Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વો ભી ક્યા દિન થે...?

વો ભી ક્યા દિન થે...?

24 April, 2020 10:30 PM IST | Mumbai
Varsha Chitalia

વો ભી ક્યા દિન થે...?

ઑફિસના વાતાવરણમાં એવો તે શું જાદુ છે કે જેને તેઓ મિસ કરી રહ્યા છે

ઑફિસના વાતાવરણમાં એવો તે શું જાદુ છે કે જેને તેઓ મિસ કરી રહ્યા છે


હાલમાં વર્ક ફ્રૉમ હોમ કરી રહેલા અનેક મુંબઈગરાઓને લાગતું હશે કે ઑફિસની ચહલપહલ, ટપરીની ચા અને વડાપાંઉ વગર જીવ્યા તો શું જીવ્યા. વર્ક પ્લેસ કલ્ચરને મિસ કરી રહેલા લોકોની વર્તણૂક પર કરવામાં આવેલા લેટેસ્ટ સર્વેમાં જાણવા મળ્યું છે કે બૉસની વૉર્નિંગ, સહકર્મચારીઓનો સંપર્ક, પ્રતિક્રિયા અને ગૉસિપ વગર કામ કરવાનો ઉત્સાહ ઓસરી જાય છે. લાંબો સમય ઘરમાં રહીને કામ કરવાથી વ્યક્તિ કંટાળી જાય છે અને એની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે એવું તારણ નીકળ્યું છે ત્યારે કેટલાક લોકો પાસેથી જાણીએ કે ઑફિસના વાતાવરણમાં એવો તે શું જાદુ છે કે જેને તેઓ મિસ કરી રહ્યા છે

Bhavesh



ટી-બ્રેક ગૉસિપ વગર મજા નથી
આવતી - ભાવેશ વેદ, વસઈ
ઘરની અંદર તમામ પ્રકારની સુવિધા હોય તો પણ સાંજની ચા, વડાપાંઉ અને સાથી કર્મચારીઓ સાથેની ગપશપ વગર લાઇફમાં કંઈક ખૂટતું હોય એવું લાગે. ઑફિસમાં લંચ ટાઇમ કે ટી-બ્રેકની મજા જ અલગ છે. સાથે બેસીને ખાણી-પીણીનો જલસો ચાલતો હોય. ચા સાથે મન કી બાત જેવો માહોલ હોય. પૉલિટિક્સ તો અમારો હૉટ ટૉપિક છે. લૉકડાઉન બાદ વર્ક ફ્રૉમ હોમ આપવામાં આવ્યું ત્યારે શરૂઆતમાં તો બહુ સારું લાગ્યું કે ચાલો ટ્રાવેલિંગનો સમય બચશે અને ફૅમિલી સાથે મસ્ત સમય વિતાવીશું. ધીમે-ધીમે કંટાળો આવવા લાગ્યો છે. થાય છે કે આના કરતાં તો ઑફિસ સારી હતી. લોકલ ટ્રેનનો પ્રવાસ કરનારાઓને ટ્રાવેલિંગ ક્યારેય બોરિંગ લાગતું નથી. માત્ર ઑફિસ કલ્ચરને જ નહીં, ટ્રાવેલિંગના ફ્રેન્ડ્સ સાથેની મજા પણ એટલી જ મિસ કરું છું. ક્યારેક તો એમ લાગે કે જાણે આપણે દુનિયાથી અલિપ્ત થઈ ગયા છીએ. લોકો સાથે સંપર્કમાં રહીએ તો મગજને કસરત મળે અને નવા આઇડિયાઝ આવે. આ તો જાણે મગજ ખાલી થઈ ગયું હોય એવું ફીલ થાય છે. સામસામે બેસીને કમ્યુનિકેશન દ્વારા તમે જે સોલ્યુશન લાવી શકો એ વિડિયો કૉલિંગમાંથી નથી મળતું. ઑનલાઇન કરતાં ઑફલાઇનની લાઇફ સારી છે. હવે તો થાય છે કે જલદી બધું થાળે પડે અને ફરીથી ઑફિસ ભેગા થઈએ તો સારું.


પબ્લિકને જોયા વગર હવે કંટાળ્યો છું - ચિંતન વરિયા, માટુંગા
જાન્યુઆરી મહિનામાં મારાં લગ્ન થયાં ત્યારે એકવીસ દિવસની રજા લીધી હતી. ત્યારે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ ચાલુ હતી તેથી નસીબજોગે ટર્કી ફરી આવ્યાં. ઑફિસમાં જવાનું શરૂ કર્યાને હજી થોડા જ દિવસ થયા ત્યાં આપણા દેશમાં લૉકડાઉન આવી ગયું. એમ સમજોને કે ૨૦૨૦માં ઑફિસનું એન્વાયર્નમેન્ટ ટોટલી મિસ થઈ ગયું છે. ટિફિનમાં ભાવતું શાક ન હોય તો ડબ્બો બીજાને પધરાવી કૅન્ટીનમાં ખાઈ લેવાનો આનંદ ઝૂંટવાઈ ગયો છે. મેક્સિકન અને ઇટાલિયન ડિશનો સ્વાદ ભુલાઈ ગયો છે. અમારી કંપનીમાં અંદાજે પાંચસો જણનો સ્ટાફ છે. રોજ પચાસેક વ્યક્તિને રૂબરૂ મળવાનું થતું હોય છે. લોકોની ચહલપહલથી એટલો ટેવાયેલો છું કે પબ્લિક જોયાને વર્ષો વીતી ગયાં હોય એમ લાગે છે. થોડી-થોડી વારે બાલ્કનીમાં જઈને જોઉં કોઈ દેખાતું હોય તો. રસ્તા પર એકલદોકલ માણસને જોઈને થાય છે કે બાકીના લોકો ક્યાં ગુમ થઈ ગયા? ઘરના ચાર મેમ્બર્સમાં જ દુનિયા સમેટાઈ ગઈ છે. વાસ્તવમાં મારા જેવા નવા પરણેલા અચાનક આટલી બધી રજા મળે તો રાજી-રાજી થઈ જાય પણ મારા કેસમાં હવે બસ થયું એવું ફીલ થાય છે. વાઇફને લઈને બહાર ફરવા નથી જવાતું ને ઑફિસ પણ નથી. બૅલૅન્સ્ડ લાઇફ વગર તો વ્યક્તિ ગાંડી થઈ જાય. વર્ક ફ્રૉમ હોમમાં મને જરાય મજા નથી આવતી.

meet


બર્થ-ડે સેલિબ્રેશન મિસ થઈ ગયાં - મીત પંચાલ, નાલાસોપારા
અત્યારે બે કલાકનો ટ્રાવેલિંગ ટાઇમ બચી ગયો છે તેમ છતાં લાઇફમાં કંઈક મિસિંગ જેવું લાગે છે. વર્ક પ્લેસનું કલ્ચર જુદું હોય છે. આપણે ત્યાંના વાતાવરણથી ટેવાઈ ગયા હોઈએ તેથી લાંબા સમય સુધી ઘરેથી કામ કરવાનો કંટાળો આવે. સોશ્યલાઇઝેશન વગરની લાઇફને ઇમૅજિન કરવી પણ અઘરું છે. હું તો કૉસ્મોપૉલિટન ક્રાઉડ અને બર્થ-ડે સેલિબ્રેશનને બહુ મિસ કરું છું. વડાપાંઉ અને ચાની ચુસકી તો ઑલટાઇમ ફેવરિટ આઇટમ છે. અમારી ટીમમાં ૭૦ જણ કામ કરે છે અને બધાની ઉંમર થર્ટીની અંદર છે. યંગસ્ટર્સની ટીમમાં ઑફિસ અવર્સ પછી પણ તમામ પ્રકારનો જલસો હોય. બીજું, અમારી કંપનીમાં જુદા-જુદા રાજ્યોમાંથી મુંબઈ કમાવવા આવનારા લોકોની સંખ્યા ઘણી વધુ છે. તેઓ જ્યારે વેકેશન માણીને પાછા આવે ત્યારે આખી ટીમના સભ્યો માટે તેમના હોમ ટાઉનની પ્રચલિત મીઠાઈ લાવે. આ બધું અત્યારે મિસ થાય છે. હાલમાં કમ્યુનિકેશન માટે એકબીજાને ફોન કરીએ છીએ, પરંતુ કામ પૂરતી જ વાત થાય છે. ઑફિસમાં તમે જાતજાતની બીજી વાતો કરો એમાં આપણી સાથે કામ કરતા લોકોના ઇન્ટરેસ્ટ વિશે જાણવામાં રસ પડે અને નવું જાણવા ને શીખવા મળે.

gaurav

લાઇફમાંથી ડિસિપ્લિનની બાદબાકી થઈ ગઈ છે - ગૌરવ સંપટ, ડોમ્બિવલી
રોજ એક જ ટ્રેન પકડવાની, સમયસર ઑફિસ પહોંચવાનું, સામે બેસીને ક્લાયન્ટ્સ સાથે મીટિંગ કરવાની, ફિક્સ ટાઇમમાં લંચ લેવાનું અને સાથે કામ કરતા મિત્રો સાથે ગપાટા
મારતાં- મારતાં સાંજની ચા સાથે સ્ટ્રીટ-ફૂડની લિજ્જત માણવાની. હાલમાં આ બધું બંધ થઈ ગયું છે તો લાગે છે કે લાઇફ અટકી ગઈ છે. એમાંય મારા જેવા ખાણીપીણીના શોખીનને રોજ-રોજ ઘરનું ભાવે નહીં. ઘરમાં મસ્ત મજાની ચા બને છે તો પણ ઑફિસની બહાર મળતી ટપરી ચા યાદ આવે છે. સમયને મુઠ્ઠીમાં લઈને ચાલતા મુંબઈગરાઓ માટે ઘરમાં કેદ થઈને રહેવાનો વિચાર માત્ર અકળાવી નાખનારો છે. વર્ક ફ્રૉમ હોમના લીધે સ્લીપિંગ પૅટર્ન ચેન્જ થઈ ગઈ છે અને જમવાનો સમય પણ ફરી ગયો છે. લાઇફમાંથી ડિસિપ્લિન ગાયબ થઈ ગઈ છે અને લેઝીનેસ આવી ગઈ હોય એવું ફીલ થાય છે. અત્યાર સુધી આપણે જે સિસ્ટમૅટિકલી લાઇફ જીવતા આવ્યા છીએ એનું શ્રેય વર્ક પ્લેસ કલ્ચરને આપવું જોઈએ. ઘરમાં ફ્લેક્સિબિલિટી હોવા છતાં કામ કરવાની મજા આવતી નથી. વર્ક પ્લેસ પર તમારા કામને લગતા તમામ ડેટા ઉપલબ્ધ હોય, કમ્યુનિકેશન અને ડિસ્કશન માટે ઓપન વર્લ્ડ હોય તેથી વાતો કરતાં-કરતાં પણ વધુ કામ કરી શકો છો, જ્યારે ઘરમાં વારેઘડીએ માઇન્ડ ડાઇવર્ટ થાય અને કામમાં ફોકસ ન રહે.

paresh

ઑફિસ કરતાં ઘરનું વાતાવરણ
મજાનું છે - પરેશ ગાંધી, બોરીવલી
લોકો ભલે વર્ક પ્લેસ કલ્ચરને મિસ કરતા હોય, મને તો ઘરમાં રહેવાની ખૂબ મજા પડે છે. વાસ્તવમાં મારી ઑફિસની નીચે જ ફાસ્ટફૂડ કૉર્નર છે પરિણામે જન્ક ફૂડ ખાવાની ખોટી ટેવ પડી ગઈ હતી. ખુશી હો યા ગમ, ખાઈપીને જલસા કરો ટાઇપની લાઇફસ્ટાઇલ હતી. એના કારણે સ્વાસ્થ્ય પર અસર થતી હતી. હવે પત્નીના હાથે બનાવેલો શુદ્ધ દેશી આહાર પેટમાં જાય છે. કામમાં બિઝી હોઉં ત્યારે દીકરીઓ ડ્રાયફ્રૂટ્સની ડિશ મૂકી જાય છે. પહેલાં ઑફિસમાં કામકાજના ભાર તળે સ્મોકિંગ પણ કરતો હતો. ઘરમાં કેદ થવાથી સિગારેટનું વ્યસન છૂટી ગયું છે. મારી લાઇફસ્ટાઇલમાં પરિવર્તન આવતાં ઘરમાં ખુશીની લહેર આવી ગઈ છે. વર્ક ફ્રૉમ હોમ કન્સેપ્ટના લીધે મારું કોઈ નુકસાન નથી થયું ઊલટાનો ગ્રોથ થયો છે. કદાચ લૉકડાઉનની અવધિ લંબાઈ જાય તોય એન્જૉય કરીશ. મારી ફૅમિલી એવી છે કે એને તમે ડુંગર પર તંબુ બાંધીને રહેવા મોકલી દો કે જંગલમાં છોડી મૂકો તો પણ કંઈ મિસ ન કરે અને ન કરવા દે. હા, આઝાદી છીનવાઈ ગઈ હોય એવું ક્યારેક ફીલ થાય ખરું. સોશ્યલ લાઇફ વગર તમે બહુ દિવસ સુધી રહી ન શકો. એ માટે અમે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સાંજના સમયે થોડી વાર સોસાયટીના ગાર્ડનમાં બેસીએ છીએ. ઑફિસ કરતાં ઘરનું વાતાવરણ વધુ માફક આવી ગયું છે.

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2020 10:30 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK