કેવી રીતે રાખશો? એ વખતે મને ટ્યુબલાઇટ થઈ કે ભાઈ, આમાં તો જો જરાક ચૂક થઈ તો બલ્બ ઊડી જશે.



natak-01


બન્યું એવું કે ૧પ ફેબ્રુઆરીએ ‘સુંદર બે બાયડીવાળો’નો શો મહેસાણામાં હતો જેની માટે ૧પમીની સવારે હું ફ્લાઇટમાં અમદાવાદ ગયો. ત્યાં શો પતાવીને સીધો રાતે જ ઍરપોર્ટ પર આવી વહેલી સવારની ફ્લાઇટમાં પાછો મુંબઈ આવ્યો. તારીખ હતી ૧૬મી, ઍરપોર્ટથી ઘરે આવી, થોડો આરામ કરી સીધો નેહરુ ઑડિટોરિયમ, ત્યાં ‘દે તાળી, કોના બાપની દિવાળી’નો શો હતો. બીજો શો એટલે ઘણું નવું પણ ઍડ થયું હતું, કહોને પહેલાં શો જેવી જ તૈયારીઓ સાથે પર્ફોર્મ કરવાનું હતું. એ શો પૂરો કરીને ઘરે અને બીજા દિવસે ફરી ફ્લાઇટ લઈને અમદાવાદ, અમદાવાદમાં ‘બૈરાંઓનો બાહુબલી’નો શો હતો એટલે ત્રીજા દિવસે એ નાટકનું લીડ કૅરૅક્ટર કર્યું અને પછી ‘બૈરાઓનો બાહુબલી’ના શો અમદાવાદમાં જ હતો એટલે બીજા દિવસથી ‘જોકસમ્રાટ’ની તૈયારીમાં લાગી ગયો. આખો દિવસ ‘જોકસમ્રાટ’નાં રિહર્સલ્સ કરવાનાં અને રાતે ‘બૈરાંઓનો બાહુબલી’નો શો કરવાનો અને આમ ૨પ તારીખે ફરી પાછા મહેસાણા જઈને ચોથા નાટકનું લીડ કૅરૅક્ટર કર્યું. આ અઘરું કામ છે સાહેબ, એક કલાકારને એક પાત્રમાંથી બીજા પાત્રમાં આટલી સરળતાથી ટ્રાન્સફોર્મેશન લેવાનું કામ નાનુંસુનું નથી અને ચારેચાર નાટકોના ડાયલૉગ કડકડાટ યાદ રાખવાના. ભણતો હતો ત્યારે જો આટલું યાદ રહેતું હોત તો મિત્રો, સાચે હું ડૉક્ટર બની ગયો હોત પણ ના, એ સમયે તો ભણવાની ચોપડી હાથમાં લઈએ ત્યાં તો બબ્બે મગર મોઢામાં સમાઈ જાય એવાં મોટાં બગાસાં આવવા માંડતાં ને આજે, આજે દસ દિવસમાં ચાર જુદાં-જુદાં નાટક, ચારેચારમાં લીડ અને ચારેચાર નાટકમાં વન્સમોર. મિત્રો, એવું માનતા નહીં કે હું ડંફાસ મારું છું. સ્વીકારીને કહું છું કે જો આટલો હોશિયાર હોત તો આજે હું ડૉક્ટર, એન્જિનિયર કે આર્કિટેક્ટ હોત, પણ એવું નહોતું અને એટલે જ ૧૧મીથી આગળ ભણવાનું વધારી શક્યો નહીં. મારું કહેવું માત્ર એટલું જ કે આ બધી ઉપરવાળાની કૃપા અને મા-બાપના આશીર્વાદ છે. વડીલોએ કલાકારોને વરદાન આપ્યું હોય છે કે તે નાટકના આટલા બધા ડાયલૉગ યાદ રાખી શકે છે. આ અગાઉ મારી લાઇફમાં આવો પ્રસંગ ક્યારેય આવ્યો નથી. મારા માટે જ નહીં, પણ સમગ્ર ગુજરાતી રંગભૂમિ કે પછી બીજી કોઈ પણ ભાષાની રંગભૂમિ પર આવું અગાઉ ક્યારેય નહીં થયું હોય. પહેલી વાર બન્યું એટલે મને થયું કે મારી આ ખુશી તમારી સાથે શૅર કરું.

વિજય તલવારને બ્રેકફાસ્ટ સિરિયલ માટે ચાર એપિસોડનું એપ્રૂવલ મળ્યું હતું જે વાત આપણે લાસ્ટ વીકમાં કરેલી એની વધુ વાતો આવતા અઠવાડિયે કરીશું.


જોકસમ્રાટ

દિલ્હીના રિઝલ્ટને હજી પણ લોકો ભૂલ્યા નથી. કાલે સવારે પેટ્રોલ પંપ પર ગ્રાહકે ડીઝલનો રેટ પૂછ્યો.

અટેન્ડન્ટ: આમ આદમી પાર્ટીની સીટ જેટલો...

ગ્રાહક: બીજેપીની સીટ જેટલા લિટર ભરો...

અટેન્ડન્ટ: સાહેબ, મીટર પર કૉન્ગ્રેસ જોઈ લો...!

natak-02

હાર્ટ ઑફ ભાવેણા : દિલીપના ભૂંગળા-બટેટા અને પાઉંગાંઠિયાનો ટેસ્ટ અત્યારે પણ મોઢામાં પાણી લાવે છે.

ફૂડ ટિપ્સ

મિત્રો, આજના મુખ્ય આર્ટિકલમાં તમે વાંચ્યું કે શનિવાર અને ૧પ ફેબ્રુઆરીએ મેં અમદાવાદમાં ‘સુંદર બે બાયડીવાળો’નો શો કર્યો, તો રવિવારે મુંબઈમાં ‘દે તાળી, કોના બાપની દિવાળી’નો અને સોમવારે ફરી અમદાવાદમાં ‘બૈરાંઓનો બાહુબલીનો’ શો કર્યો અને ત્યાંથી નીકળીને અમે મંગળવારે આ જ નાટકનો શો કરવા ભાવનગર ગયા. અગાઉ મેં કહ્યું હતું કે મારે ભાવનગરના ભૂંગળા-બટેટાનો સ્વાદ તમારા સુધી પહોંચાડવો હતો, પણ દરેક વખતે એવું થાય કે કોઈ ને કોઈ કારણસર મને એ મળે નહીં. આ વખતે તો મેં નક્કી જ કર્યું હતું કે તમારા માટે ગમે એમ કરીને ભૂંગળા-બટેટા લઈ જ આવવા. અમે ભાવનગર પહોંચ્યા, મારી પાસે દોઢેક કલાકનો સમય હતો એટલે હું તો સીધો નીકળી પડ્યો. અનેક લારીવાળાઓને પૂછ્યું કે સૌથી સારા ભૂંગળા-બટેટા કોણ બનાવે છે. ૧૦માંથી સાતે કહ્યું કે દિલીપના ભૂંગળા-બટેટા વર્લ્ડ બેસ્ટ. ઍડ્રેસ મુજબ આગળ વધતો હું તો હલુરિયા ચોક પહોંચ્યો, જઈને જોયું તો લગભગ વીસેક લોકો દિલીપના ખુમચાની આસપાસ ટોળે વળીને ઊભા હતા. મને પણ પાંચ-દસ મિનિટ નજીક પહોંચવામાં લાગી. મેં તો ઑર્ડર આપ્યો અને દિલ ખુશ. એકદમ બાફેલા બટેટા અને ઉપર મસાલો. લાલચટક બટેટા હતા. દિલીપ સાથે પછી તો મારી ઓળખાણ થઈ. મેં તેને રૅસિપી પૂછી ત્યારે તેણે કહ્યું કે આદું-મરચાં વાટી ૩૩૩ નંબરનું લાલ મરચું એમાં નાખીએ અને પછી એમાં અમારો સિક્રેટ મસાલો નાખી એની તેલમાં ગ્રેવી બનાવીએ. તૈયાર થયેલી આ ગ્રેવીમાં બધા બટેટા નાખી દેવાના.

બટેટા જાણે કે આર્મી ડિસિપ્લીનમાં માનતા હોય એમ બધા એક સાઇઝના, એની સાથે મળે ભૂંગળા. ભૂંગળા એટલે ફ્રાયમ્સ. લાલ-લીલા-પીળા કલરના ફ્રાયમ્સ. એમાં આર્ટિફિશ્યલ કલર હોય છે એટલે હું એ ક્યારેય નથી ખાતો અને તમને પણ મારી ઍડ્વાઇઝ છે કે તમે પણ નહીં ખાતા, પણ આ દિલીપના ભૂંગળા નૅચરલ કલરના હતા. ચોખાના ખીચિયા બને એ જ પ્રકારના પણ સાઇઝ અને શેપ અલગ પ્રકારનો. એમાં થોડું મીઠું હતું, એમાં હળદર પણ હશે, કારણ કે એનો રંગ હળદર જેવો થોડો પીળાશ પડતો હતો. ગોળ ભૂંગળામાં બટેટું ભરાવીને ખાવ એટલે જલસો પડી જાય.

દિલીપને ત્યાં ભૂંગળા-બટેટા ઉપરાંત પાઉંગાંઠિયા પણ બહુ સરસ મળે છે. એમાં જે મજા છે એ મજા ગાંઠિયાની હોય છે. ભાવનગરી ગાંઠિયા હોય છે એવા જ ગાંઠિયા, પણ ખૂબ જાડા અને કડક હોય એટલે ખાવાની મજા પડે. સાથે જે પાઉં છે એ એકેક ઇંચના હોય. પાંઉંને વચ્ચેથી ફાડિયા કરી એની અંદર ગાંઠિયા નાખી દેવાના અને એની ઉપર ગોળના પાણીવાળી ચટણી અને એની ઉપર તીખી ચટણી નાખે. સાહેબ, ટેસડો પડી જાય. ભૂખ ઊઘડતી જાય ને પેટમાં આઇટમ ઓરાતી જાય. ભાવનગર જાવ ત્યારે અચૂક દિલીપના ભૂંગળા-બટેટા અને પાંઉંગાંઠિયા ટેસ્ટ કરજો.

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2020 03:03 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK