ભૂલતા નહીં: શ્રીમંત થવા કરતાં સમૃદ્ધ થવા પર ધ્યાન આપો, શ્રીમંતાઈ આપમેળે આવશે

Published: Feb 22, 2020, 13:37 IST | Manoj Joshi | Mumbai

ક્યારેય કોઈ કામ વિજેતા બનવા માટે થતું નથી અને જો એ રીતે કામ થતું હોય તો એ કામમાં વિજેતા બનવાની અપેક્ષા રાખવી એ યોગ્ય નથી હોતી.

ક્યારેય કોઈ કામ વિજેતા બનવા માટે થતું નથી અને જો એ રીતે કામ થતું હોય તો એ કામમાં વિજેતા બનવાની અપેક્ષા રાખવી એ યોગ્ય નથી હોતી. કામને સક્ષમતા સાથે કરવું જોઈએ અને સહજ રીતે કરવું જોઈએ. પછી એ કોઈ પણ કામ હોય. તમારા પ્રોફેશન સાથે જોડાયેલું હોય તો પણ આ જ વાત યાદ રાખવાની અને જો એ સોસાયટી સાથે જોડાયેલું હોય તો પણ આ જ વાતનો અમલ કરવાનો. એ સાથે જ એ વાત પણ યાદ રાખવાની કે તમે જે કરી રહ્યા છો એ જ કામ મહત્ત્વનું છે, એ સિવાયનું નહીં એવું ધારવું કે વહેવાર રાખવો યોગ્ય નથી.

જ્યારે તમે તમારી જાતને શ્રેષ્ઠ ગણીને તમારા જ કામને મહત્ત્વ આપવા માંડો અને બીજાના તમારા માટે થઈ રહેલા કામને પણ જો ગણકારવાનું બંધ કરો છો ત્યારે તમે તમારા સ્તર પરથી નીચા ગબડવાનું શરૂ કરી લીધું એ યાદ રાખવાનું. આજકાલ સમાજસેવા કરતા લોકો પણ પોતાના કામને જ મહાન ગણાવતા હોય છે. જુઓ, એક વાત યાદ રાખવાની કે સમાજસેવા કે પછી સોસાયટી માટે કરવામાં આવતા કોઈ પણ કામ માટે ક્યારેય કોઈએ ઇન્વિટેશન નથી આપ્યું હોતું. મહાત્મા ગાંધીને આઝાદીની ચળવળ માટે આગળ આવવા માટે કોઈએ કહ્યું નહોતું. તેમણે તેમની ઇચ્છા પ્રમાણે કર્યું તો સમાજે તેમને વધાવી લીધા. ગાંધીજીએ પોતાની વાહવાહી કરી નહોતી. જે કામ કરો છો એ કામ માટે તમારું કર્તવ્ય દેખાતું હોય તો એનું મૂલ્ય અદકેરું છે.

આજના જમાનામાં બધા જ શ્રીમંત થવા માટે દોડી રહ્યા છે. હું માનું છું કે શ્રીમંત થવાને બદલે કોઈને ખુશ કરી સમૃદ્ધ થવાનું કામ વધુ ખુશી આપનારું હોય છે. તમે જે ઉપકાર કરો છો એ ભૂલીને આગળ વધતા જાઓ અને તમારા પર જે ઉપકાર થઈ રહ્યા છે એનું ઋણ ચૂકવવાની એક પણ તક જવા ન દો. આ નીતિ તમને અંદરથી સમૃદ્ધ કરશે. સમૃદ્ધ વ્યક્તિ પાસે શ્રીમંતાઈ આપોઆપ પહોંચતી હોય છે. ધન પાછળ દોડનારા લોકો અઢળકના મનમાંથી ઊતરી જાય છે. કોઈકના મનમાં એક સારપ બનીને રહીએ એ સાચી મૂડી છે. ધન ન કમાઓ કે ધન કમાવા પ્રત્યે ઉદાસસીન વલણ અપનાવો એવું કહેવાનો કોઈ આશય નથી, બસ એટલું કહીશ કે ધન મનના ભોગે તો નહીં જ.

મનના ભોગે ધનની પાછળ ભાગનારાઓનો તોટો નથી. કહો કે મોટા ભાગે હવે એવી જ વ્યક્તિઓ છે જે મન મારીને પણ ધન પાછળ ભાગે છે. એવી દલીલ સાથે કે ભવિષ્યમાં પોતાની ઇચ્છા મુજબ જીવીશું, પણ યાદ રાખજો કે જે ભવિષ્યની વાત કરીએ છીએ એ ભવિષ્ય ક્યારેય કોઈએ જોયું નથી. ભગવાન બુદ્ધે બહુ સરસ વાત કહી છે : સૌથી મોટી ચિંતા જો માનવસમાજની કોઈ હોય તો એ કે બધાને એવી ખાતરી છે કે તેમની પાસે આવતી કાલ છે.

આવતી કાલ કોઈ પાસે નથી અને આવતી કાલ કોઈની નિશ્ચિત નથી. આજે આ વાત કહેતી વખતે મારી કે પછી આ વાત વાંચતી વખતે આપણામાંથી કોઈ એકની અંતિમ વાત નહીં બનીને રહે એની કોઈ ગૅરન્ટી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK