Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફૅન્ટૅસ્ટિક ફાઇવ બેગમ અખ્તરથી મહેંદી હસન સુધી

ફૅન્ટૅસ્ટિક ફાઇવ બેગમ અખ્તરથી મહેંદી હસન સુધી

08 April, 2020 06:03 PM IST | Mumbai
Pankaj Udhas

ફૅન્ટૅસ્ટિક ફાઇવ બેગમ અખ્તરથી મહેંદી હસન સુધી

ફૅન્ટૅસ્ટિક ફાઇવ: આમને સાંભળો એટલે કર્ણને સ્વર્ગનો અનુભવ થાય.

ફૅન્ટૅસ્ટિક ફાઇવ: આમને સાંભળો એટલે કર્ણને સ્વર્ગનો અનુભવ થાય.


ગયા વીકમાં આપણે વાત કરી મને ગમતી મારી ગાયેલી ફેવરિટ ગઝલોની. અઘરું કામ હતું આ. કોઈ પણ સર્જકને એ અઘરું જ લાગે, એમ છતાં મેં પ્રામાણિકતા દાખવીને મને ગમતી ટૉપ ટેન ગઝલો તમને કહી. આજે આપણે વાત કરવાના છીએ મારા ફેવરિટ સિંગરની અને તેમણે ગાયેલી મારી પસંદીદા ગઝલની.

મારા ફેવરિટ સિંગરોની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ આવે બેગમ અખ્તરનું. બેગમ અખ્તરનો હું બહુ મોટો ફૅન છું. તેમના વિશે અગાઉ પણ આપણે વાત કરી છે. રાજકોટમાં મારું બાળપણ પસાર થતું હતું એ દિવસોમાં મેં તેમની અનેક ગઝલો ઑલ ઇન્ડિયા રેડિયો પર સાંભળી હતી. એ ગઝલોની જ અસર હશે કે મને ગઝલગાયકીમાં રસ પડ્યો અને એ દિશામાં હું આગળ વધ્યો. બેગમ અખ્તરની બધી ગઝલો મને ગમે છે. એ એકેએક ગઝલ અમારી માટે પાઠશાળા જેવી છે, પણ એમ છતાં જો કોઈ એક ગઝલ મારે કહેવાની હોય તો અત્યારે મારા કાનમાં તેમની એક ગઝલ વાગી રહી છે... ‘અય મોહબ્બત તેરે અંજામ પે રોના આયા...’



શકીલ બદાયુનીની આ રચનાના શબ્દો જેટલા અસરકારક છે એટલી જ એની ગાયકી પણ હૈયાસોંસરવી નીકળી જાય એવી છે...


‘યું તો હર શામ ઉમ્મીદોં મેં ગુઝર જાતી થી,

આજ કુછ બાત હૈ જો શામ પે રોના આયા...’


વીંધી નાખે એવા આ શબ્દોને બેગમ અખ્તરે અત્યંત વેધક રીતે રજૂ કર્યા છે. બેગમ અખ્તરની આ ગઝલ તેમણે ગાયેલી ગઝલોમાં મારી સૌથી ફેવરિટ છે તો મારા ફેવરિટ ગઝલસિંગરોમાં બીજા નંબરે આવે છે મોહમ્મદ રફી. રફીસાહેબે પણ અનેક ગઝલો ગાઈ છે અને એ બધી ગઝલો ખૂબ સરસ છે. નવું શીખવા માગતા લોકો માટે એ ગઝલો હોમવર્ક જેવી છે. રફીસાહેબે ગાયેલી એ ગઝલોમાંથી મારી ફેવરિટ ગઝલ જો કહેવાની હોય તો હું બહાદુરશાહ ઝફરની રચનાને ગણાવીશ, ‘ન કિસી કી આંખ કા નૂર હૂં...’

આ ગઝલ ‘લાલ કિલ્લા’ ફિલ્મમાં સમાવવામાં આવેલી. મ્યુઝિક એસ. એન.ત્રિ પાઠીનું હતું. બહાદુરશાહ ઝફરની આ ગઝલના શબ્દો પણ અત્યંત સરળ અને છતાં એની અસરકારકતા અત્યંત તીવ્ર છે. ગઝલના શબ્દો જુઓ તમે.

બહાદુરશા ઝફરે લખ્યું છે...

‘ન તો મૈં કિસી કા હબીબ હૂં,

ન તો મૈં કિસી કા રકીબ હૂં.

જો બિગડ ગયા વો નસીબ હૂં,

જો ઊજડ ગયા વો દયાર હૂં.

જો કિસી કે કામ આ ન સકા,

મૈં વો એક મુશ્ત-એ-ગુબાર હૂં..’

ગઝલના દરેક મુખડામાં આવી જ વેદના છે. પીડા છે અને એ વેદના, એ પીડાને રફીસાહેબે ખૂબ ઉમદા રીતે ન્યાય આપ્યો છે. રફીસાહેબના અવાજનો જે ઠહેરાવ હતો, તેમના સ્વરમાં જે ઊંડાણ હતું એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને અનેક જગ્યાએથી મળશે, પણ આ ગઝલમાં એ ચરમસીમાએ છે. એક વખત શાંતચિત્તે શાંત વાતાવરણમાં આ ગઝલ સાંભળજો. તમે ઓતપ્રોત થઈ જશો અને તમારી આજુબાજુ શું ચાલી રહ્યું છે એની તમને ખબર પણ નહીં પડે, તમે એ વાતાવરણમાંથી બિલકુલ કપાઈ જશો. રફીસાહેબની અનેક ગઝલો મારી ફેવરિટ છે તો એવું જ લતાજી માટે છે.

ત્રીજા નંબરે લતા મંગેશકરની એક ગઝલ આવે છે, પણ લતાજીએ અનેક ગઝલો ગાઈ છે અને એ તમામ ગઝલો ખૂબસૂરત છે પણ એ તમામ ગઝલોમાં અત્યારે મને જો કોઈ એક ગઝલ યાદ આવતી હોય તો એ છે ફિલ્મ ‘દસ્તક’ની મજરૂહ સુલતાનપુરીએ લખેલી અને મદન મોહનસાહેબે સંગીતબદ્ધ કરેલી ગઝલ, ‘હમ હૈં મતા-એ-કૂચા-ઓ-બાઝાર કી તરહ...’

ઉપર કહ્યું એમ, લતાજીએ અનેક ગઝલો ગાઈ છે. તેમણે ગાયેલી તમામ ગઝલો મારી ફેવરિટ છે એવું કહું તો પણ ખોટું નથી, પણ આ ગઝલની વાત જુદી છે. આ ગઝલમાં અનેક રાગનો એકસાથે ઉપયોગ થયો છે અને એ પણ તેમણે ખૂબી સાથે રજૂ કર્યા છે. મદન મોહનસાહેબનું મ્યુઝિક ઉમદા સ્તરનું હતું. તેઓ શબ્દોનો ભાવ પકડતા અને એ ભાવ મુજબનું સંગીત રજૂ કરતા. આ ગઝલમાં તેમની એ કળા પણ બખૂબી રીતે ઊભરી આવે છે. આ ગઝલ પણ રાતના અંધકાર વચ્ચે નિરાંતે એક વાર સાંભળશો તો હું ખાતરી સાથે કહું છું કે તમે પણ એના પ્રેમમાં પડી જશો.

rafi

ચોથા નંબરે આવે છે તલત મેહમૂદની ગઝલ, ‘ફિર વહી શામ, વહી ગમ...’ ફિલ્મ ‘જહાંઆરા’ની આ ગઝલનું કમ્પોઝિન પણ મદન મોહનસાહેબનું જ છે. મદન મોહનસાહેબે લતાજી, રફીસાહેબ અને તલતજી સાથે અઢળક ગ્રેટ કમ્પોઝિશન આપ્યાં છે અને એને માટે ભારતીય સંગીત હંમેશાં સૌકોઈનો આભારી રહેશે. આ ગઝલમાં રહેલી વેદના એની તીવ્રતા પર છે અને એટલે જ રાજિન્દર કૃષ્ણના શબ્દો સહજ રીતે તમારી આરપાર ઊતરી જાય. આ ગઝલને પણ એક વખત નિરાંતે સાંભળજો. એના શબ્દો તમારી અંદર ઓગળી જશે...

‘જાને અબ તુઝ સે મુલાકાત કભી હો કે ન હો,

જો અધૂરી રહે વો બાત કભી હો કે ન હો

મેરી મંઝિલ તેરી મંઝિલ સે બિછડ આઇ હૈ

ફિર વહી શામ, વહી ગમ, તન્હાઈ હૈ

દિલ કો સમઝાને તેરી યાદ ચલી આઇ હૈ...’

પહેલાંના સમયમાં ગઝલશોખીનોની સંખ્યા એ સ્તરે હતી, ગઝલગાયકીને એવી પસંદ કરવામાં આવતી હતી કે હિન્દી ફિલ્મોમાં ગઝલ માટે ખાસ જગ્યા કરવામાં આવતી હતી. અમુક ફિલ્મો તો એવી પણ આવી છે જેમાં ગીતના સ્થાને માત્ર ગઝલ જ હોય અને એ ગઝલોને કારણે ફિલ્મો ચાલી હોય. આજના સમયમાં એવું નથી, પણ એનો અર્થ એવો પણ નથી કે એ સમય આવવાનો નથી. હું વિશ્વાસ ધરાવું છું કે એ સમય ફરી આવશે. ગઝલની શરૂઆત ફરી થશે અને ગઝલગાયકીને બિરદાવનારો વર્ગ પણ આવશે. આજે જે માન અને સન્માન સૂફી સંગીતને મળી રહ્યાં છે એવું જ સન્માન નવેસરથી ગઝલોને મળશે.

મૂળ વિષયની વાત કરીએ. મને ગમતી પાંચમી ગઝલ. આ સ્થાન પર આવે છે મહેંદી હસનસાહેબ. પોતાની ગઝલગાયકી માટે દુનિયાભરમાં પ્રખ્યાત એવા મહેંદી હસન ગઝલગાયકીની યુનિવર્સિટી છે. તેમની એકેએક ગઝલ ગઝલગાયક માટે અનેક નવી વાત શીખવનારી છે. મહેંદીસાહેબની કોઈ એક ગઝલને ફેવરિટ ગણાવવી એ ખરેખર તો ગઝલગાયકીનું અપમાન કહેવાય, પણ અત્યારે એક જ ગઝલ કહેવાની છે એટલે હું અહીંય મારી ફેવરિટ ગઝલ તરીકે આ ગઝલને ગણાવીશ...

‘દેખ તો દિલ કે જહાં સે ઊઠતા હૈ,

યે ધુઆં સા કહાં સે ઊઠતા હૈ...’

મીર તકી મીરની આ રચના અદ્ભુત છે. આ રચનાને સંગીતબદ્ધ મહેંદી હસને જ કરી છે. મહેંદી હસનની ગાયકી, તેમનું સંગીત અને મીરસાહેબના શબ્દો. મદહોશ કરવા માટે આનાથી વિશેષ બીજું શું જોઈએ? ગઝલનો એક અંતરો જુઓ...

‘બૈઠને કૌન દે હૈ ફિર ઉસકો,

જો તેરે આસ્તાં સે ઊઠતા હૈ

યું ઊઠે આહ ઉસ ગલી સે હમ,

જૈસે કોઈ જહાં સે ઊઠતા હૈ...’

મહેંદી હસનની આ ગઝલ સાથે મેં મારા ફેવરિટ ગઝલગાયક અને તેમની એકેએક રચના તમારી સામે રજૂ કરી, પણ આ સિવાય પણ અનેક ગઝલો મારી ફેવરિટ છે, જેના વિશે ભવિષ્યમાં વાત કરીશું. અત્યારે બસ આટલું જ. કોરોનાએ આપેલા આ અણધાર્યા વેકેશનમાં આ તમામ ગઝલ સાંભળજો. દિલ તરબતર થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2020 06:03 PM IST | Mumbai | Pankaj Udhas

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK